Saturday, 29 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તો હું શું કરું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તો હું શું કરું?
શિશિર રામાવત
 

 

અસંખ્ય વાચકો છાપાં-મેગેઝિનો ખોલીને સેક્સની સમસ્યાઓ અને અંગત જીવનની તકલીફો વિશેની કોલમ સૌથી પહેલાં વાંચે છે. કેટલાય વાચકો છાપાં-મેગેઝિનોમાં ફક્ત આ કોલમો જ વાંચે છે. કેટલાય વાચકો એવા છે જે માત્ર સવાલો વાંચે છે જવાબો કુદાવી જાય છે!

 

ઇન્ટરેસ્ટિંગ હોય છે અંગત સંબંધો અને સેક્સલાઇફને લગતી સમસ્યાઓ. શરત એટલી જ કે તે બીજાઓની હોવી જોઈએ, પોતાની નહીં. અસંખ્ય વાચકો એવા છે જે છાપાં-મેગેઝિનો ખોલીને સેક્સની સમસ્યાઓ અને અંગત જીવનની તકલીફો વિશેની કોલમ સૌથી પહેલાં વાંચે છે. કેટલાય વાચકો એવા છે જે છાપાં-મેગેઝિનોમાં ફક્ત આ કોલમો જ વાંચે છે. કેટલાય વાચકો એવા છે જે માત્ર સવાલો વાંચે છે જવાબો કુદાવી જાય છે! સત્તર-અઢાર વર્ષના છોકરાઓ જે હસ્તમૈથુન કરી કરીને થાકતા નથી, કોલેજની કન્યાઓ જેને ટેન્શન છે કે સુહાગ રાતે પોતે વર્જિન નથી એની હસબન્ડને ખબર પડી જશે, પતિદેવો જેની સેક્સ-એક્ટ પૂરી પાંત્રીસ સેકન્ડ પણ ચાલતી નથી, બે બચ્ચાંની મમ્મીઓ જે અરીસામાં ઢળી પડેલાં સ્તનોને જોઈને ડિપ્રેશનમાં સરી પડી છે, ફ્રસ્ટેડ વિધવા જે પોતાની બિલ્ડિંગમાં રહેતાં છવ્વીસ વર્ષના બેચલર સાથે ભરપૂર સેક્સ માણી લીધા પછી એઇડ્સના ડરથી થરથર કાંપી રહી છે, ૭૫ વર્ષના દાદાજી જેને એ વાતનું દુઃખ છે કે છેલ્લા એક મહિનાથી એ અઠવાડિયામાં સાતને બદલે ફક્ત ત્રણ જ વખત સંભોગ કરી શકે છે... ખરેખર રમૂજી-કરુણ હોય છે સેક્સના સવાલોની દુનિયા.


... અને સંબંધોની સમસ્યાઓ. કામ કરી કરીને તૂટી જાઉં છું પણ સાસુની કટ-કટ બંધ થતી જ નથી, માથાભારે ટીનેજ દીકરી મારું સાંભળતી નથી, પત્નીના મૃત્યુ પછી દીકરા-વહુના ભરોસે જિંદગી ઝેર થઈ ગઈ છે, ઓફિસમાં સાહેબ મારી લાચારી અને ઢીલા સ્વભાવનો ગેરલાભ ઉઠાવે છે, ભર્યુંભાદર્યું ઘર છે તોય એકલું એકલું લાગે છે, વીસ વર્ષનાં લગ્નજીવન પછી ખબર પડે છે કે પતિએ વર્ષોથી એક રખાત પાળી રાખી છે. આ સવાલો ને એના જવાબો વાચકો રસના ઘૂંટડા ભરતાં ભરતાં તલ્લીન થઈને વાંચે છે. બીજાઓની લાઇફમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉત્કંઠા માનવસહજ છે.ળસામાન્ય રીતે પચીસ, ત્રીસ, પાંત્રીસ સમસ્યાઓનું એક વર્તુળ છે જેમાં પ્રશ્નકર્તાઓની એકસરખી મૂંઝવણો રિપીટ થઈને ગોળ ગોળ ફર્યા કરે છે. લોકો ખરેખર બીજાઓની સમસ્યાઓ વિશે જાણીને એમાંથી કશું શીખતા નથી! દરેક પ્રશ્નકર્તાને લાગે છે કે પોતાની સમસ્યા એક્સક્લુઝિવ છે, અતિ ગંભીર છે જે અલગ રીતે પુછાવી જોઈએ અને ઉત્તરદાતાએ તેને સ્પેશિયલ એટેન્શન આપવું જોઈએ. આ કોલમ્સ સમાજનો આયનો છે. વહેતા સમયની સાથે બદલાતી જતી લાઇફસ્ટાઇલ તેમજ નીતિમૂલ્યોનું પ્રતિબિંબ એમાં ઝિલમિલાતું રહે છે.


ગુજરાતી અથવા તો રિજનલ પત્રોમાં છપાતી એડવાઇઝ કોલમ અને અંગ્રેજી પત્રોની એડવાઇઝ કોલમમાં નીતિમૂલ્યોનો ભેદ ઘણી વાર બહુ સ્પષ્ટ બની જાય છે. ડો. રાજશેખર બ્રહ્મભટ્ટ આ જ પાનાં પર સેક્સની સમસ્યાઓની કોલમમાં વાચકોને ઉત્તર આપતી વખતે નૈતિકતાના એક નિશ્ચિત સ્તર પર ઊભા હોય છે. વીસ વર્ષનો યુવક પોતાના પરિવારની પચીસ વર્ષ મોટી સ્ત્રી સાથે કે પાડોશણ સાથે સેક્સસંબંધ ધરાવતો હોય તો અંગ્રેજી છાપાંનો વિશેષજ્ઞા લખી નાખશે, 'કેરી ઓન... ફક્ત કોન્ડોમ વાપરવાનું નહીં ભૂલવાનું!' આ જ સમસ્યાનો ગુજરાતી છાપાંનો વિશેષજ્ઞા સંભવતઃ આ રીતે ઉત્તર આપશે, 'આશા રાખું કે તમે કોન્ડોમ વાપરવાનું નહીં ભૂલ્યા હો... પણ તમે શા માટે પારિવારિક સંબંધોને ને ખાસ તો તમારી લાઇફને ગૂંચવી રહ્યા છો? તમારે હમઉમ્ર યુવતીઓ સાથે અર્થપૂર્ણ સંબંધ બનાવવાની કોશિશ કરવી જોઈએ...' આ ફર્ક છે એપ્રોચનો. વિદેશી એડલ્ટ સામયિકોમાં અને તેની ભારતીય આવૃત્તિઓમાં પ્રશ્નોત્તરી વધારે તોફાની બનતી જાય છે.

 

આજે તો એફએમ રેડિયો અને ટીવી પર પણ અંગત જીવનને લગતા સવાલો ચર્ચાય છે. આ પ્રકારની દુનિયાની સૌથી પહેલી કોલમ આજથી ૩૨૨ વર્ષ પહેલાં, છેક ૧૬૯૧માં લંડનવાસી જોન ડન્ટન નામના ૩૨ વર્ષના યુવાને શરૂ કરી હતી. એ પ્રિન્ટર અને બુકસેલર હતો. કોઈ સ્ત્રી સાથે એનું લગ્નબાહ્ય અફેર હતું. એને સમજાતું નહોતું કે ઓળખ છતી કર્યા વગર હું કેવી રીતે મારી સમસ્યાની ચર્ચા કોઈની સાથે કરી શકું. આ દ્વિધાના પરિણામ સ્વરૂપે એણે 'ધ એથેનિઅન ગેઝેટ' (અથવા 'ધ એથેનિઅન મર્ક્યુરી') નામનું ચોપાનિયું શરૂ કર્યું, જે મહિનામાં બે વખત પ્રગટ થતું. એમાં એક પાનું વાચકોની સમસ્યા માટે ફાળવ્યું. ત્રણ સદી પહેલાં લોકોને કેવી સમસ્યાઓ હતી? 'ધ એથેનિઅન ગેઝેટ'માં છપાયેલો એક સવાલઃ હું એક સન્નારીને ઓળખું છું જે સુહાગ રાતે પતિ સાથે સંવનન વખતે રડી પડી હતી. તો શું એ ખુશીની મારી રડી પડી હશે કે પછી ભયને કારણે એનાં આંસુ નીકળી આવ્યાં હશે? બીજો એક શુદ્ધ વિદેશી રોમેન્ટિક સવાલ, જે હવે દેશી થઈ ચૂક્યો છેઃ હું એક યુવકને પ્રેમ કરું છું. અમારાં લગ્ન હજુ થયાં નથી. હું સ્વેચ્છાએ તેની સાથે રહેવા જઈ શકું?


અંગત સવાલોના જવાબ આપતી વ્યક્તિ એગની આન્ટ કે એગની અંકલ છે. ઇંગ્લેન્ડની એગની આન્ટ્સ વિખ્યાત છે. બ્રિટિશ ટેબ્લોઇડ 'ધ સન'માં ડિએડ્રી સેન્ડર્સ ૩૩ વર્ષથી 'ડિયર ડિએડ્રી' નામની દૈનિક કોલમ લખે છે જે ચિક્કાર વંચાય છે. પ્રતિ સપ્તાહ એને લગભગ ૧૦૦૦ પત્રો કે ઈ-મેઇલ મળે છે. પ્રત્યેકને જવાબ અપાય છે. આમાંથી અમુક પ્રશ્નોના જવાબ જ કોલમમાં છપાય,બાકીનાઓને વ્યક્તિગત સ્તરે ઉકેલ સૂચવાય છે. ડિએડ્રી સેન્ડર્સ પાસે સહાયકોની આખી ફોજ છે. સબ-એડિટર્સની ટીમ સારી ભાષામાં સવાલોને રિ-રાઇટ કરીને ડિએડ્રી પાસે મોકલે ને ત્યારબાદ ડિએડ્રી ચૂંટેલા સવાલોના જવાબ આપી (જેની લંબાઈ મોટે ભાગે પ્રશ્ન કરતાં પણ ટૂંકી હોય) કોલમ માટે રવાના કરે. ડિએડ્રીને મળતા તમામ કાગળોને સમસ્યા અનુસાર એબીસીડી પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે. જેમ કે, 'એચ'ના ખાનામાં એચઆઈવી, હોલી ડે, હિપેટાઇટિસ વગેરે જેવા વિષયો પરની સમસ્યાઓ હોય, 'ડી'ના ખાનામાં ડિવોર્સ, ડેથ, ડ્રામાક્વીન વગેરે વિષયો પર પ્રશ્નો જોવા મળે. આ સવાલ-જવાબની જાડી ફાઇલો ડિએડ્રીની લાઇબ્રેરીમાં વ્યવસ્થિત મેન્ટેન કરવામાં આવે છે.

 

માર્જોરી પ્રૂપ નામની એગની આન્ટે બ્રિટનના 'ડેઇલ મિરર'માં લાગલગાટ ૫૦ વર્ષ કોલમ લખી છે. આ કોલમે તેને સેલિબ્રિટી બનાવી દીધી. વિખ્યાત તુસાદ મ્યુઝિયમમાં એની મીણની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. વક્રતા જુઓ. જે માર્જોરીએ જિંદગીભર હજારો લોકોને લગ્નજીવન કેવી રીતે ટકાવી રાખવાની સુફિયાણી સલાહો આપી અને એ ખુદ ત્રણ-ત્રણ દાયકાથી સેક્સલેસ મેરેજ વેંઢારી રહી હતી. એટલું જ નહીં, 'ડેઇલી મિરર'ના એડવોકેટ સાથે એનું ગુપ્ત અફેર પણ ચાલતું હતું. આ સ્કેન્ડલ બહાર પડતાં જ'ધ સન', 'ધ ડેઇલી મેઇલ' અને 'ટુડે' જેવાં હરીફ છાપાંઓ ગેલમાં આવી ગયાં હતાં. આ કિસ્સાને તેમણે ખૂબ ચગાવ્યો હતો. ૧૯૯૬માં મૃત્યુ થયું ત્યાં સુધી માર્જોરી પ્રૂપ પર આ સ્કેન્ડલનો ભાર રહ્યો.


બાય ધ વે, લેખકો અને કોલમનિસ્ટોની સમસ્યા સુલઝાવવા માટે પણ એગની આન્ટ હોવી જોઈએ. જેમ કે, મારાથી આ 'ટેક ઓફ' કોલમની લંબાઈ પર કંટ્રોલ રહી શકતો નથી તો હું શું કરું?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtaKmLzvnaLr%2BERuykiE_j47jsXs5mh%2BWmAOsbn0EgbOQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment