જનો બાળક એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે, એવું શાળાના અભ્યાસક્રમમાં ભણી તો લીધું, પણ આપણામાંથી કેટલા લોકો એ આવતીકાલના ભવિષ્યના વર્તમાનકાળ અંગે વિચાર કરે છે? હાલમાં જ દિલ્હીમાં બાળકો હોડીમાં બેસીને નદી પાર કરીને સ્કુલમાં ભણવા જતાં હોવાનો અહેવાલ વાંચ્યો અને મનમાં એક સવાલ થયો કે આજના ડિજિટલ યુગમાં પણ આ બાળકો માટે શિક્ષણ મેળવવું આટલું અઘરું કેમ છે, તેમને આટલો સંઘર્ષ કેમ કરવો પડે છે?
દિલ્હી બાદ હવે વાત કરીએ મુંબઈ શહેરની. મુંબઈથી અમુક જ કિલોમીટરના અંતરે આવેલા એક શહેરની, કે જ્યાં આજે પણ બાળકોને લાલબહાદુર શાસ્ત્રીના સમયની જેેમ નદીમાં તરીને, જંગલો પાર કરીને શાળાએ જવું પડે છે. મુંબઈ જેવા શહેરમાં બાળકો માટે શાળાએ જવું એટલે કાં તો બિલ્ડિંગની નીચે જ સ્કૂલ બસનું પિકઅપ ડ્રૉપ અને જો પરિવારની સ્થિતિ સધ્ધર હોય તો પ્રાઈવેટ વેહિકલમાં શાળાએ પહોંચવું. પણ આજે પણ મુંબઈથી 50-60 કિલોમીટરના અંતરે જ આવેલા થાણે જિલ્લાના 50થી 60 બાળકો માટે શાળાએ જવું એ યુદ્ધમાં લડવા જવા જેવું જ જોખમી અને અઘરું કામ છે. જી હા, થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાં આવેલા મૈદે ગામના આદિવાસીપાડાના નાના માસૂમ પગલાંઓને શાળામાં જવા રોજના 12-12 કિલોમીટરની કાંટાળી કેડી પરથી પસાર થવું પડે છે. ભિવંડી ગ્રામ પંચાયતની હદમાં આવનારા બિજપાડા, બાત્રેપાડા, રાવતેપાડા, તાડાચી વાડી અને બેડેપાડે એમ પાંચ પાડામાં જવા માટે આજે પણ પાકા રસ્તાઓનો અભાવ છે, પણ આ રસ્તાઓ આદિવાસીપાડાના વિદ્યાર્થીઓને તેમનું ભવિષ્ય ઉજળું બનાવતા રોકી શકવા માટે સક્ષમ નથી. આટ આટલી મુશ્કેલીઓ વેઠ્યા પછી પણ આ બાળકોને શાળાએ જવામાં જરા પણ કંટાળોે કે ત્રાસ નથી થતો અને રોજે સવારે બાળકો પોતાના નિયત સમયે શાળાએ જવા માટે ફરી નીકળી પડે છે. રોજે આ પાંચેય પાડાના 50થી 60 વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે જીવના જોખમે 12 કિલોમીટરનો પ્રવાસ કરે છે અને તેમાં પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ છે અને જો સારી સ્થિતિવાળા રસ્તા પરથી આ વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવું પડે તો આ અંતર હજી વધી જાય છે અને 12 કિલોમીટરના બદલે વિદ્યાર્થીઓએ 16 કિલોમીટરનો પ્રવાસ કરીને શાહપુર તાલુકામાં આવેલી શાળાએ પહોંચવું પડે છે. સવારે સવાદસ વાગ્યે શાળા શરૂ થાય છે, પણ આ વિદ્યાર્થીઓ માટે તો શાળા આઠ વાગ્યે જ શરૂ થઈ જાય છે, કારણ કે તેમણે આઠ વાગ્યે ઘરેથી નીકળવું પડે છે. પહેલાં તો આ વિદ્યાર્થીઓએ જંગલમાંથી પસાર થવું પડે છે અને જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય તો ખરો જ. જંગલમાંથી બહાર નીકળ્યા બાદ વારો આવે નદીનો. ચોમાસા વખતે તો નદીમાં કમર સુધી પાણી હોય છે અને આવા સમયે સૌથી વધુ મુશ્કેલી પડે છે. અમુક વખત આસપાસના ગામવાસી કે કૉલેજના યુવક-યુવતીની મદદથી આ નાના કૂમળા ભૂલકાઓ નદી પાર કરે છે. શાહપુરમાં આવેલી એસ. એસ. દેશમુખ સ્કૂલ એન્ડ કિલ્લા માહુલી જુનિયર આટર્સ કૉલેજમાં આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓ ભણવા આવે છે, જેમાંથી 50થી 60 વિદ્યાર્થીઓ આદિવાસી પાડામાંથી આવે છે. આ અંગે શાળાના મુખ્યાધ્યાપક જણાવે છે કે વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ પ્રત્યે અમે સભાન છીએ અને આ માટે અમે આદિવાસી પાડા સુધી સ્કૂલ બસ મોકલવાની પણ અમારી તૈયારી છે, પણ રસ્તા જ ન હોવાને કારણે અમે પણ કશું કરવા માટે અસમર્થ છીએ. આ વિદ્યાર્થીઓની ભણતર પ્રત્યેની લગનને કારણે શાળાના મોટાભાગના શિક્ષકો આ વિદ્યાર્થીઓની માતા-પિતાની જેમ જ દરકાર રાખે છે. ચોમાસામાં તો આ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થાય છે, એવા સમયે અનેક વખત શિક્ષકો ખુદ આ બાળકોને નદી પાર કરીને લેવા જાય છે. ભિવંડીની આસપાસના આ પાડાઓ આજકાલના નથી. અંગ્રેજોના સમયના આ પાડાઓ છે પણ હંમેશા રાજકીય પક્ષ અને પ્રતિનિધિઓની નજર ક્યારે આ વિસ્તાર સુધી પહોંચી જ નથી. માત્ર ચૂંટણી વખતે જ આવા કોઈ પાડા પોતાના મતવિસ્તારમાં આવેલા છે, તેની જાણ આ રાજકારણીઓને થાય છે, એવો આક્ષેપ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિકાસ અને પ્રગતિ વચ્ચેનો જે માર્ગ છે, એ માર્ગ જ આ પાડામાંથી ગાયબ છે. પરિણામે આ ગામના મોટાભાગના વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધીનું ભણતર લે છે, ઉપરાંત આસપાસના ગોડાઉનમાં નોકરી પર જનારા લોકો માટે મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે પગપાળા જ પ્રવાસ કરવો પડે છે. પાકા અને સારા રસ્તાના અભાવે આ વિસ્તારના લોકો આરોગ્ય સહિતની અન્ય મૂળભૂત નાગરી સુવિધાઓથી પણ વંચિત રહી જાય છે. આ અંગે સરકારી અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓ સાથે અનેક વખત પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોવા છતાં પરિણામ હંમેશા જ શૂન્ય આવે છે, એવો દાવો પણ આ આદિવાસીપાડાના રહેવાસીઓ કરી રહ્યા છે. દર વખતની જેમ જ્યારે આ અંગે ત્યાંના સ્થાનિક રાજકીય નેતા સમક્ષ બાળકોની આ સમસ્યા રજૂ કરવામાં આવી ત્યારે તેમણે પોતે આ બાળકોની સમસ્યાને સમજી તો શકે છે, પણ તેનું નિવારણ લાવવા માટે સમર્થ ન હોવાનો કક્કો ઘૂંટ્યે રાખ્યો હતો. અહીંના સ્થાનિક રાજકીય નેતાએ આ અંગે જણાવ્યું હતું કે 'આ પાડામાં રસ્તા બાંધવાનો ખર્ચ ખૂબ મોટો છે અને જિલ્લા પરિષદ કે અન્ય વિભાગ પાસે આ માટે પૂરતું ભંડોળ નથી. વિધાનસભ્ય કે સંસદસભ્યના ભંડોળમાંથી આ પાડામાં રસ્તા બનાવવાનું કામ ખૂબ જ અઘરું છે, તેમ છતાં પાલક પ્રધાનનું આ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે અને જો બધું સમુસૂતરું પાર પડ્યું તો મુખ્ય પ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત આ રસ્તાનું કામ ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે.' રસ્તાનું કામ તો જ્યારે થશે ત્યારે, પણ એ નાનકડાં ભૂલકાઓના ભવિષ્યનું શું કે જેમનો વર્તમાન જ આટલો સંઘર્ષભર્યો છે, શું આ બાળકોના ભવિષ્ય પ્રત્યે સમાજ, સરકાર આપણી કોઈ જ જવાબદારી નથી? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYw04MN8eQ1XjsP7hRr0Kx%3Dkir1sGxwgCBGPb7OSCUrg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment