Saturday, 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મગર ઈક મુદ્દત હુઈ મુસ્કુરાયે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મગર ઈક મુદ્દત હુઈ મુસ્કુરાયે!
રામ મોરી
 

 

બહઝાદ લખનવીની ગઝલ જે શમશાદ બેગમના સ્વરે ગવાઈ છે,
'' ન આંખોમેં આંસુ,
ન હોઠો પે હાયે,
મગર ઈક મુદ્દત હુઈ મુસ્કુરાયે!
એ ઈક બુંદ આંસુ જો આંખો મેં આયા,
કહી એ ભી ગીરકર,
ન હાથો સે જાયે! ''
રાજ કપૂર અને નરગીસ અભિનિત ફિલ્મ આગ ( 1948) માં આ ગઝલ નરગીસ પર ફિલ્માવાઈ છે.


એકવાર આ વિચાર તો કરવા જેવો છે કે કોઈ કારણ વગર કોઈની સામે ખુલ્લા દિલે સ્મિત કર્યું છે એ વાતને કેટલો વખત થયો?  સ્મિત, શું સ્મિત માટે બહુ બધા કારણોની જરૂર હોય છે ખરી? આપણા બધાના જીવનમાં કોઈને કોઈ તો એવું હોય જ છે કે જેને આપણા સ્મિતની રાહ હોય છે. એવું કહેવાય છે કે સાવ અજાણ્યો હોય અને પછી પોતિકો બની જાય એવા સંબંધની શરુઆત નાનકડા સ્મિતથી થાય છે. પણ શું તમે આવા કોઈ સંબંધની શરૂઆતની શક્યતાઓને રોકી તો નથી રહ્યાને? શું તમે કોઈ કારણ વગર હસી શકો છો? તમને એ વાતનો અંદાજો પણ ન હોઈ શકે કે તમારું સ્મિત કોઈનો આખ્ખો દિવસ સુધારી દે છે. તમારું સ્મિત એ કોઈની મોંઘેરી મૂડી હોઈ શકે, તમારું સ્મિત પોતે મેળવી શકે એ માટે કોઈ પોતાને વર્ષોના વર્ષોથી બધી રીતે તૈયાર કરી રહ્યું હોય, તમારું સ્મિત એ બીજાને પોતાના પ્રેમમાં પડવા માટેનું નાજૂક કારણ આપી શકે, કોઈ એવું હશે જે કશું પણ બોલ્યા વિના તમારી સામે વર્ષોથી તમારા સ્મિતની રાહ જોઈએ ઉભું છે! તમારી આંખો આ બધું નોંધે છે ખરી?


 
એક એવી નાનકડી વાર્તા મેં ક્યાંક વાંચેલી કે એક માણસ પોતાના જીવનથી એટલો બધો કંટાળી ગયેલો કે એ આત્મહત્યા કરવા નીકળ્યો. રસ્તામાંથી પસાર થતા સાધુએ એને આત્મહત્યા કરતો જોયો. સાધુએ એને રોક્યો અને આત્મહત્યાનું કારણ પૂછ્યું. પેલા માણસે કીધું કે મને કોઈ પ્રેમ નથી કરતું, કોઈને મારી પડી નથી, કોઈ મારી નોંધ નથી લેતું. સાધુ પૂછે છે કે એવું તને શેના આધારે લાગે છે તો પેલો યુવાન જવાબ આપે છે કે વર્ષો થઈ ગયા કોઈએ મારી સામે કારણ વગરનું પણ સ્મિત નથી કર્યું! એકવાર ગંભીરતાથી વિચાર કરવા જેવી આ વાત છે. આપણે આપણી આસપાસના જગતથી એટલી હદે કટ ઓફ છીએ કે આપણને ખબર પણ નથી કે કોઈ આપણી સામે જોઈ રહ્યું છે, કોઈ પોતાનો હાથ હલાવી આપણું અભિવાદન કરી રહ્યું છે.


 
થોડા દિવસ પહેલાં મેં ફેસબુક પર એક કાર્ટુન જોયું. બહુ રસપ્રદ હતું. એક અંધ વૃધ્ધ વ્યક્તિને એક યુવાન છોકરો રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે. પણ દયનીયતા કે કટાક્ષ ત્યાં છે કે રસ્તા વચ્ચે ઉંડો ખાડો છે અને પેલા છોકરાનું ધ્યાન એના મોબાઈલમાં છે. મારા મનમાં આ કાર્ટુન એવી તો ઉંડી અસર ઉપસાવી ગયું કે આ ખરેખર આજની નગ્ન વાસ્તવિકતા છે. દરેક વ્યક્તિએ પોતાના વિશ્વને પોતાની હથેળીમાં હેશટેગ અને ફિલ્ટરમાં સમાવી દીધું છે પણ એની સાથે જીવનારા વ્યક્તિની હાજરીનું શું? સ્મિતની આપલે ખુલ્લા રસ્તા પર કેવી રીતે થશે જ્યારે સ્મિત મોબાઈલની ઈમોજીમાં કેદ છે.


 
માણસને માણસનું અટેન્શન જોઈએ છે. એ અટેન્શનની શરૂઆત સ્મિતથી થાય છે. પોતે પહેરેલી નવી સાડી, નવી ઈંયરીંગ્સ, નવી ઘડિયાળ,નવો શર્ટ કે નવી હેર સ્ટાઈલ મસ્ત છે અને એમાં એ વધુને વધુ સુંદર દેખાય છે એ વાતની પ્રતિતી વ્યક્તિને સામાવાળી વ્યક્તિની સ્માઈલ પરથી ખબર પડે છે. સ્મિતમાં હકારાત્મક ઉર્જા છે. સ્મિતથી વ્યક્તિમાં એક નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ રોપાતો હોય છે. કોઈ કારણ વિના પણ લોકોને સ્મિત આપવું એ પણ એક પ્રકારનું સત્કર્મ છે. અજાણી વ્યક્તિની સામે જ્યારે સ્મિત કરો તો ત્યાંથી સંવાદ રચાતો હોય છે. નાનો હતો ત્યારે મારી બા સાથે મોસાળ જવા માટે એસ.ટી બસમાં જવાનું થતું. બસમાં સાવ અજાણી સ્ત્રીઓ સાથે પણ બા કલાકો વાત કરતી. એ વાતોની શરૂઆત તો સૌથી પહેલા સ્મિતથી જ થતી. બા સામે કોઈ સ્મિત કરે એટલે મારી બા પણ વળતું સ્મિત આપે અને પછી સંવાદો શરૂ થાય.

 

 

મામાનું ઘર આવી જાય ત્યાં સુધીના બે ત્રણ કલાકના આખા રસ્તામાં એ અજાણી સ્ત્રી અને મારી બા વચ્ચે જાણે કે વર્ષો જૂના બહેનપણા હોય એવો ઘરોબો કેળવાઈ જતો. બંને સ્ત્રીઓએ આપસમાં એકબીજાનું પિયર, સાસરિયું, સુખ દુખ અને ભવિષ્યના પ્લાનિંગની બધી વાતો એક સ્મિતની આંગળી પકડીને કરી દીધી. ઘણી વખત બા સાથે બહાર નીકળવાનું થયું હોય અને બા કોઈની સામે સ્મિત કરીને માથું હકારમાં ધુણાવે એટલે હું બાને પૂછું કે ''એ બેન કોણ હતા અને આપણા શું થાય?'' તો બા જવાબ આપે કે ''મને પણ નથી ખબર એ કોણ છે!'' તો હું કહું કે ''બા, તું તો જબરી છે, કોઈ ઓળખાણ નથી અને છતાં સ્મિત કરે?'' તો એ હસીને જવાબ આપે કે ''કોઈની સામે આવી રીતે મલકાઈએ તો સામાવાળાનું એવું લાગે કે આપણે સાવ એકલા નથી, કોઈક બીજુંય છે જેને આપણી પડી છે!''  મને થાય કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે. કેટલું ઉંડુ તથ્ય છે!  સ્મિતમાં એવી શક્તિ પણ છે કે શબ્દોની આપલે વગર પણ વ્યક્તિ વ્યક્તિને સથવારો મળી રહે છે.


 
આપણા સૌના જીવનાં ઘણી એવી વ્યક્તિઓ પણ હોય છે જે આપણને સતત ખુશ રાખવા માંગતી હોય છે. એવી વ્યક્તિઓ કે જેને આપણા સ્મિતની પરવા છે, જેમને આપણા સ્મિતનું જતન કરવું છે વર્ષોના વર્ષો સુધી, એવી વ્યક્તિઓ જે આપણા સ્મિત માટે કઈ પણ કરી શકે. જીવનમાં આપણને કારણ વગર હસાવનારાઓ કદાચ આપણને યાદ નથી રહેતા પણ કારણવગર રડાવનારાઓ બહુ જલદી યાદ રહી જતા હોય છે, એવું કેમ?  સ્મિત અને આંસુ બંને જીવનના પરમ સત્ય છે પણ આપણે આંસુઓનો જ હિસાબ કેમ રાખીએ છીએ? તમારા ખોબામાં સ્મિતનો ઢગલો કરનારાઓનું ખરેખર કોઈ મૂલ્ય નથી? કોઈપણ પરિસ્થિતિ પર વારંવાર રડી પડવું એ તમને વારંવાર હસાવાનારાઓનું અપમાન છે.

 

સ્મિતમાં બહુ બધા અર્થો અને બહુ બધી શક્યતાઓ છૂપાયેલી છે. સ્મિતમાં હા પણ હોઈ શકે સ્મિતમાં ના પણ હોઈ શકે. સ્મિતમાં વખાણ પણ હોઈ શકે અને સ્મિતમાં કટાક્ષ પણ હોઈ શકે. વડીલો એવું સતત કહેતા હોય છે કે એવા માણસો સાથે મિત્રતા ક્યારેય ન કરવી જે ખુલ્લા દિલે હસી ન શકે, જે કારણ વગર ગીતો ગણગણી ન શકે, જે નાની નાની વાતો પર ખુશ ન થઈ શકે. તકલીફ તો માણસ માત્રને હોવાની. જગતમાં એવું એકપણ વ્યક્તિ નથી કે જેની પોતાની તકલીફો અને સંઘર્ષ ન હોય. પણ આ બધાની વચ્ચે સ્મિત એ સતત વ્યક્તિના જીવંત હોવાની નિશાની છે.

 

તમારું સ્મિત બીજા કોઈનું શુકન હોઈ શકે, તમારું સ્મિત એ બીજા કોઈનું લક્ષ્ય હોઈ શકે, તમારું સ્મિત એ બીજા કોઈનું નસીબ હોઈ શકે, તમારું સ્મિત એ સંબંધોમાં કરાતું તમારી લાગણીઓનું મૂડી રોકાણ હોઈ શકે, તમારું સ્મિત એ તમારી સાથોસાથ બીજા ઘણા બધાના ટકી શકવાનું કારણ પણ હોઈ શકે!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuHWdF4vCd%3DZM1qJA26QAiahX_yp86idoG0JHCPO2cozw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment