Friday, 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કુછ તો લોગ કહેંગે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુછ તો લોગ કહેંગે...
ફોકસ-મૌસમી પટેલ

૨૫ વર્ષની અનન્યાની સગાઈને છ મહિના થયા અને ત્યાર બાદ તેને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે તે લગ્ન કરીને જ્યાં જવાની છે એ પરિવારમાં તે નહીં ગોઠવાઈ શકે અને તેને કારણે જ તેણે સગાઈ તોડવાનું નક્કી કર્યું. પરિવારે અનન્યાને લોકો શું કહેશે, સમાજ તેના ચરિત્ર પર આંગળી ચીંધશે, તેના આ પગલાંને કારણે તેની નાની બહેનના સગપણમાં પણ સમસ્યાઓ આવશે જેવી વિવિધ શક્યતાઓનો જાપ જપી ગયા. આ તમામ શક્યતાઓ સાંભળી અને તેની ગંભીરતાઓ વિશે વિચાર કરી લીધા બાદ પણ અનન્યા તેના નિર્ણય પર મક્કમ રહી અને તેણે સગાઈ તોડી નાખી અને પરિવારને એક જ સવાલ પૂછ્યો કે તેના સાસરામાં તેણે મુશ્કેલીઓનો સામનો કરવાનો છે કે સમાજ કે સૉ કૉલ્ડ સંબંધીઓ આવશે એ મુસીબતોનો પહાડ ઊંચકવા માટે? અનન્યાનો સવાલ તેના પરિવાર માટે જ નહીં પણ આખા સમાજ માટે હતો અને આવી કેટલી અનન્યા છે, આપણી પાસે? જે સમાજના કે લોકો શું કહેશે એના કરતાં તેને શું સાચું લાગે છે એના વિશે વિચાર કરે છે. આખરે ક્યાં સુધી આપણે લોકોનું વિચારીને આપણે સમસમીને બેસી રહીશું અને એવું તે શું છે કે આ 'લોકો' આપણા માટે એટલા મહત્ત્વના થઈ જાય છે કે એની સામે આપણી પોતાની વ્યક્તિની ખુશી, સુખનું મહત્ત્વ આપણા માટે સાવ ગૌણ થઈ જાય છે.

બીજાના જીવનમાં ચંચુપાત કરવાની, દખલગીરી કરવાની સમાજની આ માનસિકતાનું કારણ પણ આપણે પોતે જ છીએ. જી હા, કડવી અને વરવી વાસ્તવિકતા આ જ છે. આપણા બધા જ નિર્ણયો હંમેશાં લોકોના વિચારોથી પ્રેરિત કે તેમના પ્રભાવ હેઠળ આવીને લીધેલાં હોય છે. આપણે જ લોકોને એટલી સત્તા આપી દીધી છે કે આપણા જીવનના નિર્ણયમાં દરમિયાનગીરી કરવાનું સત્તાવાર લાઈસન્સ મળી ગયું હોવાનું એ લોકો માનવા લાગે છે અને એ જ પ્રકારનું વર્તન પણ એ લોકો કરવા લાગે છે.

જે પળે તમે લોકો શું કહેશે, લોકો શું વિચારશેના વિચારને તિલાંજલિ આપી દઈશું એટલે એમનો એ અધિકાર છીનવાઈ જશે અને એને કારણે જ આ લોકો તમારા ચરિત્ર પર, તમારી વર્તણૂક સામે સવાલો ઉપસ્થિત કરશે. વર્ષોથી આપણને ગળથૂથીમાં જ એવું શિખડાવવામાં આવે કે આપણે જે સમાજમાં રહીએ છીએ તેનો વિચાર કરીને જ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ અને દરેક વસ્તુનો પરિવારની નામના અને આબરૂ સાથે જોડીને જ વિચાર કરીએ છીએ, પણ આ કેટલી હદે યોગ્ય છે. સમાજની બહાર પણ આપણું એક અલગ અસ્તિત્વ છે એ મૂળ વાત જ આપણે ભૂલી જઈએ છીએ.

સામાજિક દબાણને કારણે આપણે કેટલીય એવી પરંપરા અને રીતિ-રિવાજોને બસ ચલાવી લઈએ છીએ. આ બધું આપણને ખૂબ જ સામાન્ય લાગે છે, પણ હકીકતમાં આ એક ખતરાની ઘંટડી છે. આપણે એક એવા જ્વાળામુખી પર બેઠા છીએ, જે ક્યારે પણ ફાટી શકે છે. જ્યારે આ જ્વાળામુખી ફાટશે ત્યારની પરિસ્થિતિનો વિચાર માત્ર કરી જુઓ.

સમાજનો ડર આપણા પર કેટલી હદે હાવી થઈ ગયો છે એનું જીવતું જાગતું ઉદાહરણ ખાપ પંચાયતો છે. આ પંચાયતો સામે પોલીસ અને કાયદો પણ લાચાર અને પાંગળો બની જાય છે. સમાજ અને ખાપ પંચાયતના ડરને કારણે સગા મા-બાપ સુધ્ધાં સંતાનોનો સાથ છોડી દે છે.

સમાજનો આ ડર આપણા અને આવનારી પેઢીના મનમાંથી જેમ બને તેમ વહેલી તકે નીકળી જાય, એમાં જ આપણા બધાની ભલાઈ છે. પણ કઈ રીતે આ ડર આપણા બધાના મગજમાંથી નીકળશે એ જ મોટો સવાલ છે, પણ તેનો સાવ સીધો અને સહેલો જવાબ છે કે તમારા પોતાના વિચારો બદલો સમયના વિચારો એની મેળે જ બદલાવવા લાગશે.

જ્યાં લાગે કે તમારા વિચારો સમાજના વિચારો સાથે મેળ નથી ખાતા ત્યાં જવાબ આપવાનું શરૂ કરો. સામા પ્રવાહમાં તણાવવાનું સહેલું નથી હોતું, પણ અશક્ય પણ નથી. જ્યારે તમે લોકો સમક્ષ તમારા વિચારો નિડર થઈને વ્યક્ત કરશો, એટલે એમની દરમિયાનગીરી ઈર્ષાનું અને ગુસપુસનું સ્થાન લેશે. પણ આની દરકાર કર્યા વિના જે સાચું લાગે તેનો સાથ આપવાનું શરૂ કરો.

એક વાત મનમાં ગાંઠ બાંધી લો કે તમારું જીવન એ તમારું જ છે. તમને પડતી દરેક મુશ્કેલી, મુસીબતનો સામનો તમારે જાતે કરવાનો છે, ત્યારે આ સમાજ તમારી મદદે નહીં આવે. સમાજ માત્ર આપણા પર તેનું ધાર્યું કરવા દબાણ લાવશે કે તેના ઘડેલા નિયમોમાં બાંધવાનો પ્રયાસ કરશે. તમારી કે તમે લીધેલા પગલાંની હાંસી ઉડાવશે, નિંદા કરશે પણ એનાથી આગળ એ કશું જ નહીં કરી શકે. તેથી એક વખત જે નિર્ણય લીધો છે તેના પર કાયમ રહો.

દુનિયામાં જો કોઈ આપણું દિલ સૌથી વધુ દુભવવાની તાકાત રાખતું હોય તો તે આપણે પોતે જ છીએ. લોકો શું કહેશેનો વિચાર કરીને આપણે પોતે જ આપણી જાત સાથે જાણતા હોવા છતાં અન્યાય કરી બેસીએ છીએ. આ વાતને ધ્યાનમાં લઈને જે પણ નિર્ણય લો એ તમારો પોતાનો છે, એ વિચારીને જ લેશો તો જીવનમાં ક્યારેય પસ્તાવવાનો વારો નહીં આવે કે એ વખતે થોડી હિંમત કરીને નિર્ણય લીધો હોત તો કદાચ આજે પરિસ્થિતિ અલગ જ હોત. આ કદાચનો ભાર વેંઢારી શકે એવા મજબૂત ખભા દુર્લભ થઈ રહ્યા છે, એટલે કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના... પણ કરવાનું તો એ જ જે તમારા મનને સાચું અને યોગ્ય લાગતું હોય!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%2Bj57QZe%2BQr69mCpoihn7w4%3DaaE2%3DviKkiAo9PFEHmEw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment