બાળક જન્મે ત્યારે શરૂઆતથી ગળથૂથીમાં કડવાણી આપવાની પ્રથા આજે વિસરાતી જાય છે. નવી નવી તકનીક અને સંશોધનને કારણે આપણે આપણો પ્રાચીન વારસો ભૂલતા જઇએ છીએ. એ વારસો હાલ પુસ્તકોમાં જ ઉપલબ્ધ છે. પહેલાના વખતમાં બાળકોને નાનપણથી જ કડવાણી પીવડાવવામાં આવતી જેને કારણે બાળકના શરીરમાં રહેલા વિષ તત્ત્વો નાબૂદ થઇ જતા હતાં. જે કંઇ ખાધું હોય તેનું બરાબર પાચન થઇ જતું. આજકાલ ઠંડા પીણાં અને ચોકલેટ, પીપરમીન્ટ, કેક વગેરે આપવામાં આવે છે., પણ સરવાળે એ પાચનક્રિયા ઉપર અવળી અસર કરે છે. પહેલાના વખતમાં અજમો, વાવડિંગ, વાપુંભા, મરડાશીંગી, સરસવ, રાઇ, વરિયાળી, જાયફળ, સૂંઠ, સૂવા, કાથો, લવિંગ, એલચી, બોળ, જાવંત્રી, તજ જેવા દ્રવ્યો બાળકને ચપટીભાર ગોળના પાણીમાં નાખીને પીવડાવવામાં આવતા. એ બધાને કારણે બાળક નિરોગી અને સદા તંદુરસ્ત રહે અને પુષ્ટ થાય. બહેનો માટે સગર્ભાવસ્થા પૂર્વે તથા ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસૂતિ પછીની સારવારથી સ્ત્રીનું શરીર સ્વસ્થ રહે. એ માટેના ઉપચારો પણ કરી શકાય છે. અકાળે વૃદ્ધાવસ્થા ન આવે એવા ઉપચારો થતાં. સ્ત્રીનું શરીર સ્વસ્થ રહે તો સમગ્ર સંસારની જવાબદારીનો બોજ ઉપાડી શકે. પુરુષના શરીરમાં સાત આશયો છે, જ્યારે સ્ત્રીના શરીરમાં આઠમું ગર્ભાશય છે. એ કુદરતની દેણગી છે. એની સારસંભાળ માટે સ્ત્રી અને પુરુષ બંનેએ સંયુક્ત રીતે કાળજી રાખવી જોઇએ. ઘરમાં સ્ત્રી સ્વસ્થ ન હોય તો આખું કુટુંબ ઉદાસીન જણાય. કેટલીક વાર સ્ત્રીઓ શરમ કે સંકોચને લીધે પોતાને થતી તકલીફનું વર્ણન કરી શકતી નથી. ક્યારેક રોગ ગંભીર સ્વરૂપ પકડે ત્યારે બધાને ખબર પડે. પણ સ્ત્રીને કોઇ પણ શારીરિક તકલીફ હોય તો ત્વરિત ડૉક્ટરની સલાહ લેવી અનુકૂળ રહે. કોઇ પણ રોગની સારવાર આયુર્વેદમાં ઉપલબ્ધ હોય છે. એને માણસની પ્રકૃતિ અનુસાર ઉપયોગ કરવાથી ઘણો લાભ થાય છે અને માંદા પડવાની શક્યતા બહુ જ જૂજ પ્રમાણમાં રહે છે. સ્ત્રીની જુદી જુદી અવસ્થા હોય છે. હવે જો એનું આરોગ્ય સ્વસ્થ ન હોય તો એ ઘરમાં કે વ્યવસાયમાં બરાબર કામ કરી શકે નહીં. સ્ત્રીમાં ગમગીની કે ઉદાસીનતા હોય તો તેની અસર સમગ્ર પરિવાર ઉપર પડે છે. ઘરનો માહોલ જ એવો હોય કે ઘણી બધી અંગત બાબતો જાહેર કરી શકાતી નથી. જે સ્ત્રી તરુણી બનીને ઘરમાં આવે એ જ સ્ત્રી વૃદ્ધાવસ્થા ભોગવે ત્યારે એના બે જુદાં સ્વરૂપો જોવામાં આવે છે. સામાન્ય રીતે ભારતીય નારીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સાડાઅગિયારથી સાડાતેર ટકા જેટલું હોય છે. પણ સ્ત્રી આખો દિવસ સતત ઢસરડો કરતી રહે છે એટલે એને કારણે પણ એનું રંજકતત્ત્વ ઘટી જાય છે. આયુર્વેદમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચે જ્ઞાનેન્દ્રિયના વિષયો છે. એ દરેકનો અર્થ આનંદ છે. સ્ત્રીમાં આ પાંચે વિષયો સમાવિષ્ટ છે. તે બધાથી ભરેલી સ્ત્રી ઉત્તમ રસાયન કે વાજીકરણ છે. વાણીમાં એક વિચારમાં જુદું અને વર્તનમાં ત્રીજું એવા પરિવારજનો વચ્ચે સ્ત્રીના સ્વાસ્થ્યમાં ઘસારા પહોંચે છે. આપણી જીવન વિનિમય ક્રિયાને સુધારવા માટે ગળો, ગૂગળ અને શિલાજિતનું સંયોજન ઉત્તમ છે. એ સાવ સરળ અને ફળદાયક છે. એનાથી શરીરમાં વધેલા દોષો નાશ પામે છે. દોષોનું શમન કરે છે. ગળો ત્રિદોષશામક છે. ર્જીણજવર બાદ આવેલી નબળાઇ ગળોની બનાવટ સંમસમનીના ઉપયોગથી મટે છે. એ એની રામબાણ દવા છે. આજનો માનવી મૂળથી નબળો હોય તેમાં આધુનિક દવાના ઉપયોગથી કોઇ આડઅસર થવાનો પણ સંભવ રહે. આયુર્વેદિક દવાઓ વ્યક્તિની પ્રકૃતિ અનુસાર આપવામાં આવે છે જેને કારણે કોઇ અસર થવાનો સંભવ નથી. આવી સ્થિતિમાં શિલાજિત રસાયન એક ઉત્તમ બલવર્ધક છે. એ એક સારી દવાની ગરજ સારે છે. આ ઉપરાંત ગળો, ગોખરું અને આમળા એ ચીજો ભેગી કરી ચૂર્ણ બનાવી શકાય. એ ચૂર્ણ પણ લાંબા સમય સુધી લેવામાં આવે તો શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે. એનાથી શરીરનો કાયાકલ્પ થાય. ગળોમાં કડવાશ છે, તે ગુણમાં ગરમ છે. પચવામાં હલકી છે. એ ત્રણે દોષોનું શમન કરે છે. શરીરમાંથી મેદ, ચરબીને ઘટાડે છે. શરીરને સમતોલ બનાવે છે. લોહીમાં રક્તકણ વધારે છે. અને સાતે ધાતુની વૃદ્ધિ કરે છે. એ પિત્તને શમાવે છે. તેથી રસ, રક્ત, મેદ અને વીર્ય પર એની સારી અસર થાય છે. એનાથી કબજિયાત થતી નથી. પેશાબ પણ સાફ આવે છે. તાવ તથા એની નબળાઇમાં એ ઉત્તમ અસર બતાડે છે. ગૂગળ પણ પૌષ્ટિક છે. આમવાત, કંઠમાળ તથા લોહીમાં વધેલા અમ્લતત્ત્વને મટાડે છે. વિષનો નાશ કરે છે. એનાથી વર્ણરંગ સુધરે છે. લોહીમાં સફેદ કણો પણ વધારે છે. એનો ઘણા લોકો ધૂપ તરીકે પણ ઉપયોગ કરે છે. જેથી હવાશુદ્ધિ થાય અને જીવજંતુ-મચ્છરનો ઉપદ્રવ પણ ન થાય. એનો હીરાબોળ સાથે ઉપયોગ કરવાથી આંતરડાને લાભ થાય છે. લોહીના દબાણને ઓછું કરવા શિલાજિત પણ એટલું જ ઉપયોગી છે. એ શરીરને નવજીવન આપે છે તથા ધાતુવૃદ્ધિ કરે છે. પેશાબ સાફ લાવે છે. જીવનની દોરી લંબાવે છે. જીવનમાં આવતી શિથિલતા મટાડે છે. જીવનમાં ઉત્સાહ અને સ્ફૂર્તિ દેખાડે છે. બધા રોગોની ઉત્તમ દવા હોય તો તે છે શિલાજિત, શિલાજિત અને ગળોનું મિશ્રણ ઉત્તમ પ્રકારનું રસાયન છે. એ રોજેરોજની ચિકિત્સામાં વાપરવા લાયક છે. સ્ત્રીઓ માટે વૈદ્યોએ પ્રાચીનકાળથી કેટલીક વનસ્પતિઓ પારખી છે. એમાં સૌ પ્રથમ તો સ્ત્રીઓના શોકને દૂર કરે તે અશોક વૃક્ષ પ્રથમ સ્થાને આવે છે. બહેનોને મોટે ભાગે શ્ર્વેત પ્રદરની તકલીફ હોય છે. અશોક છાલમાંથી બનાવેલો અશોકારિષ્ટ એ ઉત્તમ ગુણ કરે છે. ઉપરાંત લોદરમાંથી બનાવેલા લોદ્રાસવ પણ સ્ત્રીઓને માટે ઘણું ઉપયોગી છે. આ સિવાય કુંવાર જેમાંથી કુમાર્યાસવ બને છે જે સ્ત્રીઓને દર મહિને માસિક સાફ આવે એ માટે પ્રશસ્ત છે. એનું ઘનસત્ત્વ એળિયો જગપ્રસિદ્ધ છે, એનાથી માસિક સાફ આવે છે. સંતાન ન થતાં હોય એવી સ્ત્રીઓના બીજકોશ અને બીજકોશ નળીના બંધને દૂર કરે છે. અન્ય વનસ્પતિ જેને ઉલટ કંબલ કહે છે તેનું સત્ત્વ કે એનો કાઢો સ્ત્રીઓને માસિક વેળા થતા દુ:ખાવાને મટાડે છે. માસિક વેળા કોઇ પીડા થતી નથી. ક્યારેક કમરનો દુ:ખાવો હોય તે પણ એનાથી મટે છે. ઘણા પ્રસંગોએ સ્ત્રીઓને મોટી મુશ્કેલી જણાય છે. યૌવનકાળે તથા ઋતુ નિવૃત્તિકાળે બધા યોગો ખૂબ જ ઉપયોગી પુરવાર થયા છે. પ્રૌઢાને રક્તસ્રાવ થાય, વારંવાર કષ્ટ સર્જાય ત્યારે શિલાજિત ગળો અને શુદ્ધ ગૂગળનું સંયોજન વધુ અકસીર પુરવાર થયું છે. એ વેળા કોથળીનું ઓપરેશન કરાવવું પડે. અહીં દર્શાવેલા ઔષધોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સ્ત્રીઓ પોતાની તંદુરસ્તી જાળવી શકે. આ બધું છતાં સ્ત્રીઓ જો તકલાદી ખાનપાન જેમ કે અથાણાંનો અતિરેક, આઇસક્રીમ, ચોકલેટ, કેક વગેરેનો ઉપયોગ કરે ઉપરાંત બેઠાડું જીવન જીવે તો એની સારવારનો કોઇ અર્થ નથી. સુવાવડ પછી પણ યોગ્ય સારવાર ન લેવાય તો સ્ત્રીનું શરીર ફૂલી જાય છે. અને શરીરમાંથી લોહતત્ત્વ ઘટી જાય છે. શરીરે કળતર થતી હોય, માથું દુ:ખતું હોય ત્યારે શિલાજિત રસાયનને ચતુર્મુખ રસ સાથે આપવાથી ફાયદો થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ નબળાઇને લીધે, શ્રમ વિના લાગતો થાક, સાંધાઓમાં દુ:ખાવો થવો વગેરે બાબતોમાં પણ શિલાજિત રસાયન સારી અસર બતાડે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuzEFajMPXxA_gsqXx9uN8w_-LaHxYmPkfjxE9arn7hdw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment