Sunday 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટ્રિપલ તલાક: ભાજપની રાજકીય ગણતરી શું છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટ્રિપલ તલાક: ભાજપની રાજકીય ગણતરી શું છે?
રાજીવ પંડિત

આ દેશમાં ૨૦ કરોડ મુસ્લિમો છે ને તેમાંથી ૧૦ કરોડ મહિલાઓ છે. સાતમી સદીના નિયમોના આધારે આ મહિલાઓને હવસ સંતોષવાનું રમકડું બનાવી દેવાય એ ના જ ચાલે. મોદી એ સ્થિતિ બદલવા મેદાને પડ્યા છે તો તેમાં કશું ખોટું નથી. તેમના પર રાજકારણ રમવાનું આળ મુકાતું હોય તો ભલે મુકાય
 


મુસ્લિમ મહિલાઓને અપાતા 'ટ્રિપલ તલાક'ને મામલે ક્યારનીય ખેંચતાણ ચાલ્યા કરે છે ને રાજકારણ પણ રમાયા કરે છે. સુપ્રીમ કોર્ટે ગયા વરસે ઑગસ્ટમાં 'ટ્રિપલ તલાક'ને ગેરબંધારણીય ગણાવીને રદ કરી નાંખેલા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ફરમાન કરેલું કે, 'ટ્રિપલ તલાક'ને ગેરબંધારણીય જાહેર કરવા સંસદમાં નવો કાયદો બનાવે કે જેથી ભવિષ્યમાં મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાક ના અપાય. આ સુપ્રીમ કોર્ટનો આદેશ હતો તેથી કોઈનાથી કશું બોલી શકાય એમ નહોતું. મોદી સરકારે પણ તેનો લાભ લઈને તાબડતોબ નવા કાયદા માટેનો ખરડો બનાવી દીધેલો ને એ સાથે જ કમઠાણ શરૂ થયું ને મુસ્લિમ મતોના ઠેકેદારો મેદાનમાં આવી ગયા કેમ કે મોદી સરકારે આ ખરડામાં ટ્રિપલ તલાકને સજાપાત્ર ગુનો ગણાવેલો.

 

મોદી સરકારે તેને ગણકાર્યા વિના આ ખરડો લોકસભામાં બહુમતીથી પસાર પણ કરાવી નાંખેલો પણ રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી એટલે ખરડો અટવાઈ ગયેલો. એ વખતથી જ આ મુદ્દે રાજકીય દાવપેચ ચાલ્યા કરે છે ને રાજકીય પક્ષો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કારભારીઓ આ ખરડાની વિરુદ્ધ છે ને તેમનો આક્ષેપ છે કે, મુસ્લિમોને પરેશાન કરવા આ કાયદો બનાવાયો છે. મુસ્લિમોના મતો પર નભતા રાજકીય પક્ષો પર્સનલ લો બોર્ડના કોરસમાં સૂર પુરાવી રહ્યા છે. કોંગ્રેસ અને મોટા ભાગના પ્રાદેશિક પક્ષો આ ખરડાની વિરુદ્ધ છે ને સજા ના હોવી જોઈએ એવું પૂંછડું ઝાલીને બેઠા છે. સામે ભાજપ ગમે તે ભોગે આ ખરડો પસાર કરાવવા માગે છે ને એટલે જ તેણે ખરડો પસાર ના થાય ત્યાં લગી ટ્રિપલ તલાક ના અપાય એટલે વટહુકમ લાવી દીધો. વિપક્ષોનો આક્ષેપ છે કે ભાજપ આ બધું રાજકીય ફાયદા માટે કરી રહ્યો છે.

 

ભાજપ અને ખાસ તો નરેન્દ્ર મોદી 'ટ્રિપલ તલાક'નો મુદ્દો રાજકીય ફાયદા માટે ઉઠાવી રહ્યા છે એ દેખીતું છે પણ તેમાં કશું ખોટું નથી. ભાજપ વિરોધી પક્ષો આ ખરડાનો વિરોધ રાજકીય ફાયદા માટે જ કરી રહ્યા છે ને? મુસ્લિમ મહિલાઓનું જે થવું હોય એ થાય, આપણને કટ્ટરવાદીઓ અને તેમના જેવી માનસિકતા ધરાવતા મુસ્લિમોના મતો મળવા જોઈએ એવી જ તેમની માનસિકતા છેને? સેક્યુલારિઝમના નામે મુસ્લિમ મતોના બની બેઠેલા ઠેકેદારોને પંપાળવા ને તેમના પગોમાં આળોટવા કરતાં બહુ મોટા વર્ગનું ભલું કરવું એ સારી જ વાત છે. બીજા દંભી સેક્યુલર રાજકારણીઓની જેમ મતો માટે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરીને તેમને પછાત રાખવાના બદલે તેમને સામાજિક રીતે સુધારાવાદી બનાવવા એ હકારાત્મક પગલું કહેવાય. સેક્યુલારિઝમના નામે અત્યાર લગી પછાતપણાનું રાજકારણ રમાયું, મોદી હવે હકારાત્મક રાજકારણ રમી રહ્યા છે ને તેનો રાજકીય ફાયદો તેમને મળવો જ જોઈએ. આ દેશમાં ૨૦ કરોડ મુસ્લિમો છે ને તેમાંથી ૧૦ કરોડ મહિલાઓ છે. સાતમી સદીના નિયમોના આધારે આ મહિલાઓને હવસ સંતોષવાનું રમકડું બનાવી દેવાય ને પછી તેમને ત્યાગી દેવાય એ ના જ ચાલે. મોદી એ સ્થિતિ બદલવા મેદાને પડ્યા છે તો તેમાં કશું ખોટું નથી. તેમના પર રાજકારણ રમવાનું આળ મુકાતું હોય તો ભલે મુકાય.

 

રાજકીય રીતે આ મોટો દાવ છે ને આ દાવ મોદી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. મોદીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સૌથી પહેલાં તેનો પ્રયોગ કર્યો ને એ પ્રયોગ સફળ રહ્યો. તેમની સરકારે ટ્રિપલ તલાકના મુદ્દે પહેલાં કોઈ સરકારે ના લીધું હોય એવું વલણ અપનાવીને મોટો દાવ ખેલેલો. ટ્રિપલ તલાક સહિતના બકવાસ નિયમો નાબૂદ કરવાની તરફેણ સુપ્રીમ કોર્ટમાં કરી એ વખતે રાજકીય પક્ષોએ કકળાટ કરેલો. મોદી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે તેથી આ બધા ઉધામા કરે છે તેવી વાતો પણ ચલાવાઈ. જોકે મુસ્લિમો સમજે જ છે કે ટ્રિપલ તલાક નાબૂદ કરવામાં કે બીજા આવા બકવાસ નિયમો દૂર કરવામાં મુસ્લિમોનો કોઈ વિરોધ નથી.

 

મુસ્લિમોમાં એક વર્ગ એવો છે જ જે માને છે કે મુસ્લિમ પર્સનલ લોના નામે જે ધુપ્પલ ચાલે છે તે મુસ્લિમોના હિતમાં નથી. કોઈ મુસ્લિમ પુરૂષ ત્રણ વાર તલ્લાક બોલીને કોઈ સ્ત્રીને છૂટી કરી દે તેના કારણે કટ્ટરવાદી ભલે ખુશ થતા હોય પણ જેની બહેન-દીકરી છૂટી થઈ હોય એ કઈ રીતે ખુશ થાય? એ લોકો કટ્ટરવાદીઓના ડરથી કશું બોલે નહીં પણ મનમાં તો માનતા જ હોય કે આ તૂત બંધ થવું જોઈએ. મોદીએ એ લોકોના મનમાં વિશ્ર્વાસ પેદા કર્યો કે પોતે આ બધું બંધ કરાવશે. તેના કારણે મુસ્લિમોનો મોટો વર્ગ મોદીની તરફેણમાં ઢળ્યો. ખાસ કરીને મહિલાઓ કેમ કે કોઈ મહિલા ટ્રિપલ તલ્લાક જેવા વાહિયાત નિયમને સમર્થન ના જ આપી શકે. મોદી એ રીતે મુસ્લિમોમાં પણ પોતાના સમર્થકો ઊભા કરી શક્યા ને મુસ્લિમ મતબૅંકનું પણ વિભાજન કરી નાંખ્યું. ઉત્તર પ્રદેશમાં ભાજપને જંગી જીત મળી તેનું એક કારણ મુસ્લિમ મહિલાઓનું સમર્થન હતું.

 

મોદી આ જ પ્રયોગ લોકસભાની ચૂંટણીમાં કરવા માગે છે. ભાજપ અત્યારે હિન્દુઓનો પ્રભાવ હોય તેવા વિસ્તારોમાં પ્રભાવ ધરાવે છે પણ મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યોમાં તેનો પ્રભાવ ઓછો છે. ભારતમાં મુસ્લિમોની સૌથી વધારે વસ્તી જમ્મુ અને કાશ્મીરમાં છે. જમ્મુ અને કાશ્મીરમાં લગભગ ૭૦ ટકા મુસ્લિમો છે. આ સિવાય આસામ (૩૫ ટકા), કેરળ (૨૭ ટકા), પશ્ર્ચિમ બંગાળ (૨૭ ટકા), ઉત્તર પ્રદેશ (૨૦ ટકા), બિહાર (૧૭ ટકા), ઝારખંડ (૧૪.૫૦ ટકા), ઉત્તરાખંડ (૧૪ ટકા), દિલ્હી (૧૩ ટકા), કર્ણાટક (૧૩ ટકા), મહારાષ્ટ્ર (૧૧.૫૦ ટકા) એવાં રાજ્યો છે કે જ્યાં મુસ્લિમોની વસતી ૧૦ ટકા કરતાં વધારે છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન અને ગુજરાત એ ચાર રાજ્યોમાં પણ મુસ્લિમોની વસતી ૧૦ ટકા કરતાં વધારે નથી પણ ૧૦ ટકાની આસપાસ છે.

 

આ બધાં રાજ્યોની લોકસભાની બેઠકોની સંખ્યા ગણો તો ૪૦૦ કરતાં વધારે થાય. ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યો પૈકી અડધોઅડધ રાજ્યોમાં સપાટો બોલાવીને મોટા પ્રમાણમાં બેઠકો મેળવેલી. પાંચ વર્ષના શાસન પછી ભાજપ ૨૦૧૯માં એવો સપાટો ના બોલાવી શકે એ સ્વાભાવિક છે પણ મુસ્લિમ મહિલાઓ ભાજપની પડખે રહે તો ભાજપ મહત્તમ બેઠકો મેળવી જ શકે. ગુજરાત કે રાજસ્થાન જેવાં બે-ત્રણ રાજ્યોમાં મુસ્લિમ મતોનો એવો પ્રભાવ નથી કે લોકસભાની કોઈ બેઠક પર પ્રભાવ પાડી શકે પણ ઉત્તર પ્રદેશ, બિહારની ઘણી બેઠકો એવી છે કે જેના પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે.

 

આ બેઠકો પર મુસ્લિમ મતદારોમાં પુરૂષો ભાજપને મત ના આપે તો કંઈ નહીં પણ મહિલા મતદારો તેમને મત આપે તો ભયો ભયો. થોડા ઘણા નારાજ મતદારો આમતેમ થાય તો મુસ્લિમ મહિલાઓથી એ નુકસાન સરભર થઈ જાય ને એકંદરે ૨૦૧૪ની ચૂંટણીમાં જીતેલી બેઠકોની નજીક રહી શકાય. પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ વગેરે રાજ્યોમાં ભાજપ ૨૦૧૪માં ઝાઝી બેઠકો નહોતો જીત્યો. મુસ્લિમ મહિલાઓ આ રાજ્યોમાં ભાજપની પડખે રહે તો ત્યાં પણ બેઠકોનો આંક વધે ને બીજાં રાજ્યોમાં થયેલું નુકસાન મહદ્ અંશે સરભર કરી શકાય. આ ભાજપની ગણતરી છે ને તેના આધારે ભાજપે મોટો દાવ ખેલ્યો છે. આ દાવ કેટલો ચાલશે એ ખબર નથી પણ રાજકારણમાં તમારે ચાન્સ લેવા પડે છે. કાગળ પર ક્લિક થશે એવું લાગતું હોય એ ક્લિક ના થાય એવું બને પણ રાજકારણમાં તેના વિના છૂટકો નથી હોતો. ભાજપનો પણ છૂટકો નથી કેમ કે છેલ્લાં સવા ચાર વરસમાં તેની પ્રતિષ્ઠા ને લોકપ્રિયતા બંને ધોવાયાં છે. તેના કારણે મતબૅંકને પણ નુકસાન થાય જ ને સરભર કરવા કશુંક તો કરવું પડે. ટ્રિપલ તલાક તેમાંથી એક છે ને ભાજપ હજુ બીજા દાવ પણ ખેલશે જ.

 

ભાજપે વટહુકમ લાવીને અત્યારે તેનો તોડ કાઢ્યો છે પણ છ મહિના પછી શું થશે એ સવાલ પુછાઈ રહ્યો છે. 'ટ્રિપલ તલાક' અંગેના વટહુકમ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહી કરે પછી આ વટહુકમનો અમલ શરૂ થઈ જશે. મોદી સરકારે એ પછી છ મહિનામાં આ અંગેનો કાયદો પસાર કરવો પડે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં અત્યારના સ્વરૂપે છ મહિના પછી પણ આ ખરડો પસાર થાય તેવી શક્યતા ઓછી છે. ભાજપ ઘૂંટણ ટેકવી દે ને ટ્રિપલ તલાકને સજાપાત્ર ગુનો ગણવાના મામલે પારોઠનાં પગલાં ભરે તો કહેવાય નહીં, બાકી આ જ સ્વરૂપમાં આ ખરડો પસાર ના થાય. તેનું કારણ એ કે, ભાજપ પાસે રાજ્યસભામાં છ મહિના પછી પણ બહુમતી નહીં હોય ને પ્રાદેશિક પક્ષો કે કોંગ્રેસ માનવાનાં નથી. આ સંજોગોમાં છ મહિના પછી આ વટહુકમનું પડીકું થઈ જશે ને આપણે ઠેરના ઠેર આવીને ઊભા રહી જઈશું એ નક્કી છે.

 

જોકે તેના કારણે ભાજપને ફરક પડતો નથી. ભાજપને અત્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં વધારાના મતોની જરૂર છે ને ત્યાં લગી વટહુકમ રહેવાનો જ છે. ભાજપને તેના કરતાં પણ વધારે લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાને ગાજતો રાખવામાં રસ છે. ભાજપ એ વખતે એવું કહી શકશે કે, અમે તો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા મથામણ કરી જોઈ પણ બીજા પક્ષોને રસ નથી તો શું કરીએ? ટૂંકમાં આ મુદ્દો જેટલો લંબાતો જશે એટલો ભાજપને ફાયદો છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou0_o2g%2Bc_KGiOFFZWjwqcvxu-n9zAB0%3DBX%2BbmS6qCtdQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment