Friday, 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હું મારું રાજપાટ પાછું મેળવીશ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું મારું રાજપાટ પાછું મેળવીશ -- વિજય માલ્યા!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

રાજા જ્યારે વનવાસમાં જાય ત્યારે પણ એ રાજા જ હોય છે. હું તો કિંગ ઓફ ગૂડ ટાઇમ્સ છું એટલે વનવાસમાં પણ મારે તો લીલા લહેર જ હોય, પરંતુ મને જરા વધુ પડતી તકલીફ પડી રહી છે. અલબત્ત, દરેક રાજાનો વનવાસ મર્યાદિત સમય માટે હોય અને પછી એ ફરી પોતાનું રાજપાટ પાછું મેળવે. હું પણ મારું રાજપાટ પાછું મેળવવાનો છું. હકીકતમાં મારા રાજ્યનો કારભાર મારી ગેરહાજરીમાં પણ બરોબર ચાલી રહ્યો છે.

 

હું જન્મથી જ નસીબદાર માણસ છું. વિજય નામ છે એટલે હીરોના દરેક લક્ષણ મારામાં છે. યુનાઇટેડ સ્પિરિટ્સ મારી શરાબની કંપનીનું નામ દુનિયાભરમાં મશહૂર છે. મારી કંપનીનો બિયર અનેક દેશોમાં પીવાય છે. શરાબની કંપનીને સફળ બનાવવી એ કંઇ દારૂ પીને ઝૂમવા જેવી સરળ વાત નથી. એ માટે ઘણી મહેનત કરવી પડે. નસીબજોગે, મારા માટે મહેનત કરે એવા અનેક બુદ્ધિશાળી માણસોને મેં નોકરી પર રાખ્યા છે. આ લોકોની મદદથી હું મારી બીજી અનેક કંપનીઓને સફળતાપૂર્વક ચલાવી રહ્યો છું. આમ તો મારી કોઇ કંપનીએ ક્યારેય કોઇ નુકસાની નથી કરી અને મારી પ્રગતિનો ગ્રાફ સતત ઉપર જ જતો હતો, પરંતુ એવી સ્થિતિમાં મેં એક ભૂલ કરી. મને ઍરલાઇન્સ શરૂ કરવાનો ચસકો લાગ્યો. અલબત્ત, મારા જેવા બિઝનેસમેનને કોઇ નવું સાહસ કરવાનું મન થાય એટલે પૈસા ધીરવા માટે તો લોકોની લાઇન લાગે, પરંતુ આપણે સેફ રમવામાં માનીએ એટલે બૅન્કોની પાસેથી જ લોન લેવાનું નક્કી કર્યું.

 

સમસ્યા એ થઇ કે પહેલી વાર હું બિઝનેસમાં થાપ ખાઇ ગયો. કિંગ ફિશર ઍરલાઇન્સ મારી ધારણા પ્રમાણે ચાલી નહીં. કંપનીને થયેલું નુકસાન ભરવાનું મારા માટે મુશ્કેલ નહોતું, થોડા સમયનો સવાલ હતો અને એ માટે મને વધુ લોનની જરૂર હતી. પછી તો નસીબ આડે એવું પાંદડું આવી ગયું કે કિંગ ફિશર ઍરલાઇન્સની મુશ્કેલીઓ વધતી જ ગઇ. સરકારે મારી કેટલીક માગણીઓ માન્ય ન રાખી. બૅન્કોવાળા થોડા આડા ચાલ્યા અને બાકી હતું તો ઍરલાઇન્સના કર્મચારીઓએ પણ પગાર બાબતે હોબાળો મચાવ્યો. પહેલી વાર મારું નામ જરા ખરાબ થયું.

 

જોકે મારી ઇમેજ બાબતે હું ક્યારેય ફિકર કરતો નથી, કારણ કે હું જિંદગીને માણવામાં માનું છું. આઇપીએલમાં બેંગલોરની ટીમ ખરીદીને મેં મારા બધા શોખ પૂરા કરી લીધા. આઇપીએલ સાથે હું આમ તો ક્રિકેટની રમતને લીધે સંકળાયેલો છું, પરંતુ મારું નામ આઇપીએલ પાર્ટીઓના હોસ્ટ તરીકે વધુ મશહૂર છે. હું જ્યોતિષશાસ્ત્રમાં માનું છું એટલે દર વર્ષે મારી કંપનીનું એક સરસ મજાનું કેલેન્ડર પણ બનાવરાવું છે. અલબત્ત, અન્ય જ્યોતિષીઓ પંચાંગ પાછળ જેટલા પૈસા ખર્ચે એના કરતાં હું અનેકગણા વધુ પૈસા ખર્ચું છું, કારણ કે અમારું કેલેન્ડર જરા અલગ પ્રકારનું હોય છે. એના શૂટિંગ માટે બાર પંદર સુંદરીઓને લઇને કોઇ મસ્ત મજાના ટાપુ પર નાનાં વેકેશન પર જવાનું હોય.

 

ખરેખર તો હું બિઝનેસ અને આનંદપ્રમોદ માટે બરોબર સમય ફાળવતો હોઉં છું. આનંદપ્રમોદ માટે વધુ સમય અને બિઝનેસ માટે જરા ઓછો. આનું કારણ એ કે મારો બિઝનેસ હું એવી પરફેક્ટ રીતે ગોઠવી દઉં છું કે હું મોજમજા કરતો હોઉ ત્યારે કોઇ મને ડિસ્ટર્બ નથી કરતું. આટલું ઓછું હોય એમ મને રાજ્યસભાના મેમ્બર બનવાનો મોકો પણ મળ્યો. એક વાર નહીં, બે બે વાર હું રાજ્યસભાનો મેમ્બર બન્યો. પહેલી વાર કૉન્ગ્રેસના સપોર્ટથી અને અને બીજી વાર ભારતીય જનતા પક્ષના સપોર્ટથી. આ રીતે દેશના બંને રાજકીય પક્ષો આપણા ટેકેદાર જ છે. આ તો શું છે કે પબ્લિકની આંખમાં ન આવી જવાય એટલે તેઓ જાહેરમાં મારી વિરુદ્ધ બોલતાં હોય છે.

 

મારી સમસ્યા ક્યાંથી શરૂ થઇ એની મને ખબર નથી, કારણ કે દેશના અન્ય કોઇ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જેવો જ હું એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છું. મારા માથે બેન્કોનું દેવું છે તો અન્ય ઇન્ડસ્ટ્રીઆલિસ્ટોનાં માથે પણ દેવું છે. મારી બીજી કંપનીઓ ખૂબ જ કમાણી કરી રહી છે અને મારી એસેટ્સ પણ બહુ મોટી છે. આ રીતે હું કોઇ કંગાળ કે બરબાદ થઇ ગયેલો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ નથી. તકલીફ એ છે કે બૅન્કોએ મારી પાસે પોતાની લેણી રકમ માંગવાનું શરૂ કર્યું. એમણે આવું કરવાની જરૂર નહોતી.

 

મને લાગે છે કે મારી એક પ્લેબોય તરીકેની ઇમેજથી મને નુકસાન થયું. અમુક લોકોને મારી ઇર્ષ્યા આવી તો અમુક લોકોએ મારી બિઝનેસ સેન્સનું મૂલ્યાંકન ઓછું આંક્યું. આજે પણ જો મારી જેમ બીજા કોઇ ઉદ્યોગપતિને એમના માથાં પરનું બધુ જ દેવું ચુકવી દેવાનું ફરમાન કરવામાં આવે તો એ ઉદ્યોગપતિ બરબાદ થઇ જાય. ઉદ્યોગો આ રીતે નથી ચાલતા, પરંતુ હું કોઇકની મેલી રમતનો શિકાર બની ગયો.

 

એનડીએ સરકાર દ્વારા પણ મારી સાથે અન્યાય થયો. રફાલ ડીલ માટે ભારતમાં વિમાનો બનાવવાના કોન્ટ્રેક્ટ દેશની ૭૨ કંપનીઓને આપવામાં આવ્યા. તો એમાં મારી કોઇ કંપનીને શા માટે એવી ઓફર કરવામાં ન આવી? રફાલ વિમાનો બનાવવાનું કામ મને સોંપી શકાય એ માટેની મારી બે મજબૂત લાયકાતો હતી. એક, મારા માથાં પર મોટું દેવું હતું અને બે, મારી કંપનીઓએ ક્યારેય વિમાનો બનાવ્યાં નહોતાં. અલબત્ત, જેમને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા એમાંની મોટા ભાગની કંપનીઓ પાસે વિમાનો બનાવવાનો અનુભવ નહોતો, કમ સે મારી કંપની પાસે વિમાનો ઉડાડવાનો તો અનુભવ હતો. મને બહુ ખરાબ લાગ્યું આવા પક્ષપાતને લીધે. મેં એનડીએમાંના મારા સોર્સ સમક્ષ લોબિઇંગ કર્યું, પરંતુ રફાલ બાબતે કોઇને કશી માહિતી જ નહોતી. મારી સાથે જે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું એનાથી નારાજ થઇને મેં દેશ છોડી દેવાનો વિચાર કર્યો. અને આ માટે મારે નાણાં પ્રધાન અરુણ જેટલીને વિશ્ર્વાસમાં લેવાનું જરૂરી હતું.

 

મારી સમસ્યા બાબતે મેં અરુણ જેટલીને વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેઓ પોતાની સમસ્યાઓથી ઘેરાયેલા હતા એટલે મને પૂરતો સમય આપતા નહોતા. જોકે એમણે મને એટલી ખાતરી આપી કે તમારે દેશ છોડીને જવું હોય તો કોઇ તમને રોકશે નહીં. મારી સામેની તપાસ ઢીલી પડી અને આ રીતે બૅન્કોવાળાને હાથતાળી આપીને હું લંડનના વનવાસ પર ઊપડી ગયો.

 

હવે આ લોકો મને સ્વદેશ પાછો લાવીને મારી સામે કામ ચલાવવાની વાતો કરે છે, પરંતુ એમને ખબર નથી કે હું એક રાજા છું. હું સ્વદેશ પાછો જરૂર આવીશ, પરંતુ સજા ભોગવવા નહીં, મારું રાજપાટ પાછું લેવા. (નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov_Nr8vvA_Yiyr%2B0dxPaMgKef5wZD2VAB_vXo2KCQjtpw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment