માતા-પિતા બાદ બાળકોના ઘડતરમાં જો કોઈનો હાથ હોય તો તે એક શિક્ષકનો હોય છે. પણ એવા બાળકોનું શું કે જે બાળકો ગરીબીને કારણે શાળાએ જ નથી જઈ શકતા? આવા બાળકો માટે શિક્ષક બની જાય છે દહેરાદૂનનો એક એટીએમનો સિક્યોરિટી ગાર્ડ. આ સિક્યોરિટી ગાર્ડ દેશભક્તિ પ્રત્યે ખરેખર માન ઉપજે એવું કામ તેઓ કરી રહ્યા છે. એક સમયે જે હાથ રાઈફલ પકડીને દેશની સેવા કરી રહ્યા હતા, એ લશ્કરમાંથી નિવૃત્ત થયાં બાદ પણ દેશસેવા કરવાનું ભૂલ્યા નથી. રાઈફલવાળા હાથ હવે કલમ પકડીને બાળકોને ભણાવી રહ્યા છે. વાંચીને જ સાચા દેશભક્તની છાતી ફૂલીને છપ્પન ઈંચની થઈ જાય નહીં? જી હા, દહેરાદૂનની એક બૅંકના એટીએમના સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા 68 વર્ષના બ્રિજેન્દ્ર સિંહ રસ્તા પરના ગરીબ બાળકોના જીવનમાં શિક્ષણનો સૂર્યોદય લાવવાનું ભગીરથ કાર્ય કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના કરી રહ્યા છે. બ્રિજેન્દ્ર સિંહની આ સેવાભાવી પ્રવૃત્તિની નોંધ વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટના મહારથી પણ લઈ ચૂક્યા છે. હાલમાં જ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વિટર પર બ્રિજેન્દ્ર સિંહનો ફોટો પોસ્ટ કર્યો હતો અને તેની પ્રવૃત્તિ વિશેની માહિતી આપી હતી. ટ્વીટરાવતી પર આ પોસ્ટ ગણતરીના સમયમાં જ 25000થી વધુ લોકોએ લાઈક કરી હતી અને 3500થી વધુ લોકોએ આ પોસ્ટને રિટ્વીટ કરીનેે બ્રિજેન્દ્ર પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. બ્રિજેન્દ્ર સિંહના અંગત જીવન વિશે વાત કરવાની થાય તો બ્રિજેન્દ્ર સિંહ એક નિવૃત્તિ સૈનિક છે. ભારતીય લશ્કરના ગઢવાલ રાઈફલમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ બ્રિજેન્દ્ર સિંહે પોતાની દેશસેવા ચાલુ જ રાખી છે, અલબત્ત તેનું સ્વરૂપ ખાલી થોડું બદલાઈ ગયું છે. પહેલાં સરહદ પર બંદૂક લઈને દેશની સેવા કરનારા બ્રિજેન્દ્ર હવે હાથમાં કલમ પકડીને બાળકોને ભણાવીને દેશસેવા કરી રહ્યા છે. સવારે દહેરાદૂનના માંજા વિસ્તારમાં એટીએમની બહાર સિક્યોરિટી ગાર્ડનો રૉલ પૂરો કરીને સાંજે બ્રિજેન્દ્ર સિંહ શિક્ષકના રૉલમાં આવી જાય છે અને આસપાસના વિસ્તારના રસ્તાના ગરીબ બાળકોને તેમના જીવનની અમૂલ્ય ભેટ (શિક્ષણ) આપે છે. બ્રિજેન્દ્રની આ સેવાભાવી પ્રવૃત્તિ જોઈને દુનિયામાં હજી પણ માણસાઈ જળવાઈ રહી છે, એવી ખાતરી થઈ જાય છે. એટીએમ સિક્યોરિટી ગાર્ડ તરીકેની ફરજ પૂરી થાય એટલે બ્રિજેન્દ્ર સાંજે એટીએમની બહાર ખુરશી લઈને શિક્ષક બની જાય છે અને કૅબિનમાંથી આવતી લાઈટના પ્રકાશમાં રસ્તા પરના ભિખારી, ઘરવિહોણા અને આસપાસની ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું શરૂ કરે છે. બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી સાંજ પડતાં જ બ્રિજેન્દ્રની આસપાસ ગોઠવાઈ જાય છે. એટીએમની બહાર આવેલી ફૂટપાથ પર ચાલતા તેમના ક્લાસરૂમમાં 24 બાળકો ભણવા આવે છે. આ અનોખી શાળા આજકાલથી નહીં, પણ દોઢ દાયકાથી વધુ સમય પહેલાં શરૂ કરવામાં આવી હતી. બ્રિજેન્દ્ર પાસેથી ભણી ચૂકેલાં કેટલાક બાળકોમાંથી આજે કેટલાક બાળકો સારી નોકરી કરે છે, અને આ બાળકો તેમના જીવનમાં આવેલા આ પરિવર્તનનો શ્રેય બ્રિજેન્દ્રને આપે છે. બ્રિજેન્દ્ર સિંહ તેમના જીવનમાં ત્રણ ભૂમિકા ભજવી રહ્યા છે. પહેલો રોલ એટીએમ સિક્યોરિટી ગાર્ડ, બીજો રોલ ગરીબ બાળકો માટે શિક્ષક અને ત્રીજો રોલ એક આદર્શ પિતા તરીકેનો. લોકોના બાળકોને નિ:સ્વાર્થભાવે શિક્ષણ આપનાર વ્યક્તિ પોતાના સંતાનો પ્રત્યે કઈ રીતે દુર્લક્ષ કરી શકે? સિક્યોરિટી ગાર્ડ અને શિક્ષક તરીકેની ફરજ બજાવીને બ્રિજેન્દ્ર જ્યારે રાતે ઘરે પાછા ફરે છે ત્યારે તેઓ એક પિતા અને શિક્ષકની બેવડી ભૂમિકા ભજવે છે અને રોજ રાતે અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે ત્યારે પોતાના બંને સંતાનોને ભણાવે છે. કે જેમાં મોટી દીકરી અને એક દીકરો છે તેમને બંનેને રોજ રાતે બે-બે કલાક ભણાવે છે. આ અંગે બ્રિજેન્દ્રએ આશરે પંદરેક વર્ષ પહેલાં જ્યારે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લીધી એ જ વખતે તેમણે મનોમન ગરીબ બાળકોને ભણાવવાનો નિર્ણય કરી લીધો હતો. આ વિશે તેઓ જણાવે છે કે 'મંદિરની બહાર થોડેક દૂર મેેં કેટલાક ગરીબ બાળકોને કચરામાંથી ભોજન વીણતા જોયા એ વખતે મને પારાવાર દુ:ખ થયું. એ જ વખતે મેં નક્કી કરી લીધું કે મારે એવું કંઈક કરવું છે કે આ બાળકોનું ભવિષ્ય સુધરી જાય અને તેમણે આ રીતે કચરામાંથી ભોજન ન વીણવું પડે.' લશ્કરમાંથી નિવૃત્ત થતાં જ જરા પણ સમય વેડફ્યા વિના તેમણે આસપાસના ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. 'લશ્કરમાંથી નિવૃત્ત થયા બાદ મને અને સ્કૂલ હૉસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી મળી. મોટાભાગે મારે નાઈટ શિફ્ટ કરવાનું આવતું. રાતે નાઈટ શિફ્ટ કર્યા બાદ સવારનો સમય બાળકોને ભણાવવામાં પસાર કરતો.'એવુંકહે છે બ્રિજેન્દ્ર. ધીરે ધીરે બ્રિજેન્દ્રને શહેરમાં અન્ય જગ્યાએ સિક્યોરિટી ગાર્ડ તરીકેનું કામ મળતું ગયું, પણ આ બધા વચ્ચે પણ એક વસ્તુ તો કોમન જ હતી અને એ એટલે બાળકોનું ભણતર. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ આસપાસના બાળકોને ભેગા કરે અને તેમને ભણાવવામાં વ્યસ્ત થઈ જાય. બાળકો ભણાવવાની આ પ્રવૃત્તિમાં પરિવારના સહકાર વિશે વાત કરતાં બ્રિજેન્દ્ર જણાવે છે, 'બાળકોને ભણાવવાનું મારું સપનું હતું, મારામાં બાળકોને ભણાવવાનો જુસ્સો હતો. પણ મારી પત્નીને આ વાત હંમેશાં જ ખટકતી અને તે મને ઘણી વખત પારકા બાળકો પર સમય અને શક્તિ નહીં વેડફવાની સલાહ આપતી. પણ મારા પર તેની આ સલાહની ખાસ અસર થતી નહીં, અને મેં મારું બાળકોને ભણાવવાનું કામ ચાલું જ રાખ્યું.' સત્કાર્યોની સુવાસ ધીરે ધીરે પણ ખૂબ લાંબે સુધી ફેલાય છે એ રીતે તેના આ કામની નોંધ અનેક લોકોએ લીધી અને મદદનો હાથ પણ લંબાવવાનો પ્રયાસ કર્યો. બ્રિજેન્દ્ર ખુદ જે બેંકના એટીએમના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તે બૅંકના મોટા-મોટા અધિકારી, કર્મચારીઓએ બાળકો માટે સ્કૂલ બૅગ, નોટબુક, પૅન-પૅન્સિલ જેવી અન્ય શાળા માટે ઉપયોગી વસ્તુઓની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ બ્રિજેન્દ્રએ કોઈ પણ પ્રકારની મદદ લેવાનો ઈનકાર કર્યો. બ્રિજેન્દ્ર આ બાળકોને ભણાવીને પોતાની જવાબદારી પૂરી થઈ એમ કહીને હાથ ઊંચા કરી લે એમાંના નથી. જો કોઈ દિવસ તેમની પાસે ભણવા આવતા બાળકોમાંથી કોઈ બાળક બીમાર પડે તો બાળકના માતા-પિતા ફોન કરીને બ્રિજેન્દ્રને બોલાવે છે અને બ્રિજેન્દ્ર પણ બધા કામ પડતા મૂકીને બાળકને હોસ્પિટલ લઈ જાય છે. બ્રિજેન્દ્ર આ વસતિના બાળકોને પણ પોતાના બાળકો સમજીને જ તેમની અનેક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. બ્રિજેન્દ્ર પોતાની કમાણીનો 70-80 ટકા હિસ્સો આ બાળકોને ભણાવવા પાછળ ખર્ચવાની યોજના બનાવી રહ્યા છે, હાલમાં તેઓ પોતાની કમાણીના 20થી 30 ટકા રકમ જ આ સત્કાર્ય પાછળ ખર્ચી રહ્યા છે. બ્રિજેન્દ્રનું માનવું છે કે શહેરના 40 ટકા જેટલા બાળકો શાળાએ નથી જતાં એ બધા જ બાળકોને ભણાવવાનું તેમનું લક્ષ્ય છે. તેઓ પોતાના આ લક્ષ્યમાં સફળ થાય એવી શુભેચ્છા સાથે તેમની આ દેશસેવાને સલામ! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtPZ329A602TzT1PoseWK_F6BhDUvb27LrJruzxPbSXtw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment