Sunday 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હોલીવૂડ હલાવી દેતો હિન્દુસ્તાની મૂળિયા ધરાવતો છોકરડો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હોલીવૂડ હલાવી દેતો હિન્દુસ્તાની મૂળિયા ધરાવતો છોકરડો!
જય વસાવડા
 

                 
આપણે ત્યાં કાયમ લેખકો, ફિલ્મ-ટીવી મેકરો બધા પંતુજીની અદામાં ડિજીટલ દુનિયાના પરિવર્તનોથી ફફડીને એને કોઇ 'મોન્સ્ટર' જ ચીતરે છે.પણ સાવ 'બ્લેક મિરર' જેવી સિરિયલમાં દેખાડાય એવી શેતાની શક્તિ આ નવતર ટેકનોલોજી નથી એક નાનું  કુટુંબ, સુખી કુટુંબ. પપ્પા અમેરિકાના સમૃધ્ધ કેલિફોર્નિયા રાજ્યના બે એરિયામાં આઈટી ટેકનોક્રેટ તરીકે તરીકે જોબ કર. પ્રેમાળ મમ્મી ઘરે નવી વાનગીઓ બનાવે અને ઢીંગલી જેવી દીકરી સાથે રમે. ગીતો ગાય, ઘરમાં નવું નવું ડેસ્કટોપ આવે. હજુ ઈન્ટરનેટની પા-પા પગલી, ગૂગલ,  વિન્ડોઝ નવું નવું. સોશ્યલ નેટવર્કનું અસ્તિત્વ જ નહિ. બધા કૂતુહલથી નવા મહેમાન સાથે ય રમે,  ને ભમેરમે.


દીકરી ખેલતીકૂદતી મોટી થતી ગઇ. આસપાસની દુનિયા પણ સહજ સ્વાભાવિક બદલાતી ગઇ. ડેસ્કટોપના લેપટોપ થયા, ડાયરીઓ ઓનલાઇન થઇ. કિલ્લોલથી ઘર ગુંજતું રહ્યું. ઈન, મીન, તીન - સાથે ગેલ કરતા રહ્યા. પપ્પા જરા ખામોશ, મમ્મી  હસમુખી અને વાચાળ.


એક દિવસે કોમ્પ્યુટર સ્ક્રીન પર સર્ચ કરવામાં આવ્યું  કેન્સરનો ઈલાજ. એક એન્ટ્રી પડી કેન્સરના દર્દીને પરિવારે કેમ રાજી રાખવાનો. દવાઓ,હોસ્પિટલના ચક્કર, ટેન્શન, દોડાદોડી, મીઠડી મમ્મી ટીનએજમાં પગ મૂકતી દીકરી અને વ્હાલસોયા પતિને મૂકીને જતી રહી. જીવતી વ્યક્તિ ફોલ્ડર્સમાં સેવ  થઇને ડિજીટલ  મેમરી બની ગઇ.
 

હવે પ્રેમાળ પણ શાંત, ઓછાબોલા પપ્પા માથે દીકરી ઉછેરવાની જવાબદારી એકલપંડે આવી. બાપ-દીકરી બેઉને સરખો જ આઘાત લાગેલો, પોતીકી સ્ત્રી ગુમાવવાનો. પણ બેઉ આ બાબતે બીજાની લાગણી હર્ટ ન થાય, એનું ધ્યાન રાખીને મૌન. આ ય માનવસ્વભાવ છે. આમ કહેતા ફરીએ બધાને, પણ બહુ નજીકના કનેકશન હોય, ત્યાં સામાન્ય સંવેદનનો વિચાર કરી બહુ સુખદુઃખ વ્યક્ત ન કરીએ. એ નાહક પરેશાન થશે એવા ભયે બીમારી કે એવી તકલીફો ય છૂપાવીએ.
 

દીકરી ભણવામાં, દોસ્તોમાં, પિઆનો ક્લાસીઝમાં વ્યસ્ત થતી ગઇ. પિતા મોટા ભાગનું આઈટીનું કામ ઘેરથી જ કરે. ગુડ બાય કહીને છોકરી ઉતાવળમાં પપ્પાએ રેડી કરેલ બ્રેકફાસ્ટ ખાતાંખાતાં ભાગે. એક વાર ફ્રેન્ડ લોકોને ત્યાં જવાની હતી. ગઇ, પણ પપ્પા ભરઊંઘમા હતા ત્યારે મધરાતે એના ત્રણ મિસકોલ આવ્યા. થાકેલ પપ્પાએ મોબાઇલ વાયબ્રન્ટ રાખેલો. કોમ્પ્યુટર એપ પર આવેલ કોલ સંભળાયો નહિ.
 

સવારે આંખો ચોળતા જોયું તો નવાઈ લાગી. સામો કોલ નો રિપ્લાય થયો એટલે વોઈસ મેઈલમાં મેસેજીઝ મૂક્યા. રૃટિન શરૃ થયું. છોકરી ફ્રેન્ડને ત્યાંથી સ્કૂલે ગઇ હશે, એવું માનવામાં આવ્યું. કે પછી બંક મારી ફ્રેન્ડ્સ સાથે હશે.
પણ સાંજ પડતા ભાળ ન મળી એની ચિંતા વધી. ઘરમાં બે જ સભ્યો. એક ગાયબ. બીજા ટેન્શનમાં કહેવું ય કોને ? એક ભાઇ હતો અલગ રહેતો.
તપાસ કરતા ખબર પડી કે દીકરી સ્કૂલે નથી ગઇ. બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે કેમ્પિંગમાં જવાની હતી પણ ત્યા ય નથી ગઇ. પિઆનો ક્લાસીસમાં છ મહિનાથી જતી જ નહોતી, પણ એના રોકડા પૈસા અચૂક ઘરેથી ઉપાડ તરીકે લેતી હતી. સીસીટીવી ફૂટેજમાં આગલી રાત્રે એક પેટ્રોલ પંપ પાસે કારમાં ફ્યુઅલ ભરાવેલું. પછી કોઇ અતોપતો નહિ!

 

પોલીસને ફરિયાદ થઇ. એના મિત્રો વિશે, એની રોજીંદી એક્ટિવિટીઝ વિશે પપ્પાને પૂછાયું. પપ્પા મૂંઝાયા. એક છત નીચે રહેતા હોવા છતાં આવી   કોઇ ઝીણી વિગતો એમની પાસે હતી નહિ. દીકરીના મિત્રોની, એ મિત્રોની બેકગ્રાઉન્ડની બધી દરકાર તો મમ્મી રાખતી, એ તો હવે દુનિયામાં જ નથી. મિસિંગ ગર્લને  ગોતવી  ક્યાં-કેવી રીતે ?
 

પોલીસતપાસમાં નક્કર કડીઓ ન મળતા સ્તબ્ધ પિતાએ 'મારી દીકરી એમ ભાગી જાય એવી નથી' એવા મક્કમ વિશ્વાસથી જાતે શોધખોળ શરૃ કરી. પણ ક્યાંથી ? દીકરીના લેપટોપમાંથી, પોતાના અને પત્નીના સેવ કરેલા જૂના ડેટામાંથી. અમુક ટેકનિક અજમાવી કુશળ ટેકનોક્રેટ પપ્પાએ પુત્રીના સોશ્યલ એકાઉન્ટસ ખોલ્યા. ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વિડિયો બ્લોગિંગ યુકાસ્ટ, એ કોની સાથે વાતો કરતી, શું જોતી કે પોસ્ટ કરતી એનો રિસર્ચ શરૃ કર્યો. એમાંથી મળતા કોન્ટેક્ટસ મુજબ કૉલ કરી ભાળ મેળવવાની કસરત શરૃ કરી!
 

આ છે પ્લોટ. ગુજરાતી ફિલ્મ જેટલા બજેટમાં બનીને અમેરિકામાં ધૂમ મચાવનાર હોલીવૂડ ફિલ્મ 'સર્ચિંગ'નો! સર્ચિંગ વેબ પર જ નહિ, રિયલ લાઇફમાં ખોવાયેલ સ્વજનનું. અદ્ભુત અદ્ભુત અદ્ભુત ત્રણ વાર ટીવી રિયાલિટી શોના જજની માફક બોલવું પડે, એવી ફિલ્મ. જડબેસલાક. વન ઓફ ધ બેસ્ટ મિસ્ટ્રી થ્રિલર એવર મેઇડ.
 

પહેલી નજરે લાગે કોઇ હેન્ડહેલ્ડ કેમેરાથી શૂટ થએલી ટિપિકલ ફિલ્મ હશે. જેમાં સાઇબર એડિકશન કે ટીનએજ ડ્રગ્સ-સેક્સ એવી વાતો હશે.પણ જુઓ તો તમામ અનુમાનો ખોટા પડે એવી લાજવાબ થ્રિલર. શરૃઆતમાં એ લેખમાં વર્ણન કર્યું એ ૧૬ વર્ષ માત્ર સાત જ મિનિટના કોમ્પ્યુટરમાં સેવ થતાં મોન્ટાજરૃપે એવા દર્શાવ્યા છે કે તત્કાળ પાત્રો સાથે કોઇ ડાયલોગ્સ વિનાજ માયા બંધાઇ જાય! પછી આ સર્ચ ધ ડૉકટરનો પ્લોટ હળવેક રહીને શરૃ થાય કે પ્રેક્ષકનો નાસ્તો ય ખોળામાં એમ જ પડયો રહે ને બાથરૃમ પણ દબાવી બેઠો રહે! છતાં કોઇ ધૂમધડાકાવાળું એકશન નહિ. લોહીના ફુવારા ઊડાડતી હીરોગીરી નહિ. લાઉડ ભાષણબાજીના મેલોડ્રામા નહિ.
 

સ્લીક સટીક માવજત. એકબાજુ ગાઢ થતું જતું રિયાલીસ્ટિક રહસ્ય. બીજી બાજુ એા માધ્યમે વગર કહ્યે પણ કહેવાતી ઘણી રસપ્રદ - સોશ્યલ એન્ડ સેન્ટીમેન્ટલ કોમેન્ટ્સ. કમાલના કસબથી થયેલ ગૂંથણી. ધારો એનાથી અલગ બને.   અને ડબલ ટ્વિસ્ટ ધરાવતો રેર ક્લાઇમેક્સ. છેલ્લા સીન સુધી દર્શકને પાત્ર બનાવીને ઈન્વોલ્વ્ડ રાખે!
 

બોક્સ ઓફિસ પર કમાણી અને જગતભરના વિવેચકોએ પણ વખાણી એવી આ ફિલ્મ 'સર્ચિંગ' ઓફ કોલોજીયન લાગતા દૂધમલ યુવાનનું સર્જન છે. એના ઑવરનાઇટ જાણકારોના ફૉકસમાં આવીને સેલિબ્રિટી સ્ટેટસ પર પહોંચી ગયેલ તરવરિયો યુવા રાઈટર-ડાયરેક્ટર છે માત્ર ૨૭ વર્ષનો ભારતીય મૂળનો અમેરિકન જુવાનિયો અનીષ ચગંતી.
 

અનીષ ચગંતી મૂળ તેલુગુભાષી પરિવારનો. પણ મોટો થયો અમેરિકામાં. પપ્પા-મમ્મી ત્યાં. પણ દાદા-દાદી હૈદરાબાદ. દર વર્ષે વેકેશનમાં હૈદ્રાબાદ આવે. એના હિન્દુસ્તાની ઘર નજીકની ખાણીપીણીની જગ્યાઓ ય એને ખબર છે. સર્ચિંગ પરિવારના સદસ્યોને બતાવવા હૈદ્રાબાદ પણ આવી ગયો હમણાં. ટૂંકમાં હાઇ-ટેક અમેરિકન થયો, પણ 'હાઇબ્રો' (ઓહ શિટ, ઈન્ડિયા ઈઝ સો ડર્ટી, ફૂડ ઈઝ  સો સ્પાઇસી ટાઇપ!) એનઆરઆઈ  ન થયો!
 

અનીષના પપ્પા તો મિતભાષી. પણ મમ્મીને ફિલ્મોનો જબરો ક્રેઝ. અનીષ અને એના ભાઇને શુક્રવારે સ્કૂલમાંથી વહેલા તેડી આવીને ય ફિલ્મો જોવા જાય. ઘેર પણ એની વાતો ચાલુ. મમ્મીની કંપનીમાં દીકરો ય સિનેદીવાનો બનતો ગયો. તમામ પ્રકારની ફિલ્મો જોવે. તેલુગુ, તમિલ, મલયાલમ પણ પપ્પાને લીધે. અને બૉલીવૂડ મમ્મીને લીધે ને હૉલીવૂડ અમેરિકન દોસ્તોને લીધે.
 

એક વાર નાનો હતો ત્યારે ઘેર મેગેઝીન આવેલું. એમાં સિમ્પલ સ્ટોરીટેલિંગમાં ટ્વીસ્ટેડ એન્ડિંગવાળી 'સિક્સ્થ સેન્સ' ફિલ્મથી ત્યારે હૉલીવૂડમાં છવાઇ ગયેલા મનોજ નાઈટ શ્યામલાનનો લેખ હતો. એ ફોટો જોઇ અનીષને થયું કે તો-તો આપણે ય ઈન્ડિયન અમેરિકન તરીકે ફિલ્મમેકર બની શકીએ! (પોઝિટિવ પ્રેરણા અમુક વાંક અદેખાની નિંદા છતાં ય ફેલાવતી રહેવી જોઇએ. ક્યારે કઇ બાબત કોને ક્લિક થઇને એની જીંદગી બનાવી દે, એ નક્કી નહિ!) મોટો થઇ ૧૯ વર્ષે અનીષ ફિલ્મસ્કૂલમાં જોડાઇ  ગયો.  પછી ૨૦૧૪માં ભારત આવી  એક શૉર્ટ ફિલ્મ બનાવી  રીડ્સ.


જે ખરા ટેલેન્ટેડ હોય છે, એમને કોઇને પોતાની કળાની કદર કરવા માટે કાકલૂદી નથી કરવી પડી. એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રતિભાશાળીઓના સર્જનમાં પહેલેથી જ એવી કશીશ હોય છે કે સામેથી એમની નોંધ લેવાતી જાય. અનીષનું હીર પારખી કેલિફોર્નિયા બે એરિયામાં જ હેડક્વાર્ટર ધરાવતી કંપની ગૂગલે પોતાની એડ ફિલ્મ્સ બનાવવા એને સામેથી તેડું આપી ઊંચકી લીધો. અનીષને એમાં ટેકનોલોજીનું 'રસોડું' ક્લોઝ અપમાં જોવા મળ્યું. એને થયા કરતું કે, આપણે ત્યાં કાયમ લેખકો, ફિલ્મ-ટીવી મેકરો બધા પંતુજીની અદામાં ડિજીટલ દુનિયાના પરિવર્તનોથી ફફડીને એને કોઇ 'મોન્સ્ટર' જ ચીતરે છે. પણ સાવ 'બ્લેક મિરર' જેવી સિરિયલમાં દેખાડાય એવી શેતાની શક્તિ આ નવતર ટેકનોલોજી નથી. હથોડાથી ખૂન પણ થાય. પણ હથોડી એના માટે બની નથી, અને એવા અપવાદો સિવાય એનો એ કાયમી ઉપયોગ હોતો પણ નથી!


આ સેન્ટ્રલ થીમ કહી શકાય એમ અનીષે વાર્તા લખી. પણ ભલભલા સર્જકો ગોથું થાય છે, એ એણે ન ખાધું. કોઇ ચોક્કસ ટેકનીકના પ્રદર્શન માટે કહાની રચવાને બદલે એક કોન્ટેમ્પરરી સસ્પેન્સફુલ ઓરિજીનલ સ્ટોરી લખી, એ કહેવા માટે ટેકનીકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એની નેમ એ હતી કે  ડિજીટલ વર્લ્ડમાં પરોવીને શેરલોક હોમ્સ જેવી રહસ્યકથા મૂકવી. (ફિલ્મમાં એક જગ્યાએ જોન વૉટસન નામ ધ્યાનથી જોનારાને દેખાઇ આવશે!) જેની સજા એના ડિટેઇલિંગમાં હોય. ભેદભરમનો તાગ ઉકેલવા માણસ શું સર્ચ કરે ? મૉર ડિટેઇલ્સ, મૉર ઈન્ફર્મેશન. માટે ફિલ્મના પ્રોટેગનીસ્ટ સાથે  પ્રેક્ષકને  પણ એ કડીઓ સર્ચ કરવામાં સામેલ કરવો.


જો કે, ઓરિજીનલ કથા તો એણે પ્રોડયુસર ફ્રેન્ડ રોવ સાથે મળી આઠ મિનિટની શૉર્ટ ફિલ્મ તરીકે વિચારેલી. એમાં ફાઇનાન્સ શોધવા મળવા ગયા, અગાઉ ઓનલાઇન વિશ્વ પર 'અનફ્રેન્ડેડ' નામની હોરર ફલ્મ બનાવી ચૂકેલ નિર્માતાઓને. એમને વાત જ એટલી ગમી ગઇ કે સામેથી કહ્યું ''આને ફુલ લેન્થ ફીચર ફિલ્મ બનાવો. પૈસા અમે રોકીશું!'' અનીષે કામ શરૃ કર્યું. ફિલ્મનું દુનિયા માટેનવતર સ્ટોરીટેલિંગ એ હતું કે મોટાભાગની કથા કોઇ ને કોઇ ડિજીટલ ડિવાઇસ કે એપ્લીકેશનના સ્ક્રીન પર જ રજૂ થાય છે, ખૂલે છે! શૂટિંગ તો ૧૩ જ દિવસનું હતું! પણ એને ફરતી સૃષ્ટિ કરવાનું કામ બ વર્ષનું હતું! એક્ટર્સને સમજાવવા અનીષે ખુદ એનો વિડિયો પોતે એકટિંગ કરી શૂટ કર્યો. પરિવાર ચાઇનિઝ અમેરિકન બતાવ્યો.


મોટે ભાગેએશિયન કેરેકટર હૉલીવૂડ મેઇનસ્ટ્રીમમાં શોપીસ હોય છે. ડેકોરેશન આઇટેમ. કે પછી એમની કલ્ચરલ કહાણીઓ હોય. અનીષે ટીનએજ કોમેડીઝ અમેરિકન પાઈ, હેરોલ્ડ એન્ડ કુમારથી જાણીતા બની સ્ટાર ટ્રેકમાં ચમકેલા મૂળ કોરિયન એવા જોન ચોને સાઇન કર્યો, ત્યારે કેરેકટર ક્લીઅર હતું અને ચાઇનીઝ ફીચર્સ ધરાવનાર 'અમેરિકન' છે. અમેરિકન છાંટમાં બોલતાં કે કપડાં પહેરતો ચાઈનીઝ નહિ. ડિટ્ટો ઈન્ડિયન  અમેરિકન અનીષ.અનીષના સ્ટોરીટેલિંગની ખૂબી એ છે કે ફિલ્મમાં સતત કોઇ મોબાઇલ કે ટેબ / પેડના સ્ક્રીન જ નથી રહેતા. એની જોડે એક ચહેરો મોટે ભાગે હોય છે. પપ્પાનો, પોલીસ ઓફિસરનો.. વોટએવર. જેથી ફિલ્મ માત્ર 'મીક' કહેવાતા ટીન્સને જ અપીલ કરે એવી ન બને. કોઇ પણ ઉંમર કે દેશનો માણસ એને માણી શકે. એમાં જીવનનો ધબકાર ઝીલાય. પબ્લિકની આંખનું સ્થાન કેમેરા  લઇ લે.


અનીષે ખોવાયેલ છોકરીના સર્ચિંગમાં સેલ્ફનું સોલ સર્ચિંગ થાય એવી વાતો ય ગૂંથી લીધી છે. નોર્મલ સંબંધ કે મિત્રતા ધરાવનારને પણ પબ્લિક સામે મીડિયા એટેન્શન મળે કે પોતાનું નિકટ પરીચિતપણું જતાવવાના કેવા ધખારા હોય, કે આજના સમયમાં ઊંડા વિચાર વિના જ ઓપિનિયન ફેંક્યા કરતી પબ્લિક કેવી રીતે સમય પ્રમાણે અજાણતા જ મૂડ બદલી નાખે... ઓનલાઇન વર્લ્ડમાં ઓળખ છૂપાવીને કેવું ફિશીંગ થતું હોય, પેરેન્ટિંગમાં શું ધ્યાન રાખવું ને શું મુસીબતો છે, આજના ટીનેજર્સને કયો સંતાપ, કયો ખાલીપો સતાવે છે. એ વીડ યાને ડ્રગનો નશો ય કરનાર હોય ને દિલ ખોલીને ચેરિટી કરનાર પણ હોય, એ કોઇ સુંદર કુદરતી જગ્યાએ પોતીકું એકાંત પણ શોધે, અને કોઇ કવિતામાં દર્દની પહેચાન પણ! આજની પેઢી સિંગલ કલરની નથી કે એના પર સહેલાઇથી ડાયરેક્ટ જજમેન્ટ આપી શકાય. એને સમજવા આસાન નથી.


ફિલ્મમાં પિતા એક તબક્કે વ્યથાથી બોલી જાય છે 'કદાચ હું મારી દીકરીને પુરી ઓળખતો નથી.' એ વાત વણી લેવાઇ છે કે દરેકને પોતીકી સ્પેસને આઇડેન્ટીટી મળે છે. ને એ ય કે  પોતાનાઓની હૂંફ સાથે એમને જરૃરી વાતોનું શેરિંગ કરવું જરૃરી છે. નાદાનીમાં ક્યારેક ખોટા ભટકાઇ પણ જવાય.


પણ સૌથી અગત્યની વાત એ છે કે એક બાપની લાગણી, એની તડપ, એની મહેનત અને એને લીધે એકચિત્ત એકાગ્ર થતી એની બુદ્ધિ એનાં બખુબી રોનાધોના વગર ગળે ડૂમો બાઝે એમ દેખાડાઇ છે. અને ટેકનોલોજીના સારાં-નઠારાં બંને પાસા કોઇ ફતવા ફરમાન વિના રજુ કરાયા છે. બ્લૂમ એન્ડ ગ્લૂમ બેઉ મૂકાયા છે. ટેકનોલોજી માણસને ગૂંચવાડે ચડાવે છે, તો એની જ મદદથી એ ગૂંચવાડા ઉકેલી પણ શકાય છે. એ જીંદગીની એક સ્લાઇસ છે. પણ આખી જિંદગીના  સગડ ઓનલાઇન ડેટામાં છૂપાયેલા  પડયા છે.


'દ્રશ્યમ' કે 'કાઇરો' (૨૦૦૧, કોરિયા)ની યાદ અપાવતી આ ફિલ્મ બનાવ્યા બાદ અનીષ હવે ઈન્ટરનેટ વિનાની મધર-ડૉટરની ડાર્ક થ્રિલર 'રન' બનાવવામાં બિઝી છે. પણ ઓવરરેટેડ .... કરતાં નોલીનની જેમ એણે એના આદર્શ સ્ટીવન સ્પીલબર્ગ અને આલ્ફ્રેડ હિચકોક જેવી લાંબી રેસની ટેલન્ટ દેખાડી છે. મણિ રત્નમ અને સંજય ભણસાલીની ફિલ્મોને ય પ્રેમ કરતો અનીષ કહેછે કે હૉલીવૂડ - બૉલીવૂડ ફિલ્મ પણ ક્યારેક બનાવીશ. મિશન ઈમ્પોસીબલ જેવી હેદરાબાદમાં શૂટ કરીને!

 

ઝિંગ થિંગ
''મૃત્યુની અસર એટલી તીવ્ર હોય છે કે આપણે લાગણી વધુ હોય ત્યાં એ છુપાવીએ છીએ'' (અનીષ)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtR7QLCXm88LDYeGLL%3DynjX7mChqEE5kzKYtbmUUYquag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment