આ વાત આમ તો ઘણી, સદીઓ પુરાણી છે. એ સમયમાં તો શાહુકારો જ નહીં, ચોર લોકો પણ સંસ્કૃત ભાષા જાણતા હશે, એટલું જ નહીં, એ બોલચાલની ફરજિયાત ભાષાય હશે ને બધા એ જ ભાષામાં વ્યવહાર ચલાવતા હશે. એ જે હોય તે, પણ, ચૌર્યકર્મમાં પ્રવીણ એવા એક પિતાએ તેના સુપુત્રને આવો ઉપદેશ આપ્યો હતો. 'સર્વસ્વહર સર્વસ્વ ત્વં ભવચ્છેદતત્પરઃ । નયોપકારસાંમુખ્યં મા વાસિ તનુવર્તનમ્ ॥' (અર્થાત હે પુત્ર, તું બધાનું સર્વસ્વ હરી લે, ઘર ફોડવામાં તત્પર રહે, કોઈના પર ઉપકાર કરીશ નહીં ને દુઃખ આપનાર જીવન વિતાવજે.) જો કોઈ ચોરપિતા તેનો ચિરંજીવીને લોકોનું મહેનત કરીને એકઠું કરેલું ધન હડપ કરવાનો ઉપદેશ આપતો હોય તો એક વરિષ્ઠ નાગરિક અને સ્વજન લેખે શાહુકારોએ તેમનું ધન તસ્કરોથી કેવી રીતે બચાવવું, સાચવવું એનું માર્ગદર્શન આપવું એ અમારી ફરજ બનતી હોઈ થોડાંક સૂચનો કરવાની અમારી ભાવના ખરી. આપણા ભારતીય કાયદામાં ભલે એવું કહેવાયું છે કે જ્યાં સુધી કોઈ માણસની સજ્જનતા વિરુદ્ધના સજ્જડ પુરાવા આપણા હાથમાં ન આવે ત્યાં સુધી તેને સજ્જન ગણવો; પરંતુ જાપાની કહેવત એવી છે કે અજાણ્યા જણને ચોર ગણવો. એની સામે અમે કહીએ છીએ કે અજાણ્યા જણને શાહુકાર ન ગણવો. અમે ૮૦ની લગોલગ પહોંચી ગયા છીએ એટલે અમારા જેવા ઘૈડિયાના મત મુજબ આપણી શેરી, પોળ, સોસયટી કે ફ્લેટની આસપાસ કોઈ અજાણ્યો જણ શંકાસ્પદ હાલતમાં ફરતો દેખાય તો તેને રોકી પૂછપરછ કરવી. 'કોણ છો? કોનું કામ છે? શું કામ છે?' જો તે આપણા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો ન આપી શકે તો તેને વાતોમાં વળગાડી જાણવા માગવું કે તેના ધંધાધાપા શેના છે? ઘરમાં ખાવા-પીવાવાળા કેટલા છે? કાલા થઈને પૂછી શકાય કે આવી કારમી મોંઘવારીમાં કુટુંબને કેવી રીતે નિભાવો છો? – નાણાકીય ભીડ નથી નડતી? તેને સહાનુભૂતિભર્યા પ્રશ્નોની ઝડીઓમાં હડસેલી કોઈના થકી પોલીસને જાણ કરી દેવી. પોલીસ સમયસર આવી જાય તો ઠીક છે, તેની 'ખાસ' પૂછપરછ માટે પોલીસને સોંપી દેવો. પરંતુ હિન્દી ફિલ્મોની પોલીસ સાવ છેલ્લા 'સીન' –માં દેખા દે છે એમ જો અહીં પણ પોલીસ સમયસર ન આવી શકે તો માનવું કે તે પગાર ઉપરાંત વધારાની આજીવિકા મેળવવા જેવા તાકીદના કામમાં અટવાયેલ હશે. આવા સંજોગોમાં એ શંકાસ્પદ શખ્સ કે ઈસમને વિનંતીભર્યા સ્વરે જણાવવું કે આવ્યા છો તો થોડોક સમય રોકાઈ જાવ, પોલીસ આવવામાં જ છે, રસ્તામાં છે. તમને એનો પરિચય કરાવી દઈશ. પછી તમે બંને ચા-પાણી કરીને પોતપોતાના કામે ચાલ્યા જજો. આવા માણસોને પોલીસની ઘણી 'એલર્જી' હોય છે, એટલે પોલીસનું નામ પડતાં જ એ તરત ગભરાટથી બોલશે કે, 'હું જરા ઉતાવળમાં છું, ફરી ક્યારેક' – ને એ દોડવાની ઝડપે ચાલવા માંડશે; એને જવા દેવો. આવા શંકાસ્પદ માણસો એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે, એટલે આ પ્રકારની બિનજરૂરી પડપૂછ થયા કરતી હોય તો પોતાના સમાનધર્મીને ચેતવી દેશે કે અમુક ઠેકાણે તો એક ડાઘિયો કૂતરો કાયમ ચોંટેલો રહે છે એટલે ત્યાં 'કામસર' પણ જવું નહીં, જોખમ છે. ને આમ આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેશે, આપણે તો એ જ જોઈએ છે ને! 'અમે' અને 'આપણે'માંથી હવે 'તમે' પર આવું છું. હા, તમે જો ગીચ વસ્તીવાળી કોઈ પોળમાં વસતા હો તો તમારે ચોરથી ડરવાની જરૂર નથી. ચોર જ તમારાથી દૂર રહેવાનું પસંદ કરશે. તસ્કરજગતની આચારસંહિતા પ્રમાણે આવા વિસ્તારો વર્જ્ય છે, પરંતુ તમે જો ફ્લેટમાં રહેતા હો ને તમારે ઘર બંધ કરીને થોડાક સમય માટે બહાર જવાનું થાય તો તમારી બાજુમાં રહેતા પડોશીને ધીમા અવાજે માહિતી આપો કે તમે લગભગ ક્યાં સુધીમાં પાછા ફરી શકશો. અને બહાર જતી વેળાએ બારણાંને બહારથી તાળું મારવાને બદલે અંદરથી બંધ થઈ શકે એવા ઈન્ટરલોક કરો; કેમ કે તસ્કરોને તેમની પ્રામાણિકતા, તેમના ઈમાનને પડકારનાર તાળાં સામે પારાવાર ચીડ અને નફરત જ હોય છે. તાળું જોતાં જ તેમની આંખોમાંથી, મારું કે મરું જેવું ખુન્નસ ટપકવા માંડે છે, ને તેમના હાથમાં ખંજવાળ આવવા લાગે છે કે હું ક્યારેક આ તાળાને તોડીફોડી નાખું! ઘરફોડુઓ, લૂંટારા, જાણભેદુચોંટા તેમ જ ઇન્કમ ટેક્સવાળાઓથી બચાવવા ઘરમાં મોટી રકમ તેમ જ કીમતી દાગીના રાખવાનું ટાળો, સ્વજનોને ત્યાં શુભ પ્રસંગ હોય એ ટાણે ઉત્સાહથી બધાને દેખાડવાની, ખાસ તો જલાવવાની તક ઊભી થાય છે, મન ભરાય ત્યાં સુધી આવી દાગીના બતાવવાની તક ધરાઈને મણી લેવી, એનો વાંધો નથી, પરંતુ લગ્નનો કે એવો શુભ પ્રસંગ પતે એટલે તરત જ તેને બેન્કના લોકરમાં દાટી આવવા. અને જ્યારે પણ બહારગામ જવાનું થાય ત્યારે એની આગોતરી ખુશખબર તમારા દૂધવાળા, ધોબી, માળી અને ખાસ તો છાપાવાળાને નહીં આપવી. છાપાવાળો ભલે ચારેક દિવસ છાપા ફેંકી જતો, પણ છાપાની કિંમત જેટલો લોભ કરવા જતાં એ જ છાપામાં આપણા ઘરના કોઈ અશુભ સમાચાર છપાઈ જવાની શક્યતા ઊભી ન થાય એ જોવું. ભરબપોરે પુરુષવર્ગ ઘેર ન હોય ને ઘરનો કોલબેલ રણકે તો બહેનોએ ઉત્સાહથી, 'અતિથિ દેવો ભવઃ'ની શુભ ભાવનાથી દોડીને દરવાજો ખોલવો નહીં, દરવાજો ઉઘાડવાને બદલે કી-હોલમાંથી આગંતુકનું મુખારવિંદ જોઈ લેવું, ચહેરો સાવ અજાણ્યો જણાય તો બારણું જરા પણ ખોલવું નહીં. મંગલ મંદિર ઉતાવળથી નહીં ખોલવાનું કારણ એ જ કે બહાર ઉભેલો શિશુ કેટલો ભોળો છે એની તમને જાણ નથી, તેને બારણા પાસેની બારીએ બોલાવી પૂછપરછ કરવી. ધારો કે એમ કહે કે પૈસા આપવા આવ્યો છું – જે ઓછું શક્ય છે, તો કહેવું કે બારીમાંથી સરકાવી દો, ને ઉઘરાણી માટે આવ્યો છું એમ કહે તો સુણાવી દેવાનું કે સાહેબ આવે ત્યારે આવજો. વાત ત્યાં જ પતી જશે. અને ઘરકામ માટે નવા નોકરને રાખો ત્યારે તેના આગમનની ખરીખોટી ખુશાલી તેની આગળ જાહેર કરી કહેવું કે ધૂળજીભાઈ, તમે તો હવે આમારા કુટુંબના માણસ થઈ ગયા, ચાલો, આપણે બધા એક ગ્રુપ ફોટો પડાવી લઈએ ને ફોટામાં તેને મઢી લેવો. જોકે હવે તો સેલ્ફીની વ્યવસ્થા પણ છે. (જોકે તેમાં એક મુશ્કેલી ખરી, ધૂળજી કયો છે ને તમે કોણ છો એ ઓળખવામાં ક્યારેક તકલીફ પડે ખરી.) અલબત્ત મોબાઈલમાં પણ લાક્ષણિક તસવીરો ઝડપવાની હવે તો સગવડ છે. તેનો બાયોડેટા સિફતથી મેળવી લેવો, ઉપરાંત તમારા ગામમાં તેનાં સગાંસબંધીઓ રહેતાં હોય તો એની વિગત પણ મેળવી લેવી. અને એ નોકર જો શેઠ જેવાં સારાં કપડાં પહેરેલો દેખાય, ચમચમ અવાજ કરતા બૂટ પહેરેલો તેમ જ મોંઘી સિગારેટ ફૂંકતો જોવામાં આવે, છૂટથી પૈસા લૂંટાવતો હોય અને ઘરકામમાં દગડાઈ બતાવતો હોત તો ચોરપગલે ખાનગીમાં પોલીસને જાણ કરી દેવી. પોલીસ તેની આગવી રીતથી જાણવા જેવું સઘળું જાણી લેશે. માત્ર ને માત્ર ચોરોને ગભરાવવા માટે જ કેટલાક લોકો પોતાના બંગલાના ઝાંપે, 'કૂતરાથી ચેતો'નાં પાટિયાં લટકાવે છે. જોકે આ કળિકાળના અંત ભાગે પાલતુ કૂતરાં પણ અગાઉ જેટલાં વફાદાર રહ્યાં નથી. એ તો ચોર સામે જોઈ મિત્રતાની પૂંછડી પટપટાવે છે, ને આંખ મીંચકારીને તેને આમંત્રણ આપે છે કે દોસ્ત, મારો શેઠ બી.પી.ની ગોળી લઈને ઘોંટી ગયો છે, અને હું પણ અડધો-પડધો ઊંઘમાં છું, મારે ત્રણ દિવસના ઉજાગરા છે. તું તારે નિરાંતે તારું કામ પતાવી રસ્તે પડી જા, પણ એક મિનિટ, ચાર-છ ક્રીમવાળા બિસ્કિટ મને નીરતો જા. અને આ મોંઘવારી પાલતુ કૂતરાંઓના નિભાવખર્ચ સુધી પહોંચી ગઈ છે. માણસોનો તો ઠીક, કૂતરાંઓનો ખર્ચ મોંઘો થઈ ગયો છે, એટલે તો કેટલાક ચબરાક નગરજનો કૂતરા રાખવાને ફક્ત 'ડોબરમેન ઓન ડ્યુટી'નું પાટિયું બંગલાના ઝાંપે લટકાવે છે. ઉપરાંત બંગલાના કમ્પાઉન્ડમાં કૂતરાને બાંધવાની લોખંડની સાંકળ, ચોર ન હોય તેને પણ દેખાય એ રીતે છુટ્ટી રાખે છે, જેથી જોનારને થાય કે કૂતરાં આસપાસ ક્યાંક ફરતાં હશે. ચોરોથી બચવાનો આ એક સસ્તો ને સરળ ઉપાય છે. નાનાં બાળકોને અંધારાનો ડર લાગે છે એથી પણ ચોરોને અજવાળાનો ભય વધારે લાગતો હોય છે. અમારા કવિ વેણીકાકા-વેણીભાઈ પુરોહિતનું પેલું ગીત છે ને, 'મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે.' ચોરોને તો આ પંક્તિનો, અંધારાવાળો પૂર્વાધ જ આકર્ષતો હોય છે. આ કારણે જે ઘરમાં મોડી રાતે લાઈટ ચાલુ હોય એ ઘર તરફ નજર નાખવાનું પણ એ લોકો માંડી વાળે છે. આ પેલા ચીનાઓએ ઝગારા મારતા બલ્બ અહીંના બજારમાં ખડકીને ચોરોના પેટ પર પાટું માર્યું ગણાય. વધુ પ્રકાશથી અજવાળું કરી પોતાની મેલી મથરાવટી ઊજળી કરવા એ લોકોએ નાઈટ લેમ્પો પણ બજારમાં ઘુસાડી તસ્કરોને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. આ વાતને પોઝિટિવ ગણીને આપણે રાજી થવાનું કે રાતે નાનકડી ટ્યુબલાઈટનો ખર્ચ કોઈ ચોકીદારને રાખવા જેટલો તો નહીં જ આવવાનોને! વીજળીનું બિલ થોડુંક વધારે આવશે, પણ ચોર તો નહીં આવે ને! છતાં તસ્કરને તમારું ઘર ગમી ગયું ને કોઈ એક રાતે – મધરાતે એ તમારા સૂવાના ખંડમાં પ્રગટ થયો. તમે એના પગરવથી જાગી ગયા છો; તો પણ એની માહિતી તેને ન આપશો, તેની હિલચાલ તમે સાક્ષીભાવે નિહાળ્યા કરજો. તેને એવો અણસાર પણ આવવા ન દેશો કે તમે જાગો છો ને ઉધરસનો ઠમકો પણ રોકી રાખજો, કેમ કે એની પાસે તમારી ઉધરસ કાયમ માટે મટાડવાની દવા છે એવું માનીને ચૂપચાપ પથારીમાં પડ્યા રહેવું. ખિસ્સામાંથી તે છરી, ચપ્પુ કે એવું કોઈ ઘાતક હથિયાર કાઢી તમારા ગળા પર ફેરવી શકે છે. એનો સામનો કરવામાં મજા નથી. તમારા પ્રાણ સિવાય તેને જે કંઈ જોઈએ તે લઈ જવા દેશો, મરશે, તેના નસીબનું તે ભલે લઈ જતો. પૈસા તો કમાઈ લેવાશે, પ્રાણ નહીં – પ્રાણ અને પૈસા બંને સાથે ન ગુમાવાય – બસ, આટલું પૂરતું નથી? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuY0L3bntMWw0bEsyVpLLWrF7QXK4pf_pfJr5T65ojRuw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment