Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સપનાનો માનવ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સપનાનો માનવ --- લવ સ્ટોરી આવી પણ હોય!
મુકેશ સોજીત્રા

 

 

દિલ્હી સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર માનવ વહેલી સવારના ચાર વાગ્યે આવી પહોંચ્યો. કાલે બપોરે તત્કાલ બુકિંગમાં અમદાવાદની એક સ્લીપર કોચની ટિકિટ મેળવી લીધેલ હતી. રેલવે સ્ટેશન પર  વહેલી સવારે પણ  ખાસી ચહલ પહલ હતી . બધા અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ દિશાઓમાં જોઈ રહ્યા હતાં. દિલ્હીથી મુંબઈ તરફ જતી એક્ષપ્રેસ આવવાને હજુ એક કલાકની વાર હતી . માનવે પોતાની ટિકિટ કાઢી કોચ નંબર એસ એઈટ સીટ નંબર સેવન વિન્ડો પાસેની સ્લીપરની સીટ હતી . આજુબાજુના પ્લેટફોર્મ પર નજર કરી. થોડે દૂર એક છોલે  ભટુરે વાળો ઉભો હતો .લોકો અત્યારના પહોરમાં ગરમાગરમ છોલે ભટુરે દાબી રહ્યા હતાં . એક બાજુ ચાય વાળો હતો. એક નાસ્તાની દુકાન મધર  ડેરીનું પાર્લર અને મેગેજીન ની દુકાને થોડાં ગણ્યાં ગાંઠ્યા માણસો હતાં બાકીના સ્ટોલ સુમસાન ભાસતાં હતાં. અમદાવાદ પોતાની સંસ્થાના ગૃહપતિને ફોન કરીને કહી દીધું હતું કે તે આજ સવારે દિલ્હીથી ટ્રેનમાં બેસશે અને કાલ વહેલી સવારે કાલુપુર આવી જશે. માનવનું માથું થોડું થોડું ભારે હતું. આંખો સહેજ સહેજ બળતી હતી . રાતે બે વાગ્યા સુધી તો એ સપનાના સપનામાં જાગતો ઊંઘી રહ્યો હતો.માંડ દોઢ કલાક એ કદાચ સુતો હોય બાકી કાલ બપોરથી જ જ્યારથી એણે તાત્કાલની ટિકિટ બુક કરાવી ત્યારથી જ એ ઘણો બંધો અસમંજસ માં હતો!! સપનાના ના વિચારોને કારણે પૂરો સુઈ પણ શક્યો નહોતો.!!

 

માનવની નજર પ્લેટફોર્મ નબર ચાર તરફ ગઈ .એક ટ્રેન આવી અમદાવાદ તરફથી એ હરિદ્વાર જઈ રહી હતી. સપના સાથે કાલ સવારમાં જ વાત થઇ હતી કે આપણે બને કાલે બપોરની ટ્રેનમાં હરિદ્વાર જઈશું. ત્યાંથી મસુરી , નૈનીતાલ અને વળતાં બે દિવસ ઋષિકેશ થઈને પાંચ દિવસ પછી પાછા આવીશું . અને પછી સાથેજ એક જ ટ્રેનમાં જઈશું .સપના જયપુર ઉતરી જવાની હતી અને પોતે અમદાવાદ જવાનો હતો . આમ તો ચ છેલ્લાં આઠ માસથી બને ગળાડૂબ નહિ પણ માથોડા ડૂબ એકબીજાના પ્રેમમાં રસ તરબોળ હતાં. પણ કાયદેસરનો એકરાર બેમાંથી એકેય નહોતો કર્યો ...!! જાણે બનેમાંથી એકેયને ઉતાવળ પણ નહોતી લાગતી. આમ તો બને આજથી બરાબર નવ માસ પહેલા યુપીએસસીની તૈયારી કરવા દિલ્હી આવ્યાં હતા . દિલ્હીની પ્રખ્યાત "બ્રાઈટ એન્ડ બ્રેવ કલાસીસ " માં એડમીશન લઇ લીધું હતું . બને નસીબજોગે એક જ બેંચ પર બેસતા અને એક જ મહિનાની અંદર એક બીજાની કેમેસ્ટ્રી એવી મળી ગઈ કે પ્રેમ નામનું સંયોજન બનેના લોહીમાં ધબકવા લાગ્યું હતું..!! હવે માનવ વિચારવા લાગ્યો કે બપોરે સાડા અગિયાર વાગ્યે સપના પોતાના ફૂલ ગુલાબી ડ્રેસમાં પોતાની સુટકેશ લઈને પ્લેટફોર્મ નંબર ચાર માં પોતાને શોધશે અને પોતે નહિ મળે અને મોબાઈલ નંબર પણ બંધ આવશે ત્યારે એની શી હાલત થશે?? પણ એક દિવસ તો આમ થવાનું જ હતું  તો પછી વહેલા કેમ ના કરવું??? માનવની આંખમાંથી આંસુ સરી પડ્યા .પોતાનું એક જુઠ એને આટલું ભારે પડશે એની કલ્પના પણ નહોતી. એણે પોતાનો મોબાઈલ કાઢ્યો. સપનાનો નંબર જોયો. મન મક્કમ કર્યું . મોબાઈલ સ્વીચ ઓફ કર્યો. સીમ કાઢ્યું અને સીમનો ઘા કર્યો . પ્લેટફોર્મ નંબર એક ના ટ્રેક પર સીમ જતું રહ્યું!! આંખમાં આંસુ સાથે માનવે મોબાઈલ પોતાના થેલામાં નાંખ્યો!! આંખો બંધ કરીને એ નવ મહિના પહેલાના ભૂતકાળમાં સરી ગયો!! નવ મહિના પહેલા એ સવારે સાત વાગ્યે આવી જ રીતે આ પ્લેટફોર્મ પર અમદાવાદથી આવતી એક ટ્રેનમાં ઉતર્યો હતો.!!

 

નામ તો એનું માનવ એસ ભટ્ટ હતું. આ એસ કોણ અને અટક ભટ્ટ કેમ હતી એની એને ખબર બહુ મોડી મોડી પડી હતી . એ જ્યારે પાંચમાં ધોરણમાં હતો ત્યારે એ સંસ્થામાં રહીને ભણતો હતો . નિરાધાર બાળકોની સંસ્થા હતી . જન્મથી જ ત્યજી દેવાયેલા બાળકોની એક સંસ્થા .પોતાની સાથે ઘણા બીજા બાળકો હતાં . કુદરતી ક્રમમાં આ જન્મેલા બાળકોના અસલી મા બાપ કોણ હતા એ કોઈ ને પણ ખબર નહોતી. બસ દરેક બાળકોને કોઈએ ને કોઈએ દતક લીધું હતું અને આ સંસ્થાને ડોનેશન આપ્યું હતું . માનવને કોઈ એસ નામના ભટ્ટ સજ્જને દતક લીધો હતો અને તેથી એની પાછળ એસ ભટ્ટ આવતું હતું. પાંચમા ધોરણમાં બાળક સમજણો થાય એવું સંસ્થા માનતી અને એટલે સંસ્થાના એક મોટા ખાદીધારી ભાઈએ બધા જ બાળકોને ભેગા કરીને કીધું હતું એ માનવને આજીવન યાદ રહી ગયું હતું.

 

"મારા પ્યારા બાળ દોસ્તો , આજે તમને જીવનનું એક સત્ય સમજાવવાનું છે. અહી તમે પાંચ ધોરણ સુધી ભણી રહ્યા છો આવતા વરસે તમે આ સંસ્થાની બહાર ભણવા જશો. અત્યાર સુધીમાં ઘણા બાળકોને કુતુહુલ થતું કે એમના માતા કોણ છે ?? પિતા કોણ છે ?? એ તો અમને પણ ખબર પણ નથી. આ શહેરના અલગ અલગ ખૂણેથી તમે મળી આવ્યા છો . આ સંસ્થામાં કોઈએ ને કોઈએ તમારો આજીવન ખર્ચ આપ્યો છે . એટલે એ વ્યક્તિનું તમારી પાછળ નામ લાગેલું છે. તમે વિશિષ્ટ બાળકો છો . તમારે તમારી રીતે આગળ વધવાનું છે . હવે આવતા વરસે તમારે દસ થી છ બહારની શાળામાં ભણવા જવાનું થશે ત્યાં મા બાપ સાથેના પરિવાર વાળા બાળકો આવશે . તમારે તમારી રીતે એની સાથે અનુકુલન સાધવાનું છે . કદાચ ટીકા થાય ટીખળ થાય પણ આ સંસ્થાનો કોઈ બાળક ક્યારેય કોઈ સાથે ઝગડશે નહિ . કોઈની સાથે કોઈ ખાસ પ્રકારનો સબંધ બાંધશે નહિ તમારે તમને ગમતાં વિષયના અભ્યાસમાં ધ્યાન પરોવવાનું છે . જાતને એવી રીતે તૈયાર કરવાની છે અને એવી સફળતા મેળવવાની છે .મોટા ઓફિસર બનવાનું છે પછી તમને તમારે યોગ્ય કોઈ પાત્ર પસંદ કરીને લગ્ન કરીને એક પરિવાર ને જન્મ આપવાનો છે. અત્યારે તો તમે આ પરિવારના છો પણ તમારો પોતાનો પરિવાર બને એ માટે સંસ્થા બધું જ કરી છૂટશે પણ ત્યારે કે તમે તમારા પોતાના પગ પર ઉભા રહી શકો" ત્યારે માનવને થોડું સમજાયું થોડું પછીના વરસે સમજાયું . એ દસમાં ધોરણમાં હતો ત્યારે એને એટલી જાણ હતી કે એ જ્યારે છ માસનો હતો ત્યારે કાંકરિયામાં એક ઝાડ નીચેથી એક વાળવાવાળા ને રડતો મળ્યો હતો!! પછી એને આ સંસ્થામાં લાવવામાં આવ્યો હતો. માનવ ભણવામાં તેજસ્વી હતો . એને એક મોટા ઓફિસર બનવું હતું. કોલેજની પરિક્ષાઓ પૂરી કરીને તે યુપીએસસી ની પરિક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી આવ્યો હતો. શહેરમાં કોલેજ કરી ત્યાં સુધી એ બહુ ઓછા મિત્રોના પરિચયમાં આવ્યો હતો. ઘણી છોકરીઓ વાત કરવાની કોશિશ કરતી પણ તે હમેશા દૂર જ રહેતો . એને સમાજ વ્યવસ્થા પ્રત્યે લગભગ નફરત હતી . એ પોતાનો મોટાભાગનો સમય લાયબ્રેરીમાં જ વિતાવતો!! રજાના દિવસે એ કાંકરિયામાં આવેલા ઝાડની નીચે બેસતો . દર વખતે એ અલગ અલગ ઝાડ નીચે બેસતો .અને કલ્પના કરતો કે વરસો પહેલા કોઈક એને આ ઝાડમાંથી કોઈ એક ઝાડ  નીચે મુકીને ચાલ્યું ગયું હતું!!

 

દિલ્હી આવીને એ એક હોસ્ટેલમાં રોકાયો હતો . ફી એડવાન્સમાં સંસ્થા તરફથી ભરાઈ ગઈ હતી. બીજે દિવસે એ કોચિંગ ક્લાસમાં ગયો. સવારમાં આવી ને  કોચિંગ ક્લાસના બારણાં આગળ આવીને ઉભો રહી ગયો હતો. આઠ વાગ્યે ક્લાસ ખુલ્યા . રજીસ્ટ્રેશન થયું અને બેસવાનો નંબર ફાળવવામાં આવ્યો . દરેક બેંચ પર બે જણા અને એમાય એક છોકરો અને એક છોકરી!! માનવ પોતાની બેંચ પર બેઠો અને બાજુમાં કોણ આવે છે એ રાહ જોવા લાગ્યો . થોડી જ વારમાં આછા અને માદક પોન્ડ્સ પરફ્યુમ્સ ની સુગંધ ક્લાસમાં ફેલાઈ ગઈ. માનવની બાજુમાં જ એક સુંદરતાની કળી એવી એક છોકરી રાજસ્થાની ડ્રેસમાં બેસી ગઈ. માનવને ચપોચપ અડીને જ બેસી ગઈ. કલાસ શરુ થયો.

 

શરૂઆતમાં એક બીજાની પરિચય વિધિ થઇ . માનવ ને ખબર પડી કે એની બાજુમાં બેઠેલ કળીનું નામ સપના એસ શાહ છે અને જયપુરના બગીચામાંથી આવે છે.!!

 

"આજ સે આપકા કલાસીસ શુરુ હોતા હૈ !! આજ કા પહલા ઔર એક માત્ર કામ યહ હૈ કી આપ સભી કે પાસ જો એન્ડ્રોઈડ ફોન હૈ વહ આપ યહાં જમા કરવાઈયેગા ઔર બદલેમે આપકો યહ સાદા સા સિમ્પલ સા નોકિયા ૩૩૧૫ ફોન દિયા જાયેગા જિસમેં આપ સિર્ફ બાત કર સકેંગે વો ભી જબ જરૂર હો તબ !! યહ ઇન્સ્ટીટયુટ કા નિયમ હૈ જબ તક આપ યહાઁ પઢેંગે બીના નેટ વાલા ફોન હી રખ પાઓગે વો ભી ઇસીલિયે કી આપકા સમ્રગ ધ્યાન ઇસી ક્લાસ મેં રહે નૌ મંથ કે બાદ આપ કો અપના પ્યારા એન્ડ્રોઇડ વાપસ મિલ જાયેગા.. આપકો સીમ કી પ્રોબ્લેમ હોગીના ઉસકા સોલ્યુશન ભી હમારે પાસ હૈ.. આપ અપના નેનો સીમ હમકો દીજીયેગા હમ ઉસકો બડા સીમ બના દેંગે જો નોકિયા ૩૩૧૫ મેં ફીટ હો જાયેગા!! યહ એક જમાને મેં બઢિયા ફોન થા.. બહુત મજબુત ભી હાથમે સે બાર બાર ગિરેંગે ફિર ફી એક ભી ખરોંચ નહિ આયેંગી ઇસ ફોન કો" ગુપ્તાએ લેકચર પૂરું કર્યું . બધાના સ્માર્ટફોન લેવાઈ ગયા અને લોંઠકા અને જાડા ૩૩૧૫ આવી ગયા. શરૂઆત સપનાએ કરી હળવા સ્માઈલ થી અને માનવે સ્માઈલથી પ્રત્યુતર સ્માઈલથી જ આપ્યો. કલાસીસ શરુ થયા. આઠ થી દસ પ્રથમ બેંચ અને સાંજે છ થી આઠ બીજી બેંચ!! દરરોજ ચાર કલાક ફરજીયાત ભણવાનું અને રવિ વારે ચાર પેપર!! જનરલ સ્ટડીઝ , અંગ્રેજી , ઈતિહાસ અને માનવ વિદ્યાઓ!! દસ વાગ્યે ક્લાસ છૂટે એટલે સપના એની સાથે જ બહાર નીકળે. એ થોડે દૂર એક હોસ્ટેલમાં રહેતી હતી. ચોથા દિવસથી સપનાએ કહ્યું.

 

"માનવ ચાલ ને આ બગીચામાં બેસીએ આમેય હોસ્ટેલ પર જઈને એકલા એકલા સ્ટડી કરવામાં કંટાળો આવે છે. માનવના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો કે એ એક છોકરી સાથે બગીચામાં બેઠો હોય !! બને બગીચામાં બેઠા અને ઈતિહાસ નું રીવીઝન કરવા લાગ્યા. આજે માનવે સપનાને પુરેપુરી નીરખી. એકદમ સપ્રમાણ શરીર , વધારાની ચરબી વગરની સુકોમળ કાયા , ચહેરો લંબગોળ જમણી બાજુ નાનકડો તલ જાણે ગુલાબના છોડમાં એક કળી શોભી રહી હોય એમ જમણા ગાલની સહેજ નીચે શોભી રહ્યો હતો. એકદમ સફેદ અને ચમકતા દાંત!! ચેરી જેવા સ્નિગ્ધ હોઠ અને બોલી એવી કે જાણે મધ ઝરતું હોય!૧ સપનાની એક ખાસિયત એવી કે એને સતત ખાવા જોઈએ!! કશુંક ને કશુક એ ખાતી જ હોય!! ક્લાસમાં પણ પોલો , સેન્ટર ફ્રેશ કે આલ્પેનલીબે એના મોઢામાં જ હોય!! માનવ ને પણ એ પરાણે એકાદ વસ્તુ ખવરાવી જ દે!! માનવ ના પાડે અને પાછો પોતાના બને હાથ વડે એ માનવને સેન્ટર ફ્રેશ ખવડાવે અને આ બાજુ માનવનું મન એકદમ તરબતર થઇ જાય!! એના શરીરમાં એકદમ મીઠી ઝણઝણાટી પ્રસરી જાય. ઉમર નો તકાજો કહો તો તકાજો કે દિલ્હીનું રોમાંચક અને રોમાન્સ ભર્યા વાતાવરણની કમાલ કહો જે કહો એ માનવ સપના પ્રત્યે ખેંચાતો ચાલ્યો.!!!  બને કલાક દોઢ કલાક બગીચામાં બેસે અને વળી પાછા સાંજે પાંચ વાગ્યે એજ બગીચામાં આવે!!  છ થી આઠના ક્લાસ ભરે આઠ વાગ્યે  થોડો નાસ્તો કરે અને છુટા પડે!!

 

"માનવ તારા પિતાજી અને ફેમેલી શું કરે છે અમદાવાદમાં???" એકાદ મહિના પછી સપનાએ માનવને સવાલ કરેલો અને આવો સવાલ આવે ત્યારે શું જવાબ આપવો એ માનવે માનસિક કલ્પના કરી લીધી.

 

"પિતાજી અમદાવાદમાં એક સરસ દુકાન ચલાવે છે સીજી રોડ પર અને માતાજી નર્સ છે સરકારી હોસ્પીટલમાં એક બહેન મોટી છે અને એક નાની નાની બહેન બારમાં ધોરણમાં છે . મોટી બહેન વડોદરામાં પરણી ગઈ છે જીજાજીને વાઘોડિયામાં એક મોટી કંપની છે બહેનને એક બાબો અને બેબી છે!!" માનવે પોતાની કાલ્પનિક ફેમેલીના પાત્રો રજુ કરી દીધાં"

 

"મને બરોડા ખુબ જ ગમે, અમદાવાદ પણ ગમે એક દુરના સબંધી રહે છે ચાર વરસ પહેલા હું આવી હતી અમદાવાદમાં અને બરોડામાં!! પાંચ દિવસ રોકાઈ હતી!! ખુબ સરસ છે બરોડા!! ખાવાનું પણ કેવું ગળ્યું અને સ્વાદિષ્ટ!! મને સ્વાદિષ્ટ વસ્તુ અને માણસો ખુબ જ ગમે!! તું પણ બહુ જ મીઠડો છે ને મેસુબ જેવો એકદમ મીઠડો " આમ કહીને સપના માનવનો ગાલ ખેંચતી અને માનવને કંઈ ને કઈ થઇ જતું!!

 

"તારું ફેમેલી શું કરે છે જયપુરમાં ?" માનવે પણ પૂછી લીધું.

 

"પાપાને એક દુકાન છે ઓલ્ડ પિંક સિટીમાં .. પાપાને જવેલર્સ નો ધંધો છે . સાઈડમાં એસ્ટ્રોલોજીનું પણ કરે છે .. ગુજરાત ભવનની બાજુમાં જ અમારું ઘર છે. મારા મમ્મી મૂળ ગુજરાતના છે અમીરગઢના એટલે જ તો ગુજરાતી મને જેવું તેવું આવડે છે.. બે ભાઈ છે બને સરકારી નોકરીમાં છે સહુથી નાની હું છું .પાપા મને કહે કે તારે ઓફિસર બનવાનું છે .એટલે જ તો એણે મને અહી મોકલી .આમ તો એ મને કોટા માં જ ભણવા મુકવાના હતા પણ પછી દિલ્હી જ પસંદ કર્યું .પાપા મને ખુબ ચાહે છે. આપણે અભ્યાસ પૂરો થાય ને પછી ઘરે જઈશું ત્યારે હું તને મારા ઘરે લઇ જઈશ અને બધા સાથે પરિચય કરાવીશ આમેય પાપાને મીઠડાં લોકો સાથે ખુબ જ ફાવે .. પાપા હમેશા કહેતા હોય ગુજરાતી એટલે ગળપણ ખાવા જન્મેલી પ્રજા મારા દાદાના પિતા  ગાંધીજી ને પણ મળેલા અને એની સાથે પુરણ પોળી પણ ખાધેલી!! તને ખબર છે માનવ ગાંધીજીને એક જ મીઠાઈ ભાવતી અને એ હતી પૂરણપોળી!!" કહીને સપના પાછો માનવનો ગાલ ખેંચતી!! અભ્યાસની સાથે સાથે આત્મીયતા વધતી ચાલી!!

 

"એક શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં એક પુર બહારમાં ખીલેલા ઝાડ નીચે રાતના આઠ વાગ્યા પછી  ક્લાસ પુરા કરીને માનવ અને સપના બેઠા હતા. ચારેય બાજુ થોડી જ વારમાં ધુમ્મસ ફેલાઈ ગયું .સપના બોલી.

 

"તને ખબર છે માનવ દિલ્હીમાં વ્રુક્ષો હમેશા તરોતાજા અને ખીલેલા જ કેમ હોય છે??

 

"નહિ કદાચ અહીની ધરાનો પ્રતાપ હશે કે કદાચ વાતાવરણ સારું હોય અનુકુળ હોય અથવા તો યમુનાજીનું પાણી અનુકૂળ હોય " માનવે શક્ય એટલા સંભવિત ઉતર આપ્યા!!
  

 

"એવું નથી બુદ્ધુ !! દિલ્હીમાં દરેક ઝાડ નીચે સાંજના અને આવા સમયે સ્નેહની સરવાણીઓ ફૂટે છે !! યુવાન હૈયાઓ એકબીજાની વાત સાંભળવા અધીરા બને છે અને લીલીછમ લાગણીઓનું રસપાન થાય છે એટલે વ્રુક્ષો આવું જોઈએને પુર બહારમાં ખીલી ઉઠી છે" સપના બોલતી હતી અને માનવ સાંભળતો હતો. અચાનક જ સપનાએ માનવને પોતાના પ્રેમભર્યા પાશમાં લીધો અને પોતાના રસીલા અધરોને માનવના અધરો સાથે મિલાવ્યા અને બને સ્નેહની સરવાણીમાં એકબીજાના હૈયાના હાર બનીને ઝૂલી રહ્યા અને બરાબર એ જ વખતે આકાશમાંથી હિમ વર્ષા થઇ!! બને છુટા પડ્યા અને સપના બોલી!!

 

"જોયું માનવ આકાશ પણ ધરતી પર વરસી પડયું !! એ પણ પોતાનો વ્હાલપનો દરિયો છલકાવીને જ રહ્યું!! માનવ માટે આ અનુભવ પ્રથમ અને રસદાયક રહ્યો. એના સમગ્ર તનબદનમાં સપનાની એક સુવાસ છલકાઈ રહી હતી. આંખોમાં એક પ્રકારની મસ્તી અને ચાહતની એક અકથ્ય તૃપ્તિ દેખાતી હતી!! અને અ  વખતે  માનવે ફરી એક વાર સપનાને પોતાનામાં સમાવી લીધી!!

 

સમય વિતતો ચાલ્યો!! હવે તેઓ એક બીજાના શ્વાસ બની ગયા હતા.એક બીજાના સહારે તેઓ અભ્યાસમાં પણ અસાધારણ પ્રગતિ કરી રહ્યા હતા . તમામ વિષયોમાં તેઓ ટોપ કરી રહ્યા હતા. ગુપ્તા પણ ક્લાસમાં કહેતા!!

 

"લગતા હૈ કી ઇસીબાર યહ રાજસ્થાન ઔર ગુજરાત કા સુનહરા ગઠબંધન કામયાબીકે નયે ઝંડે ગાડને વાલા હૈ" બને આ સાંભળીને આનંદ અનુભવતા. બેંચ એ જ હતી શરૂઆતમાં બને એ બેંચ પર માંડ માંડ બેસી શકતા પણ હવે બેન્ચમાં કોઈ ત્રીજાને બેસવું હોય તો પણ બેસી શકે એ હદ સુધી બને ચીપકીને સાથે બેસતાં!!

 

તેઓ એક બીજા પર વરસતા પણ એક હદ સુધી જ! માપ અને મર્યાદા એ લોકોએ જ નક્કી કરી હતી!  હદ ઉપરવટની મર્યાદા એમણે ક્યારેય ઓળંગી ન હતી!! માનવ માટે તો આ સુવર્ણ કાળ હતો. નાનપણ થી જ સ્નેહ ભૂખ્યા માનવને  સપના એ હેતની એવી હેલી વરસાવી કે માનવ લગભગ તૃપ્ત થઇ ગયો હતો.!! બસ કાલે નવ માસ પુરા થઇ ગયા હતા અને મહિના પછી એક્ઝામ આવી રહી હતી!! બને એ ક્લાસ છોડીને નક્કી કર્યું હતું કે દસેક દિવસ હરિદ્વાર , મસુરી આંટો મારી આવીએ પછી પોતપોતાના વતનમાં અને ફાઈનલ એકઝામની તૈયારી કરી લઈએ.!! માનવ થોડો વ્યથિત થયો એને એક જ વિચાર આવ્યો હતો કે ના કરે અને નારાયણ ને સપનાએ એને આ દસ દિવસમાં પ્રપોઝ કરી દીધું તો?? પોતે અનાથ હતો ... કોઈ જ ફેમેલી ના હતું!!.. બધી જ વાતો બનાવટ વાળી હતી!! એ નાનપણથી શીખ્યો હતો કે  મા બાપ નો પતો ના હોય એવી વ્યક્તિને સમાજ ક્યારેય સ્વીકારતો નથી. સપનાને સાચી હકીકતની જાણ થાય ને કદાચ એ માની જાય પણ એના ભાઈઓ અને એના મમ્મી પાપા માને ખરા?? સપનાને આઘાત લાગે તો ??? એટલા માટે જ એણે કદી સામે ચાલીને પ્રપોઝ નથી કર્યું!! સપના પહેલ કરે એની રાહ જોતો હતો!!! પણ નસીબ એવા કે સપના એ પણ પ્રપોઝ ના કર્યું !! બને એટલા આળસુ હતા કે જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું!! જોકે બને અમુક સીમાઓ સુધી જ રહ્યા હતા અને આગળ નહોતા વધ્યા એનો આનંદ હતો!! કદાચ બને જુદા પડી જાય તો પણ કોઈએ કોઈની જિંદગી બગાડી નાંખી એવો કોઈ દોષ કોઈના પર આવે એમ જ નહોતો!!!

 

સપનાથી છુટા પડીને માનવે વિચાર કર્યો .ખુબ જ વિચાર કર્યો અને નક્કી કર્યું કે આ વાતનું અહીંજ પૂર્ણ વિરામ મૂકી દેવું..!! ક્લાસમાં આજે તેને પોતાના સ્માર્ટફોન પરત મળ્યા હતા. માનવે અને સપનાએ પોતાના ફોનમાં એક એક સેલ્ફી લઇ લીધી. બને કાલે બપોરે હરિદ્વાર જવું એમ નક્કી કરીને છુટા પડ્યા!!

 

માનવે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદની તત્કાલ ટિકિટ કઢાવી અને પોતે વહેલી સવારે જ ટ્રેનમાં અમદાવાદ તરફ નીકળી જશે એમ નક્કી કર્યું!! સપના ને પોતાનાથી પણ સારો યુવક મળી રહેશે એવું મનોમન નક્કી કર્યું !! ઘડીક તો એને થયું કે સપનાને કોલ કરીને સાચી હકીકત કહી દે કે હું અનાથ છું .મારે કોઈ જ પરિવાર નથી... પણ હિંમત ના ચાલી મોડી રાત સુધી એ વિચારોમાં ખોવાયેલો રહ્યો!! મોડી મોડી ઊંઘ આવી!!

 

"અહમદાબાદ જાને વાલી ગાડી પ્લેટફોર્મ નબર ઇક પર આ રહી હૈ" એનાઉન્સ થયું ને માનવ સફાળો જાગ્યો !! ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછો આવ્યો. દિલ્હી તરફ છેલ્લી નજર નાંખીને એ પોતાના કોચ એઈટ માં સીટ નંબર સેવનપર બેઠો અને ગાડી ઉપડી!! મનોમન માનવ બોલ્યો "દિલથી ચાહું છું સપના પણ આ અનાથ છું એટલે લાચાર છું ભગવાન તને સદાય સુખી રાખે બને તો મને માફ કરી દેજે"!! ગાડી ઉપડી અને માનવે આંખો બંધ કરી દીધી!! ઘડીક તો એને થયું કે હજુ આગલાં સ્ટેશન પર ઉતરી જાવ સપનાને મળીને ખુલાસો કરી નાંખું !! કદાચ એ માફ કરી પણ દે!! પણ ફરીવાર હિંમત ના ચાલી!! ગાડી આગળ ચાલી સરાઈ રોહિલા સ્ટેશન આવ્યું અને ગાડી ધીમી પડી!! માનવ ટ્રેનમાં ટોઇલેટ ગયો.. એ ફ્રેશ  થઈને ટોઇલેટમાં થી બહાર આવ્યો ત્યાં સુધીમાં ગાડી સરાઈ રોહિલા સ્ટેશન પર ઉભી રહીને ફરીથી ચાલતી થઇ. માનવ બારણા પાસે ઉભો રહ્યો...!! દૂર જતી રહેલી દિલ્હીને એ જોઈ રહ્યો હતો એને ભાસ થતો હતો કે સપના પણ ગાડીનો પીછો કરી રહી છે!! ધૂંધળી આંખે એ ધૂંધળી થઇ રહેલી દિલ્હીને જોઈ રહ્યો હતો!! માનવ પોતાની સીટ પર આવ્યો સીટ નબર આઠ પર કોઈ છોકરી અવળું ફરીને બેઠી હતી. માનવે વિચાર્યું કે સરાઈ રોહીલાથી આ છોકરી બેઠી  હશે!! માનવ ને જાણીતી સુગન્ધ આવી અને એ પોતાની સીટ પર બેઠો અને સામે જોયું તો સ્તબ્ધ!!! ગુલાબી ડ્રેસમાં સપના સીટ આઠ પર બેઠી હતી !! એ પણ સ્તબ્ધ હતી!! બસ જોઈ જ રહી હતી!! બને એકબીજાને જોઈ જ રહ્યા હતા!! અને અચાનક જ એકબીજાને ભેટી પડ્યા બને રડી રહ્યા હતા!! માનવે પૂછ્યું.

 

"કેમ સપના અચાનક જ આ ગાડીમાં???" સપના બોલી.

 

"માનવ આઈ લવ યુ !! આઈ લવ યુ સો મચ!! પણ શરૂઆતમાં હું ખોટું બોલી હતી!! મારે કોઈ જ કુટુંબ નથી!! હું જયપુરના એક અનાથાલય માં મોટી થઈ છું. કાલે જ મારે તને સાચું કહી દેવું હતું પણ હિંમત ના ચાલી .કાલે જ મેં નક્કી કર્યું કે જયપુર ચાલ્યા જવું છે . માનવ મારા માટે જે વિચારે તે!! હું મારા માનવને જીવનભર સપનામાં ચાહતી રહીશ!! પણ આપણા નસીબ કેવા છે કે જેને હું છોડવા માંગતી હતી એ જ  મને મળ્યું!! પણ એ કહે માનવ તું આ ટ્રેન માં ક્યાંથી???"

 

"બસ સેઈમ ટુ યુ!! તું પણ અનાથ અને હું પણ અનાથ!! હું પણ તારી જેમ જ વિચારીને વાસ્તવિકતાથી ભાગી રહ્યો હતો. પણ કુદરતનો આ જ સંકેત હશે ને એટલે જ ભેગા થયાને??!! બાકી કોઈ એકલું રોકાયું હોત તો જીવનભર ના મળી શકત" બસ બને પાછા મન ભરીને ભેટી પડ્યા!! ગાડી ચાલતી રહી. સપના બોલી.

 

"કોણ છે મારા માતા પિતા એ તો ખબર નથી બસ અનાથ આશ્રમવાળા એ એટલું જ કીધેલું કે પુષ્કરના મેળામાંથી હું એમને મળી આવી છું!! ઉમર વરસ દિવસની હતી ત્યારે બસ બીજી કશી જ ખબર નથી. પણ આજથી આપણે અનાથ નથી એક બીજાના સહારે જીવી લઈશું.  એક મહિના પછી પરીક્ષા આપીશું .પરિણામ ગમે તે આવે આપણે સાથે જ રહીશું" બને ની આંખોમાં એક ચમક હતી. નિરાશાના વાદળો વિખેરાઈ ગયા હતા અને સુખનો સુરજ ઉગ્યો હતો..

 

ગુડ ગાંવ સ્ટેશન આવ્યું.. !!

 

માનવ બોલ્યો!! "સ્વીટી અહીના  છોલે ભટુરે વખણાય છે અને આલું ટીકી પણ ચાલ તારો સામાન લઇ લે આપણે નીચે જઈને ખાઈ લઈએ ટ્રેન અહી રોકાશે" બને નીચે ઉતર્યા એક સ્ટોલ પર ગયા .

 

"એક છોલે ભટુરે ઔર દો આલું ટીકીયા જ્યાદા સ્પાઈસી બનાના" માનવ બોલ્યો અને ગાડી એ પાવો માર્યો!! ગાડી ઉપડી અને માનવ બોલ્યો!!

 

"ભલે જતી એ ગાડી આપણે અહીંથી હવે હરીદ્વાર જઈશું!! નિરાંતે પાછા આવીશું. તારા કે મારા મોબાઈલમાં સીમ કાર્ડ તો છે નહીં!! બેય નવા સીમ લઇ ને નવી જિંદગી શરુ કરીશું!! સપના હસી પડી!! અને સાથોસાથ માનવ પણ!! કોણ જાને પેલો છોલે ભટુરે વાળો બિહારી પણ ગુજરાતી સમજ્યો હોય એમ બોલી ઉઠયો!!

 

'સાહબજી આપ દોનોકી જોડી કો ભગવાન સલામત રખે સાહબ્જી!! રબને બઢિયા સી જોડી બનાદી હૈ સાહ્બ્જી!!!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otba7z2kQ2LveyJou6k_KsffNVG1BZypx3bwf-eRt%3DARw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment