Thursday 27 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હરિ ના ય પાડતાં શીખો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હરિ ના ય પાડતાં શીખો!
હૈયાને દરબાર-નંદિની ત્રિવેદી

માણસની ઈચ્છાઓનો કોઈ અંત નથી એટલે જ કવિએ આ ગીતમાં અદ્ભુત વાત કરી છે કે હે ઈશ્ર્વર,

યુવાન કપલ સાગરમાં સહેલગાહ કરી રહ્યું હતું. અચાનક દરિયાઈ વાવાઝોડું ફૂંકાયું. બધાં ડરી ગયાં. પેલો યુવાન ફૂટડો છોકરો પણ ગભરાઈને બૂમ પાડવા માંડ્યો : "હે ભગવાન મને બચાવો, હું સિગારેટ છોડી દઈશ, દારૂ છોડી દઈશ, જુગાર છોડી દઈશ...! સાથે આવેલી જુવાન પત્નીએ એને રોકતા કહ્યું કે, "રહેવા દે, હવે બીજું વધારે કંઈ છોડવાની જરૂર નથી. વાવાઝોડું શમી ગયું છે. "હેં..! હાશ! એવા ઉદ્ગાર યુવાનના મુખેથી સરી પડ્યા. હાશકારો થતાં એણે સિગારેટ પેટાવી. ભગવાન બીજી જ ક્ષણે ભુલાઇ ગયા હતા! આ વાત એટલા માટે યાદ આવી કે આપણને કંઇ તકલીફ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ. બાકી, મિત્રો સાથે જલસા પાર્ટી કરતી વખતે, પત્તાં ટીચતી વખતે, મોજ-મજા કે પછી લગન-મેળાવડાઓમાં ભાવતાં ૩૨ પકવાન જમતી વખતે ભગવાન આપણને યાદ આવે છે? ના. પરંતુ, પ્રેમમાં નિષ્ફળતા, ભણવામાં અસફળતા, ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ, લગ્નજીવન ડામાડોળ, નોકરી જાય, સમસ્યાઓ વધી જાય અથવા અચાનક ટપકી પડે એ વખતે આપણે ભગવાન પાસે દોડી જઈએ છે, બાધા-આખડીઓ રાખીએ છીએ અને યાત્રાધામો પર ચપ્પલ ઘસીએ છીએ. આપવાવાળો તો ઉપર બેઠો જ છેને? એટલે જેટલા મસ્કા મરાય એટલા એને મારી લેવાના.

છેલ્લા એકાદ મહિનાથી આપણે સૌ ભગવાનની ભક્તિ કરી રહ્યાં છીએ. શ્રાવણ મહિનો આવ્યો, પર્યુષણ પર્વ આવ્યું, ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. એમ ઈશ્ર્વરની આરાધનાના દિવસો વીતી રહ્યા છે. ઈશ્ર્વરની આરાધના આપણે કરીએ છીએ કેમ? કશુંક પામવા, કશુંક મેળવવા, કશુંક ઈચ્છવા, કશુંક પ્રાપ્ત કરવા. સહમત છો કે નહીં? ભગવાને માનવને કોઈ અધૂરપ આપી ન હોત તો કદાચ આપણે એને સાવ ભૂલી ગયાં હોત અથવા તો એના અસ્તિત્વને જ નકાર્યું હોત. ભગવાનનાં દર્શન કરવાં, પગપાળા યાત્રાએ જવું, વ્રત-તહેવારો કરવાં, યજ્ઞ અને હોમ-હવન કરવાં પાછળનું કારણ શું છે? ભગવાનને રીઝવવાનું. આજના ગીતમાં કવિ તુષાર શુક્લ એટલે જ કહે છે કે હરિ નાય પાડતા શીખો. એમને ખબર છે કે માણસની વૃત્તિ એવી છે કે એને ભગવાન ગમે તેટલું આપશે તોય ઓછું જ પડવાનું છે. ઈશ્ર્વરે માગ્યા વિના જ આપણને કેટલું બધું આપી દીધું છે! પ્રકાશ માટે આકાશ, સૂર્ય-ચંદ્ર-તારા, જીવતદાન આપતી મીઠા જળની નદીઓ, વિશાળતા અને ગહનતાસૂચક ઘૂઘવતો સાગર, રક્ષણ કરવા અડીખમ ઊભેલા પર્વતો, જીવવા માટે અનિવાર્ય હવા, પાણી, પૂરતાં ખાદ્યાન્ન. તોય મનુષ્યને આ બધું ઓછું પડે છે. અરે, મન પણ આપણું કેવું ચંચળ છે કે આજે ભગવાન પાસે માગ્યું ને એણે ઉદાર થઈને આપ્યું તો બીજા દિવસે આપેલી વસ્તુ અણગમતી થઈ જશે અને વળી પાછું બીજું કંઈક માગવાની વૃત્તિ પ્રબળ બનશે.

 કવિ કહે છે કે ભોજનમાં પણ જાતજાતની વાનગીઓ જોઈએ! એક કોળિયે તીખું તો બીજા કોળિયે મીઠું ખાવાની ઈચ્છા થાય. પરિવારજનોની સગવડ સચવાય એવી સાદી મારુતિ સુઝુકી હોય તોય હોન્ડા સિટી લેવાનું મન થાય અને હોન્ડા હોય તો એમાં સ્ટેટ્સ ના લાગે! મર્સિડીઝ તો જોઈએ જ. ખપપૂરતું ભગવાને બધું જ આપ્યું હોવા છતાં બેસ્ટ બ્રાન્ડના કપડાં, ઇટાલિયન ફર્નિચર, છાકો પડી જાય એવાં અદ્યતન ઘરમાં રહેવાની લાલસા દરેકને હોય છે. માણસની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી એટલે જ કવિએ આ ગીતમાં બહુ સરસ વાત કરી છે કે હે ઈશ્ર્વર, અમને તો આદત પડી ગઈ છે માગવાની, એમાંય તારા જેવો ઉદાર અમને મળી ગયો છે.

એટલે હરિ, તું જરા થોભ અને આ માગણિયા માનવને ના પાડતા શીખ. છેલ્લા અંતરામાં તો એમણે ખૂબ સરસ પંક્તિઓ આપી છે કે માંગવું હોય તો કેવળ શું માંગવું એનો વિવેક આપ. નીર-ક્ષીરનો ભેદ સમજાવ અને તીવ્ર ગતિએ દોડતાં મારા મનને બ્રેક લગાવ. હે ઈશ્ર્વર, જે માંગીએ તે બધું આપી ન દે કારણ કે આ પામર મનુષ્યને શું માગવું એનુંય ભાન નથી. ઊલટું, ઈશ્ર્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે અહંકારી અને મિથ્યાભિમાની થઈ સમાજમાં રોફ જમાવે છે. કેવી અનન્ય વાત કરી છે કવિએ આ કવિતામાં!

તુષાર શુક્લના વ્યક્તિત્વ જેવી જ સંવેદનશીલતા એમનાં કાવ્યોમાં પ્રગટે છે. કવિતાનો જાણે મધુર ગુંજારવ. આ જ સૌમ્યભાષી, મિતભાષી કવિ જ્યાં બોલવું અનિવાર્ય થઈ પડે ત્યાં બિન્દાસ થઈને કહી દે છે કે, હરિ હવે ના પાડતાં શીખો. ભાષાનું સૌંદર્ય તેમના સંચાલનમાં જેટલું નિખરે છે એનાથી કંઈકેટલુંય એમનાં કાવ્યોમાં સ્ફૂરે છે. તુષાર શુક્લ આકાશવાણી-અમદાવાદ રેડિયો પર ઉચ્ચ પદે કામ કરી ચૂક્યા છે. સુગમ સંગીતના કાર્યક્રમોનું અદ્ભુત સંચાલન કરે છે. આ ગીતની સર્જનકથા વિશે કવિ તુષાર શુક્લ કહે છે, "આ ગીત પૂ. મોરારિબાપુની માનસકથાનું સંતાન છે. પૂ. બાપુની કથા હું ઘેર બેઠાં ટેલિવિઝન પર સાંભળું. એમાંથી જે વાત ગમી જાય એના પર તરત જ પદ લખીને બાપુને મોકલી દઉં. મારા આશ્ર્ચર્ય વચ્ચે બીજે દિવસે બાપુ કથામાં એ મારું તાજું પદ રજૂ કરે. આ પ્રક્રિયામાં મને એવી મજા આવવા માંડી કે દરેક કથા દરમ્યાન બાપુએ રજૂ કરેલા વિચારોમાંથી કોઈ એક વિષય કે મુદ્દાને લઈને મેં કવિતા રચી છે. હવે ટેકનોલોજીને લીધે મોકલવાનુંય સરળ થઈ ગયું છે. કવિતા લખાય કે તરત આયોજકોમાંથી કોઈ એકને વોટ્સએપ પર મોકલી દઉં એટલે તરત એ બાપુ પાસે પહોંચી જાય. બાપુ બીજા દિવસે કથામાં એ રજૂ કરે અને મૂડ હોય તો ગાય પણ ખરા. આ ગીત પણ એ જ રીતે રચાયું હતું. આશિતભાઈને ગમ્યું હતું એ મને ખ્યાલ છે. પણ કમ્પોઝ થઈને કાર્યક્રમમાં રજૂ થયું એ મારે માટેય સુખદ આશ્ર્ચર્ય છે.

બાપુનું વ્યક્તિત્વ બહુપરિમાણીય છે. એ પોતે હંમેશા કવિ રાજેન્દ્ર શુક્લની કવિતાની પંક્તિઓ ટાંકીને કહેતા હોય છે કે "નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. પૂ. બાપુનું જ્ઞાન, એમની શ્રદ્ધા એમની રજૂઆતકળા એ બધાં વિશે આપણે વધારે શું કહી શકીએ? આશ્ર્ચર્ય તો ત્યારે થાય કે દેશ-વિદેશના ભણેલા-ગણેલા, યંગ છોકરાઓ બાપુની કથામાં આવી બાપુ જે દિશામાં બેઠા હોય એ દિશાને દંડવત્ પ્રણામ કરતા હોય! બાપુ સાહિત્ય-સંગીતના ચાહક અને ભાવક છે, એટલે જ કવિ-લેખકો અને સંગીતકારોને સાથે રાખીને ચાલે છે.

પૂ. બાપુનું કથાતત્ત્વ એટલું સબળ છે કે હવે તો કથા ઉપરથી થયેલાં ગીતોનો આખો સંગ્રહ થઈ શકે એટલી સામગ્રી મારી પાસે ભેગી થઇ છે. શીર્ષક અને ડિઝાઇન પણ તૈયાર છે. જોકે, આ ગીત તમારી કોલમ 'હૈયાને દરબાર'માં રજૂ થશે તો ઘણાને નવાઇ લાગશે, કારણ કે અગાઉ એ ક્યાંય ગવાયું તો છે જ નહીં, હજુ છપાયું પણ નથી કોઈ જગ્યાએ. એટલે મને આનંદ છે કે આ ગીત આજે 'મુંબઈ સમાચાર'ના અસંખ્ય વાચકો સુધી પહોંચશે. કવિ તરીકે મારી જવાબદારી અહીં પૂરી થઈ જાય છે, પછી સંગીતકારને એ ગીત જે રીતે બનાવવું હોય એ રીતે બનાવી શકે. પણ તમે કહો છો એ મુજબ ગીત સુંદર જ બન્યું હશે. હેમાબેનના માર્ગદર્શન હેઠળ સ્વર સખીઓએ આ ગાયું છે એટલે હું પણ આ ગીત સાંભળવા ઉત્સુક છું.

પાંચ-છ મહિના પહેલાં સુગમ સંગીતનાં જાણીતાં કલાકાર હેમાંગિની દેસાઇ પાસે સંગીત શીખતી 'સ્વર સખી'ઓના વૃંદ પાસેથી આ ગીત એક કાર્યક્રમમાં સાંભળ્યું ત્યારથી મનમાં વસી ગયું હતું. હેમાબેન આ ગીત વિશે કહે છે કે, "છએક મહિના પહેલાં આ ગીત મારા એક વોટ્સએપ ગ્રુપ દ્વારા મળ્યું હતું. એ વખતે જ મને એ ખૂબ ગમી ગયું. કંઇક નવી વાત હતી એટલે તરત મેં આશિતને આ ગીત સ્વરબદ્ધ કરવા સૂચન કર્યું. દેવાવાળો તો એટલો ઉદાર છે કે ચપટી માગીએ તો દરિયો દઈ દે, પણ માગવાનું વિવેકભાન હોવું જોઈએ. આપણે તો ભગવાનને 'થેન્ક યુ' કહેવાંય ઊભાં નથી રહેતાં. આ અનોખું ગીત તથા સુંદર-સરળ સ્વરાંકન અમારી 'સ્વર સખી'ઓ દ્વારા ગવડાવવાનું નક્કી કર્યું, કારણ કે, ગીતનું હાર્દ કોરસમાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે. ઘણી બહેનો હવે ગુજરાતી સુગમ સંગીત શીખવા પ્રેરાય છે એ આનંદપ્રદ બાબત છે."

અગ્રગણ્ય સંગીતકારો પાસે ગુજરાતી ગીતો શીખનારની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. પુરૂષોત્તમ ઉપાધ્યાય દ્વારા બહુ વર્ષો પહેલાં કિન્નરી વૃંદની સ્થાપના થઇ હતી. હેમા દેસાઈનું 'સ્વર સખી' વૃંદ સુંદર ગુજરાતી ગીતો શીખી રહ્યું છે. સંગીતકાર સુરેશ જોશી સુગમ સંગીતનાં નાદબ્રહ્મ, સ્વર કોકિલા, સ્વર સપ્તક, સ્વર સંગત જેવાં ચાર ગ્રુપ મુંબઈમાં ચલાવે છે. ગુજરાતી સંગીતના પ્રસારનું કામ કશી હોહા વિના પૌરવી દેસાઈ, હંસા દવે પણ કરી રહ્યાં છે. આ કોલમ વાંચીને જુહુની ૧૬ બહેનોએ માત્ર ગુજરાતી ગીતો ગાવાનું જ ગ્રુપ શરૂ કર્યું છે. દક્ષા પટેલ અને વિપુલા ચોક્સીની આગેવાની હેઠળ આ બહેનો બે મહિને એક વાર ભેગાં થઈ ફક્ત માતૃભાષાનાં ગીતો ગાય છે અને સાંભળે છે. ગુજરાતમાં રાસબિહારી દેસાઈએ સૌપ્રથમ શ્રુતિ વૃંદની સ્થાપના કરી વૃંદગાન અથવા તો કોરસના મહાત્મ્યને પ્રસ્થાપિત કર્યું હતું. વૃંદ ગાન સંગીતનું અગત્યનું પાસું છે. પશ્ર્ચિમના દેશોમાં કોરસ અથવા ક્વોયર મ્યુઝિક કે સમૂહગાન એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોરસમાં ગાવું એ અઘરી કલા છે, કારણ કે એકસાથે અનેક સ્વરોનો સંયમ જળવાય તો જ એ સુરીલું લાગે. અવાજની રેન્જ જાણવા, અવાજ સુધારવા અને પર્ફોર્મન્સ કૌશલ્ય પ્રાપ્ત કરવા સમૂહગાન ગાવું એ સંતર્પક અનુભવ બની રહે છે. કોરસમાં એકસરખી બ્રીધિંગ પેટર્નને લીધે એ સ્વાસ્થ્યપ્રદ છે. સમૂહમાં ગાતી વખતે યોગ્ય રીતે ઊભા રહેવું કે બેસવું અને યોગ્ય શ્ર્વસનક્રિયા દ્વારા ગીતને સમાન સ્તર ઉપર ગાવું એ નિતાંત આનંદદાયક અનુભૂતિ છે. ગુજરાતીઓનું પ્રાધાન્ય ધરાવતાં દરેક પરાંમાં આવાં ગ્રુપ શરૂ થાય તો સંભવ છે ગુજરાતી ગીતોનો સુવર્ણકાળ પાછો આવી શકે.

ફરી આ ગીત તરફ વળીને ફક્ત એટલું જ કહેવું છે કે કુદરતના કણ-કણમાં ઈશ્ર્વરનો વાસ છે. બસ એટલું જ ધ્યાનમાં રાખી, હે મનુષ્ય! મંદિર-મસ્જિદ, ગુરુદ્વારા અને દેવળમાં અથડાવાને બદલે તું તારા દિલમાં દીવો કર અને ઈશ્ર્વર પાસેથી જે મળ્યું છે એ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કર. છેલ્લે, નરસિંહ મહેતાની અદ્ભુત પંક્તિઓથી સમાપન કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના,

પ્રીત કરું પ્રેમથી, પ્રગટ થાશે..!




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuuZA%3DcfXAckL8N-0Njd1DVceN1th7xZL2pKMiWXaDTqQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment