Friday, 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિવિધા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિવિધા!
ભવેન કચ્છી
 

 

પાકિસ્તાને મહોર લગાવી જાણે ભારતને પડકાર ફેંક્યો 'પાકિસ્તાનની ટપાલ પર આતંકવાદીઓની સ્ટેમ્પ'હા અમે જ કાશ્મીરમાં આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર'',

 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આવતા સાથે જ તેનો અસલી ચહેરો બતાવી દીધો છે. મુશર્રફ કે નવાઝ શરીફને પણ તે સજ્જન કહેવડાવશે તેવી કુંડળી તેણે પોતે જ માંડી દીધી છે.

 

ઈમરાને જે શઠવૃત્તિ બતાવી છે તે ટીપીકલ પાકિસ્તાની બ્રાન્ડ છે.

 

એક તરફ તે વડાપ્રધાન મોદીને મિત્રતાનું વાતાવરણ સર્જવા માટે હાથ લંબાવે છે અને બીજા હાથથી કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેનાના હાથે ઠાર થયેલા હિઝબુલ મુજાહિદીન જેવા આતંકવાદી સંગઠનના કમાન્ડો બુરહાન વાનીની ''આઝાદીના હીરો'' ટાઇટલ સાથે પોસ્ટલ સ્ટેમ્પનું જાણે વિમોચન કરે છે. કરાચીના પોસ્ટલ વિભાગે એક બે નહીં પૂરી ૨૦ ટપાલ ટિકિટની સીરીઝ આઝાદીના અમર લડવૈયા તરીકે બહાર પાડી.

 

હદ તો એ થઈ કે આ ૨૦ ટપાલ ટિકિટમાં એવા મૃતકોને પણ શહીદ તરીકે અમર બનાવાયા છે જેઓ કાશ્મીરના નાગરિક હતા અને ભારતીય સેના કે જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીનો ખાતમો બોલાવવાની કાર્યવાહી દરમ્યાન માર્યા ગયા હતા.

 

પાકિસ્તાનના ઈતિહાસમાં હજુ સુધી એક પણ વડાપ્રધાન કે લશ્કરી શાસનના વડાએ ઈમરાન જેવી હલકાઈ કે નિચ(લા) સ્તરની પ્રતિતી નથી કરાવી.

 

પાકિસ્તાન પાસે આમ પણ કલા, વિજ્ઞાાન, સાહિત્ય, સંશોધન, શિક્ષણ અને રમતની દુનિયાના કોઈ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરના રોલ મોડેલ નથી ત્યારે ઈમરાન ખાન કે જે ઓક્સફર્ડમાં અભ્યાસ કરવા ઉપરાંત કદાચ પાકિસ્તાનમાં સૌથી રિફાઈન્ડ અને વિશ્વ સંસ્કૃતિનો વિહારી છે તેની પાસેથી 'નયા પાકિસ્તાન'ની અપેક્ષા હતી તેની જગાએ તેણે પાકિસ્તાનની ૬૦ ટકા યુવા વસ્તીને એવી પ્રેરણા આપી છે કે તમારે પાકિસ્તાનના ઐતિહાસિક હૃદય સમ્રાટ કે પાકિસ્તાન રત્ન બનવું હોય તો કાશ્મીર સરહદના આતંકવાદી બનો.

 

કાશ્મીરના નાગરિકોની સહાનુભૂતિ ઝીલવા અને અમે તમારૃં બલિદાન એળે નહીં જવા દઈએ તેવી લાગણીનું મોજું ઉભું કરવા પાકિસ્તાન ભારતના (કાશ્મીર) નાગરિકની ટપાલ ટિકિટ બહાર પાડે તે તો અક્ષમ્ય હલકાઈ કહેવાય.

 

ઈમરાન ખાને આ ટપાલ ટિકિટ બહાર પાડી ભારત અને વિશ્વ સમક્ષ નિલર્જજતાથી સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીરમાં અને ભારતમાં ભારતીય સેના, પોલીસ અને નાગરિકો પર જે પણ આતંકવાદી હુમલા થાય છે તે સંગઠનનું નામ કોઈ પણ હોય તેને પાકિસ્તાનનો સહયોગ અને પીઠબળ છે. હિઝબુલ હોય કે હફીઝ સઈદ અમારા જ પીઠ્ઠુઓ છે થાય તે કરી લો.

 

અત્યાર સુધીના પાકિસ્તાનના વડાપ્રધાનો ક્યારેય એવો એકરાર નહતા કરતા કે જમ્મુ-કાશ્મીર સહિત ભારતમાં થતા આતંકવાદી હૂમલા પાછળ અમારો હાથ હોય. આ જ કારણે ભારત પાકિસ્તાન પર સીધો હુમલો, સ્ટ્રાઈક કે યુદ્ધ જાહેર નથી કરી શકતું. વિશ્વના કાજીઓ પણ બૂમાબૂમ કરે કે ''આતંકવાદીઓની સામે લડો પાકિસ્તાન સામે નહીં, તેઓ ઘટનાક્રમમાં સામેલ નથી.''

 

હવે ઈમરાનખાને ભારતના વડાપ્રધાન મોદીને શતરંજની ભાષામાં કહીએ તો સીધો જ 'ચેક' આપીને આહવાન આપી દીધું છે કે ''કાશ્મીર નામના રાજાને બચાવો, વળતો હુમલો કરી અમને તાકાત હોય તો મહાત આપો નહીં તો હાર સ્વીકારી લો. સંકજો અમારા દ્વારા કસાયેલો છે. તમામ આતંકવાદી સંગઠનો અમારા પ્યાદા છે બોલો શું કરી લેશો ?''

 

ટપાલ ટિકિટના અનાવરણ પછીના દિવસોમાં જ ભારતના સૈનિકનું ધડ પાકિસ્તાનની સેનાએ વાઢી નાંખેલી હાલતમાં મળી આવ્યું. ત્રણ પોલીસ ઓફિસરની પણ હિચકારી હત્યા થઈ. છેલ્લા અઠવાડિયામાં જ હિઝબુલે તેમના જૂથના ચાર આતંકવાદીઓને પોલીસની ગિરફતમાંથી છોડાવવા ૧૪ પોલીસ ઓફિસરો અને તેમના સગા-સ્નેહીઓને બંધક બનાવીને પોલીસ વિભાગને આતંકવાદીઓને મુક્ત કરવા ફરજ પાડી હતી. આ સમગ્ર ઓપરેશનમાં આતંકવાદીઓનો હાથ ઉપર રહ્યો અને તેઓને સફળતા મળતા તેઓનો જુસ્સો બેવડાયો.

 

જમ્મુ-કાશ્મીર પોલીસને હિઝબુલે ખુલ્લેઆમ ધમકી આપતી વિડિયો જારી કરી છે કે તમે પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દો. જો તેમ નહીં કરો તો મોતનો સામનો કરવા તૈયાર રહેજો.

 

આ સમગ્ર ઉપક્રમમાં કામગીરીની રીતે કાચા પૂરવાર થયેલ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા ડીજીપી વેદને તેમના હોદ્દા પરથી ખસેડી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને દિલબાગ સિંઘને રાજ્યના પોલીસ વડા બનાવાયા છે. આવી નિમણુંકથી પોલીસ વિભાગના જુસ્સામાં ખાસ કોઈ ફર્ક નથી જણાયો.

 

જુદા જુદા જિલ્લાઓમાંથી પોલીસ અફસરોએ આતંકવાદીઓથી ડરીને કે ભયથી ફફડતા તેમના કુટુંબીઓના દબાણ હેઠળ પોલીસ દળમાંથી વધુ રાજીનામા આપવા માંડયા છે. આતંકવાદી જૂથો હવે તેઓને ટાર્ગેટ ના બનાવે એટલે આ રાજીનામા પણ વીડિયો પોસ્ટ કરીને જાહેર નિવેદન તરીકે મુકવામાં આવે છે.

 

ઇમરાન ખાન આવા ઘટનાક્રમ છતાં ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય જોડે ન્યુયોર્કમાં યોજાનાર યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દરમ્યાન વાતચીત જારી રાખવી જોઈએ તેવો આગ્રહ કર્યો હતો.

 

હવે જ્યારે કેન્દ્ર સરકારે શરૃમાં સંમતિ વ્યક્ત કરીને પછીથી પ્રસ્તાવનો ઇન્કાર કરતા ઇમરાન ખાને વડાપ્રધાન મોદી પર જ આક્રમણ કરતા આ વર્તનને તૂમાખીભર્યું તો ગણાવ્યું જ પણ સાથે અપમાનજનક ટીપ્પણી પણ કરી કે મેં મારા જીવનકાળમાં મોટી જવાબદારી ધરાવતી ખુરશી પર સાવ તુચ્છ કહી શકાય તેવા નાના માણસોને સારી એવી માત્રામાં જોયા છે.

 

ભારતમાં લોકસભાની ચૂંટણી ગણતરીના મહિનાઓ જ દૂર છે. ભારતીય નાગરિકના એક માથાની સામે દુશ્મનોના દસ માથા વાઢીને જવાબ દઈશું તેવો હૂંકાર ૨૦૧૪ના ચૂંટણી પ્રચાર કરીને સત્તા મેળવનાર મોદી મોંઘવારી, પેટ્રોલ અને ડોલર સામે રૃપિયાના મૂલ્યની શતક તરફ જવાની જાણે સ્પર્ધા, રાફેલ સોદામાં પીએમ ઓફિસની વિવાદાસ્પદ સંડોવણી, ખેડૂતોની તારાજી, બેકારી અને નોટબંધીની નિષ્ફળતા પર જીએસટીનો લમણા ઘા જેવા વિવાદોથી ઘેરાયેલા છે. તેવામાં કાશ્મીર સમસ્યા વકરતી જાય છે. આ જ તક જોઈને ભારતીય સેનાના જુસ્સાને તોડવાનો પાકિસ્તાન પ્રેરિત સુવ્યવસ્થિત કારસો રચાઇ ગયો છે.

 

ઇમરાન ખાન ક્રિકેટની જેમ રાજકારણનો પણ ખંધો ખેલાડી પૂરવાર થયો છે. તેણે ભારતમાં લોકસભાની ચૂંટણી અને મોદી જે રીતે વિવિધ પડકારોથી ઘેરાયેલા છે તે જોઇને આબાદ બોલ ફેંક્યો છે. ભારતમાં સત્તા પલટો થાય તે  પણ પાકિસ્તાન ઇચ્છતું જ હોય તે સ્વાભાવિક છે.

 

જો ભારત આગામી બે-ચાર મહિનામાં પાકિસ્તાનને અસાધારણ જવાબ નહીં આપે અને આ રીતે થોડા દિવસોના અંતરે ભારતના સૈનિકો કે જમ્મુ-કાશ્મીર પોલીસના કર્મીની હત્યા થતી રહેતી હશે તો મતદારો ભારે હતાશા સાથે નારાજગી વ્યક્ત કરી શકે તેમ છે.

 

ખરેખર તો પાકિસ્તાનને ભીંસમાં લેવાનો ભારત માટે આ શ્રેષ્ઠ સમય છે કેમ કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પોતે જ માને છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ડામવામાં નિષ્ફળ (જાણી જોઇને નિષ્ક્રિય) રહ્યું છે. ઉલટુ અમેરિકા દ્વારા વર્ષોથી ફંડ આપવામાં આવે છે તે આતંકવાદી સંગઠનો તરફ ફંટાતુ હોય તેવી શંકા જન્મે છે. હવે અમેરિકાએ આ ફંડ બંધ કરવાની જાહેરાત કરી છે.

 

ટ્રમ્પ એટલું તો જાણે જ છે કે ભારત કપટી અને ઘાતકી બનવાના કુસંસ્કાર તો નથી જ ધરાવતું. ભારત કાશ્મીર સરહદની પેલે પાર સર્જીકલ સ્ટ્રાઇક કે મોટો હૂલમો કરીને પાકિસ્તાનને કરારા જવાબ આપે તો અમેરિકા કે યુરોપિયન દેશો તેમાં માથું ના જ મારે.

 

ભારત અને પાકિસ્તાન બંને દેશોએ પરમાણુ શસ્ત્રથી સજ્જ છે તેથી યુદ્ધ ના પરવડે તેવું એક જ કારણ આગળ ધરી દેવાનું હોય તો પછી એમ જ સમજવું રહ્યું કે ભલે નિયમિત રીતે આપણા નાગરિકો, સેનાનીઓ, પોલીસ કર્મી શહાદત વહોરતા રહે અને વળતા જવાબ તરીકે આપણે આતંકવાદીઓના ઢીમ ઢાળીએ....

 

બસ સિલસિલો આમ જ અનિયતકાળ સુધી જારી રહેશે.

 

''અમે શહાદત વહોરતા રહીશું પણ કાશ્મીર તમને નહીં આપીએ'' તે જ ટેગ લાઇન રહેવાની હોય તો દેશના નાગરિકો તેમાં આપણી કાયરતાના દર્શન કરે તે સ્વાભાવિક છે.

 

જો આ જ રીતે તમામ પડકારોના મુક સાક્ષી બનતા રહીને આગામી એપ્રિલ-મે મહિના સુધી ગાડુ ગબડાવવાનું હોય તો ભાજપ ચૂંટણી રેલીને કયા હોટ તોપગોળાઓ સાથે સંબોધશે તે જોવું રસપ્રદ નીવડશે. વિરોધ પક્ષોમાં એકતા જળવાશે નહીં. વિરોધ પક્ષો કે કોંગ્રેસમાં કોઇ સબળ વડાપ્રધાનનો ઉમેદવાર જ નથી તેથી આપણે જ ફરી ચૂંટાઈશું તેવા નકારાત્મક વલણ સાથે સત્તા પર બેસવાનો આત્મવિશ્વાસ ધરાવવો તે ઉપલબ્ધી તો નહીં જ મનાય...

 

સત્તા કેન્દ્રી બનવા કરતા પડકારોનો જવાબ આપવો તે જ દેશના ભાવિને સુખદ વળાંક પર લઈ જઈ શકે તેમ છે.

 

કાશ્મીર સમસ્યાની કોઇ ચોક્કસ નીતિ જોઇ નથી શકાતી. પાકિસ્તાન આતંકવાદી હૂમલા કરવા જ તે એજેન્ડામાં જેટલું સ્પષ્ટ છે તેમ ભારત પ્રોએકટિવ નથી જણાતું.

 

તેમાં પણ કાશ્મીરના પોલિસ દળની કમર તોડી નાંખવાની જે મેલી રમત પાકિસ્તાને પ્રારંભી છે તે ખતરનાક પૂરવાર થાય તેમ છે. જમ્મુ-કાશ્મીરમાં પોલીસના ભારતીય સેનાનો સાથ મળવો બંધ થઈ જશે તો પાકિસ્તાન બીજા તબક્કે જમ્મુ કાશ્મીરના નાગરિકોને 'આર યા પાર' માટે ઉશ્કેરશે.

 

ઇમરાન ખાનને ફૂલ ટાઇમ 'મિશન કાશ્મીર' સિવાય કોઇ કામ ધંધો જ નથી કેમ કે પાકિસ્તાન બીજા કોઇ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે શિક્ષણ અને સંસ્કૃતિ વિકાસનો સ્કોપ ના હોય તેવું 'ફેઇલ્ડ સ્ટેટ' બનતું જાય છે.

 

નવાઝ શરીફ અને તેની પુત્રીને લાહોરની હાઇકોર્ટે જેલ મુક્ત કરતા ઇમરાન ખાન અંદરખાનેથી ગભરાઇ ગયો છે. કેમ કે નવાઝ શરીફ બહુ ઝડપથી પંજાબ પ્રાંતમાં તેનો પુન: સિક્કો જમાવી શકે તેમ છે. ઇમરાનની સરકાર ટર્મ દરમ્યાન તેને ઉથલાવી ન જાય તે ભય હેઠળ છે. ખરેખર તો તે જ નિમ્ન ગુણવત્તાનો શાસક મોટી ખુરશી પર બેઠો હોય તે સ્તરનો છે.

 

પાકિસ્તાનની સેનાની નજરમાં વસેલા રહેવા માટે તેણે ભારત સામે પ્રોક્સી વોર અને સસ્તા નિવેદનો કર્યા સિવાય બીજો કોઇ આરો નથી.કમનસીબે ઘરઆંગણે સોશ્યિલ મીડિયામાં પ્રચારાત્મક રીતે સુપર દેખાવ કરતું ભાજપ કાશ્મીરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનને વિશ્વસ્તરે ખુલ્લા પાડવામાં નિષ્ફળ નિવડયું છે.

 

તેની તુલનામાં પાકિસ્તાન હ્યુમન રાઇટસથી માંડી વિશ્વમાં વીડિયો ક્લિપિંગ્સ વહેતા કરીને એવી હવા ઉભી કરી શકયું છે કે ભારતીય સેના અને પોલીસ કાશ્મીરના નિર્દોષ નાગરિકો પર પાશવી અત્યાચાર કરે છે.

 

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે યુનાઇટેડ નેશન્સમાં જ પેલેટ ગનથી અંધ બનેલા કાશ્મીરી નાગરિકોની વીડિયો બતાવવા સાથે વિશ્વ મંચ સમક્ષ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું તે યાદ હશે.

 

આપણે ઘર આંગણે ચૂંટણી સભા ગજવીએ છીએ પણ વિશ્વ સમક્ષ પાકિસ્તાનને બેનકાબ નથી કરી શકતા. ભારતે પાકિસ્તાનને જવાબ આપતાં આપણા શહીદ સેેનાનીઓની ટપાલ ટિકિટ બહાર પાડવી જોઈએ.

 

પાકિસ્તાનની એવી યોજના હોઇ શકે કે આ જ રીતે કાશ્મીરના નાગરિકોને ભારત વિરોધી, ભારતીય સેનાની સામે કરી દેવી અને આંતરયુદ્ધ સર્જવું. જેનો પડઘો ચીન જેવો દેશ ઝીલીને કાશ્મીરના નાગરિકોનો લોકમત માન્ય કેમ ના રખાય તેવી હવા ઉભી કરે.... વિશ્વના કાજીઓ આ વિવાદ ઉકેલવામાં જોડાય અને કંઇક 'વિન-વિન' જેવી સ્થિતિ પહેલા તબક્કે સર્જાય.

 

ઇન્ટરનેશનલ પીસ કિપિંગ ફોર્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના સેનાનીઓ કાશ્મીરમાં ચોકી કરવા મોકલાય એટલે ભારતનો કેસ બગડવા માંડે. અમેરિકાએ જેમ તેની તાકાતથી ઇરાક કે અફઘાનિસ્તામાં કરી બતાવ્યું તેવું સાહસ ભારતે કરવું રહ્યું... 'મિશન જગદ્ગુરુ' બનવા.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtWhZyN3DP4wfA%3DTM9ft-Mk4cOWUF6RqHPF3BMbfSWx5w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment