Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કુખ્યાત કોલગર્લને પ્રાપ્ત થયો પ્રભુનો પવિત્ર કોલ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુખ્યાત કોલગર્લને પ્રાપ્ત થયો પ્રભુનો પવિત્ર કોલ!
વિચારદંગલ: વસંત કામદાર

 

 

એની લોબર્ટ એ સેક્સવર્કરોના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરતી જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થાનાં સ્થાપક છે. તેમણે દેહવ્યાપાર અને સેક્સવર્કરોના જીવન ઉપર અનેક એવોર્ડ જીતનાર દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે જેમાં "ફોલન"ના નામથી જાણીતી તેમની આત્મકથાનો પણ સમાવેશ થાય છે. એ પુસ્તક ઉપરથી ફિલ્મ પણ બની છે. તેમનાં પતિ ઓઝ ફોક્સ સ્ટ્રાઈપરના નામથી જાણીતા એક બેન્ડનાં ગિટારિસ્ટ છે. તેમના લગ્નના પ્રસંગને અમેરિકન ટી.વી. ઉપર બહોળી પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. એ પ્રસંગે સાઉથ લાસ વેગાસનાં તમામ દેવળોએ હાજરી આપી હતી. એની લોબર્ટ વિશ્વનાં જુદા જુદા દેશોમાં જઈને દેહવ્યાપારનાં વિવિધ પાસાઓ ઉપર પ્રવચનો પણ આપે છે. સેક્સવર્કરોના ઉદ્ધાર માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે કારણ કે તેઓ પણ કોઈ એક સમયે કોલગર્લ હતા.

 

એની લોબર્ટનું બાળપણ અતિશય ક્રૂર વાતાવરણમાં વીત્યું હતું. મા વગરની છોકરી ઉપર તેના પિતા અમાનવીય અત્યાચાર ગુજારતા. પોતાની જે માનસિક યાતનાઓ હતી એ તમામ માટે તેઓ એનીને જવાબદાર ગણતા અને બધો આક્રોશ એની ઉપર ઠાલવતાં હતાં. એનીને જે સમયે પિતાની હૂંફની જરૂર હતી એ સમયે તેને પિતા તરફથી મારઝૂડ અને અવહેલના મળતી હતી.  એની તન અને મનથી ભાંગી ચૂકી હતી. તેને એવું લાગતું હતું કે કોઈ તેને ચાહી શકે એવી કોઈ લાયકાત તેનામાં નથી.

 

આવી એકલતાની અને ઉપેક્ષાની લાગણી સાથે એનીએ કોલેજ પૂરી કરી એ સાથે પિતા સાથેનાં તેના સંબંધો અતિશય તણાવગ્રસ્ત બની ગયા. આખરે એક દિવસ તેણે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. તેણે એક નાનું મકાન ભાડે રાખી લીધું અને તેમાં તે એકલી રહેવા લાગી. પોતાનું ગુજરાન ચલાવવા માટે નાની-મોટી ત્રણ નોકરીઓ કરતી હતી. જો કે દરેક જગ્યાએ તેને કામનાં પ્રમાણમાં મહેનતાણું ઓછું મળતું હતું એટલે તેને જે પ્રકારની જીવનશૈલી જોઈતી હતી એ પ્રાપ્ત થાય એવી શક્યતા તો નહીંવત્ હતી. તેની ભવ્યતા અને ભોગવિલાસની શોધ તેને કલબો અને પાર્ટીઓ તરફ ખેંચી ગઈ. તે દિવસે નોકરી કરીને રાતની રંગીન પાર્ટીઓમાં દેખાવા લાગી. તેને વાસ્તવમાં એક શ્રીમંત માણસની જરૂર હતી જે તેને લાગણીની સાથે વૈભવ પણ આપી શકે અને તેને લાગતું હતું કે કલબો અને પાર્ટીઓમાં જવાથી તેને એવો માણસ મળી જશે. એક રાત્રે એક કલબમાં કેટલાંક શ્રીમંત નબીરાઓ તેની નજરે ચડયા. તેમણે અતિશય કિંમતી પોશાકો પહેયાંર્ હતાં અને તેમની કારો પણ અતિશય ભવ્ય હતી. તેમણે એની અને તેની બહેનપણીને ડ્રિંક્સની ઓફર કરી. તેણે તરત એ ઓફર સ્વીકારી લીધી. એ શ્રીમંત નબીરાઓ હવાઈ ટાપુઓનાં વતની હતા. એનીએ અને તેની બહેનપણીએ તેમની સાથે સંબંધો જાળવી રાખ્યા. તેઓ ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતા હતા.

 

આખરે એની અને તેની બહેનપણી એક દિવસ હવાઈ ટાપુ ઉપર પહોંચી ગયાં. અહીં તેમના મિત્રોએ તેમને માટે રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. એની અને તેની બહેનપણી અહીંની કલબોની રોનક બની ગયાં. હવે તેઓ ભવ્ય કારોમાં ફરતા હતા. હવાઈ ટાપુઓ ઉપર વસતા શ્રીમંત નબીરાઓની તેઓ પહેલી પસંદ હતાં. તેમને જે જોઈએ એ મળી રહેતું હતું. એની ટૂંક સમયમાં જ હવાઈ ટાપુ ઉપરની જાણીતી કોલગર્લ બની ગઈ.

 

જો કે આ વૈભવી અને ઐયાશ જીવનની ઝાકઝમાળ વચ્ચે પણ તેને જીવનમાં હજુએ પ્રેમનો અભાવ તો સાલતો જ હતો. તેને ભૌતિક સમૃદ્ધિ તો મળી, પરંતુ નાનપણથી એ જેને માટે ઝૂરતી આવી હતી એ શુદ્ધ અને સાત્વિક પ્રેમની હૂંફ તો ક્યાંય જડતી નહોતી. એક દિવસ તેને ડાન્સિંગ ફ્લોર ઉપર એક જુવાન મળ્યો. એનીને તેની વાતો ઉપર વિશ્વાસ બેઠો. તેને લાગ્યું કે તેને જેવા પ્રેમની ભૂખ છે એવો પ્રેમ તેને એ જુવાન પાસેથી મળી રહેશે અને તે એ જુવાન સાથે એ જ રાત્રે લાસ વેગાસ ઉપડી ગઈ.

 

જો કે એની એ જુવાન માણસને પારખવામાં થાપ ખાઈ ગઈ હતી. એ માણસને નાણાંની જરૂર હતી અને એની પોતાનું શરીર વેચીને તેની નાણાકીય જરૂરિયાતો પૂરી કરશે એવી એની ગણતરી હતી. સામે પક્ષે એનીને સરસ મજાનું પારિવારિક જીવન જીવવું હતું. એનીને હવે શરીર સાથે ખેલતા પુરુષોની નહીં, પરંતુ વહાલ વરસાવતા બાળકોની જરૂર હતી. પણ પેલા પુરુષે બળજબરીથી તેની દેહવ્યાપાર ચાલુ રખાવ્યો. તેણે પાંચ વર્ષ એનીની દલાલી કરી. એની પાસેથી પૈસા કઢાવવા તે ક્રૂર રીતે મારઝૂડ કરતો. તેણે એકવાર તો એનીનાં નાક, જડબા અને પાંસળી સુદ્ધા તોડી નાંખ્યા. એ ઈજાઓમાંથી બહાર આવતાં એનીને લાંબો સમય લાગ્યો.

 

એની અતિશય ઘેરા તણાવમાં ગરકાવ થઈ ગઈ. તે કોકેઈન, હેરોઈન અને મારીજૂઆના જેવાં ઘાતક માદક દ્રવ્યોની બંધાણી બની ગઈ. તે રાતોની રાતો જાગ્યા કરતી. જાણે કે એક બેહોશીએ તેનાં જીવન ઉપર અધિકાર જમાવી દીધો હતો. એ હવે સારા નરસાનું વિવેક ભાન ગુમાવી ચૂકી હતી. એ તેનાં શ્રીમંત ગ્રાહકો પાસેથી દેહસુખનાં બદલે શારીરિક યાતનાઓ માંગવા લાગી. તેઓ એકબીજા સાથે પીડાદાયક જાતીય સંબંધો બાંધતા. એ શ્રીમંતો પણ તેમની ઐયાશ અને વૈભવી જિંદગીથી કંટાળ્યા હતા. તેમને પણ જાતીયતાનું આ નવું પીડાદાયક સ્વરૂપ ગમતું હતું. આવા પીડાદાયક સંભોગની એનીના શરીર ઉપર હાનિકારક અસરો થવા લાગી.

 

એક દિવસ તેનાં શરીર ઉપર નાનું ચાંદુ દેખાયું. તે ડોક્ટરને મળી. તેનાં જુદા જુદા તબીબી રીપોર્ટ થયા. તે કોઈ જીવલેણ રોગનો ભોગ બની ગઈ હતી. આ સમાચાર જાણીને પેલા દલાલે તેને ઘરમાંથી કાઢી મૂકી. જો કે એને ઘરમાંથી કાઢી મૂક્તા પહેલા તેણે તેની પાસેથી તેનાં તમામ પૈસા અને તેની તમામ સંપત્તિ પડાવી લીધી હતી અને એનીને હાથે પગે ઘરમાંથી નીકળવું પડયું હતું.

 

એનીએ માંડ માંડ પોતાની જીવવાની વ્યવસ્થા ગોઠવી. એનીએ પોતાનું સૌંદર્ય ગુમાવી દીધું. સંપત્તિ ગુમાવી દીધી. સંબંધો ગુમાવી દીધા. તે સંપૂર્ણપણે નિરાધાર હતી. આવી સ્થિતિથી કંટાળીને એક દિવસ તેણે જીવન ટુંકાવી દેવાનો નિર્ણય કર્યો. તેણે ભારે માત્રામાં માદક દ્રવ્યો લઈ લીધા. તેની આંખ સામે અંધારા પથરાવા લાગ્યા. તેનાં ધબકારા અતિશય વધી ગયા. તેનું શરીર જકડાવા લાગ્યું. તે મોતની તદ્દન નજીક પહોંચી ગઈ હતી. તેની આસપાસ શેતાની આકૃતિઓ નાચી રહી હતી. તેણે પોતાની દફનવિધિ થતી જોઈ. તે ભયંકર રીતે ડરી ગઈ હતી.

 

આવી સ્થિતિમાં તેણે અચાનક પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુ મને બચાવી લો…મારે જીવવું છે…મારે મરવું નથી…થોડા સમય પછી તે હોસ્પિટલનાં બીછાને હતી અને ડોક્ટર તેને કહી રહ્યા હતા કે બહેન જો તમને સમયસર સારવાર ન મળી હોત તો તમે મરી ચૂક્યા હોત. એનીને તો ખબર જ નહોતી કે તે ક્યારે બેહોશ થઈ ગઈ અને કોણ તેને હોસ્પિટલમાં લઈ ગયું… તેને માટે તો એ ચમત્કાર જ હતો. એનીનો નવો જન્મ થયો હતો. હવે તેને જે પ્રેમની શોધ હતી એ તેને જડી ગયો હતો. તેને એમ હતું કે દેવળનાં લોકો એક સેક્સવર્કરને નહીં સ્વીકારે…પણ એવું ના બન્યું. એ દેવળમાં ગઈ તો બધાએ ઉમળકાભેર તેને આવકારી અને તેની સાથે બહુ બધી વાતો કરી. તેને હવે નવા સગપણ જડયા હતાં. તેનો રોગ પણ મટી ગયો હતો. હવે તે સેક્સવર્કર નહોતી પરંતુ સેક્સવર્કરોના ઉદ્ધાર માટે ઝઝૂમતી એક સેવિકા હતી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuO2Q57roir%3D0iATq5Ac-HhpSR1%3D3JSZHjATu0ZAtoGsg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment