Saturday 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લવા કાના (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવલિકા - "લવા કાના"
મુકેશ સોજીત્રા

 

ગોંડલ ચોકડી રીંગ રોડ પાસે મયુર શેરડીના એક ચિચોડા પાસે ઉભો રહીને શેરડીના રસનો એક લોટો ગટગટાવી ગયો.સાંજના છ થવા આવ્યાં તોય લૂ હજુ બંધ નહોતી થઇ પેટમાં અગન જવાળા ચાલતી હતી. ઘરે ફક્ત મોળું જ જમવાનું મળતું હતું.જ્યારથી ડોકટરે એને કીધું હતું કે મિસ્ટર મયુર તમે ડાયાબીટીશની બોર્ડર પર છો. આજથી ગળ્યું બંધ કરશો તો તમારા માટે સારું રહેશે. આ બાબત માં તમે સીરીયસ રહેશો તો ગમશે. અને ત્યારથી એની પત્ની વધારે સીરીયસ થઇ ગઈ હતી. ગળ્યું તો ઠીક પણ દાળ, ચોખા , અને ઘી પણ સાવ બંધ કરી દીધું હતું જોકે મયુરે નહિ પણ એની પત્ની રીટાએ આવી વસ્તુ ટીફીનમાં પીરસવાનું જ બંધ કરી દીધું હતું. તોય મયુર ચોરી છુપી મીઠાઈ અને ભાત ખાઈ જ લેતો. એ શાપર વેરાવળની એક ફેકટરીમાં કામ કરતો હતો.બપોરના લંચ સમયે પોતાના ડાયેટિંગ વાળા ટીફીન સાથે ક્યારેક હાઈવે પરના ધાબા પર થી દાળ તડકા અને જીરા રાઈસ દાબી લેતો. ક્યારેક ગુલાબ જાંબુ પણ ઠપકારી લે જેવી રીતે દરરોજ એ શેરડીનો રસ પીવે એમ જ!! દસ રૂપિયાની નોટ આપીને એણે પોતાનું બાઈક સ્ટાર્ટ કર્યું અને સામેની  સાઈડ જોયું તો એક દેશી માણસ હાથમાં બે થેલા અને એક હાથમાં કંઇક ચિઠ્ઠી લઈને એક રિક્ષાવાળાને બતાવતો હતો. અને રિક્ષાવાળો એને પોતે જ્યાં રહેતો હતો એ સોસાયટી તરફ આંગળી ચીંધતો હતો!! મયુર એને જોઇને જ ઓળખી ગયો એ હતો લવા કાના!! પોતાનાં પિતાનો જીગરી માણસ અને એ માણસ આજ એનાં ઘરે આવી રહ્યો હોય એમ લાગ્યું. છેલ્લાં બે વરસથી જ્યારથી હપ્તા પર પોતાનું મકાન લીધું .હપ્તા પર બાઈક લીધું ને ત્યારથી મયુરના બે છેડા માંડ માંડ બે છેડા ભેગા થતાં હતાં એમાય પોતાના બે સંતાનો છાયા અને સાગરની સ્કુલ ફી, ટ્યુશન ફી, ઘર ખર્ચમાં જ પગાર વપરાઈ જતો અને બચતમાં ખાલી બળતરા રહેતી!! અને એમાય જો આ લવા કાના પોતાના પિતાજીએ વ્યાજે લીધેલ ૫૦૦૦૦ રૂપિયા લેવા આવ્યો હોય તો તો ભારે રોજડી થાય. મયુરે જલદી વિચારી લીધું અને તરત જ રોંગ સાઈડમાંથી પોતાની બાઈક હંકારી શોર્ટ કટમાં પોતાના ઘર તરફ ભાગવા લાગ્યો.રસ્તામાં બે વાર પડતાં પડતાં બચ્યો.

ઘરે પહોંચીને તરત જ એણે રીટાને કીધું કે દરવાજો બંધ જ રાખજે અને કોઈ વૃદ્ધ માણસ કદાચ નામ પૂછતો આવે તો એને કહેજે કે હું ઘરે નથી. છાયા અને સાગર પણ પિતાને જોઈ રહ્યા!! કાલે સાંજે હજુ પિતા એમને કહેતા હતાં કે કદી જુઠ્ઠું ના બોલાય અને આજે જ એ જુઠ્ઠું બોલી રહ્યા હતાં. રીટાએ કશી દલીલ ના કરી કારણકે પતિ હજુ નોકરીએથી આવતાં હતાં અને રાજકોટના પતિદેવો નોકરી પરથી આવતાં હોયને ત્યારે રીતસરના ધગધગતા જ હોય છે એટલે એને છંછેડવામાં માલ નહિ, હવે આ આજીના પાણી ની કમાલ હોય કે પછી રાજકોટની ભૂમિનો પ્રતાપ!! મયુર ફટાફટ બીજે માળે આવેલ પોતાની રૂમમાં જતો હતો ત્યાંજ એણે પોતાના નામની બુમ સંભળાણી. અને એ દાદર ઉપર જ ઉભો રહી ગયો. જોયું તો પેલી રિક્ષામાંથી જ લવા કાના ઉતરીને એને સાદ કરી રહ્યો હતો .રિક્ષા છેક એનાં ઘર સુધી આવી ગઈ હતી!! આટલું પાકું એડ્રેસ લવા કાનાએ ક્યાંથી મેળવ્યું હશે એની મયુરને નવાઈ લાગી.
                 
"મયલા  એય મયલા, સામું તો જો, એ હું લવા કાના" દરવાજા પાસે જ લવા કાના ઉભો હતો. ખુબ જ ઉંચો હતો એટલે ડોકું દરવાજાની ઉપર જ દેખાતું હતું.
                 
"ઓહો હો લવા દા તમે અહી ક્યાંથી , આવો આવો અંદર આવો " મયુર બોલ્યો.
               
  "દરવાજો ઠેકીને આવું?? તું દરવાજો તો ખોલ પછી આવું ને ભલાદમી તુય ખરો છો હો, તુય યાર શેરમાં રહીને શેર વાળા જેવો થઇ ગયો છો" આમ કહીને લવા કાના ખડખડાટ હસી પડ્યો. મયુરને એ પરિચિત હાસ્ય ઘણાં સમયે સંભળાયું, દરવાજો ખુલ્યો. રીટા અને એનાં બેય છોકરા છાયા અને સાગર લવા કાના ને જોઈ રહ્યા. અંદર બેઠક રૂમમાં લવા કાનાએ સોફા પર જમાવ્યું પડખે મયુર બેઠો.
              
લવા કાના સાડા પાંચ હાથ જેટલો ઉંચો!! ખડતલ શરીર!! સીતેર વટાવી ગયેલો પણ તોય હતો કડેધડે!! વાળ અને મૂછો ધોળા થઇ ગયેલાં!! ચહેરા પર હવે કરચલીઓ દેખાતી હતી!! પાસાબંધી કેડિયું અને ચોરણો પહેરેલો માથે એક પાઘડી અને અણીવાળા દેશી ચામડાના જોડા એકદમ ચકચકિત હતાં!! નવજુવાન ડોસલો જ જોઈ લ્યો જાણે!!
                   
"શું ચાલે છે લવા દાદા??, છોકરાને કેમ છે?? બધાય મજામાંને?? મયુરે પૂછ્યું.
              
"હાકોટા હોય અમારે તો બીજું શું હોય એઈ ખાઈ પી ને લહેર, આઠે પોર આનંદ, આ તારા બેય પોરિયા તો મોટા થઇ ગયાં. એક લગ્નમાં મળ્યાં ત્યારે જોયા હતાં!! નાના નાના હતાં પણ તારું શરીર સુકાઈ ગયું બટા કાઈ તકલીફ તો નથી ને??" લવા કાનાએ મયુરને પૂછ્યું. અને બેય છોકરાને પાસે બોલાવીને કીધું.
             
  "એ ય આયે આયે આવો જો આ તમારાં બાપને મેં ખુબ રમાડ્યો છે!! મારો એ બહું હેવાયો હતો! હવે તમનેય રમાડી લઉં , આયે આવો આયે આવો " છાયા અને સાગર બેય લવા કાનાની એક એક બાજુ ગોઠવાઈ ગયાં. લવા દાદાએ બેય ને માથે હાથ મુકીને નામ પૂછ્યું અને ક્યાં ધોરણમાં ભણે છે એની પૂછપરછ કરી . એવામાં રીટા ચા લઈને આવી સાથે બિસ્કીટ હતાં.. ટીપોઈ પર ચા અને બિસ્કીટ મુક્યા અને લવા દાદાએ ચા પીધી. અને એક થેલો ખોલ્યો. એમાંથી કાઢ્યો એક પીતળનો ડબ્બો અને એમાંથી કાઢી સુખડી!! એક એક બટકું લઈને બેય બાળકોને ખવડાવ્યું!! છોકરાને મજા આવી ગઈ. પછી એ ડબ્બો સાગરને આપીને કીધું.
               
   "જા તારી બાને આપી આવ, સુખડી ખાલી કરી નાંખે આમાંથી, દેશી ઘીની સુખડી તો અહી ક્યાંથી મળે એટલે મેં કાલે જ બનાવી છે , એ ય મયલા તુય ખા એક બટકું!! નાનપણમાં તે બહું ખાધી છે સુખડી ભૂલી ગ્યો, લે લે દાબ, એક બટકું દાબ" લવા દાદાએ એક બટકું મયુરને આપ્યું . મયુરે રીટા સામે જોયું. રીટા એ આંખો દ્વારા ના પાડી.લવા કાનાની ચકોર નજરે આ પારખી લીધું.
              
"મને ડાયાબીટીશ છે હું નથી ખાતો ગળ્યું!!" મયુરે ખુલાસો કર્યો.
              
"હવે એક બટકે કાઈ નો થાય. એ તો તમે ચેક કરાવો એટલે ડાયાબીટીશ આવે , બાકી દેશી સુખડીથી ડાયાબીટીશ નો થાય,બીજા તો ના પાડે પણ કયારેક ખાઈ લેવાય" એમ કહીને એક આખું મોટું બટકું મયુરના મોઢામાં મૂકી દીધું.
            
"તે લવા આતા કઈ કામે જ આવ્યા છો  કે અમસ્તા જ આવ્યા છો " મયુર મૂળ મુદ્દા પર આવ્યો.
         
  " ઉધરસ રહે છે ઘણા સમયથી એટલે આમેય મોટા દવાખાને બતાવો એમ મારા બેય છોકરા કહેતા હતા.અને આમેય હું તને બે વરહ થી ગોતું છું,આજ તું મળ્યો પણ તને ખબર નહિ હોય કે હું તને ગોતવા સુરત જઈ આવ્યો,ત્યાં સમાચાર મળેલા કે તું અંકલેશ્વર છો બે દિવસ અંકલેશ્વરમાં રખડ્યો.તારી ફેકટરીએ પણ જઈ આવ્યો.તે ઈવડા ઈ કહે કે તું વડોદરે જતો રહ્યો છો વળી વડોદરા પણ બે દિવસ રોકાણો પણ તારો પતો ના મળ્યો!! આ તો સારું થાય માસ્તરનું કે એણે તારું સરનામું મેળવી દીધું. મોટો તો હવે કાપડમાં સુરત જતો રહ્યો એટલે એનું મકાન ખાલી હતું એમાં એક નવો માસ્તર રહેવા આવ્યો છે. આમ તો સારો માણસ છે હજુ એકલો જ છે તે રાતના બાર વાગ્યા સુધી અગાશીમાં પડ્યો પડ્યો મોબાઈલ ઘૂમડ્યે  રાખે તે મેં વળી એક દિવસ પૂછ્યું કે માસ્તર આમાં કંટાળો નથી આવતો ગાંડા થઇ જાશો ગાંડા તે ઈ મને કહે આમાં જીયોનું કાર્ડ છે આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં થઇ જાશે જે શોધવું હોય ઈ મળી જાય બોલો તે મેં કીધું કે મયુર હરજી પટેલ  મળે આમાં??? બે વરસથી ગોતું છું તું ગોતી દે તો ખરો. તે મારો હાળો માસ્તર પણ ગજબનો નીકળ્યો તરત જ ફેસબુક ખોલ્યું અને તારું નામ નાંખ્યું અને વારાફરતી મને ફોટા બતાવ્યા માંડ્યો એમ બે દિવસ ફોટા બતાવ્યા એમાં તારો ફોટો બતાવ્યો. અને તું મળી ગયો. તું રાજકોટમાં છો એમ પણ એણે કીધું તે આ મકાન લીધું ને ત્યારે તે મકાનનો ફોટો અને લોકેશન મુક્યું હતું ઈમ ઈ કહેતો તો હવે આ લોકેશન એ કઈ બલા ઈ તો મને ના ખબર પડે.પણ એણે ઈ બધું ફટ દઈને ગોતી દીધું બોલ્ય આવું વિજ્ઞાન છે આજકાલ!! એણે મને સોસાયટીનું નામ નંબર પણ ગોતી દીધો અને કહ્યું કે મયુર હરજી ૬૩ નંબરના મકાનમાં રહે છે. તે આજી ડેમથી આવ્યો ગુંદાળા ચોકડી અને ત્યાં એક રિક્ષાવાળાને પૂછ્યું એણે બતાવ્યું પણ સમજ ના પડી પછી એ જ મને મૂકી ગયો તારે ઘરે બોલ આમ તું જડ્યો.તને તો હું બે વરહ થી ગોતતો હતો.છેલ્લે તું મને ચાર વરહ પેલા મળ્યો હતો.તારા બાપના પાણી ઢોળ વખતે પછી તો તે તારું મકાન મને આપી દીધું એના પૈસા પણ મેં તને આપી દીધા હતા.તું તો ના પાડતો હતો કે તમારા ૫૦૦૦૦ હજાર છે એમાં વાળી નાંખો પણ મને ખબર કે તારે પૈસાની જરૂર હતી અને મારે કઈ એ વખતે જરૂર નહોતી એટલે તારે થાય ત્યારે આપી દે તોય હાલે પણ બે વરહ પેલા તારું કામ પડ્યું એટલે તને ગોતતો હતો.શરૂઆતમાં તો હું સુરત સમાચાર મોકલાવતો અને મને એમ કે કોઈ પ્રસંગમાં તો તું જરૂર આવીશ ત્યારે મળી લઈશ પણ પછી તું ગામમાં ડોકાણો જ નહિ. તે આજ મળ્યો." લવા કાનાએ બધું એકડે એક થી કીધું.મયુરને થયું કે ફેસબુક એને આમ હાથોહાથ પકડાવી દેશે એવું તો એણે વિચાર્યું જ નહોતું.

"વડોદરાથી હું બે વરસ પહેલા જ આવ્યો એની પહેલા અંકલેશ્વર હતો.પણ પગાર ઓછો હતો. અહી પગાર સારો પણ લવા આતા આ મકાન લીધું લોન પર ,બાઈક લીધી, આ બેય છોકરાનો ખર્ચો અને તમે જાણો છો એમ બાપા પાસે કાઈ હતું નહિ  છેલ્લા વરસના ભણતરના પૈસા પણ મારા બાપાએ તમારી પાસેથી લીધેલા છે એય હજુ નથી દેવાણા એમાય પછી તો હું સુરત નોકરીએ લાગ્યો અને તમારા પૈસા જ પહેલા આપી દેવાતા એમાં પછી મારા લગ્ન થયા. ત્રણ વરસ  વરસ પછી મારી બાની બીમારીમાં ખર્ચો થયો.અને પછી બે  વરહ પછી મારા બાપા પણ અવસાન પામ્યા, એની માંદગી પાછળ ઘણો ખર્ચો થયો. છોકરા પણ મારા હવે મોટા થતા હતા. એટલે મેળનો ખાધો, એટલે મેં મકાન તમને આપી દીધું અને પૈસા વાળવાનું કીધેલું પણ તમે એ મકાન ના ૪૦૦૦૦ રોકડા મને આપી દીધેલા તે ઈ પણ ધીરે ધીરે વપરાઈ ગયાને પછીતો અહી હવે સારું છે પણ તમારા એ પૈસા હવે બે વરહ પછી ધીમે ધીમે આપી દઈશ.મુંજાતા નહિ પાઈએ પાઈ આપી દઈશ" મયુરે બધી ચોખવટ કરી.
              
"અરે ભલાદમી તું તો ઘાંઘો થઇ ગયો ઘાંઘો!! તને એમ કે હું પૈસા લેવા આવ્યો છે એમને!!ના રે ના એ તો તું થાય ત્યારે દેજે , કાલ આહી એક સારું દવાખાનું હોય તો ગોતી રાખજે ને નાનો છોકરો એમ કહેતો હતો કે રાજકોટમાં એક દિવસ અગાઉ ડોકટર પાસે લખાવવું પડે,તમે ગમે ત્યારે ગબ લઈને ડોકટરના દવાખાને જાવ એમ ત્યાં ના હાલે એટલે આજ તું ડોકટરને ત્યાં લખાવી દે હું તો કાલ સાંજે નીકળી જવાનો છું. આમ તો શેરમાં એવું હોય કે તમે કોઈના મેમાન થાવ ને તો ઈ રાજી થાય પણ તમે બીજે દિવસે નીકળી જાવને એના ઘરેથી તો એ વળી વધારે રાજી થાય.અહી બધાને કામ બોવ હોયને. ખર્ચા વધે એટલે કામ પણ ટેમસર કરવું જ પડેને,અમારે ગામડામાં તો હાલે નવરાઈ ઈ અમારે મોટા માં મોટું કામ ઈ તને ક્યાં ખબર નથી, આ તો સારું થયું તું મળી ગયો.તારું મોઢું જોવાણું એ પણ ઘણું છે મારા માટે" લવા કાનાની વાત સાંભળીને મયુરે રાહતનો શ્વાસ લીધો. કાલ નીકળી જવાના છે આ મહેમાન એમ સાંભળીને રીટાએ ડબલ રાહતનો શ્વાસ લીધો. થોડી ઘણી આડી અવળી વાતો થઇ અને પછી બધાં જમવા બેઠા. બે રૂમ રસોડું અને કિચન ૬૦ વારના પ્લોટમાં સંકડાશ તો હોય જ!! રસોડાની બાજુમાં જ સંડાસ અને બાથરૂમ. લવા કાનાને આ થોડું અજુગતું લાગ્યું.!!
                    
"મયલા આ ખાવાનું અને જાવાનું પડખે પડખે ના હોય, જાવાનું તો દૂર અને આઘું હોય તો જ સારું પણ શહેરમાં જગ્યાની મારામારી ને એટલે બીજું થાય પણ શું??" લવા કાનાએ પોતાનો આગવો અભિપ્રાય આપ્યો.
                  
"સાચી વાત છે , પણ આ પણ માંડ માંડ થયું છે, મોંઘવારી વધી ગઈ છે અને એમાંય રાજકોટ એટલે તમે વાત જ જાવા દયો!! બધી વસ્તુ ખુબ જ મોંઘી છે ,પણ તમે ગામડામાં જ રહ્યા છો એટલે તમને થોડું અજુગતું લાગે " મયુરે જવાબ આપ્યો.
                
ભોજન પતાવીને લવા કાનાને બીજા માળે રૂમમાં ઉતારો આપ્યો, સંડાસ સાથેનું બાથરૂમ બતાવ્યું રૂમમાં અને પછી તો લવા કાનાએ લંબાવ્યું પણ શરીર લાંબુ ને તે પગ બહાર નીકળે,અને પગ સરખા કરે ત્યાં માથું બહાર નીકળે. છેવટે પગની બાજુ બે ખુરશી ઉપરાઉપર ગોઠવીને એક ઓશીકુ ગોઠવ્યું ત્યારે માંડ માંડ સેટિંગ આવ્યું.
              
   "મયલા  તારા બેય છોકરા ને બોલાવ તો વાતું કરવી છે અને તને તો ખબર છેને કે બાળકો તો મને બહુ ગમે!! બાળા રાજા કહેવાય બાળા રાજા!!" મયુરે બેય છોકરાને બોલાવ્યાં. એમની સાથે વાતો કરી. શેમાં ભણો છો? કોણ ભણાવે છે?માસ્તર મારે બારે કે નહિ?? પલાખા આવડે છે કે નહિ ? દોઢા ,સવાયા અને ઉંઠા આવડે છે કે નહિ!! એમ કહીને એ ફટાફટ બધાં પલાખા બોલી ગયા અને બેય બાળકોને મજા પડી.અને પછી એણે એક પછી એક પ્રસંગ કીધા તે છોકરા તો હસી હસીને લોટ પોટ થઇ ગયા.
            
"સાગર આ તારો બાપ છે ને તે નાનપણમાં ખુબ જ તોફાની હતો ,એવો તોફાની કે વડના વાંદરા ઉતારે એવો હો, એક વખત હું અને હરજી અને સાથે આ મયલો જુનાગઢ ગ્યાતા રેલગાડીમાં. તે ગાડીમાં બેઠા હતા અને આણે ઉપર ની સીટમાં કોક બાવો સુતો હશે ને તે એની જટા નીચે લબડતી હશે તે આને એમ કે સુતળી છે એટલે એણે તો એ સુતળી ખેંચી અને પછી બાવો જે જાગ્યો છે કે વાત ના પૂછો!! ચીપીયો ખખડાવીને ખીજાણો પણ આતો દાંત જ કાઢે!! એક વાર એક ખાડામાં પડી ગયો હતો લગભગ ત્રીજું ભણતો હશે તે  ડાબો હાથ ખડી ગયો ને પછી હું અને હરજી આને લઈને ભાવનગર ગયા ત્યાં હાડવૈદ પાસે હાથ સરખો ચડાવ્યો.અને સાંજે આવતા હતા તે ઘર પાસે હતું અંધારું તે કુતરા પર પડ્યો અને જમણો હાથ ખેડવી નાંખ્યો તે પાછા બીજા દિવસે પાછા ભાવનગર તે હાડવૈદ પણ અચરજ પામી ગયો કે બે દિવસમાં બે હાથ ખેડવી નાંખ્યા, કેમ મયલા બધું યાદ છે કે ભૂલી ગયો."? મયુર સહેજ હસ્યો અને બોલ્યો.
          
"ચાલો તમે આરામ કરો , હું આ બાળકોને લેશન કરાવું " એમ કરીને તે બેય ને લઈને નીચે ગયો.સાંજે સુતી વખતે રીટાએ પૂછ્યું.
        
   " આ તો ઘણા સમય પહેલા તમે ૫૦૦૦૦ વ્યાજે લીધા હશે ને અત્યારે તો વ્યાજ સાથે ઘણાં રૂપિયા થઇ ગયા હશે નહિ ,ક્યારે આપીશું આટલા બધાં "?
          
"લવા કાના બાપૂજી પાસેથી વ્યાજ ના લે ,એ મેં જોયું છે મારે ડિગ્રીનું છેલ્લું વરસ હતુંને ત્યારે જરૂર પડી હતી,પૈસા લેવા હું પણ સાથે ગયો હતો અને ત્યારે એણે જ કીધેલું કે વ્યાજ નથી લેવાનું , ભણતર પર વ્યાજ થોડું હોય જ્યારે થાય ત્યારે આપી દેજે આ લવા કાના કોઈ દિવસ ઉઘરાણીએ નહિ આવે છોકરો છે હોંશિયાર એને ભણાવ તું. આવું કીધેલું એટલે આપણે બે વરસ પછી આપી દઈશુ" મયુરે કીધું.
             
"પણ આ જ તો એ ઉઘરાણીએ આવ્યા ને " રીટાએ કહ્યું.
         
" ના એ ઉઘરાણીએ નથી આવ્યા પૈસા તો થાય ત્યારે આપવાના એવું એણે કીધું છે, પહેલા તો મનેય એમ જ લાગેલું કે એ ઉઘરાણીએ આવેલ છે એટલે જ હું રોડ પરથી તરત જ ઘેર આવી ગયેલો એનાથી બચવા માટે!! જ્યાં સુધી પૈસાનો મેળ ના પડે ત્યાં સુધી હું એમની નજરે ચડવા માંગતો નહોતો. તું એને નથી ઓળખતી એટલે આવું બોલ છો આમેય તું ગામડામાં રહી નથીને એટલે તને ખબર ના હોય એ સ્વાભાવિક છે. આપણું બાપદાદાનું મકાન મે વેચવા કાઢ્યું હતું એ જ ગણતરી થી કે લવા કાનાના પૈસા ચૂકવાઈ જાય. પણ એ મકાન એણે જ ૪૦૦૦૦ માં રાખી લીધું અને પૈસા પણ મને પરાણે રોકડા આપી દીધા હતા જો એને પૈસાનું જ હોત તો એણે વાળી ના લીધા હોત પણ નહિ એ પૈસા એણે મને પરાણે આપ્યા તને ખબર નહિ હોય પણ ગામડાના ઘણા ખરા લોકો ક્યારેય પૈસાને ગળે બાંધતા જ નથી. એવી ગણતરી હોતી જ નથી.લવા કાના અને બાપુજી બેય લંગોટિયા ભાઈબંધ હતા. બાપુજી ઘણી વાર મને એની વાત કરતા. એ ભણવામાં અને ગણિતમાં ખુબ જ હોંશિયાર હતા.બેયના ઘર પાસે પાસે એટલે લવા કાના લગભગ આપણે જ ઘરે હોય એમ બાપુજી કહેતા. અઢાર વરસની ઉમર હશે ત્યારે લવા કાનાની વાડીયે એક સાધુ ઝૂંપડું બાંધીને રેતો લવા કાના એને ચા અને સાંજ બપોર ખાવાનું દઈ આવે.સાધુ એક મહિનો રોકાયો હશે એની વાડીયે અને પછી એ જતો રહ્યો અને જતા જતા કહી ગયો કે લવા તારી વાડીની આથમણી કોર્ય જે મોટો રાફડો છે એની નીચે માયા છે પણ ત્યાં એક ફણીધર રહે છે!! પણ કોઈ એ માયા લઇ નહિ શકે પણ કોઈ એવો માણસ હોય કે જીંદગીમાં ક્યારેય પાપ કે ખોટો વિચાર ના કર્યો હોય એને એ માયા મળે એમ છે અને સાધુના ગયા પછી લવા કાનાએ રાફડો ખોદયો,ફણીધર નાગ લવા કાનાને જોઇને જતો રહ્યો અને બાપુજી કહેતા હતા કે એ વખતે લવા કાનાને ઘણું બધું સોનું મળ્યું હતું એ રાફડા નીચેથી.પછી તો એણે ધંધો શરુ કર્યો.કપાસનો વેપાર કર્યો અને ફાયદો થયો,જીરું લઈને એ ઊંજા જતા ત્યારે પણ મને એ લઇ જતા. મને એણે નાનપણમાં બહુજ સાચવ્યો છે.એને બે દીકરા હતા પણ ગામ એમ કહેતું કે લવા કાનાને તો ત્રણ દીકરા છે.હરજીનો મયલો તો દીકરા કરતા પણ વિશેષ છે!! ગામમાં એણે ઘણાને મદદ કરી પણ વગર વ્યાજે!! પાછા  આપે તોય ઠીક ના આપે તોય ઠીક !! ગામમાં એના નામનો ચબુતરો પણ છે.ધીમે ધીમે આપણું કુટુંબ ઘસાતું ચાલ્યું.ખેતી પડી ભાંગી પણ લવા કાનાને સરખાઈ આવી ગયેલી.તે આજે એના બેય દીકરા વેલસેટ છે, પણ ગામમાં એક નામ પડી ગયું!! લવા કાના આજે એના છોકરા પણ લવા કાનાના છોકરા તરીકે જ ઓળખાય છે. પણ એણે મને ખુબ જ સાચવેલો એ મને આજેય યાદ છે!! એના ઘરમાં નવીન કોઈ ફળ કે મીઠાઈ આવે એટલે સહુથી પેલા એ મને આપે" મયુરે વાત પૂરી કરી. રીટાના ચહેરા પર સંતોષ હતો.
                    
બીજે દિવસે સવારે મયુર લવા કાનાને દવાખાને લઇ ગયો.ડોકટરે રીપોર્ટ કરાવ્યો.ખાસ કશું ના આવ્યું પણ ફેફસામાં થોડો સોજો છે .દવાથી મટી જશે અને બીડી પીવાની ના પાડી.દવાઓ આપી. ત્રણ બાટલી આપી. અને બાવીસસો નું બિલ આપ્યું જે લવા કાનાએ પરાણે ચુકવ્યું, બીલના પૈસા મયુરે આપવાની તૈયારી બતાવી ત્યારે લવા કાનાએ કીધું કે બીમારી કોઈ દિવસ પારકા પૈસાએ ના મટે અને કદાચ મટે તો એ ઉથલો મારે માટે માણસો જ્યારે બીમાર પડેને ત્યારે પરસેવાના પૈસા જ વાપરવા જોઈએ.બપોર પછી જમીને લવા કાના ઉપરના માળે  સુવા ગયા.ત્રણ વાગ્યે જાગ્યા.ચા પીધી અને પછી બીજી થેલી ખોલી અને મયુરને કીધું તું દરવાજો બંધ કરી દે અને વહુને બોલાવી લે.મયુરની સમજમા કશું ના આવ્યું.પણ તેણે એની આજ્ઞાનું પાલન કર્યું. થેલામાંથી એણે એક મોટી પોટલી કાઢી એમાં સોનાના ઘરેણા હતા. મયુર અને રીટાએ આટલા બધાં ઘરેણા ફિલ્મ સિવાય ક્યાય જોયા નહોતા. લવા કાના બોલ્યા.
           
"જો મયલા બટા આના માટે જ તને હું બે વરસથી ગોતતો હતો. આ તારા હકનું છે, તારું મકાન જે લીધું હતું એ મેં તું ગયા પછી વરહ દિવસે પાડી દીધું હતું. અને મારામાં ભેળવી દીધું એટલે મારે પગથાણ વધી જાય અને વંડો વાળી લીધેલ પણ બે વરહ પહેલા મેં એ સમથળ કરવા માટે કામ આદર્યું.હું એકલો એકલો સમથળ કરતો હતો.છોકરાએ તો કીધું જેસીબી બોલાવી લાવીએ પણ હું ના માન્યો.બેઠા બેઠા માંદા પડવું એના કરતા કામ શા માટે ના કરવું. તારા ઘરે જે પાણિયારું હતુંને એ ઢોરાં પર હતું.ઈ જગ્યા એ હું સરખું કરવા ખોદતો હતો ને એવામાં એક ત્રાંબાની ગાગર જડી અને એમાં હતું આ સોનું!! હવે એ ભેણી ભલે તે મને વેચી નાંખેલી પણ આ સોના પર હક તો તારો જ ને!! અને હવે મારી ઉમર થઇ ગઈ મારે ક્યાં લાંબુ જીવવું છે તે આ સોનું હું રાખું !! મારા છોકરા એની મેળે કમાઈ લે છે અને સુખી છે ને એને હું આ આપી દઉં તો વગર મહેનતની કોઈ બીજાના ઘરમાંથી આવેલ માયા એનું કામ કરીને જ રહે એટલે હું તને આ આપવા આવ્યો છું. ઘડીક તો થયું કે મારા દીકરાને કહું અને એ તને ગોતીને આપી દે પણ વાત બાર પડે તો પણ નકામું એટલે મેં જ વિચાર કર્યો કે દીકરાનું મન ગળી જાય અને આમાંથી કાઈંક કાઢી લે ઇના કરતા હું જ દયાવું તને!! આજ એક મોટો ભાર ઉતરી ગયો છે,બાકી દવાખાનાનું તો બહાનું હતું.ઘરે જઈને દીકરાને રીપોર્ટ બતાવી દઈશ કે હું દવાખાને જઈ આવ્યો છું,આ લે આ સોનું!! થોડું થોડું વેચી નાંખજે!! એમ કરજે આ મકાન વેચીને એની લોન ભરીને મોટું મકાન લે રાજકોટમાં અને એવું મકાન લેજે કે જ્યાં ખાવાની જગ્યા અને જાવાની જગ્યા પાસે પાસે ના હોય અને પુરતી પગથાણ હોય!! પણ એક વાત કહું કે આ માયા સંઘરતો નહિ!! વાપરી નાંખવી જેમ બને એમ!! કારણ કે મેં સાંભળ્યું છે કે સરકારે જેમ નોટું બંધ કરી દીધી છે એમ ઈ હવે સંઘરેલું સોનું પણ કઢાવવાની છે,સાચું ખોટું રામ જાણે પણ તું આમાંથી દેવા મુકત થઇ જાજે. મારા અંદાજ પ્રમાણે આ ત્રણ કિલો જેટલું તો છે જ, બસ આટલી વાત કરવાની હતી અને આ તારી જમીનમાંથી નીકળેલી થાપણ તને સોંપવાની હતી, બસ હવે થોડા થોડા સમયે ગામડામાં આ તારા લવા કાના પાસે આંટો મારી જાજે ટેમ રે તો ,હવે હું નીકળું છું તું મને આજી ચોકડીએ મૂકી જા એટલે ત્યાંથી હું લોકલ પકડી લઉં ,એ ય ત્યારે રામે રામ"
                              
એમ કહીને લવા કાના ઉભો થયો.મયુર અને રીટા તો આભા જ બની ગયા. મયુરને અફસોસ થયો અને રીટાને પણ અફસોસ થયો .મયુરે ચા નો આગ્રહ કર્યો ફરી વાર ચા બનાવી લવા કાના એ સોની નોટ આપી અને કીધું કે સાગર અને દીકરીને આપી દેજો અને કહેજો કે લવા કાના એ સો રૂપિયા આપ્યાં છે એનો ઈ બેય ભાઈ બહેન ભાગ ખાઈ લે , બાળા રાજા ને પૈસા તો આપવા જ જોઈએ ચા પીતા પીતા લવા કાના બોલ્યો.

"ઓલ્યા પૈસાની ચિંતા ના કરતો,થાય ત્યારે દઈ દેજે ,મારે ઉતાવળ નથી,મારા છોકરાને પણ જોઈતા નથી અને કદાચ આટલામાં તને કોઈ ગરીબ અને હોંશિયાર છોકરો મળી આવે તો એના ભણતર માટે તું આપી દે જે ,પૈસા તો હાથનો મેલ ગણાય!! એને તમે જેટલો ગળે બાંધો એટલો ગળા ફરતો ફંદો મજબુત થાય, હાલ્ય ત ઈ રામે રામ "

ને લવા કાના બાઈક પર બેઠા,જાણે એક ખાનદાની બાઈક પર બેથી  અને બાઈક આજી ચોકડી તરફ ચાલ્યું.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsxPWGN1Ufy2cmoEcb-ebYMUO9hE%2BkTy4TzZA2z03Jb-A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment