Saturday 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભય સૌથી મોટો દુશ્મન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વાર્થ અને પરમાર્થ વચ્ચેનો સંઘર્ષ એટલે જીવન: ભય સૌથી મોટો દુશ્મન
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

મનુષ્ય જીવન સ્વાર્થ-પરમાર્થ અને અર્થના તાણાવાણામાં વણાયેલું છે. સૌ કોઈ પોતાની શક્તિ અને મતિ પ્રમાણે જીવન વ્યતિત કરે છે. માનવજીવન અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. જીવનમાં સારાનરસા પ્રસંગો આવ્યા કરે છે. સ્વાર્થના સંબંધો બદલાતા રહે છે. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચેનો સંઘર્ષ એટલે જીવન. જીવન ખૂબ જ વિસ્મયકારક અને રહસ્યપૂર્ણ છે. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. કાળનું ચક્ર ફર્યા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે. ઘટનાઓ ઘટિત થતી રહે છે. આ જટિલ જગતમાં જ્યાં આપણું જીવન ઘણી બધી બાબતોપર અવલંબિત છે ત્યાં હંમેશાં બધુ આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓ મુજબ થવાનું નથી. મનગમતી વાત હંમેશાં બનવાની નથી. જીવન પરસ્પર સંકળાયેલું છે તેની સંભવિત સારી માઠી અસરો પડવાની છે. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. સુખ-દુ:ખ, આધિ-વ્યાધિ, આશા-નિરાશા આ બધી બાબતો જીવનનો એક ભાગ છે. આ બધી વસ્તુઓ આપણે ટાળી શકતા નથી. કાળના ચક્રને યથાર્થ રીતે સમજીએ અને તેને અનુરૂપ થઈએ તો જીવન યોગ્ય રીતે જીવી શકાય. સુખ-દુ:ખ તો પરિસ્થિતિ અને ઘટનાઓનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છીએ તેની પર આધારિત છે. દુ:ખ અને મુસીબતના સમયમાં જે માણસ ધૈર્ય ગુમાવતો નથી અને વાસ્તવિક્તાનો સ્વીકાર કરે છે તે માણસ ટકી શકે છે. સુખ અને દુ:ખ આપણી આચ્છાથી આવતા નથી અને આપણી ઈચ્છાથી વિદાય થતા નથી તે સમયચક્રનું પરિણામ છે.

કોઈ માણસ એવો નથી જેને જીવનમાં કદી મુશ્કેલી પડી ન હોય. દુ:ખ અને નિરાશાનો અનુભવ દરેક માણસને થાય છે. ડગલે ને પગલે આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે. ગમે તેવું દુ:ખ અને મુસીબત હોય તો પણ માણસને હતાશ થવું ન પાલવે. દુ:ખને પાર કરવા માટે માણસે ઊંચું મસ્તક કરીને ચાલવું પડે છે. સુખ દુ:ખ ઘટમાળ છે. કાયમી પરિસ્થિતિ નથી. સમયની સાથે દુ:ખ વિદાય લેતું હોય છે. સારા અને નરસા તત્ત્વો માનવી સાથે જોડાયેલા છે. કાળના ક્રૂર જખમો દરેક માણસને સહન કરવા પડે છે. આ સમયની સામે જે માણસ ખડકની જેમ ઊભો રહી શકે છે તે માણસ મુસીબતને પાર કરી શકે છે.

માણસ ધારણાઓ, અપેક્ષાઓ અને કલ્પનાઓમાં રાચતો હોય છે અને સ્વપ્નના મહેલો રચીને કર્યા કરતો હોય છે. જ્યારે પડતી ઈચ્છાઓ અને અપેક્ષાઓ દુ:ખને નોતરે છે. ધારણાઓ પરિપૂર્ણ થાય તો એટલું સુખ મળતું નથી, કારણ કે તે અપેક્ષિત હતું, ધારેલું હતું અને તે બન્યું, પરંતુ ધારણાઓ અને અપેક્ષાઓ બર ન આવે તો તેનું દુ:ખ અપાર હોય છે. દીકરો સુખેથી રાખશે એવી બાપને અપેક્ષા હોય અને તેમ બને તો તેમાં કશું નવાઈ જેવું નથી. આ અપેક્ષિત હતું, પરંતુ દીકરો બાપને ઘરમાંથી કાઢી મૂકે ત્યારે તે ઘટના અસાધારણ, ન ધારેલી બની જાય છે. ધાર્યા કરતા વિપરીત બને ત્યારે માણસને તેનો આઘાત લાગે છે. અપેક્ષાઓ સુખદ કરતા વધુ દુખદ હોય છે.

દુ:ખ, મુશ્કેલી અને વિપત્તી પડે છે ત્યારે મન ઉદ્વેગ અનુભવે છે. જીવતર ખારું ઝેર બની ગયાનું લાગે છે. બનેલી ઘટનાઓને અનુલક્ષીને ભાવિના ભયો સતાવ્યા કરે છે. કોઈને મળવાનું મન થતું નથી. લોકો પોતાના વિશે શું વિચારશે, માનશે અથવા કેવો પ્રતિભાવ આપશે તેની ચિંતા ઊભી થાય છે. દુ:ખ હકીકતમાં તો નાનું હોય છે, પરંતુ ભયના કારણે તેની માત્રા અનેકગણી વધી જાય છે. મોટા ભાગના દુ:ખો માનસિક હોય છે. મન પરથી બોજો હટાવી દેવાય તો તો દુ:ખો જલ્દીથી ભૂલી શકાય. દુ:ખ એવી ચીજ છે જેટલી મન પર વળગાડો એટલી ચીટકીને બેસી જાય છે. દુ:ખોને આપણે વાગોળી વાગોળીને ઘેરા બનાવી દઈએ છીએ. સુખના સ્મરણ કરતા દુ:ખોની યાદોને આપણે વધુ પંપાળીએ છીએ. વિચારો અને કલ્પનાના ઘોડાઓ દોડાવીને કહેવાતા સંભવિત દુ:ખોને આપણે નજીક લાવી દઈએ છીએ. દરેક મુશ્કેલી, આફત અને વિપત્તિનું સમાધાન હોય છે, પરંતુ મતી મુંઝાઈ જાય છે, ત્યારે સમાધાનનો, નિરાકરણનો કોઈ માર્ગ નજરે પડતો નથી.

હકીકતમાં જીવનમાં સુખ દુ:ખ જેવું કશું નથી. પરિસ્થિતિ પલટાયા કરે છે. જે આપણને અનુકૂળ હોય તે સુખ લાગે છે જે પ્રતિકૂળ હોય તે દુ:ખ લાગે છે, પરંતુ જેમણે સ્થિરતા અને સમતા ધારણ કરી હોય તેમને સુખ દુ:ખ પજવી શકતા નથી. સુખ તેમને છલકાવતું નથી અને દુ:ખ તેમને પરેશાન કરતું નથી. મનમાં જ્યારે બેચેની અને અશાંતિ થાય ત્યારે એ પળે જ શાંતિ સ્થાપવા માટેની આંતરિક શક્તિઓ છૂટી પડતી હોય છે. દુ:ખના ઉભરાને તે દબાવી દે છે. કોઈ પણ માણસ ૨૪ કલાક ક્રોધમાં કે વ્યગ્રતામાં રહી શકે નહીં. ક્રોધનો ઉભરો જેટલો ઝડપથી આવે છે એટલો ઝડપથી શમી જાય છે. દુ:ખની નિરાશાની પળોમાં જે માણસ જાગ્રત રહે છે તે પાર ઊતરી જાય છે. સમય અને સંજોગો પળે પળે બદલાતા રહે છે.

કોઈ પણ કપરા સંયોગથી ગભરાઈ જવાની જરૂર નથી અને એમ કરવાથી કાંઈ વળવાનું પણ નથી. આખરે તો મુસીબતને સામનો કર્યે જ છૂટકો છે. પછી તે હસતા મોઢે પડકારને ઝીલી લઈએ કે દુ:ખી વદને પીડા સહન કરીએ. આ બેમાંથી એકની આપણે પસંદગી કરવાની હોય છે. માણસના દુ:ખનો તાગ મેળવવાનું દુષ્કર છે. ચહેરા પર સ્મીત હોય પરંતુ હૃદયમાં ઊંડી વેદના ભરી હોય. કેટલીક વખત વેદનાને વાચા આપી શકાતી નથી. દુ:ખોને ભીતરમાં સમાવી દેવાના હોય છે. દુ:ખ અને મુસીબતના રોદણા રોવાનો કોઈ અર્થ નથી. આપણા દુ:ખ અને મુસીબતની વાત સાંભળવાની બીજા કોઈને ફુરસદ નથી. આપણે પોતે જ આપણી મેળે તેમાંથી માર્ગ કાઢવાનો છે.

કેટલીક વખત માણસ ખોટા વિચારો કર્યા કરે છે. ભ્રામક કલ્પનાઓ દ્વારા દુ:ખના ઝાળાઓ રચે છે. મોટા ભાગના દુ:ખો કલ્પિત હોય છે. આમ થયું એટલે આમ થશે એવા ભયના કારણે દુ:ખ આવે એ પહેલાં માણસ અડધો થઈ જાય છે. કેટલીક વખત માણસ જેવું વિચારે છે એવું બને છે. દુ:ખનો િચિાર કરતા હોઈએ તો દુ:ખ નજર સમક્ષ આવે. સારી ભાવના અને સારા વિચારો હોય તો બધું સારું દેખાય છે. માણસ જેવું ભાવે છે તેવું પામે છે. નકારાત્મક વિચારો અને દુ:ખોની સેજ તૈયાર કરી રાખે છે અને જેવું વાંચ્છે છે તેવું પરિણમે છે. આ અંગે ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે.

એક માણસ અથડાતો કૂટાતો કલ્પવૃક્ષ નીચે પહોંચી ગયો. તેને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે. પોતે થાક્યો પાક્યો હતો તેથી વૃક્ષ નીચે બેઠો. બેઠા બેઠા તેણે વિચાયું ભૂખ લાગી છે આસપાસ કાંઈક ભોજન મળી જાય તો સારું.

તે વૃક્ષ તો કલ્પવૃક્ષ હતું. તમે ઈચ્છો એવું મળે. તુરંત અપ્સરાઓ થાળીઓમાં જાતજાતના મિષ્ટાન લઈને હાજર થઈ ગઈ. તે માણસ એટલો ભૂખ્યો હતો કે તેણે વિચાર્યું પણ નહીં કે આ ભોજન ક્યાંથી આવ્યું? આ અપ્સરાઓ ક્યાંથી ઉતરી આવી?

તેણે વિચાર્યું કે આ કોઈ પૂણ્યનું ફળ છે. જન્મોજન્મની કમાણી છે. માળા કોઈ ઓછી જપી હતી, ભક્તિ કાંઈ ઓછી કરી હતી? આવું તો ક્યારનું સંભવવું જોઈતું હતું, પરંતુ વિલંબ થયો છે, છેવટે પ્રભુએ સામું જોયું ખરું.

ભોજન કર્યા બાદ તેને સ્વાભાવિક વિચાર આવ્યો 'સુવા માટે સુંદર જગ્યા હોય, સરસ ગાદી તકિયા હોય તો જરા વિશ્રામ થઈ જાય.' તુરત એક સુંદર શૈયા, ગાજી-તકિયા હાજર થઈ ગયા, તે એકદમ તેના પર આરામથી સૂઈ ગયો.

બે-ત્રણ કલાક બાદ જ્યારે તેની નિદ્રા પૂરી થઈ અને આંખ ખુલી ત્યારે તેણે મનોમન વિચાર્યું 'ખૂબ તરસ લાગી છે, જો શિતળ જળ મળે તો'... અને તુરત ગુલાબની સુગંધવાળું શિતળ જળ હાજર. આવું મધુર જળ તેણે ક્યારેય પીધું નહોતું. જળ પીતા પીતા તેને જરા ખ્યાલ આવ્યો. અરે! આ બાબત શું છે? આ મામલો શું છે? પહેલા ભોજનની થાળી આવી, પછી સુંદર શય્યા આવી અને પછી શિતળ મીઠું જળ હાજર થઈ ગયું. આ વૃક્ષમાં કોઈ ભૂતપ્રેત તો નહીં હોયને? બસ તુરત ભૂતપ્રેત પ્રગટ થઈ ગયા.

કલ્પવૃક્ષ તો કલ્પવૃક્ષ છે, જેવું ઈચ્છો તેવું મેળવો. તેની આસપાસ નંગધડંગ ભૂતપ્રેત નાચવા લાગ્યા. તે ખૂબ ગભરાઈ ગયો તેને થયું બસ હવે તો હું મરી ગયો. ભૂતપ્રેત તેની છાતી પર ચઢી બેઠા તેને ખૂબ દબાવ્યો, માર્યો પીટ્યો અને અંતે ગળું દબાવી દીધું. જે કાંઈ વિચાર્યું તે પ્રમાણે બન્યું.

માણસને દુ:ખની કલ્પનાઓ અને ધારણાઓ પીડિત કરી નાખે છે. તેને એમ થાય છે કે દુ:ખ આવી ગયું અને દુ:ખ આવી જાય છે. દુ:ખ કરતાંયે માણસને દુ:ખની ભ્રમણા વધુ પરેશાન કરે છે અને તે ડરી ડરીને મરતો રહે છે. ડર અને ભયને મનમાંથી કાઢી નાખીએ તો દુ:ખ તિરોહીત થઈ જાય છે.

સુખ અને દુ:ખમાં માણસને વર્તમાન કરતા ભાવિ વધુ સતાવતું હોય છે. ભાવિનો ડર માણસને અકળાવી નાખે છે. દરેક માણસને સુખને ટકાવી રાખવા અને દુ:ખને ટાળવા મથે છે. જીવનની આખી બાજી કદી આપણા હાથમાં હોતી નથી. આપણે આ બાજીને સુધારવી પડે છે. કેટલીક વખત સારી બાજી હોય તો પણ હારી જવાય છે અને કેટલીક વખત ખરાબ બાજી હોય તો પણ જીતી જવાય છે. આ કુદરતનો ખેલ છે. કાળના ચક્ર પાસે માણસનું કશું ચાલતું નથી. કુદરતની ગતિ ન્યારી છે, માણસ માત્ર નિયતિને આધીન છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtBk%2BEVJWHwJa5SEM1ngGjK%2BzRrdvsKFBzszXYOELRGWA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment