Saturday, 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ના ઉમ્ર કી સીમા હો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ના ઉમ્ર કી સીમા હો, ના ૩૭૭ કા હો બંધન!
અભિમન્યુ મોદી
 

 

અષ્ટાંકી. આ શબ્દ સમજવો સહેલો છે. જેમ અત્યારના નાટક દ્વિઅંકી હોય છે એમ એક જમાનામાં એટલે કે અઢારમી સદી સુધી ત્રિઅંકી નાટક તો સાવ નાના ગણાતા. તે સમયે અમુક નાટકો આઠ અંકના થતા. એટલે જો પ્રખ્યાત જાણકારી એવી હોય કે વહેલી સવાર સુધી તે સમયમાં નાટકો ચાલતા તો એ અર્ધસત્ય છે. ત્રણ-ત્રણ દિવસ સુધી ભવાઈ ચાલે, નાટકો ચાલે. ગુજરાતની ભૂમિ ઉપર એવા કલાકારોની સંખ્યા સેંકડોમાં હતી જે દિવસો લાંબા નાટકો ગામના પાદર ઉપર ભજવતા. આવી ભવાઈઓમાં બાળલગ્નનો વિરોધ કરતાં વિષયો પણ આવરી લેવામાં આવતા. આ ભવાઈ અને નાટકમાં અમુક નાટકો એવા પણ હતા જેમાં નાયક પાંસઠ વર્ષનો હોય અને તેની નાયિકા અઢાર વર્ષની હોય. તે સમયના અમુક પ્રખ્યાત નટ-નટીઓએ વાસ્તવમાં વીસ-ત્રીસ-ચાલીસ વર્ષના ઉમરના તફાવત સાથે લગ્ન કરેલા અને જાહેરજીવન માણતા.

 

ફરીથી ઉલ્લેખ કરી લઈએ કે આ વાત અમેરિકાની કે યુરોપના કોઈ માલેતુજાર દેશોના સેલીબ્રીટી કપલની નથી. આ વાત વૈદિક કાળની નથી કે ખજુરાહોના શિલ્પો જે સમયે બનતા અને સમાજમાં શૃંગારરસની છોળો ખુલ્લેઆમ ઉડતી રહેતી એ કાળની પણ નથી. આ વાત આપણી મહાન ભૂમિ ગુજરાતની જ છે, અને માત્ર દોઢસો-બસો વર્ષ પહેલાની છે. આ જ ભૂમિના મહાજનોને લગ્ન કરનારા દંપતી વચ્ચે રહેલા બહોળા વય તફાવત સામે વાંધો ન હતો. આ જ ગરવી ગુજરાતના લોકોની કલારુચિ અપ્રતિમ હતી અને તેના કલાકારોને સન્માનની નજરે આપણા વડવાઓ જોતા. આજે આપણે શું કરી રહ્યા છીએ?

 

અનુપ જલોટાની વાત તો હમણાં આવી. તાજેતરમાં પ્રિયંકા ચોપરા એનાથી ઉમરમાં નાના નીક સાથે કમીટ થઇ તો એમાં ઘણાં બધા ભારતીયોની ગંદી જ નહિ પણ અશ્લીલ કમેન્ટ આવી. વલ્ગર કક્ષાના રીમાર્ક થયા. સમાજના કહેવાતા નિયમોમાં જકડાઈ ગયેલા લોકોએ પોતાની કુંઠિત માનસિકતાનું વરવું પ્રદર્શન કર્યું. એ પણ કેવા લોકોએ? ગામડાના લોકોએ નહિ, શહેરમાં રહેતા અને ભારત સરકારના વર્ગીકરણ મુજબ અર્બન સીટીઝન ગણાતા મેટ્રોસેક્સ્યુઅલ લોકોએ કોઈ કપલની સગાઇ ઉપર ભદ્દી ટીપ્પણી કરી. અમુક લોકો સાચું કહે છે કે જમાનો બદલાયો છે. અગેઇન, તે અર્ધસત્ય છે, જમાનો બદલાયો છે અને અધોગતિ તરફ જઈ રહ્યો છે.

 

અનુપ જલોટા અને જસલીન મથારુ. આ બે નામોને આપણે હવે ફક્ત આ રીતે નથી વાંચતા. આપણે અનુપ જલોટાને બદલે વાંચીએ છીએ પાંસઠ વર્ષનો ઘરડો માણસ અને જસલીનની જગ્યાએ વાંચીએ છીએ અઠ્ઠાવીસ વર્ષની કુંવારી છોકરી. પ્રેમ કે લગ્ન કરવા માટે કોઈ નિશ્ચિત મર્યાદામાં જ ઉમરનો તફાવત હોવો જોઈએ એવો નિયમ કોઈ ધર્મ તો શું વિજ્ઞાન પણ નથી કહેતું કે નથી કોઈ ગોરબાપા કહેતા. માયથોલોજી તો બે માણસો વચ્ચે પ્રેમની અભિવ્યક્તિને પંપાળે છે, વિરોધ નથી કરતું. વિજ્ઞાન કહે છે કે ઘરડા પુરુષો પોતાનાથી નાની ઉમરની છોકરીઓ પ્રત્યે આકર્ષાય એનું કારણ એ છે કે સંતતિ પેદા કરવાની ક્ષમતા તરફ કોઈ પણ જીવ આકર્ષાય. નાનો છોકરો મોટી ઉમરની સ્ત્રી માટે એટલે આકર્ષાઈ શકે કે શારીરિક, માનસિક અને ભાવનાત્મક પરિપક્વતા મળે. બંનેમાં જનીની આવેગો કારણભૂત હોય તો એ ઉત્ક્રાંતિના દૌરથી ચાલ્યા આવે છે. તેથી પ્રમેય સાબિત થાય છે કે બે પાત્રો વચ્ચે ઉમરનો તફાવત હોય તો એ અકુદરતી નથી કે પછી અધાર્મિક પણ નથી.

 

અહી બીજા અનેક ઉદાહરણો આપી શકાય. રોમન પોલેન્સકીથી લઇને જેસોન સ્ટેથમ સુધીના. વુડી એલન જેવો મહાન દિગ્દર્શક જેની દીકરીને ડેટ કરતો, તેની માને તે દાયકાઓ પહેલા ડેટ કરી ચુક્યો છે. આવા સંખ્યાબંધ દાખલાઓ વર્તમાનમાંથી અને અસંખ્ય ઉદાહરણો ભૂતકાળમાંથી મળી આવે. ભારતમાંથી પણ અને વિદેશમાંથી પણ. આવા કેસ ફક્ત ધોળિયાઓમાં હોય છે એવી માન્યતા દુર કરવા જ પ્રથમ ફકરામાં ગુજરાતની સત્ય કહાની કહી. પણ આપણને એઝ યુઝવલ પારકી પંચાતમાં વધુ રસ છે. સરકાર ૩૭૭ મી કલમ રદ કરે તો સમલૈંગિકતાને પણ આપણે માનસિક વિકાર કહીએ અને બે જુદી ઉમરના લોકો ચાંચ લડાવે તો એમાં આપણું સંતુલન હલી જાય. કેટલા નબળા છે આ લોકો જે થર્ડ પાર્ટીની જિંદગીથી આટલા ગ્રસ્ત રહે છે.

 

તો વિરાટવાચકો, અહી સુધી વાંચીને એવું લાગ્યું હશે કે હોમોસેકસ્યુઆલીટી ઉપર અને અનુપ જલોટા ઉપર જોક્સ બનાવનાર અને મજાક મસ્તી કરનાર સામે વિરોધ નોંધાવ્યો છે તો ના, હજુ સમજવામાં ભૂલ કરો છો. અહી અસલી બીમાર આ લોકો સામે જોક બનાવનાર નહિ, આવા જોકનો વિરોધ કરનાર વડીલો છે. યસ, જે લોકો ફુલણજી કાગડા-કાગડી થઇને ઠાવકાઈના પ્રદર્શન દ્વારા આવા ઇસ્યુ ઉપર મજાક ન કરવાની ભલામણો કરે છે ખરેખર એ જ લોકો મોટી-નાની ઉમરના દંપતીઓ કે હોમોસેક્સુયલીટીને ખરા દિલથી સ્વીકારી શક્યા નથી. કારણ કે જોક્સ તો બધી વાત ઉપર બને જ છે. ટકલા માણસ ઉપર પણ મજાક થાય અને પતિ-પત્નીના જોક ઉપર તો હ્યુમરની અડધી દુનિયા ચાલે છે. કારણ કે એ સાહજિક છે અને લોકોએ સ્વીકાર્યું છે. મોટા ભાગના કેસમાં જ્યાં સુધી કોઈ નવો મુદ્દો હ્યુમરમાં ન આવે ત્યાં સુધી તે સર્વસ્વીકૃત થતો નથી, ઈતિહાસ જોઈ શકો છો. લોકોને મેચ્યોર બનવાની શિખામણ આપતા આવા પકાઉ લોકો જ સમાજના માનસિક વિકાસને બ્રેક મારીને બેઠા છે.

 

પોઈન્ટ છે કે જયારે સુઈ-ધાગા વાળી અનુષ્કા શર્માનો એક પોઝ જેમ નેશનલ મીમ બન્યો છે એમ હવેનો સમય દરેક ન્યુઝ અને દરેક નાની વાતને મીમ મટીરીયલ  બનાવવા તરફ જઈ રહ્યો છે. તેમાં ખાસ ખોટું નથી, કોમ્યુનીકેશન અને પેનીટ્રેશન વધે છે. પોઈન્ટ છે, જોકેસ ફોરવર્ડ થાય છે તો તેની સાથે જે તે વ્યક્તિના વ્યક્તિગત દિમાગ હકીકતમાં ફોરવર્ડ થાય છે ખરા? આપણી પાસે કપલના નિયમો, સેક્સના નિયમો જેવી ક્ષુલ્લક વાતો સિવાય બીજા મહત્વના મુદ્દાઓ નથી?

 

{શીર્ષકપંકિત: જગજીતસિંહની ગઝલના ગઝલકાર ઇન્દીવરની માફી સાથે}



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov1pX%3DcYmhqBDm8PycyK6QwSENtZjVpH0a0e6y5o%2BX5kw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment