Friday 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માસ્તર હરિરામ ગોર દીકરા સામે હારી ગયા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માસ્તર હરિરામ ગોર દીકરા સામે હારી ગયા
દિલની વાત-દિનેશ દેસાઈ

દિવાળીનો દિવસ. ઘેર-ઘેર દીપમાળા ઝગમગે. અંધકાર ઉપર પ્રકાશના વિજયનું પર્વ, પણ હરિરામનો ચહેરો પડી ગયો હતો. સવારથી હરિરામ ઉદાસ હતા. દિવસમાં ચાર-ચાર વખત ગામના એસ.ટી. ડેપોએ જઈને પાછા ફર્યા. દુમાડ ગામ સુધી અમદાવાદથી દિવસમાં માત્ર ચાર વાર જ બસ આવતી. હરિરામનું ઘર એટલે ગામનો આબરૂદાર વિપ્ર પરિવાર. પાંચમાં પૂજાતા હરિરામ આજે વયના વાર્ધક્યના આરે ગામમાં ચર્ચાઈ પણ રહ્યા છે. જો કે સાંભળી લેવા સિવાય તેઓ હવે બીજું કરી પણ શું શકે?

 

"પુનિયાના બાપા, આમ ક્યાં સુધી સૂનમૂન બેસી રહેશો? હવે વાળુ કરવાનો વખત થયો ને હજુ તમે પૂજા'ય બાકી રાખી છે. પ્રભાવતીએ પતિને ધીમો સાદ દીધો ને તંદ્રાવસ્થામાં સરકી ગયેલા હરિરામને ઢંઢોળ્યા.

 

ઘરના આંગણામાં તુલસીક્યારા પાસે માટીના ઓટલે બેઠેલા હરિરામે આળસ મરડી અને પોતાની બાજુમાં જ બેસી પડેલાં પ્રભાવતી ગોરાણીની સામું જોઈ રહ્યાં. ચશ્માની પેલે પાર નિહાળી રહેલા ગોર જાણે ગોરાણીના ચહેરાનો તાગ મેળવવા મથી રહ્યા હતા.

 

થોડી વાર એમ જ બેસી રહ્યા બાદ તેઓએ કહ્યું કે "ગોરાણી, મને તમે આમ કહો છો તો તમે શા વિચારોમાં ખોવાઈ ગયાં? ખરેખર તો તમે બધુંય જાણો છો ને પાછાં અજાણ્યાં બનીને વાત માંડો છો? પણ ઠીક છે, જવા દો એ બધી વાત... ચાલો, એ કહો કે ચૂલે શું ચઢાવો છો? તમે કંઈ પણ બનાવો, ત્યાં સુધી હું અબ ઘડી પૂજા કરી દઉં છું.

 

ગોરાણીએ કહ્યું: "જુઓ, સવારના બનાવેલા બે રોટલા પડ્યા છે ને ખીચડી મૂકી દઉં છું. આપણે બે માણસને ખાવા જોઈએ કેટલું?

 

ગોરની આંખે ઝળઝળિયાં આવી ગયાં, તે બોલી પડ્યા: "પણ તમે તો બે દિવસથી કહ્યા કરો છો કે ઘરમાં ચોખા ખલાસ થઈ ગયા છે?

 

ગોરાણીએ ધરપત બંધાવી આપતા કહ્યું કે "એની ફિકર તમે શીદને કરો છો? હમણા બાજુવાળાં જશીબહેનના ઘરેથી મૂઠ્ઠી દાણાં લઈ આવું છું. - આટલું કહેતાં તો તેમની આંખોમાં પણ આંસુ આવી ગયાં.

 

ડૂમો બાઝેલા અવાજે હરિરામે પત્ની પાસે જઈને તેના વાંસે હાથ ફેરવ્યો અને બોલ્યા કે "મનમાં ઓછું ન લાવતાં આપણો લાલજી કાલ સવારે દયા કરશે ને સારા દિવસો આવશે. બધા દિવસો કંઈ એકસરખા જતા નથી. આપણો કાળિયો ઠાકર હાજરાહજુર છે અને આપણો પુનિયો એક દિવસ જરૂર ઘરે પાછો આવશે. પછી આપણને કોઈ વાતની ફિકર નહીં રહે. ખરું ને?

 

ગોરાણીએ કહ્યું: "મને ખબર છે, પુનિયાના બાપુ. પાછલા વીસ વરસથી હું સાંભળતી આવી છું, ને તમે વરસોથી જાણે નિયમ બનાવ્યો હોય એમ આજે સપરમા દહાડે પણ ચાર ચાર વખત એસ.ટી. ડેપો જઈને આવ્યા પણ દીકરાના કોઈ વાવડ મળ્યા ખરા?

 

"રહેવા દો ગોરાણી, તમેય આજે સવારથી દીકરાના નામનું ગાણું ગાતાં હતાં. મને તો ખબર જ હતી અને આપણાં ભાગ્ય જ એવાં, બાકી તો કોને દોષ દઈએ? હરિરામ પત્ની પ્રભાવતીને સધિયારો આપતાં આપતાં પોતે ખુદ ઢીલા પડી જતા હતા.

 

હરિરામ ગોર અને પ્રભાવતી ગોરાણી એટલે દુમાડ ગામનું આબરુદાર ખોરડું. ગામની શાળામાં હરિરામની માસ્તર તરીકે નોકરી અને થોડું ઘણું ગોરપદું પણ ખરું. લગ્નને સાત-આઠ વર્ષ થયાં ને કંઈ કેટલીય બાધા-આખડીઓ કરી ત્યારે આ દંપતીને ત્યાં પારણું બંધાયું હતું. પતિ-પત્ની બેઉ લાલજીનાં અનન્ય ભક્ત. જાણે ભગવાન શ્રીકૃષ્ણનાં જ પુત્રરૂપે પુનિત પગલાં ન થયા હોય એમ દીકરાનું નામ પુનિત રાખ્યું હતું. સમયને જતા ક્યાં વાર લાગે છે? દીકરો મોટો થતો ગયો.

 

પુનિત ભણવા-ગણવામાં હોશિયાર. ગોરપદામાં ઘર ચાલે અને શાળાના પગારની આવકમાંથી બચત કરી કરીને હરિરામે થોડીક જમીન પણ લીધી હતી. માણસો રાખીને ખેતીવાડી કરાવે અને ગોર પોતે પણ ખેતરે જઈને ધ્યાન આપતા. પુનિતને ડૉક્ટર બનાવવા અમદાવાદની મેડિકલ કૉલેજમાં મૂક્યો હતો. એની તોતિંગ ફીનો ખર્ચ કાઢવા મા-બાપે બધી બચત વાપરી નાખી હતી.

 

સમય જતા દીકરાએ કહેલું કે "બાપુ, મારું ભણવાનું તો પૂરું થઈ ગયું પણ વધુ ભણવા અમેરિકા જવાની મારી ઈચ્છા છે. જો તમે રજા આપો તો...

 

આમ સમય જતા દીકરાને અમેરિકા મોકલવા અને તેની કારકિર્દી ખાતર તો ખેતર પણ વેચી કાઢ્યું હતું. આટલું ઓછું હોય તેમ દીકરાના સારા ભવિષ્યની આશામાંને આશામાં હવે મા-બાપે ખોરડું પણ વેચવું પડ્યું હતું. પોતાનું મકાન છોડીને છાતી ઉપર પથ્થર મૂકીને માવતરે ભાડાના ઘરમાં બાકીની જિંદગીને ખસેડી હતી.

 

અમેરિકા પહોંચ્યા પછી શરૂ શરૂમાં તો દીકરો અમેરિકાથી ફોન પણ કરતો અને નિયમિત કાગળ લખતો હતો. કાગળમાં જલદી વતન પાછા ફરવાની અને પૈસા મોકલવાની પણ વાત કરતો હતો. પુનિત અમેરિકા ગયો ત્યારે હરિરામ પચાસ વર્ષના હતા. આજે વીસ વીસ વર્ષના વહાણાં વાયાં અને હરિરામ પણ સિત્તેર વર્ષના થઈ ગયા પણ દીકરાએ અત્યાર સુધીમાં ફૂટી કોડી પણ મોકલી નથી. અમેરિકા પહોંચ્યા પછી ધીરે ધીરે પુનિતે ફોન કરવાના પણ બંધ કરી દીધા હતા અને કાગળ લખવાના પણ બંધ કર્યા હતા. હવે તો તેનો કોઈ અતો-પત્તો પણ નહોતો.

 

દીકરો અમેરિકા ગયો ત્યારે દિવાળીના દિવસે પાછા આવવાનું કહીને ગયો હતો કે "બા-બાપુજી, આપણે દિવાળી સાથે ઉજવીશું. દિવાળીના દિવસે હું જરૂર પાછો આવી જઈશ.

 

- પરંતુ દીકરો ગયો તે ગયો. આજની ઘડી અને કાલનો દહાડો. પેન્શનની હજારેક રૂપરડીમાં ગોર અને ગોરાણી મોંઘવારીમાં જેમ તેમ કરીને દિવસો ગુજારી રહ્યાં છે, એવી શ્રદ્ધા સાથે કે અમારો પુનિયો જરૂર પાછો આવશે અને સુખના દિવસો લાવશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuG3bsFyCkyB%3Db9Xv15C6a7KnkJ3fdZR66sWjbD6gazwA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment