માણસ જીવનમાં ધારે છે કંઇક, મહેનત કરે છે કોઇક ક્ષેત્રમાં અને સફળતા મેળવે છે સાવ બીજા જ કોઇ ક્ષેત્રમાં. મેં અભ્યાસ કર્યો મેડિકલનો, પછી રાજકારણમાં રસ લીધો અને બીજેપીનો પ્રવક્તા બન્યો. કામ કર્યું વકાલતનું એટલે કે સરકારનો બચાવ કરવાનું અને મને છેવટે ફળ મળ્યું ઓએનજીસીના ટોચના હોદ્દાનું. મને જોકે એ વાતની ખુશી છે કે મને આવો મોટો હોદ્દો તો મળ્યો. આમેય મેં ખાસ મહેનત કરી નથી. ફક્ત ન્યૂઝ ચેનલોમાં જઇને બોલબોલ જ કર્યું છે. હવે જોકે સ્થિતિ બદલાઇ છે. ચાર વર્ષ પહેલા આવી હાલત નહોતી. અમારી સરકાર બની અને લોકો ખુશ હતા ત્યાં સુધી બધુ ઠીક હતું, પરંતુ થોડા જ સમયમાં લોકોનો ભ્રમ ભાંગવા માંડ્યો. આદરણીય શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સમયે જે અચ્છે દિનના વચનો આપ્યા હતા એની લોકો ઉઘરાણી કરવા માંડ્યા. સરકારની ટીકા શરૂ થઇ ત્યારથી અમારા જેવા પ્રવક્તાઓની કામગીરી શરૂ થઇ. પછી તો સરકારે અને અમારા માનનીય નાણાં પ્રધાન શ્રી અરુણ જેટલીજીએ અનેક લોચા માર્યા એટલે સરકારનો બચાવ કરવાના કામમાંથી અમે ક્યારેય નવરા જ ન પડ્યા. શરૂઆતમાં સરકારનો બચાવ કરવાની તકલીફ થતી હતી, પરંતુ પછી એ કામમાં અમને ફાવટ આવી ગઇ. અલબત્ત અમારા બધા પ્રવક્તાઓ ત્યારે એટલા હોંશિયાર નહોતા એટલે મોટા ભાગની જવાબદારી મારા માથે જ આવતી હતી, પરંતુ ધીમે ધીમે મેં સરકારનો બચાવ કરવાની એક નવી પદ્ધતિ વિકસાવી અને અમારા પક્ષના અન્ય પ્રવક્તાઓને પણ એ શીખવી. સરકારનો બચાવ કરવા માટે મેં જે આગવી પદ્ધતિ વિકસાવી એમાં સૌથી પહેલો મેં એ બનાવ્યો કે સિત્તેર વર્ષના શાસનમાં કોન્ગ્રેસ જે ન કરી શકે એ કામ અમે ફક્ત પાંચ વર્ષમાં કરી નાંખીએ એવી અપેક્ષા કોઇએ રાખવી નહીં. આ ઉપરાંત દરેક બાબતે કોન્ગ્રેસ સાથે સરખામણી કરવાના લાભ પણ મને સમજાયા. કોઇ અમારા પક્ષના નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ કરતું ત્યારે હું દલીલ કરતો કે કોન્ગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચાર વિશે બોલવાનો અધિકાર નથી, કારણ કે એ લોકોએ દેશને સાંઇઠ વર્ષ સુધી લૂંટ્યો છે. મારી આ દલીલ બહુ અસરકારક પુરવાર થતી અને ન્યૂઝ ડિબેટના એન્કર એ વાતથી પ્રભાવિત થતા. એટલું જ નહીં તેઓ કોન્ગ્રેસના પ્રવક્તા પાસે એનો જવાબ માગતા. સરકાર સામે કોઇ પણ આક્ષેપ થાય ત્યારે કોન્ગ્રેસ પર કોઇ પણ રીતે આક્રમણ કરવાથી અમને તત્કાળ રાહત મળતી. ત્યાર પછી અમે સરકારનો બચાવ કરવાનો નવો નિયમ બનાવ્યો. સરકારની જે કોઇ ટીકા કરે એને કોઇક રીતે દેશદ્રોહી જાહેર કરી દેવાના. સરકારનો વિરોધ કરે એ દેશના ટુકડા કરી નાંખવા માગે છે એ વાત ન્યૂઝ એન્કરના મનમાં ઠસાવી દેવાની અને એ વાત ચાર વાર બોલવાની જેથી અન્ય સરકાર સમર્થકો પણ એ વાતને પૂરી રીતે માણી શકે. પછી તો સરકારે બે મોટા બ્લન્ડર કર્યા. એક તો વડા પ્રધાનશ્રીએ નોટબંધી જાહેર કરી અને બીજી તરફ જીએસટીને ઉતાવળે લાગુ પાડવામાં આવ્યો. સરકારના આ બંને પગલાંથી લોકો હેરાન થઇ ગયા. પ્રજાના દરેક વર્ગમાં નારાજગી ફેલાઇ ગઇ. નાણાં પ્રધાન અરુણ જેટલીજી આ બાબતે સરકારનાં પગલાંનો બચાવ કરતાં રહેતા, પરંતુ એમના જવાબો સાંભળીને લોકોને વધુ ગુસ્સો ચડતો. મારા માટે પણ આ સમય મુશ્કેલીભર્યો હતો, પરંતુ ત્યારે મેં કેશલેસ અને ડિજિટલ ઇન્ડિયાના તૂત પર ગાડી ચલાવે રાખી. મારા માટે સૌથી મોટી સમસ્યા ત્યારે થઇ જ્યારે આદરણીય નરેન્દ્ર મોદીજીએ પાકિસ્તાન પર પ્રેમ વરસાવવાનું શરૂ કર્યું. એક તો નવાઝ શરીફના બર્થડેમાં હાજરી આપવા વિના આમંત્રણે ઇસ્લામાબાદ પહોંચી ગયા અને ત્યાર પછી પઠાણકોટની ઘટના સંદર્ભે આઇએસઆઇની ટીમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. આદરણીય નરેન્દ્ર મોદીજીએ આવું શા માટે કર્યું એ હું હજુ સુધી નથી સમજી શક્યો, પરંતુ તેઓ પિતાતૂલ્ય છે એટલે તેઓ જે કરે એ સારા માટે જ કરતાં હશે એની મને ખાતરી હંમેશાં હોય છે. કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન કરીને એમને સત્તા સોંપી દીધી ત્યારે પણ મને આશ્ર્ચર્ય થયું હતું, પરંતુ આપણું કામ આશ્ર્ચર્ય પામવાનું નહીં, પરંતુ સરકારનો બચાવ કરવાનું એટલે આપણે તો બચાવ કરતાં રહ્યા. મારા નસીબ એટલા સારા છે કે કોન્ગ્રેસના પ્રવક્તાઓ સાવ ગયા ગુજર્યા નથી. આથી જ્યારે પણ ન્યૂઝ ચેનલ પર ડિબેટ થાય અને મારા જેવા પ્રવક્તા મન ફાવે એવી દલીલો કરે ત્યારે કોન્ગ્રેસના પ્રવક્તાઓ ચૂપ થઇ જતાં અથવા સૌમ્યતાપૂર્વક પોતાના પક્ષનો બચાવ કરતા. જો ક્યારેક કોન્ગ્રેસના પ્રવક્તા આક્રમક બની જતાં તો અમારે ડિબેટના એન્કર સામે આક્રમણ કરવું પડતું. ન્યૂઝ ચેનલના મોટા ભાગના એન્કરો નબળા હોય છે અને અમારા જેવા સરકારી પ્રવક્તા જ્યારે એમની સામે ડોળાં કાઢે ત્યારે તેઓ ઢીલા પડી જાય છે. જોકે ન્યૂઝ એન્કરો સામે દાદાગીરી કરવાનું એકવાર મને ભારે પડી ગયું હતું. એનડીટીવીના નિધિ રાઝદાને મને ચાલુ પ્રોગ્રામમાંથી કાઢી મૂક્યો હતો. હવે જોકે મારા માથાં પરનો બોજ ઘણો હળવો બન્યો છે. હવે પક્ષ પાસે મારા જેવા અનેક આક્રમક પ્રવક્તાઓ આવી ગયા છે અને તેઓ વિવિધ ચેનલો પર જઇને પોતાના કારનામા દેખાડતા રહે છે. અલબત્ત, મારું સ્થાન તો કોઇ લઇ શકે એમ નથી, પરંતુ બીજેપીના પક્ષ પ્રવક્તાની આક્રમકતાનો ગ્રાફ જીડીપીની જેમ વિકસતો રહે છે. મને દરેક પ્રકારનો વિકાસ પસંદ છે, પરંતુ રાહુલ ગાંધીના વ્યક્તિત્વનો જે વિકાસ છેલ્લા કેટલાક સમયમાં થયો છે એ મારાથી સહન નથી થતો. એક સમય હતો જ્યારે અમે પપ્પુ અનો પોગો ચેનલની વાતો કરીને રાહુલની મજાક ઉડાવતા અને એમના શબ્દોનું કોઇ મૂલ્ય ન રહેતું, પરંતુ હવે રાહુલ માથાનો દુખાવો બની ગયા છે. નરેન્દ્ર મોદીજીની જેમ હવે રાહુલ પણ ભાષણો આપવામાં નિષ્ણાત બની ગયા છે અને એ તો પ્રેસ કોન્ફરન્સ પણ કરે છે. સંસદમાં બોલવાનું હોય ત્યારે તો રાહુલને બહુ ચાનક ચડે છે. વધુ દુ:ખની વાત તો એ છે કે હવે એમની વાતોને લોકો પણ ગંભીરતાથી લેવા માંડ્યા છે. આને કારણે રાહુલ જ્યારે પણ કોઇ નિવેદન કરે અથવા ટ્વિટ કરે ત્યારે અમારે સતર્ક રહેવું પડે છે. અમે આઇટી સેલમાં રાહુલના નિવેદનોની પ્રતિક્રિયા આપવા માટે પંદરસો માણસોનો સ્ટાફ રાખ્યો છે. આ ઉપરાંત રાહુલની દરેક ગતિવિધિ પર હું પોતે ધ્યાન આપું છું. હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને અમારા પાસાં ઊલટાં પડી રહ્યા હોય એવું લાગે છે. જેમ મોદીજીના ભાષણોમાં કોઇ ધાર નથી રહી એમ મારો બચાવ પણ બુઠ્ઠો થઇ રહ્યો છે. લોકો મારા કરતાં રાહુલની વાતો પર વધુ ધ્યાન આપે છે. આટલું ઓછું હોય એમ એ પાછા કૈલાસ માનસરોવરની જાત્રાએ ઉપડ્યા. શી જરૂર છે એમણે આવા ધતિંગ કરવાની? હિન્દુ ધર્મનો ખોટો ખોટો બચાવ તો મેં અનેકવાર કર્યો છે, પરંતુ હવે ખરેખર ભગવાનના શરણે જવાનો સમય આવ્યો છે. બસ, એકવાર ૨૦૧૯ની ચૂંટણી ભગવાન જીતાડી આપે તો પછી પાંચ વર્ષ શાંતિ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtRq%3Dtw7VeWMfOD6%2BzCujWhRJrAxbwrgGLz92%2BOiK1zFg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment