Thursday 27 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નક્સલવાદીઓના ગામની પહેલી મહિલા ડૉક્ટર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નક્સલવાદીઓના ગામની પહેલી મહિલા ડૉક્ટર!
પ્રાસંગિક-અનંત મામતોરા

 

સુખસાહ્યબી છતાં ઘણાં બાળકો ભણી નથી શકતાં, નાચવું ન હોય તો આંગણું વાંકુ - આ કહેવતને સાર્થક કરનાર કેટલાય લોકો તમને મળી આવશે. આ એક નકારાત્મક કહેવત છે. જોકે, તેની વિરોધી એટલે કે સકારાત્મક કહેવત પણ છે, મન હોય તો માળવે જવાય. ગયા જૂન મહિનામાં માયા કશ્યપ નામની એક ગરીબ દીકરીએ પોતાના મક્કમ મનોબળ વડે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી જે રીતે તબીબી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો એ રીતે આ કહેવતમાં થોડો સુધારો કરીને એમ કહી શકાય કે મન હોય તો મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકાય.

 

છત્તીસગઢનો સુકમા જિલ્લો એટલે નક્સલવાદીઓનો ગઢ. અહીં આતંકના ઓથાર હેઠળ ભણવું. ભય સાથે ભણતાં ભણતાં પાછો મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવો અને તે પણ એક ગરીબ આદિવાસીની દીકરી આવું કાર્ય સિદ્ધ કરી બતાવે એ પહેલી નજરે માનવામાં જ ન આવે, પણ હમણાં આ જિલ્લાની દીકરી માયા કશ્યપને કારણે આ આતંકગ્રસ્ત જિલ્લો પહેલી વાર કોઇ સકારાત્મક ચર્ચામાં છે. દોરનાપાલ ગામની આ આદિવાસી ક્ધયાને હાલમાં જ એમ.બી.બી.એસમાં પ્રવેશ મળ્યો છે. કોચિંગ ક્લાસ કે અન્ય કોઇ સહાયતા વગર મેડિકલની પ્રવેશ પરીક્ષા પાસ કરનાર માયાનું બાળપણથી એક જ સપનું હતું ડૉક્ટર બનવાનું,પણ તેને માટે રસ્તો સરળ ન હતો.

 

નક્સલવાદથી પ્રભાવિત આ ગામમાં શાળા તો ખરી, પણ શિક્ષકોની ભારે અછત. મોટા ભાગના શિક્ષકો તો શાળામાં પ્રવેશવાની હિંમત જ ન કરે. સરકારી શાળામાં માયા સહિત અન્ય વિદ્યાર્થીઓ શાળામાં જાય અને પૂછે કે ,આજે માસ્તર આવ્યા છે તો મોટે ભાગે જવાબ નામાં જ મળે. અહીંના પૂરા પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણ લેતાં છોકરા-છોકરીઓની કુલ સંખ્યા ૩૦૦૦ની જે અન્ય ક્ષેત્રોની તુલનામાં ઘણી ઓછી કહેવાય. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી માધ્યમિક શિક્ષણ સુધી પહોંચવાવાળા તો ઘણા ઓછા અને કૉલેજનું ભણતર તો જાણે સપનું જ જોઇ લો. ક્યારેક ક્યારેક દેખાતાં શિક્ષકો પાસેથી ભણીને એસ.એસ.સી. પાસ કરવી પછી કૉલેજનું ભણતર પૂરું કરી ,ડૉક્ટર બનવાની આકાંક્ષા રાખવી અને તેને પાર પણ પાડવી એ આ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તો મોટો પડકાર જ કહેવાય. જોકે, માયાએ આ પડકાર ઝીલી બતાવ્યો.

 

માયા કશ્યપના જીવનમાં નક્સલવાદ એ જ એક પડકાર ન હતો, ઘરમાં ગરીબી પણ એટલી જ. કુદરત મુશ્કેલીઓ મોકલે એટલે પાછી છૂટીછવાઇ કે એકલદોકલ તો મોકલે જ નહીં. માયાએ બાળપણમાં જ પિતાની છત્રછાયા પણ ગુમાવી.

 

માયા જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું. તેના કુટુંબ પર આ એક મોટો વજ્રઘાત હતો. ઘર માટે આજીવિકા રળતા પાત્રનું જ અકાળે મોત થયું હતું. એ સમયે તો એમ જ લાગ્યું હતું કે અભ્યાસ છોડી દેવો પડશે. માયા સહિત કુલ ચાર ભાઇ-બહેનોની જવાબદારી તેની માતા પર આવી પડી હતી. બધાંય ભણતાં હતાં. કોઇ કમાનાર ન હતું.

 

એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં પણ માયાની માતાને ધન્યવાદ આપવા ઘટે કે તેમણે તેમના છોકરાઓને ભણાવવા બાબતમાં ક્યારેય બાંધછોડ ન કરી. આવા સંજોગોમાં માયાએ ભણવાનું છોડી દીધું હોત તો અને કામે વળગી હોત તો પણ સ્વાભાવિક ગણાત. કોઇ એમ પૂછવાનું ન હતું કે ભણવાનું કેમ છોડી દીધું? જોકે, માયાને તો તેના નામ પ્રમાણે જાણે ભણવાની જ માયા લાગી હતી.

 

માયાનું મનોબળ પણ પોલાદનું બન્યુ હોય એમ પારાવાર મુશ્કેલીમાંય ભણવાનું ચાલુ રાખ્યું અને ૧૦મું ધોરણ પાસ કર્યું. ૧૧મું અને ૧૨મું ધોરણ ઓરિસ્સાની નવોદય સ્કુલમાં ભણી. પૈસાની તંગી એટલી કે ૧૨મા ધોરણ પછી મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે જે ખર્ચ કરવો પડે તેમાં હંમેશાં પનો ટૂંકો પડે. દર મહિને માત્ર ૫૦૦ રૂપિયા ખિસ્સા ખર્ચી મળે. પણ માયા જણાવે છે કે 'ગમે તેટલી મુસીબતો આવે મારા ધ્યેયને હું હંમેશા વળગી રહી હતી.'

 

સઘળી મુશ્કેલીઓ પાર કરીને તેણે ભિલાઇમાં આ પરીક્ષા માટેનું પ્રશિક્ષણ લીધું. પ્રથમ પ્રયત્ને રેન્ક જરા પાછળ આવી અને માયાને ડેન્ટિસ્ટ (દાંતની) કૉલેજમાં પ્રવેશ મળ્યો.બીજુ કોઇ હોય તો જે મળ્યું તેનો સ્વીકાર કરીને દાંતના ડૉક્ટર બનીને મન મનાવી લેત પણ, માયા જેનું નામ. એને તો એમ.બી.બી.એસ બનવાની તમન્ના હતી. દોરનાપાલની આ દીકરીએ હિંમત ન હારી.

 

ગયા જૂન મહિનામાં વધુ મહેનત કરીને બીજી વાર પરીક્ષા આપી અને આ વખતે એ સફળ પણ થઇ. તેને અંબિકાપુર મેડિકલ કૉલેજમાં એડમિશન મળી ગયું. વર્ષોથી માયાએ જે સપનું સેવ્યુ હતું તે સખત મહેનત અને મક્કમ વલણને કારણે પૂરું થયું. જોકે, સંઘર્ષ હજું પૂરો થયો ન હતો. એક બાજુ મેડિકલમાં પ્રવેશ મળ્યો તેની ખુશી હતી તો બીજી બાજુ મેડિકલ કૉલેજની તોતિંગ ફી ભરવાની ચિંતા હતી. માયાના ભાઇ અનુપે મિત્રો અને સગાવહાલાં પાસેથી ઉછીના પૈસા પણ લેવા પડ્યા હતાં.

 

જોકે હવે માયા કશ્યપના અચ્છે દિન આવ્યા હોય એવું લાગે છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાનને આ વાતની ખબર પડતા તેમણે માયાની મુલાકાત લઇને શુભેચ્છા તો આપી સાથે એવું જાહેર પણ કર્યું ક્ે તેના શિક્ષણનો પૂરો ખર્ચ સરકાર ભોગવશે. આટલું જ નહીં, તેને રૂપિયા એક લાખ પ્રોત્સાહન રૂપે પણ આપવામાં આવશે. આમ માયાની ડૉક્ટર બનવાની યાત્રાની શરૂઆત થઇ ગઇ છે જે ૨૦૨૩માં પૂરી થશે.

 

માયાના ઇરાદા તો બુલંદ છે જ, સાથે સાથે તેના સ્વભાવમાં સેવાભાવના પણ એટલી જ જ્વલંત છે. ડૉક્ટર બનીને તે કોઇ અન્ય રાજ્ય કે શહેરમાં વસવાટ કરવા નથી માગતી પણ સુકમા જિલ્લામાં રહીને જ સ્થાનિક લોકોની સેવા કરવા માગે છે.

 

વાહ ! જેવા માયાના ઇરાદા બુલંદ છે એવી એની ભાવના પણ અજોડ છે. તેને આ ક્ષેત્રે સફળતા મળે અને તેનો સુકમા જિલ્લો આતંકના ઓછાયા હેઠળ કુખ્યાત નહીં, પણ સેવાભાવનાની સુવાસ પ્રસરાવી સુવિખ્યાત બને એવી શુભેચ્છાઓ.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuaH5cJCPViA7UcwSd5Zj2c-FNUE3AtuY4Ye726jttmiA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment