Sunday 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કમ્પોસ્ટિંગ માટે કચરાના ક્રાઉડસોર્સિંગ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કમ્પોસ્ટિંગ માટે કચરાના ક્રાઉડસોર્સિંગનો નવો આઇડિયા!
એન. રઘુરામન

 

 

ક્રાઉડસોર્સિંગ અંગ્રેજી શબ્દ છે, જેનો આજકાલ ખૂબ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ઘણા લોકો કોઇ ગરીબ દર્દીની સારવાર અથવા ગરીબ વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો કરવામાં મદદ માટે અથવા કોઇ ફિલ્મના નિર્માણ અથવા તેને પૂરી કરવા અથવા કોઇ એવી ફેક્ટ્રી શરુ કરવામાં મદદ માટે લોકો પાસેથી પૈસા એકઠા કરે છે, જેનો આઇડિયા તો ખૂબ સારો છે પણ તે વ્યક્તિ પાસે પૈસા નથી. લોકો તેમાં નાણા રોકે છે અને પછી તેમને તેનો ફાયદો મળે છે. તે સિવાય સ્ટાર્ટઅપ પણ સંપૂર્ણપણે આવા જ ક્રાઉડસોર્સિંગ પર આધારિત હોય છે.

 

પણ કચરાના સંગ્રહણ માટે ક્રાઉડસોર્સિંગ શબ્દનો ઉપયોગ તે પણ તેવા દિવસે જ્યારે મોટાભાગના જળાશયો અથવા ઓછામાં ઓછો મુંબઈનો સમુદ્ર તો અનંત ચતુર્દશી ઉજવ્યા બાદ ટનબંધ કચરો કિનારા પર છોડતો હોય, આવી કોઇ વાત તો સાંભળવામાં જ નથી આવી. વ્યવસાયિક અર્થમાં શક્ય છે, આ કોઇ સફળતાની કહાણી ન હોય પર અમોલ મુકેવાર પાસે તેનો નિશ્ચિત પ્લાન છે અને તેમનો પાઇલટ પ્રોજેક્ટ સફળ પણ થઇ ગયો છે. બેંગલુરુ નિવસી કેમિકલ એન્જીનિયર મુકેવાર અને તેમના સાત અન્ય મિત્ર છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરની નજીક કમ્પોસ્ટ તૈયાર કરનારા એપાર્ટમેન્ટ અને ઘરોમાંથી તેને એકત્ર કરી રહ્યા છે...


એવા લોકો પણ છે, જેઓ કમ્પોસ્ટ તૈયાર કરે છે પણ નથી જાણતા કે આ વધારાના કમ્પોસ્ટનું શું કરીએ? તેથી મુકેવાર તેમની પાસેથી કમ્પોસ્ટ એકત્ર કરે છે અને નજીકના ગામમાં આવેલા પોતાની જમીનના નાના ટુકડા પર અને ત્યાંના તમામ ખેડૂતોને મોકલી આપે છે. તેઓ તેમને ઓર્ગેનિક શાકભાજી પેદા કરવાનું શિખવે છે અને તેમાં તેમની મદદ કરે છે. જે શાકભાજી પેદા થાય છે તે પડતર કિંમતે આઠેય મિત્રો વચ્ચે વહેંચી દેવામાં આવે છે, જ્યારે બાકીની વ્યવસાયિક વેચાણ માટે મોકલી આપવામાં આવે છે. જેથી ગામના ખેડૂતો ઓર્ગેનિક બની રહેવા માટે પ્રોત્સાહિત થતાં રહે.


તેમનો આઇડિયા છે કે કમ્પોસ્ટ તૈયાર કરવામં યોગદાન આપનારા પરિવારોને સસ્તી કિંમતો પર ઓર્ગેનિક શાકભાજી તે રીતે જ આપવામાં આવે જેમ કંપનીના શેરધારકોને લાભાંશ મળે છે, જ્યારે કામદારો (અહીં ખેડૂતો)ને પગાર અને બોનસ (નફો) મળે છે.

 

બેંગલુરુના જ 38 વર્ષીય મુરલીકૃષ્ણે જોયું કે લોકો કમ્પોસ્ટિંગ અને તેના ફાયદાઓ વિશે જાણે છે. પણ કોઇપણ એક સ્તરથી આગળ પહેલ કરવા તૈયાર નથી. 2014માં અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ મુરલીકૃષ્ણે માત્ર પોતાના ઘરમાં જ પેદા થતાં ભીના કચરાથી જ નહીં, બલકે સમગ્ર કૉલોનીમાંથી કચરો એકઠો કરીને કમ્પોસ્ટિંગ શરૂ કર્યુ હતું. લગભગ 75 ક્રેટ્સમાં 500-600 કિલો ભીનો કચરો સમાઇ જાય છે.

 

તેમણે આમાં 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે અને કમ્પોસ્ટના વેચાણથી 10 લાખ રૂપિયા કમાયા છે. તેઓ 8 રૂપિયા કિલોના ભાવે કમ્પોસ્ટ વેચે છે અને નફાને વિસ્તારને સ્વચ્છ રાખવા અને કર્મચારીઓના પગાર પાછળ ખર્ચ કરે છએ. તેઓ અમેરિકાથી પરત ફર્યા બાદથી પાંચ વર્ષથી આમ કરી રહ્યા છે. કૉલોનીના લોકો તેમને 'કમ્પોસ્ટિંગ સ્ટાર' કહે છે અને સ્વેચ્છાએ ઘરનો ભીનો કચરો તેમના સુધી પહોંચાડે છે. તેઓ મહિનામાં 700 કિલો કમ્પોસ્ટ તૈયાર કરે છે 300 કિલો કમ્પોસ્ટ વેચી દે છે, જ્યાં 1500 મકાન છે. એક અન્ય બેંગલુરુ નિવાસ અને આઇટી ફર્મમાં કામ કરનારા પ્રવીણ કુમાર પાંચ વર્ષથી વીકેન્ડ કમ્પોસ્ટર છે. તેમણે પોતાના જ ટેરેસ ગાર્ડન માટે તેની શરૂઆત કરી હતી અને આજે તેઓ કૉલોનીના દરેક તે સભ્ય માટે આમ કરી રહ્યા છે, જેઓ વીકેન્ડમાં તેમની પાસે ભીના કચરાની આખી ડોલ ભરીને આવે છે. તેઓ તેમને કમ્પોસ્ટિંગ વિશે સલાહ પણ આપે છે.


ફંડા એ છે કે અત્યારસુધી વ્યવસાયિક સ્તરે ઉપેક્ષિત કચરાના ક્ષેત્રથી એક નવા હોદ્દાનું નામ સામે આવી રહ્યું છે - કમ્પોસ્ટિંગ ઓર્ગેનાઇઝર- અને નિશ્ચિત રીતે તે સ્ટાર આઇડિયા છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os6wD7tB1Ha0HDqsZXy9GXhdzCO47jAoW_WW12bjYg3fQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કમાલનો કેદાર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કમાલનો કેદાર!
ખેલ અને ખેલાડી-અજય મોતીવાલા

ભારતીય ક્રિકેટ ટીમની ભલભલી મોટી સ્પર્ધાની ફાઇનલ મૅચ કરતાં પાકિસ્તાન સામેની નાનામાં નાની ટુર્નામેન્ટની મૅચ વધુ મહત્ત્વની ગણાય અને એ મૅચ ભારતને જિતાડનાર ખેલાડી ભારત માટે સ્ટાર નહીં, પણ સુપરસ્ટાર કહેવાય. વન-ડેના કે ટી-ટ્વેન્ટીના તમામ વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતી નથી શક્યું, પરંતુ એશિયા કપમાં પાકિસ્તાનનું પ્રભુત્વ રહ્યું છે અને એમાં જો ભારતને કોઈ ખેલાડી વિજય અપાવે તો એ ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના મનમાં વર્ષો સુધી વસેલો રહે છે.

કેદાર જાધવે યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)માં ચાલી રહેલા એશિયા કપમાં ગયા બુધવારે ઑફ-સ્પિનથી આ પરાક્રમ કરી દેખાડ્યું હતું. ભારતીય ટીમ આખી મૅચમાં બધી રીતે પાકિસ્તાનીઓ પર છવાઈ ગઈ હતી અને એમાં વળી સરફરાઝ એહમદની ટીમ સામે 'ટ્રમ્પ કાર્ડ' બનેલા ઑલરાઉન્ડર કેદાર જાધવે 23 રનમાં 3 વિકેટ લઈને ભારતની જીત આસાન કરી આપી હતી.

તેણે ખુદ પાક કૅપ્ટન સરફરાઝની વિકેટ લીધી હતી અને એ આંચકાથી ઘવાયેલા સરફરાઝે મૅચ પછી પત્રકારોને કહ્યું, 'કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સામનો કેવી રીતે કરવો એની અમે પૂરી માનસિક રીતે તૈયારી કરી રાખી હતી, પણ કેદાર જાધવે અમારી બધી બાજી બગાડી નાખી જેને કારણે અમે હારી ગયા.'

ભારતને પાકિસ્તાની ટીમના પરાજય ઉપરાંત માનસિક આઘાતથી વ્યથિત એની આવી જ હાલત જોવી હતી અને એ કેદાર જાધવે બુધવાર, 19મી સપ્ટેમ્બરે દેખાડી. ભારતે પાકિસ્તાનની ટીમને 8 વિકેટે કચડીને જૂન 2017માં ઇંગ્લૅન્ડમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 180 રનથી થયેલી હારનો બદલો લઈ લીધો હતો.

બુધવારે ભારતે પાકિસ્તાનને પછાડ્યું એના આગલા દિવસે સરહદ પર જમ્મુ નજીકના રામગઢ ક્ષેત્રમાં પાકિસ્તાનના સૈનિકોએ ભારતના સરહદ સલામતી દળના હેડ કૉન્સ્ટેબલ નરેન્દરકુમાર સિંહની ત્રણ ગોળી મારીને હત્યા કર્યા બાદ તેનું ગળું કાપી નાખ્યું હતું. નરાધમ પાકિસ્તાનીઓની આ બર્બરતાથી ભારતમાં સર્વત્ર ક્રોધ વ્યાપેલો જ હતો અને એવામાં ધર્મ સમી ક્રિકેટની રમતમાં ભારતે પાકિસ્તાનને ઘોર પરાજય ચખાડ્યો એનાથી ભારતની સવાસો કરોડની પ્રજાના દિલમાં આનંદની લહેર ફરી વળી હતી. બુધવારે એક તરફ હરિયાણાના સોનીપત શહેરમાં નરેન્દરકુમારની શહાદતને પગલે તેના પરિવારજનો સહિત આખું શહેર શોકમગ્ન હતું ત્યાં બીજી તરફ દુબઈમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ ભારતીય ખેલાડીઓ અને ભારત-તરફી પ્રેક્ષકો આનંદમાં ગરકાવ હતા.

જૂન 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કેદારે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાનના ટોચના બૅટ્સમૅન બાબર આઝમની તેના 46 રનના સ્કોર પર વિકેટ અપાવી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા એનો ફાયદો નહોતી ઉઠાવી શકી.

---------------------------

વિરાટ સાથેની ભાગીદારી અણમોલ

કેદાર જાધવે ગયા વર્ષે કૅપ્ટન વિરાટ કોહલી સાથે ઇંગ્લૅન્ડ સામે 200 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી જેના વિશે ચર્ચા કરતાં પહેલાંની તેની ડોમેસ્ટિક સિઝન પર અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત પર નજર કરીએ.

કેદાર માટે 2013-'14ની ડોમેસ્ટિક સિઝન સર્વશ્રેષ્ઠ હતી, કારણકે એમાં તેણે છ સેન્ચુરીની મદદથી 1,223 રન બનાવ્યા હતા જે સિઝનમાં રમેલા બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. તેના એ રનના ઢગલાને લીધે જ મહારાષ્ટ્રની ટીમ 21 વર્ષે રણજીની ફાઇનલમાં પહોંચ્યું હતું. એ જ વર્ષમાં કેદારને ઇન્ડિયા 'એ' ટીમમાં અને વેસ્ટ ઝોન ટીમમાં આવવા મળ્યું હતું અને પછી તો તેના માટે જાણે સોનાનો સૂરજ ઊગ્યો હતો. 2014ના જૂનમાં બંગલાદેશની ટૂર માટે તેને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં તો તેને નહોતું રમવા મળ્યું, પણ નવેમ્બરમાં તેને પહેલી વાર ભારતની મુખ્ય ટીમ વતી રમવા મળ્યું હતું. ત્યારે શ્રીલંકાની સામેની વન-ડેમાં તેણે 24 બૉલમાં 20 રન બનાવ્યા હતા જે ભારતને જીતવા માટે એ ઘણા કામ લાગ્યા હતા. ભારતે કૅપ્ટન વિરાટ કોહલીના અણનમ 139 રનની મદદથી 288 રનનો લક્ષ્યાંક મેળવ્યો ત્યારે ફક્ત 8 બૉલ બાકી હતા.

જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે ત્રણેય વન-ડે રમનાર કેદારે ત્રીજી વન-ડેમાં 87 બૉલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. એ તેની પહેલી સદી હતી અને ભારતને તેણે 3-0થી ક્લીન-સ્વીપ કરવામાં મોટી મદદ કરી હતી. એ જ ટૂરમાં તેણે ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સમાં પણ ડેબ્યૂ કર્યું હતું.

જાન્યુઆરી 2017માં કેદારના હોમ-ગ્રાઉન્ડ પુણેના એમસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ભારતની જે વન-ડે રમાઈ હતી એમાં કેદારે કમાલ કરી નાખી હતી. બ્રિટિશ ટીમે 7 વિકેટે 350 રન બનાવ્યા પછી ભારતે બહુ નબળી શરૂઆત કરી હતી, પરંતુ કૅપ્ટન વિરાટ કોહલી (122 રન, 105 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) સાથે કેદાર (120 રન, 76 બૉલ, 4 સિક્સર, બાર ફોર)ની પાંચમી વિકેટ માટે 200 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. કેદારે ત્યારે ક્રિસ વૉક્સ, બેન સ્ટૉક્સ, મોઇન અલી અને આદિલ રશીદ જેવા બોલરોનો બે કલાક સુધી બહાદુરી અને સમજદારીથી સામનો કર્યો હતો. કેદારને એમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. બ્રિટિશરો સામેની પછીની એક વન-ડેમાં કેદારે 76 બૉલમાં 90 રન બનાવીને ભારતને 320 રનના લક્ષ્યાંકની લગોલગ લાવી દીધું હતું. કેદાર મૅચના સેક્ધડ-લાસ્ટ બૉલ પર આઉટ ન થયો હોત તો ભારત જીતી જ ગયું હોત. જોકે, એ ઇનિંગ્સ સાથે કેદારે ભારતીય વન-ડે ટીમના મિડલ-ઑર્ડરમાં સ્થાન વધુ મજબૂત બનાવી લીધું હતું. એ શ્રેણીમાં તેણે સૌથી વધુ 332 રન બનાવ્યા હતા અને સિરીઝનો સુપરસ્ટાર ખેલાડી કહેવાયો હતો. કેદારને મળેલો એ એકમાત્ર, પરંતુ બહુમૂલ્ય મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ હતો.

આઇપીએલમાં કેદાર ચાર ટીમ વતી રમી ચૂક્યો છે. 2008ના પ્રથમ વર્ષમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમેલા કેદારને પછીથી દિલ્હી ડેરડેવિલ્સ, કોચી ટસ્કર્સ કેરાલાએ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.

ફેબ્રુઆરી, 2018માં ચેન્નઈ સુપર કિંગ્સે કેદારને 7.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ કમનસીબે પહેલી જ મૅચમાં તેના પગના સ્નાયુઓ ખેંચાઈ જવાને લીધે તેણે આખી ટુર્નામેન્ટ અને પોણાઆઠ કરોડ રૂપિયાની સૅલરી ગુમાવવી પડી હતી.

---------------------------

ત્રણ સુશિક્ષિત બહેનોનો લાડલો ભાઈ

એકંદરે, કેદારની અંગત વાતો અને કરિયર સાધારણ છે. કેદારનો જન્મ 26 માર્ચ, 1985ના દિવસે પુણેમાં મધ્યમ-વર્ગના પરિવારમાં થયો હતો. તેનો પરિવાર મૂળ સોલાપુર જિલ્લાનો છે. તેના પિતા મહાદેવ જાધવ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલક્ટ્રિસિટી બોર્ડમાં ક્લર્ક હતા અને 2003ની સાલમાં નિવૃત્ત થયા હતા. કેદારને ત્રણ બહેનો છે અને તે એમનાથી નાનો છે. કેદારની એક મોટી બહેને અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કર્યું છે, બીજી બહેન એન્જિનિયર છે અને ત્રીજીએ ફાઇનૅન્સમાં એમબીએ છે. કેદારની પત્નીનું નામ સ્નેહલ અને ત્રણ વર્ષની પુત્રીનું નામ મિરાયા છે.

પરિવારનો લાડલો કેદાર ભણવામાં સાધારણ હતો અને પિતાની સલાહથી તેણે નવમા ધોરણના અંતે ભણવાનું બાજુ પર રાખીને ક્રિકેટમાં કરિયર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે શરૂઆતમાં ટેનિસ બૉલ ક્રિકેટમાં નિપુણ હતો. આ બૉલથી રમાતી સ્પર્ધાઓમાં તે રેઇનબૉ ક્રિકેટ ક્લબ વતી રમતો હતો. 2004ની સાલમાં મહારાષ્ટ્રની અન્ડર-19 ટીમમાં તેનું સિલેક્શન થયું હતું. ધીમે-ધીમે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં છવાઈ ગયો હતો. 2012માં કેદારે રણજી ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. તેના 327 રન મહારાષ્ટ્ર વતી રણજીમાં નોંધાયેલો સેક્ધડ-હાઇએસ્ટ સ્કોર હતો. આ 327 રન તેણે હોમ-ગ્રાઉન્ડ પુણેમાં ઉત્તર પ્રદેશ સામે બનાવ્યા હતા.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsRGiJ5StBXcOSfDb5pD2cRU1bRtAj3VZn91QDksCf4RA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અતિ-ઉત્સાહી મા-બાપ માટે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અતિ-ઉત્સાહી મા-બાપ માટે!
કેલિડોસ્કોપ: મોહમ્મદ માંકડ

 

રાજપથ કલબમાં બે કિશોરીઓને એમના સ્વીમિંગ કોચે ફટકારી હોવાના સમાચાર બહુ વિગતે છપાયાં હતા. એ અંગેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. ટી.વી. ઉપર પણ વારંવાર એ સમાચાર દેખાડાયા હતા.

'રાજપથ કલબ' સમૃદ્ધ લોકોની અને શિક્ષિત ગણાતા સમાજના ઉચ્ચ વર્ગની કલબ ગણાય છે. રાજપથ કલબની જે ઘટના બની છે એ ઘટનામાં કિશોરીઓના માતા-પિતાને કોઈ વાંધો નથી અને કોચ પોતાની જાતને નિર્દોષ હોવાનું કહી રહ્યા છે, એમણે બાળકોને તાલીમ આપી નેશનલકક્ષા સુધી પહોંચાડયા છે એવો એમનો દાવો છે. કલબ મેનેજમેન્ટના ઓફિસ બેરરના બાળકોને તેઓ ટ્રેનિંગ આપી રહ્યા છે. એમના વિરુદ્ધ કોઈ મા-બાપને ફરિયાદ નથી. લગભગ બધા જ મા-બાપ ઈચ્છે છે કે તેમના સંતાનો નેશનલ લેવલે 'નંબર' લાવે.

હવે આમાં બાળ અધિકાર પંચ, પોલીસ, વાલીઓ વગેરે ઉતરી પડશે અને છતાં ફરી ફરીને આવું થતું રહેશે.

દસ-બાર વર્ષ પહેલાં ભુવનેશ્વરમાં રહેતા દોડવીર બુધિયાની ઘટના પણ રાજપથ કલબની ઘટના જેવી જ કંઈક અંશે હતી. બુધિયાની ઉંમર એ વખતે સાતેક વર્ષની હતી અને એનું નામ 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં નોંધાયું હતું. બુધિયાએ પુરીથી ભુવનેશ્વરનું ૬૫ કિ.મી.નું અંતર માત્ર ૭ કલાક અને ૨ મિનિટમાં પૂરું કરી વધુ એક રેકોર્ડ સ્થાપ્યો હતો.

બુધિયો તદ્દન ગરીબ ઝૂંપડપટ્ટીમાંથી આવ્યો હતો. અને સાવ નાનો હતો ત્યારથી જ એને દોડવાની તાલીમ અપાઈ હતી.
દોડવાનો એનો રેકોર્ડ અદ્દભુત હતો, પરંતુ એ નાનકડા છોકરાએ પણ એના કોચ વિરુદ્ધ ફરિયાદ કરેલી કે 'કોચ એને માર મારે છે અને એક વખતે પંખા ઉપર એને ઊંધો પણ લટકાવેલો. ખવડાવ્યા પિવડાવ્યા વિના બે દિવસ સુધી એક રૂમમાં એને પૂરી પણ રખાયેલો.
કોચ બિરંચીદાસની ધરપકડ પણ થઈ હતી, પરંતુ એ પછી એના કે બુધિયાના કોઈ સમાચાર જાણવા મળ્યા નથી.

બાળ અધિકાર અંગેના કાયદા હોવા છતાં, જેમાં સખત ટ્રેનિંગની જરૂર હોય એવા ક્ષેત્રમાં જ નહીં, શાળામાં અભ્યાસ કરતાં અનેક બાળકો પણ કોઈ ને કોઈ જુલમનો ભોગ બની રહ્યાં છે. સારી અને પ્રતિષ્ઠિત ગણાતી શાળાઓમાં પણ બાળકોને અવારનવાર માર મારતા હોય એવા શિક્ષકો હોય જ છે. વિદ્યાર્થીઓ આવી ફરિયાદ કરતાં પણ ડરતાં હોય છે.

આવી ઘટનાઓનો અભ્યાસ કરીએ એટલે ભોગ બનેલા બાળકોનાં વાલીઓ આપણને દોષિત લાગે. આવી ઘટનાઓ એટલા માટે બને છે કે વાલીઓ બાળકોને પહેલો નંબર લાવવાની હરીફાઈમાં જોતરી દે છે.

એવું લાગે છે કે માણસમાં બહુ પ્રાચીન સમયથી હરીફાઈનું તત્ત્વ પડેલું છે જે અનેક સ્વરૂપે વ્યક્ત થતું આવ્યું છે. અગાઉના વખતમાં પશુ-પક્ષીઓનો આમાં ઘણો ઉપયોગ થયો છે. આજે પણ દુનિયાના દેશોમાં ઘોડાની રેસ યોજાય છે. કૂતરાંઓની દોડ યોજાય છે. કૂતરાદોડની હરીફાઈમાં દોડાવવા માટે ગ્રેહાઉન્ડ જેવાં કૂતરાંઓને તાલીમ આપી દોડાવાય છે. દક્ષિણના રાજ્યોમાં બળદ અને બળદગાડાંઓની હરીફાઈ યોજાય છે. આવી એક હરીફાઈ ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકેલો, પરંતુ છેવટે એમાંય કશું પરિણામદાયી બનેલું નહીં. દુનિયાના દેશોમાં આજે પણ 'બુલફાઈટ'ના શો થાય છે. પહેલાં આપણે ત્યાં કૂકડાઓની લડાઈના તમાશાઓ ગોઠવાતા. આજે પણ કદાચ ક્યાંક આવું ચાલતું હશે.

જેમ જેમ માણસ સંસ્કૃત થતો ગયો. તેમ આવી હરીફાઈઓ અને ખેલ ઓછાં થતાં ગયાં. માનવ સમાજનો એક મોટો પ્રભાવશાળી વર્ગ માનવા લાગ્યો કે આવી હરીફાઈઓ અને ખેલ એ પ્રાણીઓ ઉપરની ક્રૂરતા છે. અબોલ પ્રાણીઓને બંદીવાન બનાવીને માણસે એનો પાશવી લાભ ન લેવો જોઈએ. એનું અધમ શોષણ ન કરવું જોઈએ. પ્રાણીઓનો આવો ઉપયોગ કરવામાં માણસની કોઈ બહાદુરી કે સાહસિકતા નથી. માનવ સ્વભાવની ક્રૂરતાના એમાં દર્શન થાય છે. પ્રાણીઓની તો એમાં અસહાયતા અને લાચારી જ હોય છે.

અર્થશાસ્ત્રમાં બજાર અંગેના અભ્યાસ માટે 'તંદુરસ્ત હરીફાઈ' જેવા શબ્દોનો અવારનવાર ઉપયોગ થાય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે હરીફાઈ માત્ર હરીફાઈ જ હોઈ શકે છે એમાં તંદુરસ્તીનું તત્ત્વ એક ભ્રમણા જ બની રહે છે. હરીફાઈમાં માણસ બધા પ્રકારનાં સારા-નરસા દાવ-પેચ લડાવે છે.

એક નવલકથા 'અશ્વદોડ'ની શરૂઆતના પાનાં ઉપર ઘોડાની રેસની એક નાનકડી વાત લખી છે.
એ કથા આ પ્રમાણે છે.
ઘોડાઓને દોડતા જોઈને એક નાનકડા છોકરાએ તેના પિતાને પૂછયું, "આટલા બધા ઘોડા શા માટે દોડે છે?"
પિતાએ કહ્યું, "આ ઘોડાની રેસ છે. જે ઘોડો પહેલો આવશે તેને ઈનામ મળશે."
છોકરાને ગૂંચવણ થઈ. "જો એક જ ઘોડાને ઈનામ મળવાનું હોય તો બાકીના બધા શા માટે દોડે છે?"
પિતાએ એનો ઉત્તર ન આપ્યો. પણ બીજી જ ક્ષણે પિતાને પોતાને પણ પ્રશ્ન થયો કે, પહેલા ઘોડાને શું મળશે?
રેસના ઘોડાઓ ઉપર લાખો-કરોડો રૂપિયાની હાર-જીત, સટ્ટો થતો હોય છે. પરંતુ હરીફાઈમાં દોડનાર ઘોડાને શું મળે છે? કોઈક ઘોડાનો પગ ભાંગે છે. ઘોડાઓની છાતીનાં પાટિયાં બેસી જાય છે. નસકોરાં ફાટી જાય છે એમાંથી લોહી નીકળે છે. પગે લોહીલુહાણ થઈ જાય છે. અને એક સમય એવો આવે છે કે જ્યારે એ હરીફાઈને લાયક રહેતો નથી અને રિબાઈ રિબાઈને મરવાનું જ એના નસીબમાં બાકી રહે છે.

અગાઉ માણસ પ્રાણીઓ પાસેથી જે પ્રકારનું કામ કરાવતો હતો, સ્પર્ધા કરાવતો હતો એવું જ કામ આજે એ પોતાના બાળકો પાસે કરાવી રહ્યો છે. હરીફાઈમાં પૈસાનું અને અહમ્નું તત્ત્વ બહુ મોટો ભાગ ભજવે છે. ગરીબ માણસ માટે પૈસા, કીર્તિ, પ્રસિદ્ધિ એ બહુ મોટી વાત છે, પરંતુ સમૃદ્ધ વર્ગ જ્યારે પોતાનાં બાળકોને હરીફાઈનાં મેદાનમાં ધકેલે છે ત્યારે એમાં પોતાનો અહમ્ સંતોષવાની વાત મુખ્ય હોય છે. એમનાં સપનાં સાકાર કરવાની જવાબદારીઓ બાળકો ઉપર ઠોકી બેસાડવાની આ રીત દુર્ભાગ્યપૂર્ણ છે.

વસ્ત્રોની હરીફાઈ, શરીર સૌંદર્યની હરીફાઈ, શરીર સૌષ્ઠવની હરીફાઈ, અભ્યાસમાં નંબર લાવવાની હરીફાઈ, સ્કેટિંગની હરીફાઈ, સંગીતની હરીફાઈ. સંગીત તો એક કલા છે એની મધુરતા માણવાની હોય, પણ એમાંયે હરીફાઈ!

બાળક એને ગમતા વિષયનો અભ્યાસ કરે, જ્ઞાન મેળવે, સ્વતંત્ર રીતે સાચી દિશામાં વિચારતાં શીખે, નિષ્ફળતાઓને પચાવતાં શીખે એ જ એને જીવનમાં ઉપયોગી થાય છે.

બાળકને બચપણથી જ હરીફાઈ કરવાની ટેવ પડવાથી એ જે ક્ષેત્રમાં જાય છે. તેમાં હંમેશાં દુઃખી થઈને રહે છે. કોઈ બાળક કાયમ પહેલા નંબરે રહી શક્તું નથી અને જ્યારે એ સ્થાન એ ગુમાવે છે ત્યારે એ દુઃખી થાય છે.

સ્કૂલમાં કાયમ પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થિની બોર્ડ કે કોલેજમાં પહેલાં વીસ કે પચ્ચીસમાં પણ નંબર લાવી ન શકે ત્યારે નિરાશ થઈ જાય છે. ક્યારેક તો છેક આપઘાત સુધી આ વાત પહોંચી જાય છે.

વધારે પડતા ઉત્સાહી મા-બાપ માટે અહીં કેટલીક વાત કરી છે એના ઉપર ગંભીરતાથી એમણે વિચાર કરવો જોઈએ.

એમનો આત્મા આવતીકાલના દેહમાં વસવાનો છે. જેની મુલાકાત આજના મા-બાપ લઈ શકવાના નથી. એમને એમની રીતે વિકસવા દો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtLNrcHZr6%3D03b3bqDzXcAs8a%2B%2BCY-bpsb24to5rR6G8A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શું... ફાધર ખરેખર ગયા... ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શું... ફાધર ખરેખર ગયા...?
અશોક દવે
 

 

 

''શું... ફાધર ખરેખર ગયા...? મારા તો માનવામાં જ નથી આવતું...!''

 

આ આપણો કૉમન સવાલ અને કૉમન આઘાત છે. જેના ફાધર- મધર ગયા હોય, એને ઘેર જઈને હુતુતુતુની ખો આલવાની હોય, એમ પાટે અડીને આ જ સવાલ એવા જ ચઢેલા શ્વાસે પૂછીએ છીએ, 'ફાધર... ખરેખર ગયા?'

 

એક ખારી હિચકી આવી જાય આ સવાલનો જવાબ આપણે આપવાનો હોય તો! દુનિયામાં આજ સુધી બધા ખરેખર જ જતા હોય છે, કોઈ હપ્તે- હપ્તે, રોકાઈ રોકાઈને કે જસ્ટ, બે ઘડી ગમ્મત ખાતર જતું નથી. આમાં તો ઇચ્છા ન હોય તો ય 'ખરેખર' જ જવું પડે છે. રીહર્સલો કરીને ઉપર જવાનું હોતું નથી અથવા તો ગયા ન હોઈએ તો ય બે આંખની શરમ રાખવા શોકાકુલ ખબરકાઢુઓને કહી દેવાતું નથી, ''આમ તો ફાધર ડીસેમ્બરમાં જવાના હતા, પણ પછી તમને ખરખરો કરવા આવવાનો ટાઇમ ન હોય, એટલે મેં'કુ... આયા છો તો ફાધરને પતાઈને જ જાઓ. બીજો ધક્કો નહિ.''

 

એમનો બીજો આઘાત, મરનારને ચિતા ઉપરથી બેઠો કરી નાંખે એવો આંચકાજનક છે કે, એમના તો હજી માનવામાં જ નથી આવતું! કેમ જાણે આપણે એમને ફૅમિલી સાથે ઉલ્લુ બનાવવા ફાધરના ખોટા સમાચાર મોકલાવ્યા હોય! હજી હમણાં જ ફાધર હરિશરણ થયા હોય, એટલે એમનું 'ડેથ-સર્ટિફિકેટ' આપણી પાસે ન હોય... બાજુવાળા કોકનું મંગાવીને બતાઈએ, તો એમના માનવામાં આવે!

 

તારી ભલી થાય ચમના... ફાધર તો બેઘડી આડા પડયા'તા ને અમે એમના બંધ નાકમાં બબ્બે ચમચા ઘી એમને એમ નથી રેડયું. ભૂલમાં ય ઊભા ન થઈ જાય, એટલે સફેદ ધોતિયામાં સૂથળી વડે એમને એમ આવા ટાઇટ નથી બાંધ્યા... ને છતાં ય તું પૂછશ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...?'' અમારે તો હજી બા ય જવાના બાકી છે... તારા માનવામાં આવે, એ માટે અમારે અને બાએ પણ જતા જતા શું કરવું એ કહેતો જજે, જેથી બીજા રાઉન્ડમાં તું આવે, ત્યારે આવું બોલે નહિ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...!'' હવે બહુ થયું ભ'ઇ... કોઈ પંખો ચાલુ કરો!

 

પણ પૂછનારમાં અક્કલ હોતી નથી. અક્કલ તો હશે, પણ આવડત અને અનુભવ હોતા નથી. બેસણામાં તો સમજ્યા કે, આપણે કાંઈ બોલવા કરવાનું હોતું નથી. સફેદ લેંઘો- ઝભ્ભો પહેરીને દુઃખે નહિ, ત્યાં સુધી પલાંઠો વાળીને બધાની વચ્ચે મોંઢું ઢીલું કરી મૅક્સિમમ ત્રણેક મિનિટ બેસવાનું હોય છે. એ વખતે મોબાઇલ નહિ ફેંદવાનો, મસાલો નહિ ખાવાનો કે, પેલા વિભાગમાં બેઠેલી મહિલાઓ તરફ છાનુમાનું જો જો નહિ કરવાનું! ઊભા થતી વખતે એવું જ ઢીલું મોઢું રાખીને ચુપચાપ જતું રહેવાનું. જતા જતા, સ્વર્ગસ્થના ફોટા નીચે બેઠેલાને કહેવાનું નહિ કે, ''ચાલો ત્યારે ફરી મળીએ છીએ પાછા... બાય!''

 

વાંદરા, ફરી મળવાની લુખ્ખી બેસણામાં ન અલાય... ફોટા નીચે બેઠેલાને હૃદય રોગનો હુમલો આવી જાય!

 

નોર્મલી, કોકના બેસણામાં કે ૧૩મા સુધીમાં ઘેર ખરખરો કરવાનો જેને રોજનો અનુભવ હોય, એ લોકોને આવું બધું ફાવે. અનુભવને આધારે 'ફાધર ખરેખર ગયા?' વાળો મામલો તો આ લોકો ચપટીમાં પતાઈ નાંખે છે, કે બીજો કોઈ કેસ હોય તો બોલો! આપણે ત્યાં બેસણે બેસણે ઉપસ્થિત રહેતા બારમાસી શોકાકૂલોનો એક વર્ગ છે. એમને આવું બધું આવડે. ત્યાં ગયા પછી પલાંઠી કેવી રીતે વાળવી, ધોળા કપડાંઓમાંથી કોના ખભે હાથ મૂકવો, કોને, 'બહુ ખોટું થયું...' કહેવું ને કોને જરા ધીરજ રાખવાનું કહેવું, એ બધું એમને આવડે.

 

સાલી, આમાં ધીરજો શેની અને કોના માટે રાખવાની હોય? ડોહા તો પત્યા.. જરા ધીરજ રાખો... ડોસી હાથવ્હેંતમાં જ છે! એવી ધીરજો રાખવાની?

 

બેસણું પતી ગયા પછી ૧૩ દિવસ સુધી તો શોક વ્યક્ત કરવા ઑફિશીયલી જઈ શકાય છે. પણ ત્યાં ગયા પછી હવા આપણી ટાઇટ થઈ જાય છે કે, બોલવું શું? બેસવું કઈ પલાંઠીથી! શું આવા કરુણ સંજોગોમાં એક પગ બીજા પગની ઉપર ચઢાવીને બેસી શકાય? આજે તો માનવામાં નહિ આવે, પણ ૫૦'ની પહેલાના જમાનામાં આવી રીતે બેસવા ગયા હોઈએ ત્યારે બન્ને પગના પંજા ઉપર બેસીને બંને હાથ લમણે ટેકવીને બેસો, તો જ જેનો ડોહો ગયો છે, એને રાહત રહે કે, આને ય મારા ફાધરના જવાનો ઝટકો લાગ્યો છે. ભલે, હવે એ પદ્ધતિથી બેસવાનો જમાનો નથી, પણ શોક વ્યક્ત કરવા ઘરે જાઓ ત્યારે તીનપત્તી રમવા બેઠા હો, એવા ટેસથી બેસાતું નથી... 'લાઓ ત્યારે...કોઈ ડ્રિન્ક્સ- બ્રિન્ક્સ બનાઓ, યાર... આપણામાં સોડા નહિ!'

 

પણ આપણા જેવાને આવો શોક વ્યક્ત કરવા જવામાં સોલ્લિડ તકલીફ પડે છે. ઘણીવાર તો બફાઈ પણ જાય છે ને પૂછી બેસીએ છીએ, 'ગયા એ તમારા મધર હતા કે ફાધર?'

 

મેં તો અનુભવના આધારે એ પણ નોંધ્યું છે કે, કરૂણ સમાચાર સાંભળીને આપણે તરત મરનારના ઘરે પહોંચીએ. આઘાત આપણને ય ખૂબ લાગ્યો હોય, પણ ત્યાં ગયા પછી આપણી નોટ છપાઈ જાય છે. ઘરમાં કોઈ ઉકલી ગયું છે, એનો એ લોકોને તો એવો કોઈ ઝાટકો લાગ્યો હોતો નથી. એમને માટે આ તો જાણે રોજનું થયું! એ લોકો કરતા આપણા મોંઢા વધારે ઢીલા હોય ને સાચા ઢીલા હોય! મરનાર સાથે આપણી લાગણી, સંબંધ અને અનુભવો યાદ કરીને 'આવો સરસ માણસ મરવો નહતો જોઈતો...!' એવી વેદના આપણને ત્યાં ગયા પછી કે પહેલા થતી હોય, એ પાછા આવીને આઘાતમાં ફેરવાઈ જાય. ઘરમાં બધા તદ્દન સ્વાભાવિકતાથી હરતા-ફરતા હોય... હજી ૧૨ કલાકે ય ના થયા હોય છતાં! એક વાસ્તવિક હકીકત કહું કે, આવા એક ઘરે હું ને પત્ની ગયા ને ઘરના બધા ''રાજી થઈ ગયા''. હિંદુઓમાં આવા દુઃખદ પ્રસંગે કોઈને 'આવો' કે જતી વખતે 'આવજો' કહેવાતું નથી. ઇવન પાણી પણ ન મંગાય કે ન પીવડાવાય. આની પાછળ લૉજીક કે સાયન્સ- ફાયન્સ કાંઈ ન હોય, પણ મૃત્યુની એક અદબ હોય છે. સદ્ગતના જવાથી અમને બન્નેને ભારે સદમો પહોંચ્યો હતો, પણ એ લોકો બહુ સાહજિક હતા... એટલું જ નહિ, મરનારના દીકરાની વહુએ તો ફર્માઇશ પણ કરી કે, 'આહ.. દાદુ આવ્યા છે તો થોડું હસાવશે... તમારા લેખો તો કાયમ વાંચીએ છીએ...!'

 

એ સમજી શકાય કે, ઘરના લોકો રડે તો જ શોક થયો એવું નથી. વળી ખૂબ લાંબી બીમારી પછી ડોસી માંડ ઉકલી હોય, તો એમાં શોક કરવા જેવું ન હોય... આપણામાં ઘેર ઘેર બોલાતું વાક્ય છે, 'આમ તો છૂટી ગયા બિચારા...!'

 

પણ મારી પત્નીએ તો સાચ્ચે જ જેને ગહેરો આઘાત લાગ્યો હતો ને જે ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી, એ મરનારની દીકરીને અજાણતામાં હસાવી દીધી હતી. પત્ની પેલીને સાંત્વન આપતા આપતા બરડા ઉપર હાથ ફેરવતી હતી, એમાં પેલીને મજા પડવા માંડી. આને એમ કે હું દિલાસો દઈ રહી છું પણ પેલીને ગલીપચી થતી હતી... સાલો આખો માહૌલ ફરી ગયો. પેલીએ હસવાનું શરુ કર્યું ને... બસ!

 

 

સિક્સર
ભારતવાસીઓને સલાહ: લાંચ લેવાનું બંધ કરો. આપણી કોંગ્રેસને ધંધામાં હરિફાઇ નથી ગમતી!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os5PxKp6tQxV2LfKwM5Z%2BJOSZxArKROOkfLXMx08FwBOA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હોલીવૂડ હલાવી દેતો હિન્દુસ્તાની મૂળિયા ધરાવતો છોકરડો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હોલીવૂડ હલાવી દેતો હિન્દુસ્તાની મૂળિયા ધરાવતો છોકરડો!
જય વસાવડા
 

                 
આપણે ત્યાં કાયમ લેખકો, ફિલ્મ-ટીવી મેકરો બધા પંતુજીની અદામાં ડિજીટલ દુનિયાના પરિવર્તનોથી ફફડીને એને કોઇ 'મોન્સ્ટર' જ ચીતરે છે.પણ સાવ 'બ્લેક મિરર' જેવી સિરિયલમાં દેખાડાય એવી શેતાની શક્તિ આ નવતર ટેકનોલોજી નથી એક નાનું  કુટુંબ, સુખી કુટુંબ. પપ્પા અમેરિકાના સમૃધ્ધ કેલિફોર્નિયા રાજ્યના બે એરિયામાં આઈટી ટેકનોક્રેટ તરીકે તરીકે જોબ કર. પ્રેમાળ મમ્મી ઘરે નવી વાનગીઓ બનાવે અને ઢીંગલી જેવી દીકરી સાથે રમે. ગીતો ગાય, ઘરમાં નવું નવું ડેસ્કટોપ આવે. હજુ ઈન્ટરનેટની પા-પા પગલી, ગૂગલ,  વિન્ડોઝ નવું નવું. સોશ્યલ નેટવર્કનું અસ્તિત્વ જ નહિ. બધા કૂતુહલથી નવા મહેમાન સાથે ય રમે,  ને ભમેરમે.


દીકરી ખેલતીકૂદતી મોટી થતી ગઇ. આસપાસની દુનિયા પણ સહજ સ્વાભાવિક બદલાતી ગઇ. ડેસ્કટોપના લેપટોપ થયા, ડાયરીઓ ઓનલાઇન થઇ. કિલ્લોલથી ઘર ગુંજતું રહ્યું. ઈન, મીન, તીન - સાથે ગેલ કરતા રહ્યા. પપ્પા જરા ખામોશ, મમ્મી  હસમુખી અને વાચાળ.


એક દિવસે કોમ્પ્યુટર સ્ક્રીન પર સર્ચ કરવામાં આવ્યું  કેન્સરનો ઈલાજ. એક એન્ટ્રી પડી કેન્સરના દર્દીને પરિવારે કેમ રાજી રાખવાનો. દવાઓ,હોસ્પિટલના ચક્કર, ટેન્શન, દોડાદોડી, મીઠડી મમ્મી ટીનએજમાં પગ મૂકતી દીકરી અને વ્હાલસોયા પતિને મૂકીને જતી રહી. જીવતી વ્યક્તિ ફોલ્ડર્સમાં સેવ  થઇને ડિજીટલ  મેમરી બની ગઇ.
 

હવે પ્રેમાળ પણ શાંત, ઓછાબોલા પપ્પા માથે દીકરી ઉછેરવાની જવાબદારી એકલપંડે આવી. બાપ-દીકરી બેઉને સરખો જ આઘાત લાગેલો, પોતીકી સ્ત્રી ગુમાવવાનો. પણ બેઉ આ બાબતે બીજાની લાગણી હર્ટ ન થાય, એનું ધ્યાન રાખીને મૌન. આ ય માનવસ્વભાવ છે. આમ કહેતા ફરીએ બધાને, પણ બહુ નજીકના કનેકશન હોય, ત્યાં સામાન્ય સંવેદનનો વિચાર કરી બહુ સુખદુઃખ વ્યક્ત ન કરીએ. એ નાહક પરેશાન થશે એવા ભયે બીમારી કે એવી તકલીફો ય છૂપાવીએ.
 

દીકરી ભણવામાં, દોસ્તોમાં, પિઆનો ક્લાસીઝમાં વ્યસ્ત થતી ગઇ. પિતા મોટા ભાગનું આઈટીનું કામ ઘેરથી જ કરે. ગુડ બાય કહીને છોકરી ઉતાવળમાં પપ્પાએ રેડી કરેલ બ્રેકફાસ્ટ ખાતાંખાતાં ભાગે. એક વાર ફ્રેન્ડ લોકોને ત્યાં જવાની હતી. ગઇ, પણ પપ્પા ભરઊંઘમા હતા ત્યારે મધરાતે એના ત્રણ મિસકોલ આવ્યા. થાકેલ પપ્પાએ મોબાઇલ વાયબ્રન્ટ રાખેલો. કોમ્પ્યુટર એપ પર આવેલ કોલ સંભળાયો નહિ.
 

સવારે આંખો ચોળતા જોયું તો નવાઈ લાગી. સામો કોલ નો રિપ્લાય થયો એટલે વોઈસ મેઈલમાં મેસેજીઝ મૂક્યા. રૃટિન શરૃ થયું. છોકરી ફ્રેન્ડને ત્યાંથી સ્કૂલે ગઇ હશે, એવું માનવામાં આવ્યું. કે પછી બંક મારી ફ્રેન્ડ્સ સાથે હશે.
પણ સાંજ પડતા ભાળ ન મળી એની ચિંતા વધી. ઘરમાં બે જ સભ્યો. એક ગાયબ. બીજા ટેન્શનમાં કહેવું ય કોને ? એક ભાઇ હતો અલગ રહેતો.
તપાસ કરતા ખબર પડી કે દીકરી સ્કૂલે નથી ગઇ. બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે કેમ્પિંગમાં જવાની હતી પણ ત્યા ય નથી ગઇ. પિઆનો ક્લાસીસમાં છ મહિનાથી જતી જ નહોતી, પણ એના રોકડા પૈસા અચૂક ઘરેથી ઉપાડ તરીકે લેતી હતી. સીસીટીવી ફૂટેજમાં આગલી રાત્રે એક પેટ્રોલ પંપ પાસે કારમાં ફ્યુઅલ ભરાવેલું. પછી કોઇ અતોપતો નહિ!

 

પોલીસને ફરિયાદ થઇ. એના મિત્રો વિશે, એની રોજીંદી એક્ટિવિટીઝ વિશે પપ્પાને પૂછાયું. પપ્પા મૂંઝાયા. એક છત નીચે રહેતા હોવા છતાં આવી   કોઇ ઝીણી વિગતો એમની પાસે હતી નહિ. દીકરીના મિત્રોની, એ મિત્રોની બેકગ્રાઉન્ડની બધી દરકાર તો મમ્મી રાખતી, એ તો હવે દુનિયામાં જ નથી. મિસિંગ ગર્લને  ગોતવી  ક્યાં-કેવી રીતે ?
 

પોલીસતપાસમાં નક્કર કડીઓ ન મળતા સ્તબ્ધ પિતાએ 'મારી દીકરી એમ ભાગી જાય એવી નથી' એવા મક્કમ વિશ્વાસથી જાતે શોધખોળ શરૃ કરી. પણ ક્યાંથી ? દીકરીના લેપટોપમાંથી, પોતાના અને પત્નીના સેવ કરેલા જૂના ડેટામાંથી. અમુક ટેકનિક અજમાવી કુશળ ટેકનોક્રેટ પપ્પાએ પુત્રીના સોશ્યલ એકાઉન્ટસ ખોલ્યા. ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વિડિયો બ્લોગિંગ યુકાસ્ટ, એ કોની સાથે વાતો કરતી, શું જોતી કે પોસ્ટ કરતી એનો રિસર્ચ શરૃ કર્યો. એમાંથી મળતા કોન્ટેક્ટસ મુજબ કૉલ કરી ભાળ મેળવવાની કસરત શરૃ કરી!
 

આ છે પ્લોટ. ગુજરાતી ફિલ્મ જેટલા બજેટમાં બનીને અમેરિકામાં ધૂમ મચાવનાર હોલીવૂડ ફિલ્મ 'સર્ચિંગ'નો! સર્ચિંગ વેબ પર જ નહિ, રિયલ લાઇફમાં ખોવાયેલ સ્વજનનું. અદ્ભુત અદ્ભુત અદ્ભુત ત્રણ વાર ટીવી રિયાલિટી શોના જજની માફક બોલવું પડે, એવી ફિલ્મ. જડબેસલાક. વન ઓફ ધ બેસ્ટ મિસ્ટ્રી થ્રિલર એવર મેઇડ.
 

પહેલી નજરે લાગે કોઇ હેન્ડહેલ્ડ કેમેરાથી શૂટ થએલી ટિપિકલ ફિલ્મ હશે. જેમાં સાઇબર એડિકશન કે ટીનએજ ડ્રગ્સ-સેક્સ એવી વાતો હશે.પણ જુઓ તો તમામ અનુમાનો ખોટા પડે એવી લાજવાબ થ્રિલર. શરૃઆતમાં એ લેખમાં વર્ણન કર્યું એ ૧૬ વર્ષ માત્ર સાત જ મિનિટના કોમ્પ્યુટરમાં સેવ થતાં મોન્ટાજરૃપે એવા દર્શાવ્યા છે કે તત્કાળ પાત્રો સાથે કોઇ ડાયલોગ્સ વિનાજ માયા બંધાઇ જાય! પછી આ સર્ચ ધ ડૉકટરનો પ્લોટ હળવેક રહીને શરૃ થાય કે પ્રેક્ષકનો નાસ્તો ય ખોળામાં એમ જ પડયો રહે ને બાથરૃમ પણ દબાવી બેઠો રહે! છતાં કોઇ ધૂમધડાકાવાળું એકશન નહિ. લોહીના ફુવારા ઊડાડતી હીરોગીરી નહિ. લાઉડ ભાષણબાજીના મેલોડ્રામા નહિ.
 

સ્લીક સટીક માવજત. એકબાજુ ગાઢ થતું જતું રિયાલીસ્ટિક રહસ્ય. બીજી બાજુ એા માધ્યમે વગર કહ્યે પણ કહેવાતી ઘણી રસપ્રદ - સોશ્યલ એન્ડ સેન્ટીમેન્ટલ કોમેન્ટ્સ. કમાલના કસબથી થયેલ ગૂંથણી. ધારો એનાથી અલગ બને.   અને ડબલ ટ્વિસ્ટ ધરાવતો રેર ક્લાઇમેક્સ. છેલ્લા સીન સુધી દર્શકને પાત્ર બનાવીને ઈન્વોલ્વ્ડ રાખે!
 

બોક્સ ઓફિસ પર કમાણી અને જગતભરના વિવેચકોએ પણ વખાણી એવી આ ફિલ્મ 'સર્ચિંગ' ઓફ કોલોજીયન લાગતા દૂધમલ યુવાનનું સર્જન છે. એના ઑવરનાઇટ જાણકારોના ફૉકસમાં આવીને સેલિબ્રિટી સ્ટેટસ પર પહોંચી ગયેલ તરવરિયો યુવા રાઈટર-ડાયરેક્ટર છે માત્ર ૨૭ વર્ષનો ભારતીય મૂળનો અમેરિકન જુવાનિયો અનીષ ચગંતી.
 

અનીષ ચગંતી મૂળ તેલુગુભાષી પરિવારનો. પણ મોટો થયો અમેરિકામાં. પપ્પા-મમ્મી ત્યાં. પણ દાદા-દાદી હૈદરાબાદ. દર વર્ષે વેકેશનમાં હૈદ્રાબાદ આવે. એના હિન્દુસ્તાની ઘર નજીકની ખાણીપીણીની જગ્યાઓ ય એને ખબર છે. સર્ચિંગ પરિવારના સદસ્યોને બતાવવા હૈદ્રાબાદ પણ આવી ગયો હમણાં. ટૂંકમાં હાઇ-ટેક અમેરિકન થયો, પણ 'હાઇબ્રો' (ઓહ શિટ, ઈન્ડિયા ઈઝ સો ડર્ટી, ફૂડ ઈઝ  સો સ્પાઇસી ટાઇપ!) એનઆરઆઈ  ન થયો!
 

અનીષના પપ્પા તો મિતભાષી. પણ મમ્મીને ફિલ્મોનો જબરો ક્રેઝ. અનીષ અને એના ભાઇને શુક્રવારે સ્કૂલમાંથી વહેલા તેડી આવીને ય ફિલ્મો જોવા જાય. ઘેર પણ એની વાતો ચાલુ. મમ્મીની કંપનીમાં દીકરો ય સિનેદીવાનો બનતો ગયો. તમામ પ્રકારની ફિલ્મો જોવે. તેલુગુ, તમિલ, મલયાલમ પણ પપ્પાને લીધે. અને બૉલીવૂડ મમ્મીને લીધે ને હૉલીવૂડ અમેરિકન દોસ્તોને લીધે.
 

એક વાર નાનો હતો ત્યારે ઘેર મેગેઝીન આવેલું. એમાં સિમ્પલ સ્ટોરીટેલિંગમાં ટ્વીસ્ટેડ એન્ડિંગવાળી 'સિક્સ્થ સેન્સ' ફિલ્મથી ત્યારે હૉલીવૂડમાં છવાઇ ગયેલા મનોજ નાઈટ શ્યામલાનનો લેખ હતો. એ ફોટો જોઇ અનીષને થયું કે તો-તો આપણે ય ઈન્ડિયન અમેરિકન તરીકે ફિલ્મમેકર બની શકીએ! (પોઝિટિવ પ્રેરણા અમુક વાંક અદેખાની નિંદા છતાં ય ફેલાવતી રહેવી જોઇએ. ક્યારે કઇ બાબત કોને ક્લિક થઇને એની જીંદગી બનાવી દે, એ નક્કી નહિ!) મોટો થઇ ૧૯ વર્ષે અનીષ ફિલ્મસ્કૂલમાં જોડાઇ  ગયો.  પછી ૨૦૧૪માં ભારત આવી  એક શૉર્ટ ફિલ્મ બનાવી  રીડ્સ.


જે ખરા ટેલેન્ટેડ હોય છે, એમને કોઇને પોતાની કળાની કદર કરવા માટે કાકલૂદી નથી કરવી પડી. એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રતિભાશાળીઓના સર્જનમાં પહેલેથી જ એવી કશીશ હોય છે કે સામેથી એમની નોંધ લેવાતી જાય. અનીષનું હીર પારખી કેલિફોર્નિયા બે એરિયામાં જ હેડક્વાર્ટર ધરાવતી કંપની ગૂગલે પોતાની એડ ફિલ્મ્સ બનાવવા એને સામેથી તેડું આપી ઊંચકી લીધો. અનીષને એમાં ટેકનોલોજીનું 'રસોડું' ક્લોઝ અપમાં જોવા મળ્યું. એને થયા કરતું કે, આપણે ત્યાં કાયમ લેખકો, ફિલ્મ-ટીવી મેકરો બધા પંતુજીની અદામાં ડિજીટલ દુનિયાના પરિવર્તનોથી ફફડીને એને કોઇ 'મોન્સ્ટર' જ ચીતરે છે. પણ સાવ 'બ્લેક મિરર' જેવી સિરિયલમાં દેખાડાય એવી શેતાની શક્તિ આ નવતર ટેકનોલોજી નથી. હથોડાથી ખૂન પણ થાય. પણ હથોડી એના માટે બની નથી, અને એવા અપવાદો સિવાય એનો એ કાયમી ઉપયોગ હોતો પણ નથી!


આ સેન્ટ્રલ થીમ કહી શકાય એમ અનીષે વાર્તા લખી. પણ ભલભલા સર્જકો ગોથું થાય છે, એ એણે ન ખાધું. કોઇ ચોક્કસ ટેકનીકના પ્રદર્શન માટે કહાની રચવાને બદલે એક કોન્ટેમ્પરરી સસ્પેન્સફુલ ઓરિજીનલ સ્ટોરી લખી, એ કહેવા માટે ટેકનીકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એની નેમ એ હતી કે  ડિજીટલ વર્લ્ડમાં પરોવીને શેરલોક હોમ્સ જેવી રહસ્યકથા મૂકવી. (ફિલ્મમાં એક જગ્યાએ જોન વૉટસન નામ ધ્યાનથી જોનારાને દેખાઇ આવશે!) જેની સજા એના ડિટેઇલિંગમાં હોય. ભેદભરમનો તાગ ઉકેલવા માણસ શું સર્ચ કરે ? મૉર ડિટેઇલ્સ, મૉર ઈન્ફર્મેશન. માટે ફિલ્મના પ્રોટેગનીસ્ટ સાથે  પ્રેક્ષકને  પણ એ કડીઓ સર્ચ કરવામાં સામેલ કરવો.


જો કે, ઓરિજીનલ કથા તો એણે પ્રોડયુસર ફ્રેન્ડ રોવ સાથે મળી આઠ મિનિટની શૉર્ટ ફિલ્મ તરીકે વિચારેલી. એમાં ફાઇનાન્સ શોધવા મળવા ગયા, અગાઉ ઓનલાઇન વિશ્વ પર 'અનફ્રેન્ડેડ' નામની હોરર ફલ્મ બનાવી ચૂકેલ નિર્માતાઓને. એમને વાત જ એટલી ગમી ગઇ કે સામેથી કહ્યું ''આને ફુલ લેન્થ ફીચર ફિલ્મ બનાવો. પૈસા અમે રોકીશું!'' અનીષે કામ શરૃ કર્યું. ફિલ્મનું દુનિયા માટેનવતર સ્ટોરીટેલિંગ એ હતું કે મોટાભાગની કથા કોઇ ને કોઇ ડિજીટલ ડિવાઇસ કે એપ્લીકેશનના સ્ક્રીન પર જ રજૂ થાય છે, ખૂલે છે! શૂટિંગ તો ૧૩ જ દિવસનું હતું! પણ એને ફરતી સૃષ્ટિ કરવાનું કામ બ વર્ષનું હતું! એક્ટર્સને સમજાવવા અનીષે ખુદ એનો વિડિયો પોતે એકટિંગ કરી શૂટ કર્યો. પરિવાર ચાઇનિઝ અમેરિકન બતાવ્યો.


મોટે ભાગેએશિયન કેરેકટર હૉલીવૂડ મેઇનસ્ટ્રીમમાં શોપીસ હોય છે. ડેકોરેશન આઇટેમ. કે પછી એમની કલ્ચરલ કહાણીઓ હોય. અનીષે ટીનએજ કોમેડીઝ અમેરિકન પાઈ, હેરોલ્ડ એન્ડ કુમારથી જાણીતા બની સ્ટાર ટ્રેકમાં ચમકેલા મૂળ કોરિયન એવા જોન ચોને સાઇન કર્યો, ત્યારે કેરેકટર ક્લીઅર હતું અને ચાઇનીઝ ફીચર્સ ધરાવનાર 'અમેરિકન' છે. અમેરિકન છાંટમાં બોલતાં કે કપડાં પહેરતો ચાઈનીઝ નહિ. ડિટ્ટો ઈન્ડિયન  અમેરિકન અનીષ.અનીષના સ્ટોરીટેલિંગની ખૂબી એ છે કે ફિલ્મમાં સતત કોઇ મોબાઇલ કે ટેબ / પેડના સ્ક્રીન જ નથી રહેતા. એની જોડે એક ચહેરો મોટે ભાગે હોય છે. પપ્પાનો, પોલીસ ઓફિસરનો.. વોટએવર. જેથી ફિલ્મ માત્ર 'મીક' કહેવાતા ટીન્સને જ અપીલ કરે એવી ન બને. કોઇ પણ ઉંમર કે દેશનો માણસ એને માણી શકે. એમાં જીવનનો ધબકાર ઝીલાય. પબ્લિકની આંખનું સ્થાન કેમેરા  લઇ લે.


અનીષે ખોવાયેલ છોકરીના સર્ચિંગમાં સેલ્ફનું સોલ સર્ચિંગ થાય એવી વાતો ય ગૂંથી લીધી છે. નોર્મલ સંબંધ કે મિત્રતા ધરાવનારને પણ પબ્લિક સામે મીડિયા એટેન્શન મળે કે પોતાનું નિકટ પરીચિતપણું જતાવવાના કેવા ધખારા હોય, કે આજના સમયમાં ઊંડા વિચાર વિના જ ઓપિનિયન ફેંક્યા કરતી પબ્લિક કેવી રીતે સમય પ્રમાણે અજાણતા જ મૂડ બદલી નાખે... ઓનલાઇન વર્લ્ડમાં ઓળખ છૂપાવીને કેવું ફિશીંગ થતું હોય, પેરેન્ટિંગમાં શું ધ્યાન રાખવું ને શું મુસીબતો છે, આજના ટીનેજર્સને કયો સંતાપ, કયો ખાલીપો સતાવે છે. એ વીડ યાને ડ્રગનો નશો ય કરનાર હોય ને દિલ ખોલીને ચેરિટી કરનાર પણ હોય, એ કોઇ સુંદર કુદરતી જગ્યાએ પોતીકું એકાંત પણ શોધે, અને કોઇ કવિતામાં દર્દની પહેચાન પણ! આજની પેઢી સિંગલ કલરની નથી કે એના પર સહેલાઇથી ડાયરેક્ટ જજમેન્ટ આપી શકાય. એને સમજવા આસાન નથી.


ફિલ્મમાં પિતા એક તબક્કે વ્યથાથી બોલી જાય છે 'કદાચ હું મારી દીકરીને પુરી ઓળખતો નથી.' એ વાત વણી લેવાઇ છે કે દરેકને પોતીકી સ્પેસને આઇડેન્ટીટી મળે છે. ને એ ય કે  પોતાનાઓની હૂંફ સાથે એમને જરૃરી વાતોનું શેરિંગ કરવું જરૃરી છે. નાદાનીમાં ક્યારેક ખોટા ભટકાઇ પણ જવાય.


પણ સૌથી અગત્યની વાત એ છે કે એક બાપની લાગણી, એની તડપ, એની મહેનત અને એને લીધે એકચિત્ત એકાગ્ર થતી એની બુદ્ધિ એનાં બખુબી રોનાધોના વગર ગળે ડૂમો બાઝે એમ દેખાડાઇ છે. અને ટેકનોલોજીના સારાં-નઠારાં બંને પાસા કોઇ ફતવા ફરમાન વિના રજુ કરાયા છે. બ્લૂમ એન્ડ ગ્લૂમ બેઉ મૂકાયા છે. ટેકનોલોજી માણસને ગૂંચવાડે ચડાવે છે, તો એની જ મદદથી એ ગૂંચવાડા ઉકેલી પણ શકાય છે. એ જીંદગીની એક સ્લાઇસ છે. પણ આખી જિંદગીના  સગડ ઓનલાઇન ડેટામાં છૂપાયેલા  પડયા છે.


'દ્રશ્યમ' કે 'કાઇરો' (૨૦૦૧, કોરિયા)ની યાદ અપાવતી આ ફિલ્મ બનાવ્યા બાદ અનીષ હવે ઈન્ટરનેટ વિનાની મધર-ડૉટરની ડાર્ક થ્રિલર 'રન' બનાવવામાં બિઝી છે. પણ ઓવરરેટેડ .... કરતાં નોલીનની જેમ એણે એના આદર્શ સ્ટીવન સ્પીલબર્ગ અને આલ્ફ્રેડ હિચકોક જેવી લાંબી રેસની ટેલન્ટ દેખાડી છે. મણિ રત્નમ અને સંજય ભણસાલીની ફિલ્મોને ય પ્રેમ કરતો અનીષ કહેછે કે હૉલીવૂડ - બૉલીવૂડ ફિલ્મ પણ ક્યારેક બનાવીશ. મિશન ઈમ્પોસીબલ જેવી હેદરાબાદમાં શૂટ કરીને!

 

ઝિંગ થિંગ
''મૃત્યુની અસર એટલી તીવ્ર હોય છે કે આપણે લાગણી વધુ હોય ત્યાં એ છુપાવીએ છીએ'' (અનીષ)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtR7QLCXm88LDYeGLL%3DynjX7mChqEE5kzKYtbmUUYquag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.