Sunday, 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તાપસીનો તરખાટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તાપસીનો તરખાટ!
શિશિર રામાવત

 

 

બોલિવૂડનો બીજી હિરોઈનો ઇર્ષ્યાથી બળી મરે એવો દમામદાર અભિનય તાપસી પન્નુએ 'મનમર્ઝિયાં'માં કર્યો છે. અત્યાર સુધી તાપસી પર પ્રકાશનો શેરડો ખાસ ફેંકાયો નહોતો, પણ આ ફિલ્મ પછી હવે એ એકાએક સૌથી તેજસ્વી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ છે.

 

કલ્પના નહોતી કરી કે તાપસી પન્નુ આટલી જોરદાર એક્ટ્રેસ હશે. 'જબ વી મેટ' ફિલ્મે જે જાદુ કરીના કપૂર માટે અને 'ક્વીન' તેમજ 'તનુ વેડ્સ મનુ'એ જે જાદુ કંગના રનૌત માટે કર્યો હતો એવો જ જાદુ 'મનમર્ઝીયાં' તાપસી પન્નુ માટે કરશે, જો આ ફિલ્મ જેન્યુઇન હિટ ઘોષિત થશે તો.

 

તાપસીને આપણે આમ તો ઘણા સમયથી મોટી સ્ક્રીન પર જોતા હતા. ઘૂંઘરાળા વાળવાળી પાતળી પરમાર તાપસીની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી તો છેક 2013માં 'ચશ્મે બદ્દૂર' ફિલ્મની રિમેકથી થઈ ચૂકી હતી. ત્યાર બાદ એ 'બેબી' (2014)માં દેખાઈ. અક્ષયકુમારને મેઇન રોલમાં ચમકાવતી આ એક્શન-થ્રિલરમાં તાપસીનો રોલ સાવ ટચૂકડો હતો, તોય એ પોતાની હાજરી નોંધાવી શકી, એ પણ એટલી હદે કે એની ઝીણકી ભુમિકાને પછી ખેંચીને-ફુલાવીને લાંબી-પહોળી કરવામાં આવી અને તેના ફરતે 'નામ શબાના' (2017) નામની આખેઆખી ફિલ્મ બનાવવામાં આવી.

 

અલબત્ત, એની પહેલાં તાપસીએ આપણા સૌનું સાચા અર્થમાં ધ્યાન અફલાતૂન 'પિન્ક' (2016) ફિલ્મથી ખેંચ્યું હતું. આ કોર્ટરૂમ ડ્રામામાં અમિતાભ બચ્ચન અને તાપસી સહિત ત્રણ કન્યાઓ મુખ્ય ભુમિકાઓમાં હતાં. મહિલાઓના માનભંગ અને મર્યાદા વિશે વાત કરતી આ અત્યંત અસરકારક ફિલ્મનો 'નો મીન્સ નો' ડાયલોગ ખૂબ પ્રસિદ્ધ થયેલો. 'પિન્ક' પછી તાપસી 'રનિંગ શાદી' (ફ્લોપ), 'ધ ગાઝી અટેક' (વિષય સરસ પણ બોક્સઓફિસ પર કમાણી કંગાળ), 'જુડવા-ટુ' (ફિલ્મ હિટ પણ એમાં તાપસીનું કામ માત્ર શોભાના ગ્લેમરસ ગાઠિયા જેવું), 'દિલ જંગલી' (ફ્લોપ) તેમજ 'સૂરમા' અને 'મુલ્ક' (સુંદર વિષય પર બનેલી બન્ને સુંદર ફિલ્મો)માં દેખાઈ. પાંચ વર્ષમાં દસ ફિલ્મો કંઈ ઓછી ન કહેવાય, પણ કોણ જાણે કેમ તાપસી પર પ્રકાશનો જોરદાર શેરડો ક્યારેય ન પડ્યો. એની પેઢીની આલિયા-શ્રદ્ધા-પરિણીતીની માફક બોલિવૂડની ટોચની કમર્શિયલ મેઇનસ્ટ્રીમ હિરોઈનોના લિસ્ટમાં એનું નામ ક્યારેય ન મૂકાયું. એના ફરતે હાઇપ ક્યારેય પેદા ન થઈ.

 

યાદ રહે, દિલ્હીવાસી તાપસીની ફિલ્મી કરીઅરની શરૂઆત તો છેક 2010માં એક તેલુગુ ફિલ્મથી થઈ ચુકી હતી. તાપસી તેલુગુ ઉપરાંત તમિલ અને મલયાલમ ભાષામાં કેટલીય ફિલ્મો કરી ચુકી છે. એમાંની કેટલીય સુપરહિટ થઈ ચુકી છે, ઇવન નેશનલ અવોર્ડ્ઝ સુધ્ધાં જીતી ચુકી છે. ટૂંકમાં, એનો ફિલ્મી બાયોડેટા ખાસ્સો તગડો કહી શકાય એવો છે, પણ બાપડી કીર્તિમાન ક્યારેય થઈ શકી નહોતી. ખાસ કરીને હિન્દી ફિલ્મો જોતાં રાજ્યોમાં.

 

સદભાગ્યે 'મનમર્ઝિયાં'ને લીધે પરિસ્થિતિ પલટાઈ છે. એકાએક ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેને ભાન થયું છે કે ઓત્તારી! આપણી વચ્ચે આવી દમામદાર એક્ટ્રેસ હતી એની આપણને ખબર જ નહોતી! કંગના-પરિણિતી-આલિયા વગેરે ઇર્ષ્યાથી બળી મરે એવો દળદાર રોલ તાપસીને 'મનમર્ઝિયાં'માં મળ્યો છે. આગના ગોળા જેવી, મુંહફટ, ભારાડી, પોતાનું ધાર્યું કરતી અને છતાંય સંવેદનશીલ પંજાબણની ભુમિકામાં એણે એવો સોલિડ અને સહજ તેમજ અભિનય કર્યો છે કે ફિલ્મના બન્ને હીરો - વિકી કૌશલ અને અભિષેક બચ્ચન - એની સામે ઝાંખા પડી જાય છે. આવતાં વર્ષે બેસ્ટ એક્ટ્રેસ તરીકેના ઢગલાબંધ અવોર્ડ્ઝ તાપસી તાણી ન જાય તો જ નવાઈ પામવાનું. 'મનમર્ઝિયાં'નું અંતિમ બોક્સઓફિસ પરિણામ ગમે તે હોય, આ ફિલ્મે તાપસીને સૌથી તેજસ્વી ભ્રમણકક્ષામાં મૂકી દીધી છે એ તો નક્કી.

 

તાપસી મૂળ તો કમ્પ્યુટર એન્જિનીયર. દિલ્હીમાં રીતસર ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કરીને એણે સોફ્ટવેર એન્જિનીયર તરીકે જોબ પણ કરી હતી. પછી ચેનલ વીની 'ગેટ ગોર્જિયસ' શો અને મિસ ઇન્ડિયા 2008 કોન્ટેસ્ટમાં ભાગ લીધો. ખૂબ બધી એડ્સમાં મોડલિંગ કર્યું. ધીમે ધીમે એને થયું કે મોડલ તરીકે તો હું ક્યારેય ફેમસ નહીં થઈ શકું. એક્ટિંગની એબીસીડીનો 'એ' પણ આવડતો નહોતો છતાંય એણે ફિલ્મોમાં ટ્રાય કરવાનું નક્કી કર્યું. સાઉથથી શરૂઆત કરી. એની ગાડી ચાલવા માંડી. આજની તારીખેય તાપસી દક્ષિણભાષી ફિલ્મોમાં સુપર એક્ટિવ છે.

 

તાપસી અસલી જિંદગીમાં 'મનમર્ઝિયાં'ની રુમી જેવી જ છે. વેલ, ઓલમોસ્ટ. તડ ને ફડ કરનારી. જે કંઈ હોય એ સીધું મોઢા પર જ સંભળાવી દેનારી. તાપસી પહેલી વાર અનુરાગ કશ્યપને મળેલી ત્યારે 'મનમર્ઝિયાં'ની લેખિકા કનિકા ઢિલ્લો એની સાથે હતી. તાપસીની પસંદગી હજુ થઈ નહોતી, પણ અનુરાગે એ જ વખતે કનિકાને કહી દીધેલુઃ આ જ રુમી છે. તાપસી સિવાય બીજા કોઈને આ રોલ અપાય જ નહીં!

 

'મનમર્ઝિયાં'ના સેટ પર તાપસી અને અનુરાગ વચ્ચે ક્યારેક એવાં યુદ્ધો થતાં કે એ જોઈને અભિષેક અને વિકી કૌશલને ટેન્શન થઈ જતું. એમને થાય કે અનુરાગ કશ્યપ કક્ષાના ડિરેક્ટર સાથે કોઈ આવી રીતે કેમ વાત કરી શકે? અનુરાગ કહ્યા કરતા કે આ છોકરી મારી કોઈ વાત માનતી કેમ નથી? તાપસી જીદ પકડીને બેસી રહે કે મારું કેરેક્ટર ફલાણું-ફલાણું વર્તન કરે જ શા માટે? જો મને પોતાને જ સમજાતું ન હોય તો હું એવો ભાવ કેવી રીતે મારા અભિનયમાં ઊપસાવી શકું? અનુરાગ અને તાપસી પહેલાં જોરદાર બાખડે ને થોડી વાર પછી બન્ને ચા પીતાં પીતાં મોબાઇલ પર ટેસથી એકસાથે ગેમ કરતાં હોય. જાણે કશું થયું જ નથી! તાપસી સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ છે. ઝાઝાં રિહર્સલ્સ કરવામાં એ ખાસ માનતી નથી. કોઈ શોટના ત્રણ રિટેક થાય એટલે કે કહી દેઃ બસ, અબ મૈં ખર્ચ હો ગઈ. ઇસ સે જ્યાદા મેરે સે નહીં હોગા!

 

અનુરાગે તાપસી પન્નુ નામના આ હીરાને બરાબરનો ચમકાવી દીધો છે. બસ, હવે બોલિવૂડના બીજા જોહરીઓ એને આ ચમકને ઓર નિખારે એટલી જ વાર છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvkVLEE8HJdeFnQbJ9REbnDUdb3u_HKHPzMo3%2BeFux2AA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment