Saturday, 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઓફિસ ડિઝાઈનની આરોગ્ય પર અસર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઓફિસ ડિઝાઈનની આરોગ્ય પર અસર!
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

ચાળીસીમાં પ્રવેશેલો મિત્ર અરવિંદ કાયમ ઑફિસમાં બેસવાની વ્યવસ્થાની સતત ફરિયાદ કરતો રહેતો. થોડા વખત બાદ ખબર નહીં કેમ, પણ એને સતત તાવ રહેવા લાગ્યો અને માથાનો અસહ્ય દુ:ખાવો તો એવો થતો કે એને ભીંતમાં માથું મારવાની ઈચ્છા થયા કરતી. એક દિવસ ખબર પડી કે એણે એ સારી નોકરી છોડી દીધી છે અને એ પણ એના તબીબની સલાહથી. અરવિંદના ઘરના લોકોના આગ્રહથી એના તબીબને મળવાનું થયું તો એમની વાત સાંભળીને ખરેખર કશું જુદું જાણ્યાનો અહેસાસ થયો. ઑફિસની ડિઝાઈન તમારા આરોગ્ય પર ખોટી-ખરાબ અસર કરી શકે છે એ વિશે વધારે માહિતી મેળવતા એ ડૉક્ટરની વાત સાચી લાગી. દરેક જણ અરવિંદ જેટલો નસીબદાર નથી હોતો કે નોકરી છોડી શકે! છતાં દરેક પુરુષ માટે આ બાબત નીજી અનુભવની હોઈ શકે એટલે એ અહીં માંડી છે.

આપણે બીજે ક્યાંય સમય વીતાવીએ એના કરતાં વધારે સમય આપણે કામ-રોજગાર માટે ઑફિસમાં વીતાવીએ છીએ એ વિશે તો કોઈ શંકા ન કરી શકે. બને કે કેટલાકને કામ અર્થે બેસવા કરતાં ફરવાની પ્રવૃત્તિ વધારે કરવી પડતી હોઈ શકે. વધારે સમય ઑફિસમાં વીતાવવાને કારણે ઑફિસની નાનીમોટી દરેક બાબતો આપણે સતત સ્પર્ષ્યા કરતી હોય છે અને એ આપણી સુખાકારી, આરોગ્ય, હિત-કલ્યાણને માટે સતત અસર કરતી રહેતી હોય છે. ઑફિસમાં આપણે બેસીએ છીએ એ જગ્યા-સ્થાન પછી આસપાસની ગોઠવણી અને આસપાસના સાથી કર્મચારીઓનો સમાવેશ થાય છે. પહેલાં તો બેસવા માટેનું સ્થાન-બેઠક આવે. 'ઑક્યુપેશનલ ઍન્ડ એન્વાયરમેન્ટલ મેડિસિન'માં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયા પ્રમાણે, જે વ્યક્તિ પ્રાઈવેટ-ખાનગી ઑફિસમાં એટલે કે બંધ કૅબિન જેવા એકમમાં એકલી, એક જ બેસતી હોય કે ક્યુબિકલ (ચોખંડા પ્રકારની વ્યવસ્થા-જેમાં બે કે ત્રણ વ્યક્તિ બેસી શકે એવી વ્યવસ્થા)માં કર્મચારી બેસતો હોય તેની સરખામણીમાં ઑપન-પ્લાન ઑફિસમાં એટલે કે ખુલ્લી, મોકળી જગ્યામાં, જ્યાં એકબીજાને જોઈ શકે, સહેજ ઊંચા અવાજે વાત કરી શકે કે પૂછપરછ કરી શકે એવી જગ્યામાં બેસતા કર્મચારીનું તંગદિલી, દબાણ, તાણનું પ્રમાણ સૌથી ઓછું હોવાનું એ છાતી ઠોકીને કહી શકે છે. તેની દિવસભરની સક્રિયતાનું સ્તર પણ ખાસ્સું વધારે હોય છે. આ અભ્યાસ પ્રકાશિત થયા બાદ એના ઉપર સતત સંશોધનો ચાલ્યાં છે. ઑફિસની આંતરિક સજાવટ કરનારાઓ પણ એ દિશામાં કામ કરવા લાગ્યા છે.

યુનિવર્સિટી ઑફ એરિઝોનાના સંશોધકોની એક ટુકડીએ આ બાબતે એક અભ્યાસ હાથ ધર્યો હતો, તેમણે એવો દાવો કર્યો હતો કે વર્કસ્ટેશનની ટાઈપ એટલે કે તમારા કામનું સ્થાન કે એકમનો પ્રકાર ટૂંકમાં ઑફિસમાં કર્મચારીઓની બેસવાની ડિઝાઈન, વ્યવસ્થા, ગોઠવણનો પ્રકાર અને ઉપર જણાવેલા (અફોર મેનશન્ડ) મુદ્દાઓ વચ્ચેના સંબંધ વિશે આ પહેલું વૈજ્ઞાનિક સંશોધન છે. આ અભ્યાસમાં ઑફિસ બિલ્ડિંગમાં 231 કર્મચારી સ્તરના લોકોની ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણમાં આ તમામને તેમના શરીર પર સેન્સર લગાડવામાં આવ્યા હતા. જેના દ્વારા કામકાજના ત્રણ દિવસ અને બે રાત દરમિયાન કર્મચારીઓની માનસિક તાણ અને તેમની શારીરિક પ્રવૃત્તિઓનું માપ કાઢવામાં આવ્યું હતું. આ સંશોધનનો ઉદ્દેશ કર્મચારીનાં મન-મગજ અને હૈયા પર ઑફિસની અંદર અને ઑફિસની બહાર કેટલી તંગદિલી-તાણ-દબાણ છે તે ચકાસવાનો હતો. તેમાંથી કર્મચારીઓની તંદુરસ્તી-કલ્યાણ-હિત અને તેમની કાર્યશક્તિ પર કેવી અને કેટલા પ્રમાણમાં અસર થાય છે તે જોવાનો મુખ્ય વિચાર હતો.

અભ્યાસ બાદ આ સંશોધકો એવા તારણ પર આવ્યા હતા કે, ઓપન સિટિંગ અરેન્જમેન્ટ ધરાવતી ઑફિસમાં કામ કરનારા કર્મચારીઓ પ્રાઈવેટ ઑફિસ વ્યવસ્થામાં બેસીને કામ કરનારા કર્મચારીઓ કરતાં શારીરિક રીતે 32 ટકા વધારે સક્રિય હતા અને ક્યૂબિકલમાં બેસીને કામ કરનારાઓ કરતાં 20 ટકા વધારે સક્રિય હતા. વળી, પુરુષોને આનંદ થઈ આવે એવું પણ એક તારણ આ સંશોધનમાં હાથ આવ્યું છે. એ તારણ જણાવે છે કે, 'સરેરાશ ધોરણે સ્ત્રી કર્મચારીઓ કરતાં પુરુષ કર્મચારીઓ વધુ સક્રિય હતા.' બ્રાવો! શાબ્બાશ! એટલું જ નહીં, અહીં હવે જે તારણની વાત કરી છે તેનાથી નવાઈ ન જ લાગવી જોઈએ... મોકળાશભરી જગ્યામાં કામ કરીને વધુ સક્રિયતા અનુભવનારા કર્મચારીઓ બંધિયાર જગ્યામાં કામ કરી સક્રિય ન હોય એવા કર્મચારીઓની સરખામણીમાં ઑફિસની બહાર પણ 14 ટકા ઓછો તાણ-તણાવ અનુભવતા હતા!

કર્મચારીઓના ઉત્તમ આરોગ્યની સક્રિયતાનો લાભ તો જે-તે માલિકોને કે સંબંધિત માલિકોને જ થવાનો છે, એ મુદ્દો આ સંશોધનથી હવે નક્કરપણે બહાર આવ્યો છે. એરિઝોના યુનિવર્સિટીના 'સેન્ટર ફોર ઑબ્ઝર્વેશનલ ઈન્ટિગ્રેટિવ મેડિસિન'નાં રિસર્ચ ડાયરેક્ટર એસ્થર સ્ટેર્નબર્ગે કહ્યું છે કે, "આ અભ્યાસ અલવોકનમૂલક હતો, એટલે એવા કેટલાક મુદ્દા આવરી શકાયા નથી, જેમાં પગથિયાં-દાદરનું અને લિફ્ટનું સ્થાન, રવેશ, હરવાફરવાની જગ્યા વગેરે બાબતોનો પણ સમાવેશ થાય છે. આ બાબતોનો સમાવેશ કરીને સંશોધન કરવું આવશ્યક બને છે. જોકે, ઑફિસની-વર્કસ્ટેશનની ડિઝાઈન કેવી રીતે આરોગ્યને પ્રોત્સાહક કેવી રીતે બની શકે એ આ સંશોધન દર્શાવે છે. મિઝ સ્ટેર્નબર્ગના તારણો આરોગ્યના પરિપ્રેક્ષ્યમાં ઓપન-પ્લાન ઑફિસના લાભ શોધી શકે છે, પણ જો એ કાર્યક્ષમતાના કે કાર્ય કરવાની કર્મચારીની ક્ષમતાના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો એ જ તારણો બદલાઈ શકે છે.

કર્મચારીઓ વચ્ચે સંવાદ કે વાતચીત-સંદેશાઓની આપ-લેને તથા તેમની વચ્ચેના સહકાર કે સહકાર્યની સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઓપન-પ્લાન ઑફિસના લાભને કેટલાક માથે લઈને નાચી શકે છે, પણ કેટલાકની એવી પણ દલીલ છે કે, ખાનગી ક્યૂબિકલ્સ-ચોખંડા કમરાનો આભાસ આપતી વ્યવસ્થા એકધ્યાનવાળું વાતાવરણ ઉત્પન્ન કરવામાં અને તેને ટકાવી રાખવાનું પ્રોત્સાહન આપવામાં ઉત્તમ છે, વળી, તે કર્મચારીને પડતો વિક્ષેપ દૂર રાખે છે, કર્મચારીનું ધ્યાન ખંડિત થતું નથી.

આ તો 'તુંડે તુંડે મર્તિભિન્ના, કુંડે કુંડે નવં પય:... જાતૌ જાતૌ નવા ચારા: નવા વાણી મુખે મુખે' જેવી વાત છે. 'ધ વૉલ સ્ટ્રીટ જરનલ'ના 2017ના પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું હતું કે, 'ઓપન-પ્લાન ઑફિસમાં કર્મચારીની આસપાસના દૃષ્ય-શ્રાવ્ય ઘોંઘાટને કારણે તેની ધ્યાન એકત્રિત કરવાની ક્ષમતા ઘટવા લાગે છે.' હા, ઘોંઘાટ કાને પડે છે એમ ઘોંઘાટ આંખે પણ ચડે છે. તમારી આસપાસ પાંચ-પંદર માણસો કામ કરતા હોય કે હરતાફરતા કે બોલતા હોય તો સ્વાભાવિક જ તમને વિક્ષેપ પડવાનો જ. એ સાથે એ પણ ખરું કે એકાંતમાં બેસીને કામ કરતો માણસ પણ વિક્ષેપ અનુભવે છે. એનું મન એને કરડે છે અને અવનવા વિચારો આપે છે ને એ માનસિક પરિતાપ મેળવે છે, તો મોકળાશભરી જગ્યામાં ઘોંઘાટથી વિક્ષેપ પામનારાની સંખ્યા પણ ઓછી નથી!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtJ7XhDNvX7-SoiqAEZuYJjy6oQ%2B1M7z8KjRgW3LUybLg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment