ભારતીય ક્રિકેટ ટીમની ભલભલી મોટી સ્પર્ધાની ફાઇનલ મૅચ કરતાં પાકિસ્તાન સામેની નાનામાં નાની ટુર્નામેન્ટની મૅચ વધુ મહત્ત્વની ગણાય અને એ મૅચ ભારતને જિતાડનાર ખેલાડી ભારત માટે સ્ટાર નહીં, પણ સુપરસ્ટાર કહેવાય. વન-ડેના કે ટી-ટ્વેન્ટીના તમામ વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતી નથી શક્યું, પરંતુ એશિયા કપમાં પાકિસ્તાનનું પ્રભુત્વ રહ્યું છે અને એમાં જો ભારતને કોઈ ખેલાડી વિજય અપાવે તો એ ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના મનમાં વર્ષો સુધી વસેલો રહે છે. કેદાર જાધવે યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)માં ચાલી રહેલા એશિયા કપમાં ગયા બુધવારે ઑફ-સ્પિનથી આ પરાક્રમ કરી દેખાડ્યું હતું. ભારતીય ટીમ આખી મૅચમાં બધી રીતે પાકિસ્તાનીઓ પર છવાઈ ગઈ હતી અને એમાં વળી સરફરાઝ એહમદની ટીમ સામે 'ટ્રમ્પ કાર્ડ' બનેલા ઑલરાઉન્ડર કેદાર જાધવે 23 રનમાં 3 વિકેટ લઈને ભારતની જીત આસાન કરી આપી હતી. તેણે ખુદ પાક કૅપ્ટન સરફરાઝની વિકેટ લીધી હતી અને એ આંચકાથી ઘવાયેલા સરફરાઝે મૅચ પછી પત્રકારોને કહ્યું, 'કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સામનો કેવી રીતે કરવો એની અમે પૂરી માનસિક રીતે તૈયારી કરી રાખી હતી, પણ કેદાર જાધવે અમારી બધી બાજી બગાડી નાખી જેને કારણે અમે હારી ગયા.' ભારતને પાકિસ્તાની ટીમના પરાજય ઉપરાંત માનસિક આઘાતથી વ્યથિત એની આવી જ હાલત જોવી હતી અને એ કેદાર જાધવે બુધવાર, 19મી સપ્ટેમ્બરે દેખાડી. ભારતે પાકિસ્તાનની ટીમને 8 વિકેટે કચડીને જૂન 2017માં ઇંગ્લૅન્ડમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 180 રનથી થયેલી હારનો બદલો લઈ લીધો હતો. બુધવારે ભારતે પાકિસ્તાનને પછાડ્યું એના આગલા દિવસે સરહદ પર જમ્મુ નજીકના રામગઢ ક્ષેત્રમાં પાકિસ્તાનના સૈનિકોએ ભારતના સરહદ સલામતી દળના હેડ કૉન્સ્ટેબલ નરેન્દરકુમાર સિંહની ત્રણ ગોળી મારીને હત્યા કર્યા બાદ તેનું ગળું કાપી નાખ્યું હતું. નરાધમ પાકિસ્તાનીઓની આ બર્બરતાથી ભારતમાં સર્વત્ર ક્રોધ વ્યાપેલો જ હતો અને એવામાં ધર્મ સમી ક્રિકેટની રમતમાં ભારતે પાકિસ્તાનને ઘોર પરાજય ચખાડ્યો એનાથી ભારતની સવાસો કરોડની પ્રજાના દિલમાં આનંદની લહેર ફરી વળી હતી. બુધવારે એક તરફ હરિયાણાના સોનીપત શહેરમાં નરેન્દરકુમારની શહાદતને પગલે તેના પરિવારજનો સહિત આખું શહેર શોકમગ્ન હતું ત્યાં બીજી તરફ દુબઈમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ ભારતીય ખેલાડીઓ અને ભારત-તરફી પ્રેક્ષકો આનંદમાં ગરકાવ હતા. જૂન 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કેદારે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાનના ટોચના બૅટ્સમૅન બાબર આઝમની તેના 46 રનના સ્કોર પર વિકેટ અપાવી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા એનો ફાયદો નહોતી ઉઠાવી શકી. --------------------------- વિરાટ સાથેની ભાગીદારી અણમોલ કેદાર જાધવે ગયા વર્ષે કૅપ્ટન વિરાટ કોહલી સાથે ઇંગ્લૅન્ડ સામે 200 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી જેના વિશે ચર્ચા કરતાં પહેલાંની તેની ડોમેસ્ટિક સિઝન પર અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત પર નજર કરીએ. કેદાર માટે 2013-'14ની ડોમેસ્ટિક સિઝન સર્વશ્રેષ્ઠ હતી, કારણકે એમાં તેણે છ સેન્ચુરીની મદદથી 1,223 રન બનાવ્યા હતા જે સિઝનમાં રમેલા બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. તેના એ રનના ઢગલાને લીધે જ મહારાષ્ટ્રની ટીમ 21 વર્ષે રણજીની ફાઇનલમાં પહોંચ્યું હતું. એ જ વર્ષમાં કેદારને ઇન્ડિયા 'એ' ટીમમાં અને વેસ્ટ ઝોન ટીમમાં આવવા મળ્યું હતું અને પછી તો તેના માટે જાણે સોનાનો સૂરજ ઊગ્યો હતો. 2014ના જૂનમાં બંગલાદેશની ટૂર માટે તેને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં તો તેને નહોતું રમવા મળ્યું, પણ નવેમ્બરમાં તેને પહેલી વાર ભારતની મુખ્ય ટીમ વતી રમવા મળ્યું હતું. ત્યારે શ્રીલંકાની સામેની વન-ડેમાં તેણે 24 બૉલમાં 20 રન બનાવ્યા હતા જે ભારતને જીતવા માટે એ ઘણા કામ લાગ્યા હતા. ભારતે કૅપ્ટન વિરાટ કોહલીના અણનમ 139 રનની મદદથી 288 રનનો લક્ષ્યાંક મેળવ્યો ત્યારે ફક્ત 8 બૉલ બાકી હતા. જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે ત્રણેય વન-ડે રમનાર કેદારે ત્રીજી વન-ડેમાં 87 બૉલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. એ તેની પહેલી સદી હતી અને ભારતને તેણે 3-0થી ક્લીન-સ્વીપ કરવામાં મોટી મદદ કરી હતી. એ જ ટૂરમાં તેણે ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સમાં પણ ડેબ્યૂ કર્યું હતું. જાન્યુઆરી 2017માં કેદારના હોમ-ગ્રાઉન્ડ પુણેના એમસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ભારતની જે વન-ડે રમાઈ હતી એમાં કેદારે કમાલ કરી નાખી હતી. બ્રિટિશ ટીમે 7 વિકેટે 350 રન બનાવ્યા પછી ભારતે બહુ નબળી શરૂઆત કરી હતી, પરંતુ કૅપ્ટન વિરાટ કોહલી (122 રન, 105 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) સાથે કેદાર (120 રન, 76 બૉલ, 4 સિક્સર, બાર ફોર)ની પાંચમી વિકેટ માટે 200 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. કેદારે ત્યારે ક્રિસ વૉક્સ, બેન સ્ટૉક્સ, મોઇન અલી અને આદિલ રશીદ જેવા બોલરોનો બે કલાક સુધી બહાદુરી અને સમજદારીથી સામનો કર્યો હતો. કેદારને એમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. બ્રિટિશરો સામેની પછીની એક વન-ડેમાં કેદારે 76 બૉલમાં 90 રન બનાવીને ભારતને 320 રનના લક્ષ્યાંકની લગોલગ લાવી દીધું હતું. કેદાર મૅચના સેક્ધડ-લાસ્ટ બૉલ પર આઉટ ન થયો હોત તો ભારત જીતી જ ગયું હોત. જોકે, એ ઇનિંગ્સ સાથે કેદારે ભારતીય વન-ડે ટીમના મિડલ-ઑર્ડરમાં સ્થાન વધુ મજબૂત બનાવી લીધું હતું. એ શ્રેણીમાં તેણે સૌથી વધુ 332 રન બનાવ્યા હતા અને સિરીઝનો સુપરસ્ટાર ખેલાડી કહેવાયો હતો. કેદારને મળેલો એ એકમાત્ર, પરંતુ બહુમૂલ્ય મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ હતો. આઇપીએલમાં કેદાર ચાર ટીમ વતી રમી ચૂક્યો છે. 2008ના પ્રથમ વર્ષમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમેલા કેદારને પછીથી દિલ્હી ડેરડેવિલ્સ, કોચી ટસ્કર્સ કેરાલાએ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. ફેબ્રુઆરી, 2018માં ચેન્નઈ સુપર કિંગ્સે કેદારને 7.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ કમનસીબે પહેલી જ મૅચમાં તેના પગના સ્નાયુઓ ખેંચાઈ જવાને લીધે તેણે આખી ટુર્નામેન્ટ અને પોણાઆઠ કરોડ રૂપિયાની સૅલરી ગુમાવવી પડી હતી. --------------------------- ત્રણ સુશિક્ષિત બહેનોનો લાડલો ભાઈ એકંદરે, કેદારની અંગત વાતો અને કરિયર સાધારણ છે. કેદારનો જન્મ 26 માર્ચ, 1985ના દિવસે પુણેમાં મધ્યમ-વર્ગના પરિવારમાં થયો હતો. તેનો પરિવાર મૂળ સોલાપુર જિલ્લાનો છે. તેના પિતા મહાદેવ જાધવ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલક્ટ્રિસિટી બોર્ડમાં ક્લર્ક હતા અને 2003ની સાલમાં નિવૃત્ત થયા હતા. કેદારને ત્રણ બહેનો છે અને તે એમનાથી નાનો છે. કેદારની એક મોટી બહેને અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કર્યું છે, બીજી બહેન એન્જિનિયર છે અને ત્રીજીએ ફાઇનૅન્સમાં એમબીએ છે. કેદારની પત્નીનું નામ સ્નેહલ અને ત્રણ વર્ષની પુત્રીનું નામ મિરાયા છે. પરિવારનો લાડલો કેદાર ભણવામાં સાધારણ હતો અને પિતાની સલાહથી તેણે નવમા ધોરણના અંતે ભણવાનું બાજુ પર રાખીને ક્રિકેટમાં કરિયર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે શરૂઆતમાં ટેનિસ બૉલ ક્રિકેટમાં નિપુણ હતો. આ બૉલથી રમાતી સ્પર્ધાઓમાં તે રેઇનબૉ ક્રિકેટ ક્લબ વતી રમતો હતો. 2004ની સાલમાં મહારાષ્ટ્રની અન્ડર-19 ટીમમાં તેનું સિલેક્શન થયું હતું. ધીમે-ધીમે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં છવાઈ ગયો હતો. 2012માં કેદારે રણજી ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. તેના 327 રન મહારાષ્ટ્ર વતી રણજીમાં નોંધાયેલો સેક્ધડ-હાઇએસ્ટ સ્કોર હતો. આ 327 રન તેણે હોમ-ગ્રાઉન્ડ પુણેમાં ઉત્તર પ્રદેશ સામે બનાવ્યા હતા. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsRGiJ5StBXcOSfDb5pD2cRU1bRtAj3VZn91QDksCf4RA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment