Saturday 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાર્ટ-હેલ્થ માટે જાગૃત થવાની કોણે જરૂર છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાર્ટ-હેલ્થ માટે જાગૃત થવાની કોણે જરૂર છે?
જિગીષા જૈન
 

 

 

સમાજમાં એક તરફ એવો વર્ગ છે જેણે પોતાના ઘરમાં હાર્ટને કારણે લોકોને મરતા જોયા છે અને એ હાર્ટ-પ્રૉબ્લેમ્સથી ખૂબ ડરે છે. બીજી તરફ એવા લોકો છે જેઓ માને છે કે તેમને હાર્ટ-પ્રૉબ્લેમ્સ આવવાના જ નથી. જોકે હકીકત કહે છે કે હાર્ટ-અટૅક આજની તારીખમાં પહેલા નંબરનો રોગ છે જેને કારણે લોકો મરી રહ્યા છે. ૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે આવી રહ્યો છે ત્યારે આજથી શરૂ થતી શ્રેણીમાં સમજવાની કોશિશ કરીએ કે હાર્ટ-અટૅકનું રિસ્ક કોના પર વધુ છે.

 

૩૦ વર્ષના રાજીવના ઘરમાં તેના દાદાજીનું મૃત્યુ ૭૨ વર્ષે થયું જેનું કારણ હાર્ટ-અટૅક હતું. તેમના આખા જીવનમાં તેમને ત્રણ હાર્ટ-અટૅક આવ્યા હતા. તેમની પરિસ્થિતિ જોઈને ઘરમાં બધા જ પોતાની હાર્ટ-હેલ્થને લઈને ઘણા સતર્ક હતા. ખાસ કરીને રાજીવના પપ્પા પોતાની હેલ્થ સાચવતા. તેમને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ બાવન વર્ષની ઉંમરે આવી હતી. ડાયાબિટીઝ હાલમાં બૉર્ડરલાઇન પર હતો. જોકે રાજીવ કૉર્પોરેટ વર્લ્ડમાં છેલ્લાં સાત વર્ષથી બારથી ૧૪ કલાકની જૉબ કરી રહ્યો હતો જેને કારણે પોતાની હેલ્થ સાચવવાનો તેને સમય મળતો નહીં. પરિણામ એ આવ્યું કે રેગ્યુલર ચેકઅપમાં રાજીવને ખબર પડી કે તેની એક ધમનીમાં ૯૦ ટકા બ્લૉકેજ હતું અને અટૅક ન આવે એ માટે પ્રિવેન્ટિવ એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી. ૩૦ વર્ષની નાની ઉંમરે તેની ધમનીમાં એક સ્ટેન્ટ ચડાવવામાં આવ્યો અને ડૉક્ટરે તેને હાઈ રિસ્ક કૅટેગરીમાં મૂકીને લાઇફ-સ્ટાઇલ પર પૂરો કન્ટ્રોલ લાવવા કહ્યું.

 

૩૨ વર્ષની મનીષાને ઑફિસના દાદરા ચડતાં-ચડતાં એકદમ હાંફ ચડી, શ્વાસ એકદમ ખૂટી પડ્યા. બે-ત્રણ દિવસથી આમ પણ તેને સારું લાગતું નહોતું અને પીઠમાં એકદમ જ પેઇન ઊપડ્યું. પહેલાં તેને લાગ્યું કે થાકને કારણે હશે, સાંજે ડૉક્ટરને મળતી આવશે. જોકે ઑફસમાં બેસાય જ નહીં એટલી ગભરામણ તેને થવા લાગી. હૉસ્પિટલમાં ગઈ અને ચેક કર્યું તો ખબર પડી કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. તેને તાત્કાલિક દાખલ કરવામાં આવી.

 

૪૦ વર્ષનો એક સ્પોર્ટ્સમૅન ગ્રાઉન્ડ પર સવારે ક્રિકેટ-કોચિંગ માટે ગયો હતો. એ દિવસે તેનું મન મૂંઝાતું હતું. તેને ચેન પડતું નહોતું. બે-ત્રણ દિવસથી અકળામણ પણ ખૂબ થઈ રહી હતી, પરંતુ કારણ ખાસ ખબર નહોતી. જીવનની હાડમારી મૂંઝવી રહી છે એવું તેને લાગ્યું. તે ગ્રાઉન્ડ પરથી ઘરે પહોંચ્યો અને ફસડાઈ પડ્યો. કોઈ પકડે, હૉસ્પિટલમાં લઈ જાય એ પહેલાં ઘરે જ તેનું મૃત્યુ થયું.

 

તમે તમારી આસપાસ આ પ્રકારના ઘણા કિસ્સાઓ જોયા હશે. આ કિસ્સાઓ જ્યારે બને છે ત્યારે આપણે અંદરથી વિચલિત થઈ ઊઠીએ છીએ, કારણ કે આજકાલ હાર્ટ-અટૅક કોઈ પણ ઉંમરે, સ્ત્રી હોય કે પુરુષ અને લાઇફ-સ્ટાઇલનું ધ્યાન ન રાખતી વ્યક્તિઓમાં ચોક્કસપણે અને એનું ધ્યાન રાખતી વ્યક્તિ હોય તો પણ ક્યારેક કોઈ કેસમાં હાર્ટ-અટૅકની પરિસ્થિતિ જોવા મળે છે. આપણા સમાજની બદકિસ્મતી એ છે કે હાર્ટ-અટૅક જેવો રોગ જે જીવલેણ છે એનો વ્યાપ ઘણો જ વધી ગયો છે અને દિવસે-દિવસે એ વધતો જ જઈ રહ્યો છે. એટલું જ નહીં, પહેલાં પચાસ વર્ષથી ઉપરના પુરુષો પર અને ૬૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ પર જ અટૅકનું રિસ્ક વર્તાતું હતું, પરંતુ આજે એવું નથી. પચીસથી ૪૦ વર્ષના લોકો પણ આ રોગનો ભોગ બની રહ્યા છે. આવા કેસ પહેલાં એકલ-દોકલ જોવા મળતા હતા, પરંતુ આજકાલ યુવાનોમાં પણ હાર્ટ-અટૅકનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. સ્ત્રીઓ જેમના પર તેમનામાં રહેલાં હૉર્મોન્સને કારણે હાર્ટ-અટૅકનું રિસ્ક ગણાતું જ નહોતું તેમના પર પણ હવે આ રિસ્ક તોળાતું દેખાઈ રહ્યું છે. ઘણી સ્ત્રીઓને યુવાનવયે ખાસ કરીને મેનોપૉઝ પહેલાં હાર્ટ-અટૅક આવે છે. આમ એ સાબિત થયેલી વાત છે કે કોઈ પણ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી શકે છે. આ રિસ્ક બધા પર જ જોવા મળે છે જેનો સીધો અર્થ એ થયો કે દરેક વ્યક્તિએ હાર્ટ-હેલ્થ વિશે જાગૃત થવું જરૂરી છે. રિસ્ક બધા પર હોય છે. છતાં અમુક વ્યક્તિ એવી છે જેમના પર આ રિસ્ક ઘણું વધારે છે. તે કોણ છે અને આ રિસ્ક કઈ રીતે તેમના પર વધુ હોય છે એ આજે સમજીએ.

 

જિનેટિક રિસ્ક

વિજ્ઞાન એ સાબિત કરી ચૂક્યું છે કે જીન્સ હાર્ટ-પ્રૉબ્લેમ્સમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે તમારા પરિવારમાં, ખાસ કરીને માતા કે પિતામાંથી એક વ્યક્તિને કે બન્નેને હાર્ટની તકલીફ હોય તો તમને પણ આ તકલીફ આવી શકવાની પૂરી શક્યતા છે. આ વિશે વાત કરતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નારાયણ ગાડકર કહે છે, 'જીન્સ કઈ રીતે કામ કરે છે અને વ્યક્તિને હાર્ટ-અટૅક આવે છે એ હજી સુધી શોધી શકાયું નથી, પરંતુ એ નિã ત છે કે આવાં બાળકો પર રિસ્ક વધુ રહે છે. એનું કારણ એ છે કે તેનાં મમ્મી-પપ્પાની જેમ બાળકના શરીરમાં પણ ક્લૉટ બનવાની પ્રકૃતિ હોય છે. ઘણી વ્યક્તિઓના શરીરમાં ક્લૉટ સરળતાથી બનતા નથી. ઘણાનું શરીર જ એવું હોય છે કે ક્લૉટ ઘણા બને છે. જો ક્લૉટ હોય તો હાર્ટ-અટૅક આવવાનું રિસ્ક વધુ જ રહેવાનું.'

 

વારસાગત

મોટા ભાગે લોકો એવું વિચારતા હોય છે કે જે પરિવારમાં હૃદયરોગ હોય છે એ પરિવારના સદસ્યોને એ જિનેટિકલી આવે જ છે. જોકે અહીં એ પણ વિચારવા જેવું છે કે જીન્સ તો બરાબર કે વારસામાં મYયા, પરંતુ પરિવારમાં રહેતા સદસ્યોની લાઇફ-સ્ટાઇલ મોટા ભાગે સરખી હોય છે.

 

ખાવા-પીવાનું, બેઠાડુ જીવન વગેરે પણ સરખાં જ હોવાનાં. બને કે જિનેટિકલી તો તમારા પર રિસ્ક હોય જ, પરંતુ લાઇફ-સ્ટાઇલ પણ સરખી જ રીતે ખરાબ હોવાને કારણે આ રિસ્ક બેવડાઈ ગયું હોય. આ સિવાય બીજો મહત્વનો મુદ્દો સમજાવતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, 'લોકો કહે છે કે આ વારસાગત તકલીફ તેમને આવી છે, પણ વ્યવસ્થિત જોઈએ તો સમજાશે કે જે તકલીફ દાદાને ૭૦ વર્ષે આવી હતી એ જ તકલીફ પિતાજીને ૫૦ વર્ષે અને તેમના પુત્રને ૩૫ વર્ષે જ આવી ગઈ છે. એનો અર્થ એ થયો કે આ તકલીફને આપણે કોઈ ને કોઈ રીતે જલદી આમંત્રણ આપતા જઈએ છીએ. આપણા વડવાઓની લાઇફ-સ્ટાઇલ એટલી હેલ્ધી હતી કે રિસ્કી જીન્સ હોવા છતાં તેમને એ બીમારી અતિ મોડી આવી હતી. આમ જિનેટિકલી તમારા પર રિસ્ક છે એ બાબતે રડવા કરતાં એ રિસ્કને લાઇફ-સ્ટાઇલ વડે કઈ રીતે ઘટાડી શકાય એ વિચારવું જોઈએ. આમ જેમના પર વારસાગત કે જિનેટિકલ રિસ્ક છે તેમણે પણ હાર્ટ-અટૅકના રિસ્કને ધ્યાનમાં લેતાં હાર્ટ-હેલ્થ માટે જાગૃત થવું જરૂરી છે.'

 

લાઇફ-સ્ટાઇલ

જે લોકોની લાઇફ-સ્ટાઇલ ખોટી છે એટલે કે તેમનો ખોરાક યોગ્ય નથી, જેમને સ્મોકિંગ અને આલ્કોહૉલની લત છે, જેમને રાત્રે મોડે સુધી જાગવાની આદત છે, જેઓ ખૂબ સ્ટ્રેસ લઈને ફરે છે, જેઓ બેઠાડુ જીવન જીવે છે, જેઓ એક્સરસાઇઝ બિલકુલ કરતા નથી અને એની સાથે-સાથે ઍક્ટિવ લાઇફ પણ જીવતા નથી આ બધા જ લોકો પર હાર્ટ-અટૅકનું રિસ્ક રહે જ છે. પછી તેઓ જિનેટિકલી રિસ્ક ન ધરાવતા હોય તો પણ રહે છે અને જે લોકો આ રિસ્ક ધરાવે છે તેમનું રિસ્ક બેવડાય છે. જોકે ઘણી વાર એવું પણ બનતું હોય છે કે જેઓ પર્ફેક્ટ લાઇફ-સ્ટાઇલ ધરાવે છે તેમને પણ હાર્ટ-અટૅક આવે છે. તો શું લાઇફ-સ્ટાઇલ પર ધ્યાન આપવાનો કોઈ ફાયદો નથી? આ વિશે વાત કરતાં ડૉ. નારાયણ ગાડકર કહે છે, 'ઘણી વાર એવું બને છે કે એક્ઝામમાં તમે પૂરી તૈયારી સાથે બેઠા હો છતાં નાપાસ થઈ જાઓ. તો શું તમે એ સલાહ આપશો કે એક્ઝામમાં તૈયારી કરવાનો ફાયદો નથી? અને તમારી સલાહ માનીને જે લોકો તૈયારી નહીં કરે તેઓ બધા તો નક્કી નાપાસ થવાના જ છે. એકાદ કેસને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય ન લો. હેલ્ધી લાઇફ-સ્ટાઇલ રાખવી હેલ્ધી હાર્ટ માટે અનિવાર્ય છે. એટલે એ માટે પ્રયત્ન કરો. આમ જે લોકોની લાઇફ-સ્ટાઇલ ઠીક નથી તેમને પણ હાર્ટ-હેલ્થ વિશે જાગૃત થવાની જરૂર છે.'

 

રોગો

ઘણા લોકોને જિનેટિક રિસ્કને કારણે કે લાઇફ-સ્ટાઇલ ખોટી હોવાને કારણે જાત-ભાતના રોગો થાય છે. જેમ કે ઓબેસિટી, ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર અને હાઈ કૉલેસ્ટરોલ કે ટ્રાયગ્લિસરાઇડ-લેવલ જેવી તકલીફો હોય તો પણ તમારા પર હાર્ટ-અટૅકનું રિસ્ક વધી જાય છે. આ રોગો થાય જ નહીં એવા પ્રયત્નો જરૂરી છે. એટલું જ નહીં, આ રોગો હોય તો વ્યક્તિએ ખૂબ જ સાવધાની રાખવી અને આ રોગોને પૂર્ણ કાબૂમાં રાખવા. જો આ રોગો કાબૂની બહાર થયા તો ચોક્કસ હાર્ટ-અટૅકનું રિસ્ક વધી જાય છે. આમ આ લોકોએ પણ હાર્ટ-હેલ્થ વિશેની ચિંતા વધારે કરવી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJLJc97K51LuFKLwsOfXyW41N5CH-d0FOEnxMhkZdosw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment