Friday 28 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મલ્ટિટાસ્કિંગ એટીએમ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મલ્ટિટાસ્કિંગ એટીએમ!
સમજણ-પ્રથમેશ મહેતા

એટીએમ એટલે આપણા માટે તો પૈસા કઢાવવાનું સાધન, પણ આ સિવાયના પણ કેટલાય એવા કામો છે, જે એટીએમ આપણા માટે કરતું હોય છે. આજે આપણે એટીએમના આવા કેટલાક કામો વિશે વાત કરીશું. દરેક વસ્તુના સારા અને ખરાબ એમ બે પાસાં હોય એ જ રીતે એટીએમનો જેટલો ફાયદો છે, એટલા જ એના ગેરફાયદા પણ છે. પણ ખૅર એ વિશે વાત ફરી ક્યારેક હાલ તો આપણે એટીએમના મલ્ટિટાસ્કિંગ કામ વિશે વાત કરીએ. બીજા ઘણાં લોકોની જેમ ફક્ત પૈસા કાઢવા માટે જ એ. ટી. એમ.નો ઉપયોગ કરતા હોવ અને બીજી બધી નાણાકીય લેવડદેવડ માટે લાંબી કતારોમાં ઊભા રહેતા હો તો સબૂર. એ.ટી. એમ. બીજી શું શું સેવા, સગવડ અને સુવિધાઓ આપે છે તેનાથી માહિતગાર થવું એ તમારા માટે ફાયદાકારક પુરવાર થશે.

 

તમારા ખાતાં સાથે કોઇ ચેડાં ન કરી જાય એ માટે પણ તમે પૈસા કઢાવતી વખતે જે પીન નંબર વાપરો છો એ દર થોડાં સમયે બદલતા રહેવું જોઇએ. આ સુવિધા મશીનમાં ઉપલબ્ધ છે અને સરળ પણ છે. તેનો ફાયદો ઉઠાવો. આપણે ખાતામાં જે ટ્રાન્ઝેક્શન કર્યા છે તેની માહિતી પાસબુકમાં અપડેટ કરવામાં આવે છે, પણ જો મિની સ્ટેટમેન્ટ જોઈતું હોય મિની સ્ટેટમેન્ટ પણ તમને એટીએમ કાઢી આપશે કે પછી ખાતામાં કેટલી બેલેન્સ છે એ પણ જાણી શકાય છે. આટલી માહિતી મેળવ્યા પછી હવે સ્ટેટમેન્ટ લેવા કે બૅલેન્સ જાણવા માટે હવે તમે બૅન્કની લાંબી લાંબી લાઈનમાં ઊભી નહીં રહો એટલી ખાતરી છે. વડાપ્રધાન મોદીજીએ ડિજિટલ ઈન્ડિયાની જાહેરાત કરી છે અને ઓનલાઈનના જમાનામાં મોટાભાગના તમામ બિલ આપણે ઓનલાઈન જ ભરતાં હોઈએ છીએ અને એટીએમ પણ તેમાંથી બાકાત નથી. તમારા ઘરનું, ઓફિસનું કે દુકાનનું ઇલેક્ટ્રિક બિલ ભરવું હોય તો જે તે ઇલેક્ટ્રિક કંપનીના નિયત કરેલા કેન્દ્રમાં જ જવું જરૂરી નથી. તમે તમારા એ.ટી. એમ. મશીન દ્વારા કોઇ પણ પ્રકારના બિલ ભરી શકો છો.

 

આટલું જ નહીં પણ તમે ટી.વી. પર જે વિવિધ ચેનલો જુઓ છો એ ડી.ટી.એચ. (ડાયરેક્ટ ટુ હોમ) સર્વિસ કોઇ પણ કંપનીની હોય તેના બિલ પણ આ એ. ટી. એમ. મશીન દ્વારા ભરી શકો છો. જેમના ઘરે ગેસની પાઇપલાઇન છે એ ગેસનું બિલ પણ આ મશીન દ્વારા ભરી શકાય છે. આ સઘળી સુવિધાઓનો લાભ લેવા માટે મશીનમાં 'પે યુટિલિટી બિલ્સ'નો ઑપ્શન આવે છે તેનો ઉપયોગ કરતા શીખી લો, એટલે તમારી મોટાભાગની સમસ્યાનો અંત આવી જશે.

 

તમારા મોબાઇલમાં પ્રી-પેઇડ સુવિધા હોય અને એને રિચાર્જ કરવો હોય તો એ કામ પણ હવે એટીએમ દ્વારા શક્ય બન્યું છે. આ કામ માટે 'રિચાર્જ મોબાઇલ'નો વિક્લ્પ એટીએમની સ્ક્રીન પર ઝળકે છે. તેને પસંદ કરીને તેમાં આવતા જરૂરી નિર્દેશોનું પાલન કરતા જાવ એટલે પળવારમાં તમારો મોબાઇલ ફોન રિ-ચાર્જ કરાવી શકો છો.

 

તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે. તમે તેના ઉપયોગથી ચીજ-વસ્તુઓ ખરીદી હોય તો મહિનામાં એક વાર તેનુ બિલ ચૂકવવું પડે છે. આ બિલનો ચેક આપ્યા વગર સીધા એ.ટી. એમ દ્વારા પણ નાણાં ચૂકવી શકો છો. પણ તેને માટે તમારે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે જેનાથી બિલ જેટલી રકમ કપાઇ જશે. જોકે, હાલમાં તો આ સુવિધા એવા લોકો માટે ઉપલબ્ધ છે જેના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એક જ બૅન્કના હોય.

 

તમે લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસીઓ લીધી હોય તો તેની ચૂકવણી કરવા ચેક બગાડવાની જરૂર નથી. એ.ટી.એમ. મશીન તમારી સેવામાં હાજર છે. હા, તમારી પાસે પોલિસી નંબર વિગેરે વિગતો તૈયાર હોવી જોઇએ જેથી મશીન માગે ત્યારે ભરી શકાય.

 

તમારે તમારા નાણાં બૅન્કના એક ખાતામાથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા હોય કે બીજી કોઇ બૅન્કના ખાતામાં જમા કરાવવા હોય તો હવે બૅન્કનો સમય યાદ રાખવાની જરૂર નથી. તમે કોઇ પણ સમયે એ.ટી. એમ. પર પહોંચી ટ્રાન્સફર ફંડનો વિકલ્પ પસંદ કરો. તેમાં અપાતા માર્ગદર્શન પ્રમાણે વર્તી તમે એકી વખતે રૂપિયા ૧૫,૦૦૦ અને એક દિવસમાં રૂપિયા ૩૦,૦૦૦ ટ્રાન્સફર કરી શકો છો.

 

બૅન્કમાં બચત કરવા માટે ફિક્સ ડિપોઝીટમાં નાણાં મૂકવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પહેલાં આ જાતની એફ.ડી. કરવા બૅન્કમાં જઇને ફોર્મ ભરવું પડતું હતું, પણ હવે ચિંતા નથી, એ.ટી. એમ. છે ને. કેટલીક બૅન્કો રૂપિયા ૧૦,૦૦૦થી લઇ ૫૦,૦૦૦ સુધીની ફિક્સ ડિપોઝિટ કરવાની સુવિધા એ.ટી. એમ. દ્વારા પૂરી પાડે છે.

 

ચેક બુક ખતમ થઇ ગઇ છે? કોઇ ચિંતા નથી કે નવી ચેક બુક મેળવવા બૅન્કમાં જઇને અરજી આપવાની જરૂર નથી. એ.ટી. એમ. દ્વારા તમે ચેકબુક માટે અરજી કરી શકો છો. થોડા દિવસમાં ચેકબુક તમારા ઘરે પહોંચી જશે.

 

અત્યાર સુધી આપણે રોકડા પૈસા કઢાવવા હોય ત્યારે જ એ.ટી. એમ. મશીનનો ઉપયોગ કરતા હતાં. પણ આજકાલ કેટલાક એ.ટી. એમ. દ્વારા તમે રોકડા ભરી પણ શકો એવી પણ સુવિધા ઉપલબ્ધ છે, એટલું જ નહીં તમારા ખાતામાં પૈસા જમા થયાની ખાતરી (ક્ધફર્મેશન) પણ તમને તુરંત મળી જશે.

 

આ બધુ તો ઠીક પણ તમારે નાની મોટી પર્સનલ (વ્યક્તિગત) લોન તમારી બૅન્કમાંથી લેવી હોય તો એ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમારે જેટલી રકમ જોઇતી હોય એ પસંદ કરીને તેનો વ્યાજ દર કે અન્ય કોઇ ચાર્જ, કેટલા સમયગાળામાં પરત કરશો એ બધી વિગતો તથા કંપનીના નિયમો- શરતો વાંચીને કબૂલ કરીને અરજી કરવાની. સામે પક્ષે બૅન્ક પણ તમારા ખાતાની વિગતો, બૅન્ક સ્ટેટમેન અને તમારો ક્રેડિટ સ્કોર વિગેરે જોઇને તરત જ તમારા ખાતામાં રકમ જમા કરી દેશે.

 

આટલું ઓછુ હોય એમ કેટલીક બૅન્કો હવે ગ્રાહકોને આકર્ષવા મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવા માટેની સુુવિધાને એ.ટી.એમ. સાથે જોડી રહી છે. હવે કોઇ પણ જાતના ફોર્મ ભર્યા વગર કે ચેક લખ્યા વગર મ્યુચ્યુઅલ ફંડનું પેમેન્ટ પણ કરી શકાશે.

 

એ.ટી.એમ. કાર્ડની સલામતી માટે થોડી ઉપયોગી ટિપ્સ

તમારો પીન નંબર ક્યારે પણ એ.ટી. એમ. કાર્ડ કે તેની સાથે મળેલા કવર પર ન લખવો. અગર કાર્ડ ખોવાઇ ગયું કે ચોરાઇ ગયું તો તેની ભારે કિંમત ચૂકવી પડી શકે છે. ફોન પર ક્યારેય તમારા પીન નંબરની જાણકારી આપવી નહીં. યાદ રાખજો કે કોઇ બૅન્કવાળા પણ ક્યારેય ફોન પર આવી ગુપ્ત જાણકારી માગતાં નથી.

 

એકાંત હોય એવી જગ્યામાં એ.ટી. એમ. સેન્ટરમાં પ્રવેશવું હોય તો અંદર સલામતી રક્ષક હોય એવા બુથમાં જ પ્રવેશ કરવો. તમારી લેવડદેવડ ચાલતી હોય ત્યારે મદદના બહાને પણ કોઇ અજાણી વ્યક્તિને અંદર પ્રવેશવા ન દેવો. તમને કોઇ મદદ જોઇતી હોય તો સિકયોરિટી ગાર્ડનો સંપર્ક કરવો.

 

તમે તમારા આર્થિક વ્યવહારની છાપેલી રસીદ માગી હોય તો એને ત્યાંની કચરા ટોપલીમાં ન ફેંકતા સાથે લઇ જાવ. એમાં તમારા ખાતાની અને લેવડ દેવડની જાણકારી હોય છે, જેનો લેભાગુઓ ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

 

ખરીદી કરતી વખતે કાર્ડને તમારી નજર સામે જ સ્વાઇપ કરાવો. તમારો ફોન નંબર બદલાયો હોય તો તરત જ બૅન્કને જાણ કરો, જેથી તમારા કાર્ડ દ્વારા થતી દરેક લેવડદેવડની વિગતોનો સંદેશ (એસ. એમ. એસ.) તમને તરત જ મળતો રહે.

 

નવું કાર્ડ મળે તો જૂના કાર્ડને બ્લોક કરી તેને કચરાટોપલીમાં આખું ન ફેંકતા ટુકડા કરીને નાખવું. આપનું કાર્ડ ખોવાઇ જાય તો સહુ પ્રથમ બૅન્કમાં ફોન કરી કાર્ડને બંધ કરાવી દો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtRSLb14ESPQJWaks8_G8mo2exbT6cOqZL-%2Bwdu0P9Xjw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment