Thursday 27 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જાગૃત માણસાઈ ક્યારેય ક્ષણભંગુર નથી હોતી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જાગૃત માણસાઈ ક્યારેય ક્ષણભંગુર નથી હોતી!
નલિની માડગાંવકર

માણસને માણસ બનાવનાર માણસાઈ કરતાં પણ વધુ માણસની આંખમાં તરવરતી સમગ્ર જગત પ્રત્યેની કરુણા, આર્દ્રતા છે. એ આર્દ્રતા જ જાણે આ નાનકડી આંખોમાં અને એ ભાવથી ઊભરાતાં કર્મોમાં માણસની જિંદગીને કૃતાર્થ કરે છે
 

રાઠી કવિ મંગેશ પાડગાંવકર... આંખોમાં દેખાતી નરી મુગ્ધતા, કવિ તરીકેની સભાનતાથી ક્યાંય દૂર. જગતને, ઈશ્ર્વરને, અને પ્રકૃતિ-માણસને જોતા હતા, ત્યારે કવિ દૃષ્ટિનો પારસમણિ અનેરું પરિવર્તન લાવતો. ભીતરની બારાખડી બદલીને એમણે જીવનનું સત્ય આપણને દર્શાવ્યું પણ એને મૂલવ્યું તો જાગેલી અનુભૂતિથી.

કવિતાના આજીવન ઉપાસક. એ જ્યાં સુધી ક્ષરદેહે રહ્યા ત્યાં સુધી એમની વાણી અને અ-ક્ષર કવિતાનો અખૂટ ખજાનો દાયકાઓ સુધી કવિતા ક્ષેત્રે એમના સ્થાનને અચળ રાખનાર છે. એમની કલમના સ્પર્શે સામાન્ય ઘટના કે વિષય કવિતાનું અનન્ય સ્થાન પામ્યાં છે.

'સુખકર્તા દુ:ખહર્તા' પાસે કંઈક માગવા કરતાં વંદનસભર પ્રાર્થના કરીએ. અંતર્યામી બધું જ જાણે છે. એક હાથમાં લાડુ અને બીજો હાથ અક્ષય વરદાન રૂપે આશિષ જ વર્ષાવતો જણાય છે. જ્યારે અંતરથી થતી પ્રાર્થના એ સાંભળતો હોય ત્યારે અન્ય હાથોમાં ધરેલાં આયુધો પણ આ માનવબળ સામે કોમળ થઈ જતાં હોય છે, જગત પર જન્મ આપીને ઈશ્ર્વરની અપેક્ષા એક જ હોય છે કે આપણે સાચા માણસ બનીએ. એ તો કોઈ પણ રૂપ સાથે હોય.

આપણી આસપાસ સ્વજનો... માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર-સખી, શ્ર્વસુર પક્ષની કોઈ વ્યક્તિ રૂપે કે પતિ-પત્ની, પ્રિયતમ-પ્રિયતમાના સ્વરૂપે પ્રેમ વરસાવતો હોય છે. આવું હેત વરસાવતાં એ પાછું વાળીને જોતો નથી. પોતાનાં સ્નેહાંકુર વેરતો વેરતો નવી હરિયાળી સર્જાવતો હોય છે. ફક્ત આપણે જ પાછું વાળીને જોઈ જોઈ સંબંધોને મૂલવતાં હોઈએ છીએ. કોઈક એકાદ ક્ષણ તો આપણા ભાનને પાછું વાળે છે. એ ક્ષણની જાગૃતિ જ પ્રાર્થનાના શબ્દો સર્જતી હોય છે.

પ્રાર્થના આવી સાચી, અનંતક્ષણથી બની જાય છે. કવિ મંગેશ આવી અક્ષરો વચ્ચેની શૂન્યતાને સ્વસંવેદનાથી ભરી દે છે, આવી ક્ષણો જ સાચા માણસને - માનવતાને જન્માવે છે. દેવત્વ કંઈ જન્મ લેતું નથી, એ તો સ્વયંભૂ છે. ફક્ત માણસ જ જન્મ લે છે અને એ માણસ જ સાચી માણસાઈને જન્માવે છે.

આ જાગૃત માણસાઈ ક્ષણભંગુર ક્યારેય હોતી નથી. આ રચના જાણે સમગ્ર માણસજાત સાથે મળીને કરેલી વાત છે. પ્રાર્થનામાં આપણે માગવામાં પાછું વાળીને જોતાં નથી. કવિએ તો રચનાના પ્રારંભમાં જ કહ્યું છે કે તેં એટલું બધું આપ્યું કે તેં મને માણસ બનાવ્યો.

કવિ ઉમાશંકરના શબ્દો યાદ આવે છે;

"ત્રણવાનાં મુજને મળ્યાં: હૈયું, મસ્તક હાથ,

બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું.

(ઉમાશંકર જોશી)

આ ખુમારી સાથેની આત્મતૃપ્તિ જ એમને સાચા માણસ બનાવે છે. કવિ તો ઉદારતાથી પોતાના આવકારતા લંબાયેલા હાથમાં સમગ્ર વિશ્ર્વને સમાવવા માગે છે. એકનું જગત અનેકનું બનતાં વાર નથી લાગતી. અહીં એવું જ સ્વજગત છે. માણસ બનવું એ સહુથી કપરી કસોટી છે. ઈશ્ર્વરે તો એક જ માણસનો નહીં; અનેકનો ખોબો વિચારવાનો છે, અને ભરવાનો પણ છે.

આપણો ખોબો નાનો હોય કે મોટો. ઈશ્ર્વર એને ક્યારેય ખાલી નથી રાખતો. જો ખોબો પાણીથી ભરેલો હશે તો જ એમાં જાતનું પ્રતિબિંબ દેખાશે. ઈશ્ર્વર આવા આપણા માટેના આત્મ નિરીક્ષણના માર્ગને મોકળો રાખે છે.

દાવાનળમાંથી પણ વહેળો બનીને ઉગારતો ઈશ્ર્વર, વરસાદમાં પણ

ખોબો ખાલી ન રાખતો ઈશ્ર્વર આ જગતને પણ રહેવા જવું, અનુકૂળ કરતો હોય છે.

કવિ મંગેશ અંતર્મુખ બનીને પોતાનાં જ કર્મોને નિરખે છે. માણસ પોતાની સુરક્ષિતતા સાચવતો, ઘૂમવાનું કેન્દ્ર બદલતો નથી. કૂપમંડુકવૃત્તિથી એ પોતાની આસપાસ ઘૂમીને પોતાના આનંદને શોધતો હોય છે.

ઈશ્ર્વરનું સ્વરૂપ જ વેલી જેવું હોય છે. જેમ વાળો તેમ વળે છે. એ પોતાનાં માનવસંતાનને ક્યારેય દુ:ખી કરતો નથી. સુખી કે દુ:ખી કરવાનું કેન્દ્ર આપણા જ હાથમાં છે.

પડછાયાને જોઈને ડરતો માણસ અયોગ્ય વળાંક પર જીવનને વાળતો હોય છે અને પોતાની આવી એકલતા જોઈને હતાશ થતો હોય છે. કવિ આર્દ્રતાને પણ વિધેયાત્મક રૂપે જુએ છે. આ આર્દ્રતા જ, ભીનાશ જ જીવનપથને અંકુરિત કરવા નિમિત્ત બને છે. એ ઈશ્ર્વરના કે ઈશ્ર્વરરૂપ સ્વજનની નિકટતાના પ્રેમની અનુભૂતિ માણસને ગાતો કરે છે.

કવિતાના અંતમાં કવિ લાઘવથી માણસની પરિભાષા આપે છે. માણસને માણસ બનાવનાર માણસાઈ કરતાં પણ વધુ માણસની આંખમાં તરવરતી સમગ્ર જગત પ્રત્યેની કરુણા, આર્દ્રતા છે. એ આર્દ્રતા જ જાણે આ નાનકડી આંખોમાં અને એ ભાવથી ઊભરાતા કર્મોમાં માણસની જિંદગીને કૃતાર્થ કરે છે. આ તો એક ભૂમિકા છે. એ પરથી પસાર થવું કે ન થવું એ માણસના હાથની વાત છે.

ઈશ્ર્વરે કરેલા માણસજાત પરના ઉપકારનું આ વફાદારીભર્યું જીવનગાન છે. ઈશ્ર્વરે સર્જેલી આ હરિયાળી પર પગલાં માંડતી માનવજાત બીજી એક હરિયાળી રચીને પાછળ આવતી પેઢીને સુરક્ષિત કરતી જાય છે.

પ્રાર્થના કે વંદનમાં પહેલાના કરેલાં સત્કર્મો - ઈશ્ર્વરના ઉપકારો સમાઈ જતા હોય છે. "તેેં મને એટલું બધું આપ્યું એ સામાન્ય માનવીના શબ્દો નથી; સ્વ અને સર્વને સુખી જોવાની સાધના છે. "હજી મને વધુ આપ, હજી મને વધુ આપ. કહેતા માનવીની છાયા પણ આ રચના પર નથી. ઊલટું જે કંઈ આપ્યું છે એના આત્મસંતોષનું ગૌરવચિત્ર છે. કવિ મંગેશ પાડગાંવકરની મને ગમતી એક પંક્તિ:

"કહો જોઉં કેવી રીતે જીવવું?

કણસતાં કણસતાં

કે ગીતો ગાતાં

તમે જ નક્કી કરો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuQNig%3D61Vb_%2BEWK7H5vy6HWr%3DJOj9%3DEh1yEDaqzcjaGQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment