Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શું... ફાધર ખરેખર ગયા... ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શું... ફાધર ખરેખર ગયા...?
અશોક દવે
 

 

 

''શું... ફાધર ખરેખર ગયા...? મારા તો માનવામાં જ નથી આવતું...!''

 

આ આપણો કૉમન સવાલ અને કૉમન આઘાત છે. જેના ફાધર- મધર ગયા હોય, એને ઘેર જઈને હુતુતુતુની ખો આલવાની હોય, એમ પાટે અડીને આ જ સવાલ એવા જ ચઢેલા શ્વાસે પૂછીએ છીએ, 'ફાધર... ખરેખર ગયા?'

 

એક ખારી હિચકી આવી જાય આ સવાલનો જવાબ આપણે આપવાનો હોય તો! દુનિયામાં આજ સુધી બધા ખરેખર જ જતા હોય છે, કોઈ હપ્તે- હપ્તે, રોકાઈ રોકાઈને કે જસ્ટ, બે ઘડી ગમ્મત ખાતર જતું નથી. આમાં તો ઇચ્છા ન હોય તો ય 'ખરેખર' જ જવું પડે છે. રીહર્સલો કરીને ઉપર જવાનું હોતું નથી અથવા તો ગયા ન હોઈએ તો ય બે આંખની શરમ રાખવા શોકાકુલ ખબરકાઢુઓને કહી દેવાતું નથી, ''આમ તો ફાધર ડીસેમ્બરમાં જવાના હતા, પણ પછી તમને ખરખરો કરવા આવવાનો ટાઇમ ન હોય, એટલે મેં'કુ... આયા છો તો ફાધરને પતાઈને જ જાઓ. બીજો ધક્કો નહિ.''

 

એમનો બીજો આઘાત, મરનારને ચિતા ઉપરથી બેઠો કરી નાંખે એવો આંચકાજનક છે કે, એમના તો હજી માનવામાં જ નથી આવતું! કેમ જાણે આપણે એમને ફૅમિલી સાથે ઉલ્લુ બનાવવા ફાધરના ખોટા સમાચાર મોકલાવ્યા હોય! હજી હમણાં જ ફાધર હરિશરણ થયા હોય, એટલે એમનું 'ડેથ-સર્ટિફિકેટ' આપણી પાસે ન હોય... બાજુવાળા કોકનું મંગાવીને બતાઈએ, તો એમના માનવામાં આવે!

 

તારી ભલી થાય ચમના... ફાધર તો બેઘડી આડા પડયા'તા ને અમે એમના બંધ નાકમાં બબ્બે ચમચા ઘી એમને એમ નથી રેડયું. ભૂલમાં ય ઊભા ન થઈ જાય, એટલે સફેદ ધોતિયામાં સૂથળી વડે એમને એમ આવા ટાઇટ નથી બાંધ્યા... ને છતાં ય તું પૂછશ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...?'' અમારે તો હજી બા ય જવાના બાકી છે... તારા માનવામાં આવે, એ માટે અમારે અને બાએ પણ જતા જતા શું કરવું એ કહેતો જજે, જેથી બીજા રાઉન્ડમાં તું આવે, ત્યારે આવું બોલે નહિ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...!'' હવે બહુ થયું ભ'ઇ... કોઈ પંખો ચાલુ કરો!

 

પણ પૂછનારમાં અક્કલ હોતી નથી. અક્કલ તો હશે, પણ આવડત અને અનુભવ હોતા નથી. બેસણામાં તો સમજ્યા કે, આપણે કાંઈ બોલવા કરવાનું હોતું નથી. સફેદ લેંઘો- ઝભ્ભો પહેરીને દુઃખે નહિ, ત્યાં સુધી પલાંઠો વાળીને બધાની વચ્ચે મોંઢું ઢીલું કરી મૅક્સિમમ ત્રણેક મિનિટ બેસવાનું હોય છે. એ વખતે મોબાઇલ નહિ ફેંદવાનો, મસાલો નહિ ખાવાનો કે, પેલા વિભાગમાં બેઠેલી મહિલાઓ તરફ છાનુમાનું જો જો નહિ કરવાનું! ઊભા થતી વખતે એવું જ ઢીલું મોઢું રાખીને ચુપચાપ જતું રહેવાનું. જતા જતા, સ્વર્ગસ્થના ફોટા નીચે બેઠેલાને કહેવાનું નહિ કે, ''ચાલો ત્યારે ફરી મળીએ છીએ પાછા... બાય!''

 

વાંદરા, ફરી મળવાની લુખ્ખી બેસણામાં ન અલાય... ફોટા નીચે બેઠેલાને હૃદય રોગનો હુમલો આવી જાય!

 

નોર્મલી, કોકના બેસણામાં કે ૧૩મા સુધીમાં ઘેર ખરખરો કરવાનો જેને રોજનો અનુભવ હોય, એ લોકોને આવું બધું ફાવે. અનુભવને આધારે 'ફાધર ખરેખર ગયા?' વાળો મામલો તો આ લોકો ચપટીમાં પતાઈ નાંખે છે, કે બીજો કોઈ કેસ હોય તો બોલો! આપણે ત્યાં બેસણે બેસણે ઉપસ્થિત રહેતા બારમાસી શોકાકૂલોનો એક વર્ગ છે. એમને આવું બધું આવડે. ત્યાં ગયા પછી પલાંઠી કેવી રીતે વાળવી, ધોળા કપડાંઓમાંથી કોના ખભે હાથ મૂકવો, કોને, 'બહુ ખોટું થયું...' કહેવું ને કોને જરા ધીરજ રાખવાનું કહેવું, એ બધું એમને આવડે.

 

સાલી, આમાં ધીરજો શેની અને કોના માટે રાખવાની હોય? ડોહા તો પત્યા.. જરા ધીરજ રાખો... ડોસી હાથવ્હેંતમાં જ છે! એવી ધીરજો રાખવાની?

 

બેસણું પતી ગયા પછી ૧૩ દિવસ સુધી તો શોક વ્યક્ત કરવા ઑફિશીયલી જઈ શકાય છે. પણ ત્યાં ગયા પછી હવા આપણી ટાઇટ થઈ જાય છે કે, બોલવું શું? બેસવું કઈ પલાંઠીથી! શું આવા કરુણ સંજોગોમાં એક પગ બીજા પગની ઉપર ચઢાવીને બેસી શકાય? આજે તો માનવામાં નહિ આવે, પણ ૫૦'ની પહેલાના જમાનામાં આવી રીતે બેસવા ગયા હોઈએ ત્યારે બન્ને પગના પંજા ઉપર બેસીને બંને હાથ લમણે ટેકવીને બેસો, તો જ જેનો ડોહો ગયો છે, એને રાહત રહે કે, આને ય મારા ફાધરના જવાનો ઝટકો લાગ્યો છે. ભલે, હવે એ પદ્ધતિથી બેસવાનો જમાનો નથી, પણ શોક વ્યક્ત કરવા ઘરે જાઓ ત્યારે તીનપત્તી રમવા બેઠા હો, એવા ટેસથી બેસાતું નથી... 'લાઓ ત્યારે...કોઈ ડ્રિન્ક્સ- બ્રિન્ક્સ બનાઓ, યાર... આપણામાં સોડા નહિ!'

 

પણ આપણા જેવાને આવો શોક વ્યક્ત કરવા જવામાં સોલ્લિડ તકલીફ પડે છે. ઘણીવાર તો બફાઈ પણ જાય છે ને પૂછી બેસીએ છીએ, 'ગયા એ તમારા મધર હતા કે ફાધર?'

 

મેં તો અનુભવના આધારે એ પણ નોંધ્યું છે કે, કરૂણ સમાચાર સાંભળીને આપણે તરત મરનારના ઘરે પહોંચીએ. આઘાત આપણને ય ખૂબ લાગ્યો હોય, પણ ત્યાં ગયા પછી આપણી નોટ છપાઈ જાય છે. ઘરમાં કોઈ ઉકલી ગયું છે, એનો એ લોકોને તો એવો કોઈ ઝાટકો લાગ્યો હોતો નથી. એમને માટે આ તો જાણે રોજનું થયું! એ લોકો કરતા આપણા મોંઢા વધારે ઢીલા હોય ને સાચા ઢીલા હોય! મરનાર સાથે આપણી લાગણી, સંબંધ અને અનુભવો યાદ કરીને 'આવો સરસ માણસ મરવો નહતો જોઈતો...!' એવી વેદના આપણને ત્યાં ગયા પછી કે પહેલા થતી હોય, એ પાછા આવીને આઘાતમાં ફેરવાઈ જાય. ઘરમાં બધા તદ્દન સ્વાભાવિકતાથી હરતા-ફરતા હોય... હજી ૧૨ કલાકે ય ના થયા હોય છતાં! એક વાસ્તવિક હકીકત કહું કે, આવા એક ઘરે હું ને પત્ની ગયા ને ઘરના બધા ''રાજી થઈ ગયા''. હિંદુઓમાં આવા દુઃખદ પ્રસંગે કોઈને 'આવો' કે જતી વખતે 'આવજો' કહેવાતું નથી. ઇવન પાણી પણ ન મંગાય કે ન પીવડાવાય. આની પાછળ લૉજીક કે સાયન્સ- ફાયન્સ કાંઈ ન હોય, પણ મૃત્યુની એક અદબ હોય છે. સદ્ગતના જવાથી અમને બન્નેને ભારે સદમો પહોંચ્યો હતો, પણ એ લોકો બહુ સાહજિક હતા... એટલું જ નહિ, મરનારના દીકરાની વહુએ તો ફર્માઇશ પણ કરી કે, 'આહ.. દાદુ આવ્યા છે તો થોડું હસાવશે... તમારા લેખો તો કાયમ વાંચીએ છીએ...!'

 

એ સમજી શકાય કે, ઘરના લોકો રડે તો જ શોક થયો એવું નથી. વળી ખૂબ લાંબી બીમારી પછી ડોસી માંડ ઉકલી હોય, તો એમાં શોક કરવા જેવું ન હોય... આપણામાં ઘેર ઘેર બોલાતું વાક્ય છે, 'આમ તો છૂટી ગયા બિચારા...!'

 

પણ મારી પત્નીએ તો સાચ્ચે જ જેને ગહેરો આઘાત લાગ્યો હતો ને જે ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી, એ મરનારની દીકરીને અજાણતામાં હસાવી દીધી હતી. પત્ની પેલીને સાંત્વન આપતા આપતા બરડા ઉપર હાથ ફેરવતી હતી, એમાં પેલીને મજા પડવા માંડી. આને એમ કે હું દિલાસો દઈ રહી છું પણ પેલીને ગલીપચી થતી હતી... સાલો આખો માહૌલ ફરી ગયો. પેલીએ હસવાનું શરુ કર્યું ને... બસ!

 

 

સિક્સર
ભારતવાસીઓને સલાહ: લાંચ લેવાનું બંધ કરો. આપણી કોંગ્રેસને ધંધામાં હરિફાઇ નથી ગમતી!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os5PxKp6tQxV2LfKwM5Z%2BJOSZxArKROOkfLXMx08FwBOA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment