Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રાજુ: ધ સેવિયર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજુ: ધ સેવિયર!
વિશેષ-નિધિ ભટ્ટ

જીવદયાથી વધુ કોઈ ઊંચો ધર્મ છે જ નહીં અને આ વાત જાણીએ તો આપણે બધા જ છીએ, પણ જ્યારે એનો અમલ કરવાનો વારો આવે છે ત્યારે? કદાચ ગણતરીના લોકો આ વાતને અમલમાં મૂકતા પણ હશે. કોઈ પણ વાતને સાંભળવી, વિચારવી અલગ વસ્તુ છે અને કદાચ આવું કરવું ખૂબ જ સહેલું પણ છે પણ વસ્તુને સમજીને વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકવી એટલી જ અઘરી બાબત છે. આવું કરવા માટે મનોબળ મક્કમ હોવું જોઇએ.

દુનિયામાં એવા ઘણા લોકો છે જેને આપણી મદદની જરૂર હોય છે. તેમ જ વિશ્ર્વભરમાં ચાલી રહેલી હિંસક પ્રવૃતિઓને લીધે મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓ તેમ જ મનુષ્યો પીડાતા હોય છે. અમુક લોકોના મનમાં રામ વસેલો હોય છે તેથી તે આવા પીડિત લોકોને બચાવે છે. બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી તેમની વ્હારે આવતાં હોય છે. જરૂરી નથી કે દર વખતે એ કોઈને કરેલી મદદ એ આર્થિક સ્વરૂપની જ હોય, મદદનું કોઈ સ્વરૂપ હોતું જ નથી.

આજે આપણે વાત કરીશું આવી જ એક વ્યક્તિ નામે રાજેશ દામોદર કાચી વિશે. રાજેશ ભુર્જી પાંઉનો એક નાનકડો સ્ટોલ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો તેના વ્યવસાય વિશે જાણીને તમે એવું વિચારી રહ્યા હોવ કે ભૂખ્યાજનોની ભૂખને સંતોષવાનુું કામ આ રાજેશ કરતો હશે તો તમે અહીં ભૂલ કરી રહ્યા છો. કોઈ પણ વ્યક્તિને થોડું જાણીને તેના વિશે મનગમતું આપણી સુવિધા પ્રમાણે અનુમાન બાંધી લેવાની મનોવૃત્તિ જ આપણા માટે મુશ્કેલીનું કારણ બને છે.

વાત કરી રહ્યા છીએ એક એવા તારણહારની જેણે અત્યાર સુધીમાં નદીમાં તણાઈ રહેલાં 250થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આવો જોઈએ આખરે કઈ રીતે આ નાનકડાં સ્ટૉલ ધારકને 'લાઈફગાર્ડ' બનવાની પ્રેરણા મળી. રાજેશ દામોદર જૂના તોપખાના નજીક આવેલા શિવાજી નગરમાં ભુર્જી-પાંઉની એક નાનકડી દુકાન ચલાવી રહ્યો છે. જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે મુથા નદી નજીક આવેલા દેંગલે (દગડી) બ્રિજ પરથી આકસ્મિક રીતે એક છોકરીને નદીમાં પડતાં જોઇ અને ક્ષણભરમાં પોતાના જીવની પરવા કર્યા વગર નદીમાં છલાંગ લગાવીને છોકરીનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના વિશે રાજેશ ઉર્ફે રાજુએ કહ્યું હતું કે 'જ્યારે મેં એ છોકરીનો જીવ બચાવ્યો હતો ત્યારે તેનો પરિવારના સભ્યો ખાસ મને આભાર કહેવા માટે મારા ઘર સુધી આવ્યા હતાં. તેમની આંખોમાં જે ખુશી અને મારા માટે જે આર્શીવાદ હતાં એ જોઇને હું ગદગદ થઇ ગયો. હું તે સમયને ક્યારેય શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. બસ પછી શું? મે એ જ દિવસથી નક્કી કરી લીધું હતું કે હું આવી જ રીતે લોકોના જીવ બચાવતો રહીશ.'

આ ઘટના બાદ રાજુએ અત્યાર સુધીમાં મુલા-મુથા નદીમાં આત્મહત્યા કરવા આવતા લોકો અને આકસ્મિક બનાવથી નદીમાં પડી જતાં લોકોનો બચાવ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય તેની માટે સરળ નહોતો, પણ તેનામાં માણસાઇ અને કરુણા હતી. લોકોને મુશ્કેલીમાં જોઇને તેને ખૂબ જ દુ:ખ થતું હતું. અત્યાર સુધીમાં તેણે આ નદીમાંથી 250 લોકોના જીવ તો બચાવ્યા, પણ તેની સાથે આકસ્મિક ઘટનાઓને કારણે મૃત્યુ પામેલાં 600 લોકોના શબને પણ બહાર કાઢ્યા હતાં.

49 વર્ષનો આ પુણેકર લોકોની મદદ પોતાના મનથી કરે છે. તે કોઇપણ બિનસરકારી સંસ્થા કે સરકારી કામ સાથે સંકળાયેલો નથી. એટલું જ નહીં જીવ બચાવવાને બદલે તે કોઇ રૂપિયાના ઇનામની લાલચ પણ રાખતો નથી. શિવાજી નગર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર મહેશ કુમાર સરતાપેએ આ રાજુના જીવન પર 'રાજુ ધ સેવિયર' નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. ત્યારબાદ રાજુ પુણે શહેરમાં તો ફેમસ થયો, પણ તેની સાથે હવે આખા મહારાષ્ટ્રમાં પણ તેના કારનામા ચર્ચાઇ રહ્યા છે.

15 શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ડોક્યુમેન્ટ્રીને એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ રાજુ પુણેનો હીરો બની ગયો અને ઘણી જગ્યાએ તેના સન્માન સમારોહ પણ રાખવામાં આવે છે. જ્યારે પણ નદીમાં કોઇ લોકો ફસાયા હોય કે પછી સુસાઇડ કેસ હોય અને પીડિતને બચાવવાનો હોય તો પુણે પોલીસ મદદ માટે રાજુ પાસે પહેલા પહોંચે છે. આનાથી વધારે કેટલું માન જોઇએ એક વ્યક્તિને!

રાજુ ફક્ત આવા લોકોને બચાવવાનું જ કામ નથી કરતો, પણ વિક્ટીમને તાત્કાલિક ધોરણે હૉસ્પિટલ લઇ જાય છે અને તેના પરિવારના સંપર્કમાં પણ રહે છે.

આ કામની સાથે ભુર્જી-પાંઉનો ધંધો કરતો રાજુ કહે છે કે 'મારી દુકાન દંગલે બ્રિજની સામે જ છે. જ્યારે મને ખબર પડે છે કે નદીમાં કોઇ ફસાયું છે અથવા આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યું છે તો મારી દુકાનને છોડીને તરત જ હું તેમને બચાવવા માટે ભાગું છું. મને નદીની નજીક એટલે કે ઓમકારેશ્ર્વર મંદિર, સંગમવાડી અને દેંગલે બ્રિજની નજીક રહેતા રહેવાસીઓ આ ઘટના અંગે ફોન કરીને અવગત કરે છે જેથી હું લોકોની મદદ કરી શકું છું. ઘણી વાર એવું પણ બને છે કે હું તેમને નદીના પાણીથી તણાતા તો બચાવીને હૉસ્પિટલ ભેગા તો કરું છું પણ ઘણા દિવસો સુધી તેમની હાલત ખૂબ જ ગંભીર હોય છે, પણ હું તેમના સ્વાસ્થ્યમાં સુધારણા થવાની રાહ જોઉં છું. આવું કરવાથી મારા મનને અત્યંત શાંતિ મળે છે.'

1997 અને 2004માં જ્યારે પુણે શહેરમાં ધોધમાર વરસાદને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઇ હતી. નદીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો શહેરમાં પૂર જેવું વાતાવરણ હતું અને ઘણા લોકો તેમાં ફસાયેલા હતાં. રાજુએ રસ્તાના પાણીમાં તરીને ફસાયેલા લોકોની મદદ કરી હતી. ખાસ કરીને દિવ્યાંગ લોકો, વૃદ્ધો અને બાળકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવા માટે ખૂબ જ મહેનત કરી હતી.

રાજુની સૌથી મોટી ખાસિયત એ છે કે પાણીનું અંતર તેની શ્ર્વાસોચ્છવાસની પ્રક્રિયા પર જબરો ક્ધટ્રોલ છે. આ ઉપરાંત તેની પાસે સહનશક્તિનો પણ ભંડાર છે. સકારાત્મક વાત એ છે તેણે ક્યારેય દારૂ કે તંબાકુ જેવા હાનિકારિક તત્ત્વોનું સેવન કર્યું નથી. એટલું જ નહીં તે દરરોજ કવાયતની સાથે પાણીમાં તરીને પોતાની શક્તિ વધારે છે.

રાજુના પરિવારની વાત કરીએ તો તે તેની પત્ની અને ત્રણ સંતાન બે દીકરા અને એક દીકરી સાથે રહે છે. રાજુના આ નેક કામમાં તેઓ ખૂબ જ સાથ આપે છે. પોતાના જીવની પરવા કર્યા વગર કોઇ અજાણી વ્યક્તિનો જીવ બચાવવો એ અત્યંત મુશ્કેલીભર્યું કામ છે.

પાંચ વર્ષ પહેલાની વાતને તાજી કરતાં રાજુ તેનો એક કિસ્સો સંભળાવે છે કે 'મુથા નદીમાં શિવાજી બ્રિજ પરથી પડી ગયેલા 80 વર્ષની મહિલાનો જીવ બચાવતી વખતે તેણે મને એકદમ કસીને પકડ્યો હતો અને તેમને લઇને તરવા માટે મને ખૂબ જ મહેનત કરવી પડી હતી. એક વાર તો હું મુંઝવણમાં પડી ગયો કે મારે તેમને પાણીમાંથી બહાર કાઢવા કેમ? પણ 15 મીનિટની જહેમત બાદ મેં મારા મિશન પર વિજય મેળવ્યો.'

અમુક મૃતદેહ કાઢતી વખતે અને રહસ્યમય રીતે થયેલા મૃત્યુ અંગેના કેસને ઉકેલવા માટે રાજુનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. મૃતદેહ કાઢતી વખતના અનુભવને વાગોડળતાં રાજુ કહે છે કે 'જ્યારે હું કોઇ વ્યક્તિનો મૃતદેહ નદીમાંથી કાઢુ તેના થોડા દિવસો સુધી તો અન્નનો કોળિયો પણ ગળેથી નીચે ન ઉતરે, પણ મેં આ કામને છોડ્યું નહીં. મને બને તેટલા વધુ જીવન બચાવવા છે. હું પીડિતના પરિવારની વ્યથા સમજી શકું છું. મારા મિત્રો મારી ગણતરી પાગલોમાં કરે છે. તેમના હિસાબે મારે પરિવાર પર ફોકસ કરવું જોઇએ, પણ મારા મનને જે યોગ્ય લાગે છે તે જ હું કરું છું. બધાની અંદર એક હીરો હોય છે. બસ તેને ઓળખીને તે પાત્રને પણ બહાર લાવવાની જરૂર હોય છે, જે અમુક લોકોમાં જ હોય છે.'



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oso3HDWAjpznADxEjMXvuZn4LB-cMQ7wJau5nTq3En0GA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment