બરાબર ચાર વર્ષ પહેલાં બીજી, ઑક્ટોબર, ૨૦૧૪ના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કર્યું અને એ અભિયાન એટલે 'સ્વચ્છ ભારત અભિયાન'. આ અભિયાન ગણતરીના દિવસોમાં જ લોકપ્રિય થયું, પણ તેના પરિણામો હજી જોઈએ એવા જોવા નથી મળી રહ્યા. આ અભિયાનને દેશવાસીઓએ જેટલી ગંભીરતાથી લીધું એથી વધુ ગંભીરતાથી ભોપાલ, મધ્ય પ્રદેશના એક યુવાને લઈ લીધું. નામે અભિનિત ગુપ્તા. ચાર વર્ષ 'સ્વચ્છતા અભિયાન'ની સફળતાનો ક્યાસ કાઢવા માટે હાલમાં જ ભારત સરકાર દ્વારા ભારતના સ્વચ્છ શહેરોનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મધ્ય પ્રદેશનું ભોપાલ ભારતનું સૌથી વધુ સ્વચ્છ શહેર હોવાનું જાણવા મળ્યું હતું. ભોપાલના જ એક યુવાન ડૉક્ટરે આ સ્વચ્છતા અભિયાનમાં જરા અલગ રીતે પોતાનો ફાળો નોંધાવ્યો હતો. સામાન્યપણે આપણે આપણી લક્ઝુરિયસ કારનો ઉપયોગ લોકો સામે વટ્ટ મારવા, ડ્રાઈવ પર જવા માટે કરતાં હોઈએ છીએ, પણ અભિનિતે તેની કારનો ઉપયોગ શહેરનો કચરો ઉઠાવવા માટે કરી રહ્યો છે. પોતાની કારની પાછળ તે ગારબેજ ટ્રૉલી જોડીને આખા શહેરનો કચરો ઉઠાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનની જાહેરાત કરી ત્યાર બાદ અનેક નેતાઓ, સેલિબ્રિટી અને જાણીતી હસ્તીઓ પોતાના રસાલા સાથે રસ્તા પર ઝાડુ લઈને ઉતરે અને અડધો પોણો કલાકના ફોટોસેશન કે પ્રસિદ્ધિ બાદ પરિસ્થિતિ ફરી જૈસીની તૈસી જ રહે છે. અભિનિત લોકોમાં સ્વચ્છતા અંગે જાગરૂક્તા લાવવા માટે કંઈક અલગ કરવા માગતો હતો અને એ વખતે તેને વિચાર આવ્યો કે પિતાએ ભેટમાં આપેલી લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કારનો ઉપયોગ આ સારા કામમાં કરીને તે લોકોમાં જાગરૂક્તા કેમ ન લાવી શકે? આ બધામાં પણ મજાની વાત તો એ છે કે અભિનિતે આ કાર તેના પિતાનેે વેેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ભેટમાં આપી છે. સ્વચ્છતા અભિયાનમાં કંઈક અલગ કરવાની અભિનિતની ઈચ્છાને પૂરી કરવા માટે પિતાએ તેને આ લાખોની કિંમત ધરાવતી કારનો કચરો ઉઠાવવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી. અને તેનો આખો પરિવાર તેને આ અનોખા અભિયાનમાં મદદ કરે છે. અભિનિત તેના મિશન ક્લીનલીનેસ વિશે કહે છે કે, 'જ્યારે પણ હું રસ્તા પર મારી કાર લઈને કચરો ઉઠાવવા માટે નીકળું છું ત્યારે મને જોવા માટે લોકો ટોળે વળે છે. જ્યાં સુધી આપણા વિચારો સ્વચ્છ નહીં હોય ત્યાં સુધી આપણે આપણા શહેરને કઈ રીતે સ્વચ્છ કરી શકીશું. કોઈ પણ કામ નાનું કે મોટું નથી. આપણા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની જ છે.' અભિનિતે તેનો આ સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપતા વિડિયો પણ સોશિયલ મીડિયા પર શૅયર કર્યો છે. એટલું જ નહીં તેણે સલમાન ખાન, મહેન્દ્ર સિંહ ધોની, રણબીર કપૂર, રણવીર સિંહ, વિરાટ કોહલી જેવી અન્ય સેલિબ્રિટીઓને આ વિડિયોમાં ટૅગ કરીને દરેક એ વ્યક્તિને કે જેમની પાસે આવી અનોખી લક્ઝુરિયસ કાર કે બાઈક છે તેમને આ ચેલેન્જ ઍક્સેપ્ટ કરવાની વિનંતી પણ કરી છે. અભિનિતની આ પ્રવૃત્તિ જોઈને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અભિનિત એક ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવ્યો છે અને એટલે કદાચ તેને આ 'મોંઘો' શોખ પરવડી શકે એવું છે તો તમે સદંતર ખોટું વિચારી રહ્યા છો. કોઈ પણ સફળ વ્યક્તિની જેમ અભિનિત આજે જે મુકામ પર પહોંચ્યો છે ત્યાં પહોંચવા તેણે અને તેના પરિવારે પારાવાર સંઘર્ષ કર્યો છે. આ વિશે અભિનિત કહે છે કે 'હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું જ્યાં મારા માતા-પિતા બંને કામ કરતાં હતા. પપ્પા ઍન્જિનિયર તરીકે અને મમ્મી લૉયર હતી. મને આજે પણ એ દિવસ યાદ છે કે જ્યારે પપ્પાની સૅલરી ૫૦૦ રૂપિયા હતી અને આખા ઘર માટે માત્ર ૨૫૦ મિલીલિટર દૂધ આવતું હતું.' મમ્મી-પ્પાને મદદ કરવા માટે અભિનિતે નાનપણથી ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતો અને આજે પોતે જે પણ કંઈ મેળવી શક્યો છે એ પાછળ તેના પરિવારનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પોતાનું આગળનું ભણતર પૂરું કર્યું અને અભિનિત પાછો ભોપાલ આવ્યો. જ્યાં તેણે નાના પાયે પ્રેક્ટિસ શરૂ કરી અને પરિવારનો આર્થિક આધાર બની ગયો. તેણે વેલેન્ટાઈન્સ ડેના દિવસે પિતાને મોંઘીદાટ લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર (જેનાથી તકે હાલમાં ભોપાલના રસ્તા પરથી કચરો ઉઠાવી રહ્યો છે) ભેટ આપી તેના પાછળની સ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે. આ વિશે તે કહે છે કે હું મારા પિતાને નાનપણથી જ મારો રૉલ મૉડેલ માનું છું. મારા પિતાને હંમેશાથી જ તેમની પાસે યુનિક વસ્તુઓ રાખવાનો શોખ રહ્યો છે. પિતાના શોખને ધ્યાનમાં લઈને વેલેન્ટાઈન્સ ડેના દિવસે હું મારા પપ્પાને એવું કંઈક ભેટમાં આપવા માગતો હતો કે જેને એક વખત જોતાં જ લોકો પાછા વળી વળીને એમને જ જોયા કરે અને તેને જ કારણે મેં તેમને આ લક્ઝુરિયસ સ્પૉર્ટ્સ કાર ગિફ્ટમાં આપી હતી.' અભિનિતનું એવું દૃઢપણે માનવું છે કે દરેક અભિયાનની શરૂઆત વ્યક્તિએ પોતાનાથી જ કરવી જોઈએ અને આપણા દેશમાં સ્વચ્છતાં જળવાઈ રહે એ જોવાની જવાબદારી દરેક ભારતીય નાગરિકની છે, કોઈ એક વ્યક્તિની નહીં. જોકે હવે જોવાની વાત એ છે કે અભિનિતના આ 'મિશન ક્લીનલીનેસ'ને કારણે કેટલા શહેરવાસીઓએ તેમનો સાથ આપે છે, અને તેમાં જોડાય છે! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvdEC-Go4ZZmAuvmvgjzgyLHOQMA4LOkRXbfsh9vVJ9Qw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment