Friday 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમે ટેકનોલોજીને ચાહો છો કે ધિક્કારો છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે ટેકનોલોજીને ચાહો છો કે ધિક્કારો છો?
શિશિર રામાવત

 

 

કમ્પ્યુટરનું નામ પડતાં જ થરથર કાંપવા લાગતા કે નવાં ટેક્નોલોજિકલ ઉપકરણોને જોઈને મુર્છિત થઈ જતા લોકોએ રોન મેકકેલમ નામની જન્મજાત અંધ એવી ઓસ્ટ્રેલિયન વ્યક્તિ પાસેથી ઘણું શીખવા જેવું છે.

ત્રણ-ચાર વર્ષનો એક છોકરો એની મમ્મીની ગોદમાં બેઠો છે. એના બે મોટા ભાઈઓ પણ મમ્મીને વીંટળાઈને બેઠા છે. મમ્મી ચિત્રોવાળી ચોપડી ખોલીને દીકરાઓને રસપૂર્વક વાર્તા કહી રહી છે. સૌથી નાનો ટેણિયો વાર્તાની ચોપડી બન્ને હાથથી ફંફોસે છે, પોતાની નાનકડી હથેળી લીસાં પાનાં પર ઘુમાવે છે. મમ્મી પૂછે છે, "શું કરે છે બેટા?"છોકરો કહે છે, "મમ્મી, તેં હમણાં જે ટાઇગરની વાર્તા કહી એ ટાઇગર કેવો દેખાય છે એ મારે જોવું છે!" મમ્મીના હૃદયમાંથી પીડાનું એક કંપન પસાર થઈ જાય છે. એ કહે છે, "આમ કાગળ પર હાથ ફેરવવાથી તને ચિત્ર નહીં દેખાય બેટા." છોકરો દલીલ કરે છે, "કેમ નહીં દેખાય? મારે પણ ચિત્રો જોવાં છે, મારે પણ ભાઈઓની જેમ વાર્તાની ચોપડીઓ જાતે વાંચવી છે." મા કાળજું કઠણ કરીને,અવાજ હસતો રાખીને કહે છે, "જીદ ન કરાય દીકરા, તું નહીં વાંચી શકે. ભૂલી ગયો, ભગવાને તને આંખો નથી આપી?"


છોકરો અંધ છે. એ અધૂરા મહિને જન્મ્યો હતો. એના સંપૂર્ણ અંધાપાનું એક કારણ આ પણ હતું. મમ્મી સમજાવતી એટલે એ ચૂપ તો થઈ જતો, પણ ત્રણ-ચાર વર્ષની ઉંમરથી જ એક સપનું એની અંધ આંખોમાં આકાર લેવા માંડયું હતું. એક દિવસ હું ચોપડીઓ જાતે વાંચીશ! આ છોકરો પછી મોટો થઈને વકીલ તરીકે આખા ઓસ્ટ્રેલિયામાં નામ કાઢે છે. આગળ જતાં ફુલટાઇમ પ્રોફેસર બનીને કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રિયલ કાનૂન શીખવે છે. એટલું જ નહીં, યુનિવર્સિટી ઓફ સિડનીની લો સ્કૂલનો ડીન સુધ્ધાં બને છે. અંધત્વ અકબંધ રહેવા છતાં એક પછી એક કેટલીય સિદ્ધિઓ હાંસલ કરનાર આ આદમીનું નામ છે, રોન મેકકેલમ. આજે તેમની ઉંમર ૬૯ વર્ષ છે. કુદરતે જિંદગીને તોડી નાખે એવા ઘા કર્યા હોય તોપણ માણસ આ ત્રણ ચીજોને કારણે ચાલતો રહી શકે છે-મનોબળ, અનુકૂળ પારિવારિક માહોલ અને ટેક્નોલોજી.

 

ટેક્નોફોબ નામનો એક શબ્દ છે. ટેક્નોફોબ એટલે ટેક્નોલોજીમાં ફોબિયા (ભય) હોય એવા લોકો. એવા અસંખ્ય ભણેલા-ગણેલા અને શારીરિક-માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ લોકો હોય છે જે કમ્પ્યુટરનું નામ પડતાં જ થરથર કાંપવા લાગે છે. નવાં ગેઝેટ્સ એમને દુશ્મન જેવાં લાગે છે. ટેક્નોલોજીથી જોજનો દૂર રહી તેઓ ખખડી ગયેલી અને આઉટડેટેડ ચીજવસ્તુઓથી ગાડું ગબડાવતા રહે છે. ભલે હેરાન થવું પડે પણ નવી ટેક્નોલોજી નહીં જ અપનાવવાની! આ લોકોએ રોન મેકકેલમે TED Talks કહેલી વાત ખાસ સાંભળવા જેવી છે.


પાંચ વર્ષની ઉંમરે સ્કૂલે જવાનું શરૂ કર્યા પછી રોને બ્રેઇલ શીખવા માંડયું. આંગળીના ટેરવાથી થતાં છ ટપકાંનાં સ્પર્શથી નવી દુનિયા ઊઘડવા માંડી. હાઈસ્કૂલમાં એની પાસે પહેલી વાર ફિલિપ્સનું ટેપરેકોર્ડર આવ્યું. આ કમ્પ્યુટરનો જમાનો આવ્યો એની પહેલાંની વાત છે. પરિવારના સભ્યો અને મિત્રો રીડિંગ મટીરિયલ વાંચી સંભળાવતા. રોન આ બધું રેકોર્ડ કરી લે અને પછી રિવાઇન્ડ કરી કરીને સાંભળ્યા કરે. કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યું ત્યારે સ્થાનિક જેલના કેદીઓ એમને મદદ કરતા! ટેક્સ્ટ બુક્સ અને ટેપરેકોર્ડર જેલમાં મોકલવામાં આવે. કેદીઓ મટીરિયલ વાંચીને, રેકોર્ડ કરીને મશીન પાછું મોકલે. એક કેદીએ તો કહ્યું સુધ્ધાં ખરું, "રોન, તું તારે જેટલું રેકોર્ડિંગ કરાવવું હોય એટલું બિન્ધાસ્ત કરાવજે, અમે અહીં જ છીએ, ક્યાંય જવાના નથી!" જેમને ખુદને ભણવાની ક્યારેય તક મળી નથી એવા અપરાધીઓએ રોનને પોસ્ટ-ગ્રેજ્યુએટ થવામાં ભરપૂર મદદ કરી. રોન મેલબોર્ન જઈને ભણાવવા લાગ્યા. શિક્ષક તરીકે પચીસ વર્ષ ગાળ્યાં. એમની કરિયરનો આધાર જ ટેપરેકોર્ડર હતું. ૧૯૯૦માં એમની પાસે જે ટેપ્સ જમા થઈ હતી એની કુલ લંબાઈ હતી, ૧૮ માઈલ!

 

૧૯૮૭માં રોન પાસે પહેલું કમ્પ્યુટર આવ્યું જે ખાસ અંધ લોકો માટે તૈયાર કરવામાં આવ્યું હતું. નાનકડા ડબ્બા જેવા દેખાતા આ કમ્પ્યુટરનું નામ હતું કીનોટ ગોલ્ડ ૮૪કે. મતલબ કે એમાં ફક્ત ૮૪ કિલોબાઇટ્સ જેટલી મેમરી હતી. આજે આપણા મોબાઇલ ફોનમાં આના કરતાં અનેક ગણી મેમરી હોય છે. દરમિયાન ન્યૂઝીલેન્ડના એક સંશોધકે અંધ લોકો માટે ખાસ સ્પીચ સિન્થેસાઇઝર બનાવ્યું. મતલબ કે તમે જેમ ટાઇપ કરતા જાઓ એ પ્રમાણે આ મશીન બોલતું જાય. રોને લેબર લો અંગેનું એમનું પહેલું પુસ્તક આ મશીન પર લખ્યું. સમયની સાથે નવાં ઉપકરણો આવતાં ગયાં, દષ્ટિહીનો માટે પણ. એક અમેરિકને એવું મશીન બનાવ્યું જે આખેઆખી ચોપડી સ્કેન કરી લે અને પછી કૃત્રિમ અવાજમાં વાંચી સંભળાવે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીમાં રોન એસોસિયેટ પ્રોફેસર હતા ત્યારે ૧૯૮૯માં કોલેજે આ મશીન વસાવ્યું ને રોનના આનંદનો પાર ન રહ્યો. તેઓ હસતાં હસતાં કહે છે, "આ મશીન આવ્યા પછી મારે સજ્જન લોકોની જરૂર ન રહી. હવે મારે કે બીજાઓએ શરમાવાની પણ જરૂર ન રહી! પહેલાં એવું બનતું કે કોઈ મને પુસ્તક વાંચી સંભળાવી આપતું હોય યા તો રેકોર્ડ કરી આપતું હોય ત્યારે અમુક વાંધાજનક શબ્દો, વાક્યો કે આખેઆખા ફકરા સેન્સર કરી નાખતા. આ મશીન આવી ગયું પછી હું તો એ...યને મધરાતે ગમે ત્યારે ઊઠીને કામપ્રચુર વર્ણનોવાળી ચોપડીઓ સ્કેનર મશીનમાં મૂકીને ટેસથી સાંભળી શકતો! એક સમયે આ મશીનનું કદ વોશિંગ મશીન જેવડું હતું. આજે તે સંકોચાઈને લેપટોપ જેવડું થઈ ગયું છે. આજે હું દુનિયાભરની નોવેલ્સ અને બેસ્ટસેલર્સ વાંચી શકું છું અને એ રીતે મારા દોસ્તો સાથે ડિસ્કસ કરી શકું છું."

 

રોનને બહુ જ પ્રેમાળ અને દેખતી પત્ની મળી છે. સરસ સંતાનો છે. ટેડ હન્ટર નામના ઔર એક અમેરિકન પ્રજ્ઞાચક્ષુ પ્રત્યે રોનને ખૂબ માન છે. ટેડ મોટરસાઇકલ રેસર હતો, પણ એક કાર એક્સિડન્ટમાં એની આંખો જતી રહી. અંધ થઈ ગયા પછી એ માણસ વોટર-સ્કીઅર બન્યો! પછી એણે કોઈના સંગાથમાં જોબ એક્સેસ વિથ સ્પીચ (જોઝ) નામનું સોફ્ટવેર બનાવ્યું. આ સોફ્ટવેર થકી અંધજનો ઠીક ઠીક અંશે ઇન્ટરનેટ એક્સેસ કરી શકે છે. તકલીફ એ છે કે બહુ ઓછી વેબસાઇટ્સ જોઝ સોફ્ટવેર સાથે કમ્પેટિબલ હોય છે. રોન એક્ટિવિસ્ટ પણ છે. તેમના પ્રયત્નો હવે વેબસાઇટ ઓનર્સમાં જાગૃતિ ફેલાવવાના છે, જેથી એમની વેબસાઇટ જોઝ થકી ઓપરેટ થઈ શકે. "ઇન્ટરનેટ પર જે માહિતી અને જ્ઞાનનો મહાસાગર ઊછળે છે એનાથી મારા જેવા અંધજનો વંચિત રહી જાય એ કેમ ચાલે?" રોન પૂછે છે.


વિકલાંગતા શું ચીજ છે? જો ૬૯ વર્ષના રોન જેવા લગભગ જન્મ સમયથી સંપૂર્ણ અંધ આદમી જો આટલા ઉત્સાહથી બદલતી ટેક્નોલોજીના તાલ સાથે તાલ મિલાવી શકતા હોય તો સાજાસારા માણસોએ, ખાસ કરીને પચાસ-સાઠ-સિત્તેર વર્ષના પ્રૌઢ લોકોએ કે સિનિયર સિટીઝનોએ શા માટે ટેક્નોલોજીથી ડરીને દૂર ભાગવું જોઈએ?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuA25F8OLC2SUJm-MfzwoJ%2BBGVmiAPk0BOyjMczGbLGVg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment