Saturday 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હમ સબ બહુત શરમિંદા હેે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સોરી નરેન્દ્રભાઈ, હમ સબ બહુત શરમિંદા હેે!
યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ

મંગળવાર, તા.18મી સપ્ટેમ્બરે સવારે આર.એસ. પુરા સેક્ટરમાં આવેલી રામગઢની એસ.પી. - વન ચૌકી પાસે બી.એસ.એફ. (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનો સાફ-સફાઈ કરતા હતા ત્યારે કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાન તરફથી ગોળીઓ છૂટવા માંડી. આ ધડાકાભડાકા શાંત પડ્યા પછી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમાર લાપતા હોવાની માહિતી બહાર આવી. ભારતીય વિસ્તારમાં જોરદાર શોધખોળ બાદ બપોરે પાકિસ્તાનની સીમા સુરક્ષા દળના અધિકારીઓના ફોન પર સંપર્ક સધાયો તો તેમણે હાથ ઊંચો કરી દીધો કે અમને તો નરેન્દ્રકુમાર વિશે કોઈ જાણકારી નથી.

આ તો નાના સ્તરની વાત, સત્તાવાર વાત. પણ પડોશીનાં અપલખણ, દાનત અને ભૂતકાળના અનુભવ પરથી ભારતને ડર હતો કે આપણા જવાન સાથે શું થયું હોય શકે? ઉચ્ચસ્તરેથી ખૂબ દબાણ આવતા નરેન્દ્રકુમારની ભાળ છેક મોડી રાતે મળી.

આ ભારતીય જવાનનો મૃતદેહ મળ્યો. એ પણ એવી હાલતમાં કે જોતાવેંત ભલભલાને કંપારી છૂટી જાય. એમના બુલેટપ્રૂફ જૅકેટ અને રાઈફલ ગાયબ હતા. રામગઢની કંદરાલ ચોકીમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં વધુ આઘાતજનક વિગતો મળી. આ જવાનને ભયંકર યાતના આપ્યા બાદ હત્યા કરાયાનું બહાર આવ્યું.

શું બન્યું હશે એનું ચિત્ર સ્પષ્ટ થતા ઝાઝી વાર ન લાગી. ગોળીબારમાં ઘવાઈને ભારતીય વિસ્તારમાં પડી ગયેલા નરેન્દ્રકુમારને પાકિસ્તાની રેન્જર્સ અને 'બેટ' (બોર્ડર ઍક્શન ટીમ)ના દરિંદાઓ પોતાની ભૂમિ પર લઈ ગયા. ત્યાં તેમના પર ભયંકર ટોર્ચર કરાયો. બન્ને કાંડા અને હાથ પર દોરડા બાંધીને લટકાવાયા, વીજળીના આંચકા અપાયા, ઉકળતું પાણી રેડાયું, એક પગ કાપી નખાયો, એક આંખમાં ગોળી મારી દેવાઈ અને પછી ગળું

દાબી દેવાયું. કપોળકલ્પિત વાતો નથી, પોસ્ટમોર્ટમમાં મળેલા પુરાવા

સાથેની હકીકત છે. નરેન્દ્રકુમારના શરીર પર. ગોળી માર્યાના પણ નિશાન સ્પષ્ટ દેખાતા હતા, એમના અન્ય અંગ-ઉપાંગ પણ વિકૃત કરી નખાયા હતાં.

આ બધી વિધિ પૂરી થયા બાદ હેડ કૉન્સ્ટેબલ નરેન્દ્રકુમારના પાર્થિવ દેહને હરિયાણાના સોનીપતમાં આવેલા વતનના ગામ માટે રવાના કરાયો.

પછી? આમ જુઓ તો કંઈ નહિ. ને ઔપચારિકતાની વાત કરીએ તો ભારત વતી સત્તાવારપણે આ નિર્મમ હત્યા બદલ જમ્મુસ્થિત બી.એસ.એફ.ના ઉચ્ચાધિકારીએ પોતાના પાકિસ્તાની સમકક્ષ સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સામે પક્ષે અપેક્ષા મુજબ ખેદબેદ વ્યક્ત કરવાને બદલે પોતે સાવ અજાણ અને એક નિર્દોષ હોવાનો આલાપ શરૂ કરી દીધો.

ભારતે એ.કે. 47 કે એ.કે. 57ની ધણધણાટી બોલાવવાને બદલે ફરી શાબ્દિક ધાણીઓ ફોડી: આ પાકિસ્તાની સેનાને શોભતું નથી. આ અનૈતિક છે. અમાનવીય છે. અને આનો આકરો જવાબ આપશું વગેરે વગેરે.

આપણે નક્કર પગલાં ભરતાં નથી, કેમ એ તો રામ જાણે કે સરકાર જાણે? અને પાકિસ્તાન સુધર્યું નથી, તે સુધરવાના આસાર દેખાતા નથી. તો ક્યાં સુધી આપણા બત્રીસલક્ષણા જવાનોએ અકારણ હોમાતા રહેવાનું?

મૂળ હરિયાણાના પણ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેનારા હેડ કૉન્સ્ટેબલના પરિવારને નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી પણ એનાથી ગયેલી વ્યક્તિ કંઈ પાછી આવવાની નથી.

ભારત માટે ફરજ બજાવતા સૈનિક પર ગેરકાયદે અને અકારણ નવ-નવ કલાક અત્યાચાર આચરાતો રહ્યો છતાં આપણું લોહી ઊકળી ઊઠતું નથી! આ જવાને જીવ છોડ્યાને કલાકો નહોતા થયા ત્યારે આપણે પાકિસ્તાન સાથેની વન-ડે મેચ માણતા હતા. તો આ ફાલતુની મેચ જીતવા બદલ પોરસાતા હતા ફુલણજીની જેમ. આપણી પ્રાથમિકતા દુશ્મન દેશ સાથેની મેચ, વેપાર, ગઝલ અને ગીત-સંગીત રહેવાના ત્યાં સુધી પૂરતી કે સાચી ખુન્નસ ક્યાંથી ઉભરવાની?

આપણા એક 51 વર્ષના સૈનિક, સાચા નાગરિક, બે ઘરના એકલા કમાનારા માણસ અને બે નોકરીવિહોણા દીકરાના પિતાને દુશ્મન અકારણ બેરહેમીથી રહેંસી નાખે અને આપણે શું કરીએ? ઠાલી ચેતવણી આપીએ. દ્વિ-પક્ષીય શાંતિના શમણામાં રાચીએ અને ન કરવાનું બધું કરીએ. ઈઝરાયલી કે અમેરિકી સૈનિક પ્રજા સાથે આવું થાય તો ઓસામા બિન લાદેનનેય છોડતો નથી તો આવી ઘટના સમયે કાયમ ચર્ચામાં આવતી પાકિસ્તાનની 'બેટ' કઈ બલા છે?

પાકિસ્તાની સેનાનું ખોફનાક નામ એટલે 'બેટ' યાની બોર્ડર ઍક્શન ટીમ. ભૂતકાળના અનુભવ છે કે આ 'બેટ' ત્રાટકે એટલે નવાજૂની થવાનો ફફડાટ રહેવા માંડે. આ ઘટના એટલા માટે વધુ મહત્ત્વની છે કે એ જમ્મુ સીમા કે આંતરરાષ્ટ્રીય સીમા પર થઈ છે. કારગિલ યુદ્ધના 19 વર્ષ વીતવા બાદ આ પ્રમાણે થવાથી ઘણાં ચોંકી ઊઠ્યા છે.

'બેટ'ના છાપાથી બી.એસ.એફ.ના જવાનો સ્તબ્ધ થઈ ગયા છે, તો સીમાવાસી નાગરિકો એકદમ હચમચી ગયા છે; ગભરાઈ ગયા છે. બીજા શબ્દોમાં કહી શકાય કારગિલ યુદ્ધમાં પાકિસ્તાને શરૂ કરેલાં અમાનવીય કૃત્યો હજી સાવ બંધ કર્યાં નથી.

ભારતીય જવાનો પર અત્યાચાર કરવાનો સવાલ હોય ત્યારે પાકિસ્તાની સૈનિકો, રેન્જર્સ અને 'બેટ' નામનો શૈતાન એક થઈ જાય છે.

1999માં કારગિલ યુદ્ધ વખતે ભટકતા ભટકતા ભૂલથી પાકિસ્તાની ક્ષેત્રમાં પહોંચી ગયેલા કૅપ્ટન સૌરભ કાલિયા અને અન્ય પાંચ ભારતીય જવાનો પર વીસ-વીસ દિવસ સુધી યાતના ગુજાર્યા બાદ હત્યા કરાયેલા શબ સોંપાયા હતા. કારગિલ યુદ્ધમાં ભારત ભલે વિજય દિવસ ઊજવે પણ પાકિસ્તાન ક્યાં શાંત પડ્યું છે?

2013ની આઠમી જાન્યુઆરીએ લાન્સનાયક હેમરાજ અને લાન્સનાયક સુધાકર સિંહના જીવ ગયા. એમાંય 'બેટ'ના શૈતાનો હેમરાજનું માથું કાપીને સાથે લઈ ગયા હતા ત્યારે એકની સામે સો પાકિસ્તાની માથું કાપવાની ત્રાડ પાડનારા 'વીર' ક્યારના શાહમૃગ બની ગયા. એટલે જ ફરી 2013ની પાંચમી ઑગસ્ટે 'બેટ' ગૅંગ ભારતીય સેનામાં 500 મીટર અંદર ઘૂસી આવી અને પાંચ ભારતીયો શહીદ થઈ ગયા હતા.

'બેટ'ના કારનામાં ઓછાં નથી, ને ઈરાદાય ભયંકર છે. એની રચના જ આઈ.એસ.આઈ.ની ભાંગફોડિયા પ્રવૃત્તિને અંજામ આપવાનો છે. ભારતીય પાસે આનો લશ્કરી, રાજદ્વારી કે ગુપ્તચરીય જવાબ નથી? આપણી પાસે માહિતી કે સમય ન હોય પણ આપણા લશ્કરી - રાજકીય આકાઓને નાયબ સૂબેદાર પરમજીતસિંહ, હેડ કૉન્સ્ટેબલ પ્રેમસાગર, બી.એસ.એફ.ના જવાન મનદીપ, હવાલદાર જયપાલ સિંહ અને હવાલદાર દેવેન્દર સિંહ સહિતના શહીદોની યાતના યાદ નથી?

ભારત આર્થિક કે રાજકીય મહાસત્તા બની રહ્યું હોય કે નહિ, ચીન આપણને યુનોની સલામતી સમિતિમાં જતાં રોકી રહ્યું છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં જેટલા જવાનો શહીદ થયા એટલા તો યુદ્ધમાંય જીવ ગુમાવતા નથી, તો પછી કરવાનું શું? આહુતિ આપ્યે જ રાખવાની! વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધ સદંતર બંધ કરવાની શરૂઆત ન કરવી જોઈએ? પાકિસ્તાનથી શ્રીગણેશ અને પછી ચીન... શું કહેવું છે તમારું? અને આપણે શું કરી શકીએ? મારું તો કહેવું છે કે પાકિસ્તાન શબ્દ આવતો હોય એ બધાનો સાચા ભારતીય તરીકે બહિષ્કાર.

ક્રિકેટ હોય કે ગઝલ, ટીવી સિરિયલ હોય કે ખજૂર... જે હોય તે ન ખપે, ન ખપે, ન જ ખપે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtfMAWur7pzxrcF6zZ%2BPFtxXaZwnEKgoOg8BV-_j-eXGA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment