Thursday 27 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૌલિક સર્જકો એક તરફ છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૌલિક સર્જકો એક તરફ છે, બીજી તરફ છે ઑરકેસ્ટ્રાવાળાઓ અને મિમિક્રી આર્ટિસ્ટો!
સન્ડે મોર્નિંગ-સૌરભ શાહ

"આજગતમાં મૌલિક જેવું કશું હોતું જ નથી. મૌલિકતા એ તો મૂળ સોર્સને છુપાવવાની કળા છે અને અહીંથી ત્યાંથી ઉઠાવીએ એને કંઈ તફડંચી ના કહેવાય.

 

જેઓ ઉઠાવગીર છે, એટલે કે જેમને 'અહીંથી ત્યાંથી ઉઠાવવાની' આદત પડી ગઈ છે તેઓ આવી આર્ગ્યુમેન્ટ્સ કરીને પોતાની તફડંચીને જસ્ટિફાય કરતા રહે છે. તેઓ ઘણી વખત 'પ્રેરણા'ની ક્ધસેપ્ટને ખોટી રીતે વાપરીને કહેતા હોય છે કે, 'મને તો ફલાણામાંથી 'પ્રેરણા' મળી? હકીકત એ હોય છે કે એમણે ફલાણામાંથી તફડંચી કરી હોય છે - કાં તો બેઠ્ઠી ઉઠાંતરી. કાં પછી થોડું અહીંથી, થોડું ત્યાંથી' ચોરી કરવાની સ્માર્ટનેસ દેખાડી હોય છે જેથી કોઈ પકડી ન શકે કે આ માલ મૂળ કોનો છે, ક્યાંથી આવ્યો છે.

 

પ્રેરણા આખી જુદી વસ્તુ છે. કોઈને હરકિસન મહેતાની નવલકથા 'પીળા રૂમાલની ગાંઠ' વાંચીને ઠગ અને પીંઢારાઓ વિશેની પિરિયડ નૉવેલ લખવાનું મન થાય તો એ પ્રેરણા થઈ. પણ 'પીળા રૂમાલની ગાંઠ' જેવો જ પ્લૉટ બનાવીને, એવાં જ પાત્રો - માહોલ - ભાષા વાપરીને, મૂળમાં જે જે પ્રયુક્તિઓ અને વાર્તામાં વળાંકો છે એ રીતની ગૂંથણી કરીને કોઈ નવલકથા લખી નાખે તો એને પ્રેરણા ન કહેવાય, તફડંચી કહેવાય.

 

નાટકો-ફિલ્મોવાળા આવી તફડંચી અનેકવાર કરતા રહે છે. કોઈ ફિલોસોફર કે ચિંતકનું સરસ વાકય ગમી ગયું તો એ ક્વોટેબલ ક્વોટ બદલ મૂળ રચયિતાને ક્રેડિટ આપવાને બદલે તેઓ સંવાદ લખતા હોય છે: 'મેરી દાદી કહા કરતી થી કી લવ મીન્સ નેવર હેવિંગ ટુ સે યુ આર સૉરી.' અથવા તો પછી: 'કોઈકે સાચું જ કહ્યું છે કે દિલની વાતોમાં દિલગીરી ન હોય.' આવી બદમાશી કરતી વખતે તેઓને એરિક સેગલ કે એના વાકયને સુંદર અનુવાદ કરનાર કવિ ઉદયન ઠક્કર યાદ હોય છે, પણ બીજાની થાળીમાં હાથ મારીને પેટ ભરવાની ઘણા લોકોને જન્મજાત ટેવ પડી ગઈ હોય છે.

 

અમિતાભ બચ્ચને પોતાના અવાજનો કૉપીરાઈટ લીધો છે. એમના અવાજની મિમિક્રી કરીને કોઈ વ્યક્તિ જાહેરખબર ઈત્યાદિમાં એનો ઉપયોગ ન કરી શકે. ભારતમાં સંગીતને લગતા કોપીરાઈટના કાયદાઓનું કડક પાલન છેલ્લાં થોડાંક વર્ષોથી થઈ રહ્યું છે. તમે જો કોઈ ઑરકેસ્ટ્રાનો પ્રોગ્રામ કરવા માગતા હો કે તમારા નાટકમાં ફિલ્મનાં ગીતો વગાડવા માગતાં હો તો થિયેટરવાળાઓ તમારી પાસે આગોતરો પરમિશન લેટર માગતા હોય છે. સારું જ છે. બીજાની ક્રિયેટિવિટી પર મલાઈ ખાવાના ધંધા પર અંકુશ આવવો જ જોઈએ.

 

પણ નાટક-સિનેમા-નવલકથા - કોલમો વગેરેની દુનિયામાં બેફામ ઉઠાંતરીઓ ચાલતી રહે છે. કોઈ વખત સબ્જેક્ટ ચોરી લેવો, કોઈ વખત પાત્રોની ખૂબી ખાસિયતો ઉઠાવી લેવી, ક્યારેક ચોટદાર વાક્યો - સંવાદો, ક્યારેક મૌલિક નિરીક્ષણો તો ક્યારેક બેઠ્ઠાને બેઠ્ઠા પ્લોટ્સ - સબજેક્ટ્સ. અને પછી શરીફ બનીને દલીલ કરવી કે આ જગતમાં મૌલિકતા જેવું કશું છે જ નહીં.

 

કેટલાક સંગીત રસિયાઓને એ શોધી કાઢવામાં પિશાચી આનંદ આવે છે કે હિંદી ફિલ્મના કલાકાર સંગીતકારોએ ક્યાં ક્યાંથી ધૂનો ચોરી છે. હશે, કોઈ કોઈ સંગીતકારની પાંચ-દસ ટકા ધૂનો પ્રાડ્યુસરોના કહેવાથી કે બીજાં અનેક કારણોસર ઉઠાવેલી હશે. પણ એ સિવાયની ૯૦-૯૫ ટકા મૌલિક ધૂનોનું શું? આવી સદાબહાર મૌલિક ધૂનોને પોતાની ઑરકેસ્ટ્રામાં વગાડીને બે પૈસા કમાઈ લેતા નાના નાના વાદકો - સંગીત શોખીનોએ ઉપકાર માનવો જોઈએ એ સંગીતકારોનો જેમની ક્રિયેટિવિટીને કારણે આજે પોતાનું ગુજરાન ચાલે છે. પણ આવો ઉપકાર માનવાને બદલે આવા ઑરકેસ્ટ્રાવાળા કહેતા ફરે છે કે શંકર-જયકિશને ફલાણી ધૂન અહીંથી ઉઠાવી, સલિલ ચૌધરીએ ત્યાંથી અને આર.ડી. બર્મને ફલાણી જગ્યાએથી. પોતાની તો કોઈ તાકાત છે નહીં કે આ સંગીતકારોએ સર્જેલી બાકીની ૯૦-૯૫ ટકા મૌલિક ધૂનો જેવી કોઈક ધૂન સર્જી શકે. અને બીજાઓની બદબોઈ કરવી છે.

 

પણ આવી મેન્ટાલિટી ધરાવતા લોકો આજીવન ઑરકેસ્ટ્રાવાળા જ રહે છે, મિમિક્રી આર્ટિસ્ટો જ રહે છે. મૌલિક સર્જન શું કહેવાય એની એમને ખબર જ નથી પડતી. એ કેવી રીતે સર્જાય એની સમજ તો એમની કલ્પના બહારની ક્ધસેપ્ટ હોય છે.

 

ફિલ્મોમાં જ નહીં, નાટકોમાં, સાહિત્યમાં, ચિત્રકળામાં, વિજ્ઞાનની શોધખોળોની દુનિયામાં, છાપામાં છપાતી કૉલમોના જગતમાં, ફૅશન ડિઝાઈનિંગના ક્ષેત્રમાં, આર્કિટેક્ચરમાં, પ્રવચનોમાં, ચિંતન - ફિલોસોફીના જગતમાં - દરેક ઠેકાણે તમને આવા મિમિક્રી આર્ટિસ્ટો અને ઑરકેસ્ટ્રાવાળાઓ નજરે પડશે.

 

એક રીતે સારું છે કે દરેક ક્ષેત્રમાં આવા તફડંચીકારો, ઉઠાવગીરો છે. એ લોકો છે તો મૌલિકતાની કદર થાય છે, રિયલ ઓરિજિનલ સ્ટફની કિંમત થાય છે.

 

નકલ કરીને સફળ થવા કરતાં મૌલિક સર્જન કરીને નિષ્ફળ થવું વધુ સારું.
-સેમ્યુઅલ જ્હોન્સન




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtTmodYVp8wqMEZrTdNvz68du-du-FRYV5aS9d3Q9rBPg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment