Saturday, 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કર્મથી સંસાર મળે, પરંતુ સંત તો કૃપાથી મળે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કર્મથી સંસાર મળે, પરંતુ સંત તો કૃપાથી મળે!
માનસ મંથન - મોરારિબાપુ

એક વાત યાદ રાખજો, સાંસારિક વસ્તુનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે, ભાગ્યનો ખેલ છે. પણ જીવનમાં સંતનું મળવું, કોઈ પરમાત્માના દાસનું મળવું એ આપણા બડભાગ છે ! ભાગ્યવાનને સંતમિલન થાય છે. એક વખતની આ વાત છે. એક સુંદર વન હતું અને તેમાં એક મહાત્મા રહેતા હતા. આ મહાત્મા બડા પહોંચેલા અને મસ્ત હતા.

સુંદર વનશ્રી ચોતરફ ફેલાયેલી હતી તેમાં એક કુટીર બનાવી ને મહાત્મા હરિભજનમાં મસ્ત રહેતા હતા. એક દિવસ એમણે જોયું કે વિધાતા નીકળ્યા છે. કોઈના લેખ લખવા નીકળ્યા હશે એટલે મહાત્માએ પૂછ્યું, મા કોના લેખ લખવા જાવ છો? વિધાતાએ કહ્યું કે રાજાના પુત્રના લેખ લખવા આવી છું. મહાત્મા કહે શું લખ્યું? શું છે એના ભાવિમાં? વિધાતાએ કહ્યું કે અત્યારે તો તે રાજકુંવર છે, તેની પાસે ખૂબ સાહ્યબી છે પણ આ કુંવર જ્યારે મોટો થશે ત્યારે એનું બધું નાશ પામશે, કંગાળ થઈ જશે,સાવ ભિખારી થઈ જશે ! તેની પાસે ખાલી ફક્ત એક ઘોડો હશે તેના પર સામાન લાવી વેચશે. નાની-મોટી મજૂરી કરી ગુજરાન ચલાવશે! મહાત્મા, એના ભાગ્યમાં આવું લખ્યું છે.

સમયની બલિહારી જુઓ, રાજકુમાર મોટો થયો અને એના રાજ્ય પર હુમલો થયો. પાસેના રાજાએ આ નગર પર હુમલો કર્યો. ભીષણ લડાઈ થઇ પણ રાજા હારી ગયો, બધું જ નાશ પામ્યું. બીજા રાજ્યના લોકોએ આખું રાજ લૂંટી લીધું. રાજપાટ જતું રહ્યું અને આ કુંવર પાસે એક ઘોડો રહ્યો! તે લઈ તે બીજા ગામમાં જતો રહ્યો. ભિખારી થઈ ગયો. પાસેના નગરમાં જઈ ઘોડા પર વાસણો લાવી-લાવી ફેરી કરે અને વેચે છે! એક ગામમાં આવી રીતે વાસણો વેચતો હતો ને ત્યાંથી પેલા મહાત્મા નીકળ્યા ! ઘોડો જોયો, આ માણસને જોયો ને મહાત્માને યાદ આવી ગયું.

વિધાતાએ મને જેનાં લેખ વિશે વાત કરી હતી આ તે તો રાજકુંવર નહીં હોય ને ? પૂછ્યું કે તું કોણ છે? પેલા ફેરિયાએ કહ્યું કે હું તો સમ્રાટનો કુંવર હતો પણ બધું તારાજ થઈ ગયું છે. હવે તો ફેરી કરું છું અને જીવન વ્યતીત કરું છું. મહાત્માને પાક્કું થઈ ગયું.

મહાત્મા કહે તું મને ભોજન કરાવ. પેલા માણસે કહ્યું અરે બાપજી,મારી પાસે એટલું પણ નથી કે હું તમને ભોજન કરાવી શકું! કહે કોઈ વાંધો નહીં,આ ઘોડો વેચી દે! ગમે તે બન્યું હોય પણ પેલા રાજકુંવરને મહાત્માનાં શબ્દો પર વિશ્ર્વાસ બેસી ગયો તે ઘોડો વેચી નાખ્યો. જે રકમ આવી તેમાંથી સીધું-સામાન લાવ્યો અને મહાત્માને જમાડ્યા. બીજે દિવસે ક્યાંકથી ફરતો-ફરતો એક ઘોડો તેની પાસે આવ્યો. મહાત્મા કહે વેચી નાખ. એ પણ વેચી નાખ્યો. મહાત્માને ખબર હતી કે તેના ભાગ્યમાં ઘોડો છે, પ્રારબ્ધમાં ઘોડો છે એ ઘોડો ક્યાંય જવાનો નથી ! રોજ એક ઘોડો ક્યાંકથી આવે અને રોજ તે તેને વેચી નાખે. આમ કરતાં કરતાં તે જીવનમાં ફરી ગોઠવાઈ ગયો.

મારાં શ્રાવક ભાઈ-બહેનો, પ્રારબ્ધમાં જે વસ્તુ આપણને મળવાની હોય છે તે નક્કી જ હોય છે, નિશ્ર્ચિંત હોય છે. ઘણા લોકો તૂટી જાય કામ કરીને અને તોય કંઈ મળે નહીં ને ઘણા આમથી આમ ખાલી કાગળિયાં ફેરવે તો ઢગલો થઈ જાય! પરંતુ તમે કર્મથી સંતને નહીં મેળવી શકો, કર્મથી સંસાર મળે, સંત કૃપાથી મળે. સાધુ એટલે કોણ? સાધુ એટલે કપડાં બદલવાની વાત નથી. કપડાં પહેરવાથી સાધુતા નિર્માણ નથી થતી. કોણ કેટલું મોટું મંદિર બનાવે છે તેના પરથી સાધુતા નિર્માણ નથી થતી. કોણ કેટલું વિશ્ર્વમાં પ્રવાસ કરે છે તેના પરથી સાધુતા નિર્માણ નથી થતી. સાધુ એટલે ભીતરનું જાગરણ! ભીતર એક ચેતના પ્રગટ થાય તે. સાધુની સાથે સંબંધ જોડાવાથી કદી કાર્યમાં હાનિ નથી આવતી. જે જાગી ગયો છે, હરિનામ લે છે તેની સાથે બલાત્ દોસ્તી કરો.

દુર્જનનો સંગ ન કરો. સાધુ સાથે બલાતં્ દોસ્તી કરો. બંધન સ્વીકારો. નર્કમાં નિવાસ સારો, પણ દુર્જનની ટોળીમાં રહેવું ખરાબ. કારણ નર્કમાં પડતાં કમસે કમ કર્મના ફળ ભોગવી લેવાય, વાત ખતમ, પણ દુર્જનના સંગથી તો કર્મના નવા નવા પોટલા બંધાય. જેનાં ચરિત્રનો ભરોસો ન હોય એનો સંગ ન કરો, યુવાન બહેન-બેટીઓને મારી વિનંતી છે, એવાની નફરતે ન કરો, પણ સંગે ન કરો, કારણ ગીતાએ તો અકાટ્ય સૂત્ર આપ્યું છે, સંગથી જ કામ જાગે છે. કામમાં બાધા આવે તો ક્રોધ પ્રગટ થાય છે. ક્રોધથી એક પછી એક પતન માર્ગ બની જાય છે.

સાધુ એટલે સરળ; સાધુ એટલે જેનું પ્રત્યેક આચરણ સ્વાદપૂર્ણ. એને સાંભળો, જુઓ, એની પાછળ ચાલો કે એની પાસે બેસો તોય જીવનમાં સ્વાદ આવે. ચાહે બ્રહ્માંડ ફાટી જાય પણ જેની શ્રદ્ધામાં કદી ઓટ ન આવે તે સાધુ. કોઈ સવાર સવારમાં બાગમાં ફરીને આવે તો એના કપડાંમાં ફૂલની સુગંધ આવી જાય. પછી એને કોઈ મળે તો એને એ વ્યક્તિ ફક્ત નથી મળતી, આખો બાગ મળી જાય. એમ સાધુ એ છે કે જે પરમાત્માને મળીને આવ્યો છે, એને મળતાં તમને પણ પરમાત્માની ખુશ્બૂ આવશે. જેનામાં પરમાત્મા પરિપૂર્ણ ઊતર્યા છે. જે પ્રભુની પાસે જીવે છે, જેની પાસે પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થઈ જતા હોય છે, એવા સાધુની સંગત કરો.

ભગવાનને પ્રાર્થના કરો, તું અમને મળે, ન મળે કોઈ ચિંતા નહીં, તું અમને મળશે તો અમે કદાચ તને પચાવી યે નહીં શકીએ, અર્જુન જેવો વીર પચાવી ન શક્યો, પણ કોઈ સંગત આપી દેજે. કોઈ સાધુને મિલાવી દે, જીવન પૂર્ણ થઈ જાય એ પહેલાં કોઈ સાધુને મેળવી આપજે. ને પછી સાધુ મળી જાય તો ભજન એની મેળે શરૂ થઈ જશે. એની પાસે બેસવું એયે ભજન છે. એની પાસે રહેવું એ ભજન છે.

(સંકલન : જયદેવ માંકડ)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsK8CjatVDc0nmOvOm3hdv0VEwkeQ9iYHLSFns0wtfBcg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment