Friday 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આપણી કૉલેજો વિશે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણી કૉલેજો વિશે!
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

    
થોડાં વરસ પહેલાં એક વાલી બીજા વાલીને પૂછતા, 'તમારો દીકરો (કે દીકરી) કઈ કૉલેજમાં ભણવા જાય છે?' હવે સત્યના આગ્રહી વાલી પૂછે છે, 'તમારો દીકરો (કે દીકરી) કઈ કૉલેજમાં જાય છે?' 'કૉલેજમાં જવું' એટલે 'ભણવા જવું' એવું સમીકરણ હવે જૂનું થઈ ગયું છે. ખરેખર તો કૉલેજમાં જવુંનો અર્થ 'ભણવા, સિવાય ઘણાં ઘણાં માટે જવું' એવો થાય છે, આ 'ઘણાં ઘણાં'માં શેનો શેનો સમાવેશ થાય છે તે કૉલેજનો વિસ્તાર, કૉલેજની સંખ્યા, પ્રિન્સિપાલની ઉદારતા અને અધ્યાપકોની સહનશક્તિ અને વિદ્યાર્થીઓની હિંમત અને સાહસિકતા પર આધાર રાખે છે.

 

તમે કોઈ કૉલેજ પાસેથી પસાર થશો તો તમને રંગબેરંગી કપડાંવાળાં યુવક-યુવતીઓનાં ટોળાં આમતેમ ફરતાં અથવા ઊભાં-ઊભાં વાતો-મજાક- મસ્તી કરતાં દેખાશે. એક વાર હું મારા મિત્રની સાથે એક કૉલેજ પાસેથી પસાર થતો હતો ત્યારે મિત્રે નિસાસો નાખીને કહ્યું, 'અરેરે! શું થવા બેઠું છે, આ દેશનું?'

 

'કેમ શું થયું?' મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું. આજ સવારના છાપું વાંચી શકાયું નહોતું એટલે દેશ પર આવી પડેલી આફત વિશે હું અજાણ રહી ગયો હોઈશ એમ મને લાગ્યું. એક નાગરિક તરીકે મારા માટે આ સારું ન કહેવાય એવી ગુનાની લાગણી પણ મારા હૃદયમાં જન્મી.

 

'આ છોકરા-છોકરીઓ ભણવા માટે કૉલેજમાં દાખલ થાય છે, પણ આમ બહાર રખડ્યાં કરે છે. આ લોકો દેશને કેવી રીતે ચલાવશે?' મિત્રે ફરી પ્રલંબ નિસાસો નાખ્યો.

 

'આઝાદી પછીનાં આટલાં વર્ષોમાં દેશનું એટલી હદે બગડી ચૂક્યું છે કે હવે કોઈ પણ માટે દેશનું વધુ બગાડવાની તકો ઘણી ઓછી છે.'

 

'તમે મારી વાત મજાકમાં ન ઉડાવી દો. તમને કંઈ થતું નથી, આ છોકરા-છોકરીઓને આમ હરતાં-ફરતાં જોઈને?'

 

'થાય છે ને! ઈર્ષા થાય છે. આપણે બહુ વહેલા જન્મી ગયા ને બોચિયાની જેમ ભણભણ કર્યું. આ સમયમાં જન્મ્યા હોત તો આપણેય આ લોકોની જેમ લહેર કરતા હોતને? આપણે સીરિયસલી ભણ્યા તોય દેશનું બગડતું કંઈ અટકાવી શક્યા?'

 

મિત્રે પ્રતિવાદ ન કર્યો, પણ મારી વાત એમને ગળી ઊતરી હોય એમ લાગ્યું નહિ. અમે છૂટા પડ્યા ત્યાં સુધી એમણે નિસાસા નાખ્યા કર્યા.

 

મારા એક મિત્રનો દીકરો કૉલેજમાં પ્રોફેસર થયો. પ્રોફેસરનાં ઊંચા પગારધોરણો જોઈ એ આકર્ષાયેલો. કૉલેજના પ્રોફેસરોનાં ઊંચા પગારધોરણની ઘણી ટીકા થાય છે. 'વરસમાં અમુક દિવસ કલાક-બે કલાક કામ કરવાનો આટલો બધો પગાર?' એવો પ્રશ્ર્ન ઘણાંને થાય છે, પણ હું એમ નથી માનતો. પ્રોફેસરોને યુ.જી.સી.ના પગારધોરણ કરતાં પણ વધુ પગાર રાજ્ય સરકારે આપવો જોઈએ એવી મારી લાગણી છે. પ્રોફેસરોને માત્ર ભણાવવા માટે જ પગાર નથી મળતો. કૉલેજોમાં તોફાન થાય છે, પ્રોફેસરોને કેટલીક વાર માર પડે છે. આ માર ખાવાનું સ્પેશિયલ ઍલાઉન્સ મેળવવાનો પણ પ્રોફેસરનો નોકરીસિદ્ધ અધિકાર છે. ઉમાશંકર જોશી કહેતા કે, 'અમારે અધ્યાપકોને મન વર્ગ એ જ સ્વર્ગ છે.' પણ હવે તો વર્ગમાંથી જ સીધા સ્વર્ગમાં જતા રહેવું પડે એવું જોખમ ઊભું થયું છે. એટલે પ્રોફેસરોને જે પગાર મળે છે તેમાં પચાસ ટકા પગાર આ જોખમ અંગે મળે છે; ચાળીસ ટકા પગાર કૉલેજમાં નિયમિત જવા માટે મળે છે, (સરકારી કર્મચારીઓને ઑફિસે જવા માટે મળે છે એ રીતે) અને દસ ટકા પગાર એને ક્યારેક-ક્યારેક ભણાવવાની તક મળે અને એ વખતે એનો ભણાવવાનો મૂડ હોય તો એને માટે એટલે કે ભણાવવા માટે મળે છે.

 

મેં પ્રોફેસર થયેલા મિત્રપુત્રને પૂછ્યું, 'તારી કૉલેજમાં ડિસિપ્લિન કેવી છે?'

 

'બહુ સારી તો નથી. પણ અમને કશી તકલીફ નથી પડતી.'

 

'કેમ? વિદ્યાર્થીઓ વર્ગમાં તોફાન કરે તો તકલીફ તો પડે જ ને?'

 

'મોટા ભાગના વિદ્યાર્થીઓ વર્ગમાં આવતા જ નથી. કોઈ વાર ચેઇન્જ ખાતર એ લોકો વર્ગમાં આવે છે ત્યારે તોફાન કરે છે પણ એ વખતે અમે પ્રોફેસરો વર્ગમાં નથી જતા!'

 

વિદ્યાર્થીઓ વર્ગમાં જવાને બદલે બહાર ચોગાનમાં હરેફરે એના ઘણા લાભો છે. એક તો ખુલ્લી હવામાં ફરવાને લીધે, સ્કૂટર પર બેસી શિયાળાની સવારનો તડકો માણવાને કારણે આરોગ્ય તો સારું રહે જ છે, પણ ઝાઝો સમય બહાર ચોગાનમાં ગાળવાને કારણે યુવક-યુવતીઓ એકબીજાના નિકટના પરિચયમાં આવે છે અને એને પરિણામે એમના જીવનનો મહત્ત્વનો પ્રશ્ર્ન લગ્નનો પ્રશ્ર્ન ઊકલી જાય છે. જોકે આ કારણે કેટલાંક્ધાાં જીવનમાં એટલા બધા પ્રશ્ર્નો ઊભા થાય છે કે પછી તેઓ જીવનભર એ પ્રશ્ર્નોમાં જ અટવાયેલાં રહે છે! એક વખત એક કૉલેજ પર પથ્થરમારો થયો. પથ્થરમારો કરનારાઓમાંથી કેટલાક પકડાયા. એમાં પંચાવન વરસની ઉંમરના એક પ્રૌઢ સદ્ગૃહસ્થ પણ હતા! પોલીસ ઇન્સ્પેક્ટરને બહુ નવાઈ લાગી. એમણે પેલા સદ્ગૃહસ્થને પૂછ્યું, 'તમે આ ઉંમરે પથ્થરમારામાં શું કામ જોડાયા?'

 

'સાહેબ! સાચું કહું? હું આ કૉલેજમાં ભણ્યો છું. મારી પત્ની મને આ કૉલેજમાંથી મળી હતી. એણે મને જે અનુભવ કરાવ્યો છે એનાથી મને મારી આ કૉલેજ પર બહુ ગુસ્સો આવે છે. હું મારી પત્નીને તો કંઈ કરી શકું એમ નથી. પણ આજે હું અહીંથી નીકળ્યો એ વખતે છોકરાઓ કૉલેજ પર પથ્થરમારો કરી રહ્યા હતા. એ જોઈ હુંય ઉશ્કેરાયો. બાકી આ લોકો શેને માટે પથ્થરમારો કરતા હતા તેય હું નથી જાણતો.'

 

આવું જોકે જૂજ કિસ્સામાં બનતું હશે. કૉલેજના કારણે પરણ્યાં હશે એવાં કેટલાંક સુખી પણ હશે.

 

ચારેક વરસ અગાઉ કૉલેજોમાં કૅમ્પસ-ફી દાખલ કરવામાં આવી હતી. એ વખતે કૅમ્પસ-ફીનો સખત વિરોધ થયો હતો. પણ હું માનું છું કે કૉલેજોમાં કૅમ્પસ-ફી લેવાનું તદ્દન વાજબી છે. ખરેખર તો ટ્યૂશન-ફી બંધ કરી માત્ર કૅમ્પસ-ફી જ લેવી જોઈએ. ક્લાસરૂમનો ખાસ ઉપયોગ રહ્યો નથી, માટે ટ્યૂશન ફી બંધ કરવી અને ચોગાનોનો ભરપૂર ઉપયોગ થાય છે તેથી કૅમ્પસ-ફી લેવી એ તદ્દન વાજબી વાત છે. વિદ્યાર્થી કૅમ્પસ પર હાજર થાય એટલે એની હાજરી માન્ય કરી દેવી જોઈએ. દરેક પિરિયડમાં અધ્યાપક પહેલાં મેદાન પર જઈ હાજરી પૂરે અને પછી વર્ગમાં જઈ, જે વિદ્યાર્થીઓ વર્ગમાં હોય તેમને ભણાવે. વર્ગમાં કોઈ ન હોય તો શાંતિથી કૉમનરૂમમાં બેસે, શૅરબજારનું સાહિત્ય વાંચે અથવા સહ-અધ્યાપકો જોડે ગપ્પાં મારે. કૅમ્પસ પર હાજરી પૂરવામાં અધ્યાપકોને નાનમ લાગતી હોય તો 'હાજરી પૂરનાર'ની નવી પોસ્ટ યુ.જી.સી.એ ઊભી કરવી જોઈએ અને આ કામ કરનાર માટે અંગ્રેજીમાં કોઈ સારું નામ શોધી કાઢવું જોઈએ. (આમાંથી ભવિષ્યમાં ઘેર આવીને હાજરી પૂરી જાઓ એવી માગણી ઊઠવા સંભવ છે. આવું થાય ત્યારે આ માગણી અંગે પણ સહાનુભૂતિથી વિચારી શકાશે.) ટ્યૂશન-ફી લેવાની સત્તા ફક્ત કોચિંગ ક્લાસના સંચાલકોને જ આપવી. ઉચ્ચ શિક્ષણમાં આટલા ફેરફાર તાત્કાલિક કરવા જોઈએ.

 

નોંધ : હજુ કેટલાક પ્રિન્સિપાલો વિદ્યાર્થીએ કૉલેજમાં હાજર રહેવું જોઈએ અને તે પણ વર્ગમાં હાજર રહેવું જોઈએ એવો દુરાગ્રહ રાખે છે. હજુ કેટલાક અધ્યાપકો વર્ગમાં ભણાવવાનો આગ્રહ રાખે છે, હડતાલ વખતેય ભણાવવાનો આગ્રહ રાખે છે. આવા જીવોને પ્રભુ સદ્બુદ્ધિ આપે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsD-J%3DePf9iszGEK7CxYCmTiRnO7b90wmLBpuC_k6Qk0g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment