Saturday, 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યે હુનર ભી બહુત જરૂરી હૈ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યે હુનર ભી બહુત જરૂરી હૈ કિતના ઝુક કર કિસે સલામ કરે!
ડૉ. શરદ ઠાકર
 

 

આ જથી 22 વર્ષ પહેલાં હું ડૉ. રાણાના ઘરે ગયો હતો. એના નવા નર્સિંગહોમનું ઉદ્્ઘાટન હતું. એ જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો ત્યારથી મારી કોલમનો નિયમિત વાચક હતો. એ જમાનો ફોનનો નહીં, પત્રોનો હતો. ડૉ. રાણાના પત્રો 3-4 મહિને મારા પર આવતા રહેતા હતા.

ડૉ. રાણા ખુશ હતો. હું પૂરા 4 કલાક એની સાથે રહ્યો. છૂટા પડતી વખતે એ મને એના ફ્લેટની સાઇડની બાલ્કનીમાં લઈ ગયો. ત્યાં 300 વાર જેટલી ખુલ્લી જગ્યાનો પ્લોટ હતો
દરેકમાં એના આદર્શો અને ભવિષ્યનાં સપનાંઓ વિશે એ લખતો હતો, 'સર, તમારી કટાર વાંચી-વાંચીને મને ડૉક્ટર બનવાની પ્રેરણા મળી છે. હોસ્ટેલમાં દર બુધવારે-રવિવારે કોમનરૂમમાં છાપું આવે ત્યારે પૂર્તિ વાંચવા માટે પડાપડી થાય છે. સર, આજે મારી ફાઇનલ એક્ઝામ પતી ગઈ. વાઇવા હવે આવશે. આજે રિઝલ્ટ આવ્યું. ઇન્ટર્નશિપ કરું છું. મને જનરલ સર્જરીમાં એડમિશન મળી ગયું. 3 વર્ષ પૂરાં થઈ ગયાં. હું 'પાસ' થઈ ગયો. હવે મારા વતનના શહેરમાં ખાનગી પ્રેક્ટિસ શરૂ કરવાનો વિચાર કરું છું. જ્યારે મારી હોસ્પિટલનું ઉદ્્ઘાટન કરીશ ત્યારે તમને બોલાવીશ. સર, આવશો ને?'

આઠેક વર્ષના ગાળામાં બધા મળીને દસેક પત્રો આવ્યા હશે. પછી એક દિવસ એ પોતે આવ્યો. ક્યાં અગાઉનો પાતળો, બિનઅનુભવી, મુગ્ધાવસ્થામાં જીવતો ટિનેજર! અને ક્યાં અત્યારનો આત્મવિશ્વાસથી છલકાતો જનરલ સર્જન!
મેં એના હાથમાં ડિઝાઇનર કવર જોયું. પૂછ્યું, 'શેનું ઇન્વિટેશન લઈને આવ્યો છે, મેરેજનું કે પ્રાઇવેટ નર્સિંગહોમના ઉદ્્ઘાટનનું?'

'નર્સિંગહોમનું, સર. લગ્ન તો બે વર્ષ પહેલાં જ કરી લીધાં. રાજવી મારી સ્કૂલલાઇફ સમયની ફ્રેન્ડ હતી. એણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. મેરેજ સાવ સાદગીથી કર્યા હતા. બંને પક્ષના કુલ 30-35 મહેમાનોને જ બોલાવ્યા હતા.' પછી એનો અવાજ ધીમો થઈ ગયો, 'મારા પપ્પાની આર્થિક હાલત સારી નથી. જો બધી બચત લગનમાં વપરાઈ જાય તો... નર્સિંગહોમ પણ નાનુંસરખું જ છે. થોડી રકમ પપ્પાએ આપી, બાકીની બેન્કલોન.'

મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. મેં એના ખભા પર હાથ મૂકીને ભીના અવાજમાં કહ્યું, 'હિંમત રાખજે, બધું બરાબર થઈ જશે. મારી સલાહ માનજે. આજીવન નીતિના માર્ગ પર ચાલજે. હું સ્વાનુભવથી કહું છું, પણ કોઈ પણ ડૉક્ટર એની પ્રેક્ટિસમાં જરા પણ ખોટું ન કરે તો પણ વીસેક વર્ષમાં એ એનાં સપનાં મુજબ બધું જ કમાઈ લેતો હોય છે. તકલીફ માત્ર એ જ છે કે મોટાભાગના ડૉક્ટરો પાસે બે દાયકા રાહ જોવા જેટલી ધીરજ હોતી નથી. બધાંને રાતોરાત... પણ તું એવું ન કરતો. જો તું ખોટી પ્રેક્ટિસ નહીં કરવાનું મને 'પ્રોમિસ' આપે તો જ હું આટલે દૂર તારા નર્સિંગહોમના ઇનોગ્યુરેશનમાં આવીશ.'

'હું પ્રોમિસ આપું છું, સર.' એણે કહ્યું અને હું ખરેખર ગયો. 400 કિમી.નો પંથ કાપીને ગયો. એ દિવસની મારી પ્રેક્ટિસનો ભોગ આપીને ગયો. ત્યાં જઈને મેં પહેલીવાર એનાં મમ્મી-પપ્પાને જોયાં, એની સીધી-સાદી, નમણી, સ્નેહાળ પત્નીને મળ્યો, એનાં સાસુ-સસરા વગેરે પણ હાજર હતાં.

સાવ નાકડું નર્સિંગહોમ હતું. 5 જ રૂમનો ફ્લેટ હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર બીજી દુકાનો હતી, પણ ડૉ. રાણા ખુશ હતો. હું પૂરા 4 કલાક એની સાથે રહ્યો. છૂટા પડતી વખતે એ મને એના ફ્લેટની સાઇડની બાલ્કનીમાં લઈ ગયો. ત્યાં 300 વાર જેટલી ખુલ્લી જગ્યાનો પ્લોટ પડ્યો હતો.

'હાલ પૂરતી થોડી સંકડાશ પડશે, પણ ભોગવી લઈશ. દસેક વર્ષમાં એટલું તો કમાઈ જ લઈશ જેનાથી આ ખાલી પ્લોટ લઈ શકું. પછી ત્યાં આર્કિટેક્ટ પાસે વ્યવસ્થિત પ્લાન બનાવડાવીને 4 માળનું મકાન બંધાવીશ. નીચેના 3 માળ દર્દીઓ માટે રહેશે અને સૌથી ઉપર રહેવાનું.'
હું પ્રસન્નતાપૂર્વક એના આત્મવિશ્વાસને 'સાંભળી' પણ રહ્યો, જોઈ પણ રહ્યો અને અનુભવી પણ રહ્યો.
હવે પત્રોનો યુગ પૂરો થવામાં હતો, ફોનનો વપરાશ વધી રહ્યો હતો. અમે નિયમિત રૂપે વાતો કરતા રહેતા હતા. ક્યારેક એનો ફોન આવી જતો, 'સર, આજે સવારે મેં એક 'હટકે' ટાઇપની સર્જરી કરી, પૂઅર પેશન્ટની. ફી તો વધારે નહીં મળે, પણ સંતોષ ખૂબ મળ્યો.'

'ફી કેમ નહીં મળે એવું કહે છે?'
'સર, અમારા વિસ્તારના એક સામાજિક કાર્યકર્તા છે. એ પોલિટિક્સમાં પણ છે. ખૂબ ભલા માણસ છે. અમે એમનું નામ સેવાભાવી સેવાલાલ પાડી દીધું છે.' ખરું નામ તો સેવંતીલાલ છે. એ આ ગરીબ યુવાનની સાથે આવ્યા હતા. એમણે કહ્યું કે આ છોકરાની આર્થિક હાલત ખૂબ નબળી છે, એટલે તમારો જે ખર્ચ થાય એટલા રૂપિયામાં જ બધું કરી આપો. સર, મેં હા પાડી દીધી. સારું કર્યું ને મેં?'

'યસ, વેલ ડન! આઇ એમ પ્રાઉડ ઓફ યુ! મહિને દહાડે એકાદ ઓપરેશન આવી રીતે કરી આપવામાં કોઈ વાંધો નથી. આવા ગરીબોના આશીર્વાદથી વધારે મોટો કોઈ 'ચેક' નથી હોતો. કીપ ધિસ અપ!'

ધીમે ધીમે સંપર્ક ઓછો થતો ગયો. એ પણ બિઝી થતો ગયો, હું તો 'બિઝી' હતો જ. 6-8 મહિને એકાદવાર ફોન પર વાત થઈ જતી હતી.
હું પૂછી લેતો હતો, 'શું કરે છે ભાઈ? એવું લાગે છે જાણે તેં ટંકશાળ ચાલુ કરી દીધી! આખો દિવસ અને આખી રાત દવાખાનામાં બેસીને કરન્સી નોટ્સ છાપે છે કે શું?'
'સર, તમે અડધા સાચા છો અને અડધા ખોટા. દિવસ-રાત કામ કરું છું એ વાત સાચી છે, પણ નોટો છાપું છું એ વાત ખોટી.'

'સમજાવ મને. આટલું બધું કામ કરે એ કમાય તો ખરો ને?'

'સમજાવું, સર. મારી પ્રેક્ટિસમાં જબરો વધારો થયો છે. સેવાભાવી સેવાલાલનો મને ખૂબ સુંદર સહકાર મળ્યો છે. આ વિસ્તારમાં જાહેરજનતા ઉપર એમનો ખૂબ ઊંડો પ્રભાવ છે. સેવાલાલે મારી સાથે ગોઠવણ કરી છે. એ જે અને જેટલા દર્દીઓ લઈને આવે એ બધાની સારવાર મારે 'નહીં નફો નહીં નુકસાન'ના ધોરણે કરી આપવાની. મોટાભાગના દર્દીઓ સેવાલાલના જ હોય છે, પણ આવું કરવાથી ગરીબ પ્રજામાં અમારા બંનેની ઇજ્જત ખૂબ જ વધી ગઈ છે. હું ઊભી બજારે નીકળું છું ત્યારે પાથરણાંવાળા 2 હાથ જોડીને મારા માનમાં ઊભા થઈ જાય છે. સર, તમે જ કહેતા હતા ને કે એક ડૉક્ટરની સાચી કમાણી ફક્ત રૂપિયામાં નથી આંકી શકાતી!'

'વેલ ડન! આઇ એમ પ્રાઉડ ઓફ યુ, પણ બાજુવાળી જમીનનું કંઈ થયું કે નહીં?'
'ના, એ બાબતમાં હું જરાક કમનસીબ પુરવાર થઈ રહ્યો છું. એક વર્ષ પહેલાં એ જમીનનો માલિક 20 લાખ રૂપિયા માગતો હતો, ત્યારે મારી પાસે 16 લાખ જમા થયા હતા. 1 વર્ષમાં હું 4 લાખ બચાવી શક્યો, પણ હવે જમીનની કિંમત વધી ગઈ. પ્લોટનો માલિક હવે 25 લાખ માગે છે.'

'હિંમત ન હારતો, ઈશ્વર બધું સારું જ કરશે. કીપ ધિસ અપ!' કહીને મેં વાત પૂરી કરી.

અંતર વધતું ગયું. હવે વર્ષે બે વર્ષે એનો ફોન આવતો થયો, પણ સ્થિતિમાં એકંદરે ખાસ ફરક પડ્યો ન હતો.
સેવાલાલની સેવાકીય પ્રવૃત્તિ વધી રહી હતી. ડૉ. રાણાની વ્યસ્તતા પણ બેવડાઈ રહી હતી.

પ્રેક્ટિસનાં 20 વર્ષ પછી ડૉ. રાણાએ સારા એવા રૂપિયા બચાવ્યા, પણ જમીનનો પ્લોટ ત્યાં સુધીમાં વધુ મોંઘો થઈ ગયો હતો. એનો ફોન આવ્યો ત્યારે મને એના અવાજમાં કિસ્મતની સાથે સહેજ ફરિયાદ જેવું વરતાયું.
'સર, અત્યારે મેં એંસી લાખની જોગવાઈ કરી છે, પણ પ્લોટ નેવું લાખની કિંમતનો થઈ ગયો છે. શું કરું? મને લાગે છે કે મારો પનો બે વેંત જેટલો ટૂંકો જ રહેશે.'
'જમીનનું તો એવું જ રહેવાનું, પણ તું એક કામ કરને. 10 લાખ રૂપિયાની બેન્ક લોન લઈ લે. જમીન ખરીદી લે.'

'સર, મેં તમને 80 લાખની વાત કરી એમાં બેન્કની લોન પણ આવી જાય છે. હવે બીજા 10 લાખનો બોજ હું ઉઠાવી નહીં શકું. 2 વર્ષ વધારે મહેનત કરીશ. કમાઈ લઈશ. સેવાલાલનો સહકાર તો મને છે જ. વાંધો નહીં આવે.'

મારા દિમાગમાં ઝબકારો થયો, 'આ સેવાલાલ સેવા ઉપરાંત બીજું શું કરે છે? આઇ મીન, એમનો પોતાનો કોઈ બિઝનેસ કે એવું કંઈક તો હશેને? એ તને ખૂટતી રકમ ઉછીની ન આપે?'

'અરે! સેવાલાલ તો બિચારો સેવાનો ભેખધારી માણસ છે. એના ફાટેલા ઝભ્ભામાં ખિસ્સું જ ક્યાં છે? દિવસ-રાત બાપડો ગરીબોની વચ્ચે રહીને મફતમાં ટાંટિયાતોડ કરતો ફરે છે. જોકે, આવા માણસનાયે વિરોધીઓ તો હોય જ છે. એમના દુશ્મનો જાતજાતની અફવાઓ ફેલાવતા ફરે છે. સેવાલાલ તો કટકીબાજ છે, સેવાલાલ તો તોડપાણી કરે છે, સેવાલાલ તો લોકોનાં કામ કરાવી આપવાના બદલામાં... પણ હું તો એમને નજીકથી ઓળખું ને? સેવાલાલ સાવ ભગવાનના માણસ છે. મને એમનો સારો સહકાર.'
ડૉ. રાણાની પ્રેક્ટિસનાં 22 વર્ષ પૂરાં થયાં ત્યારે યોગાનુયોગ મારે એના શહેરમાં જવાનું થયું. એક સમારંભમાં વક્તા તરીકે ગયો હતો. કાર્યક્રમ પત્યો ત્યારે ડૉ. રાણા મને લઈ જવા માટે હાજર હતો. લંચ પણ એના ઘરે જ રાખ્યું હતું. એ મને જોઈને ખૂબ આનંદિત લાગતો હતો. અચાનક મેં પૂછી લીધું, 'પેલી જમીનનું શું થયું? સોદો પાર પડ્યો કે નહીં?'
એના ચહેરા પર દુ:ખની છાયા ઊભરી આવી, 'સોદો પતી ગયોને?', 'અરે વાહ! કેટલામાં?', 'પૂરા દોઢ કરોડમાં.'
'દોઢ કરોડ? આટલા બધા રૂપિયા તું ક્યાંથી
લાવ્યો?'
'હું ક્યાં લાવી શક્યો? એ જમીન તો સેવાભાવી સેવાલાલે ખરીદી લીધી.', 'હેં? એની પાસે દોઢ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા?', 'જેણે જેણે આ સાંભળ્યું તે બધાએ આ જ સવાલ પૂછ્યો હતો. ધીમે ધીમે વાત જાણવા મળી. દોઢ કરોડ તો સપાટી પર દેખાતી હિમશિલાનું ટોપકું જ છે. સેવાલાલ અસલમાં મેવાલાલ નીકળ્યા. મારી મહેનતના કારણે એમણે લોકપ્રિયતા મેળવી લીધી. પછી ચૂંટણી લડ્યા. નગરસેવક બની ગયા. દોઢ જ વર્ષમાં...'

મેં માથું ઝટકાવ્યું. એ સાથે જ આ ઘટનાને પણ એક કાલ્પનિક વાર્તાની જેમ ખંખેરી નાખી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OskueQVGH-hRqApg-3paA3fELxmJJb43Yt-nQaPriP_hg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment