Sunday 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્ત્રીને તમારામાં રસ પડે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ત્રીને તમારામાં રસ પડે છે?
વરણાગી રાજા-દિવ્યાશા દોશી

છેલ્લા કેટલાક દિવસથી અનુપ જલોટાના પ્રેમ અને લગ્ન સંબંધી જોક સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. તેમાં મોટાભાગના પુરુષોને ઈર્ષ્યા થઈ રહી હોય તેવું દેખાય છે. કોઈ બોલે કે ન બોલે પણ 65 વરસના અનુપ જલોટાના 29 વરસની યુવતી સાથેના પ્રેમ સંબંધોની વાત જાણીને દરેક પુરુષને એવું મનમાં થતું હશે કે એ લઈ ગયો અને હું રહી ગયો. કોઈએ કહ્યું પણ ખરું કે અનુપ જલોટા પ્રસિદ્ધ છે અને પૈસાદાર પણ છે એટલે તેને યુવાન સ્ત્રી મળી રહે. પણ પ્રિયંકા ચોપડાએ પોતાનાથી નાની ઉંમરના યુવાન સાથે સગાઈ કરી ત્યારેય અનેકનાં પેટમાં દુખ્યું હતું.

સ્ત્રીઓને ખરેખર પુરુષોમાં શું જોઈતું હોય છે તે સવાલ દરેક પુરુષોને થતો હોય છે. પહેલી વાત તો સ્ત્રી ક્યારેય ફક્ત સેક્સ માટે સંબંધ બાંધતી નથી.

સ્ત્રીને સેક્સની ઈચ્છા નથી હોતી એવું કહેવું નથી અહીં, પણ જો સ્ત્રી સેક્સ માટે સંબંધ બાંધતી હોય તો એ સંબંધ લાંબો ચાલતો નથી. આ વાત આજની સ્ત્રીની કરી રહી છું. પહેલાંના જમાનામાં અરેન્જ્ડ મેરેજ થતાં હતાં ત્યારે સ્ત્રીની કે પુરુષની મરજી પૂછવામાં આવતી નહોતી. જો કે આજે પણ મોટાભાગના માતાપિતા દીકરી કે દીકરાની પસંદ દિલથી અપનાવતા નથી. ખેર, એ એક જુદો જ ચર્ચાનો વિષય છે. આજે અહીં પ્રેમમાં સ્ત્રી શું ઈચ્છે છે અને સ્ત્રીને પુરુષમાં રસ કેમ પડે છે તેની વાત કરવી છે. સ્ત્રીને પ્રેમ કરી શકે તેવો પુરુષ ગમે છે. જેની સાથે કંટાળો ન આવે તેવો પુરુષ ગમે છે. અનુપ જલોટાનું કે નિકનું વ્યક્તિત્વ એવું હશે કે સ્ત્રીને રસ પડે. જે પુરુષ સાથે સેક્સની વાત કર્યા વિના દિવસ આખો કાઢી શકાય તેવા પુરુષ પ્રત્યે આજની આધુનિક, સ્વતંત્ર વિચાર ધરાવતી નારી સહજતાથી આકર્ષાય છે. સ્ત્રી અને પુરુષના સંબંધમાં ઉંમર એટલે જ નથી નડતી. તમે જ્યારે પ્રેમમાં હોવ છો તો એકબીજા સાથે કલાકો વાત કરતા પણ કંટાળો નથી આવતો. એકબીજાની કંપની ગમતી હોય છે. ફક્ત સેક્સ માટે આજની કોઈ આધુનિક નારી લાંબા ગાળાનો સંબંધ નહીં બાંધે. આપણી આસપાસ જોશો તો મોટાભાગના પુરુષો પાસે વાત કરવાના એવા કોઈ ખાસ વિષયો નથી હોતા. સ્ત્રીઓને કંટાળાજનક વાતો કરતા પુરુષોમાં રસ ઓછો પડે છે. પછી તે ગમે તે ઉંમરના કેમ ન હોય.

ચાલીસ વરસથી મોટી ઉંમરના પતિપત્નીને સાથે ચાલતાં કે રેસ્ટોરન્ટમાં બેસેલા જુઓ તો મોટેભાગે તેઓ બીજી વ્યક્તિઓને જોતાં હોય. એકબીજા સાથે વાતમાં પરોવાયેલાં નહીં જોવા મળે. તેમાંય પતિ મોટેભાગે મોબાઈલ પર બિઝનેસની વાત કરતો હશે કે મેઇલ જોતો હશે. અને જો એવું યુગલ મળે કે જે એકબીજાને પ્રેમથી જોતું હોય કે હાથ પકડીને એકબીજામાં રમમાણ હોય, વાત કરતું હોય તો તે ચોક્કસ જ પતિપત્ની નહીં હોય. મને ખાતરી છે કે આટલું વાંચ્યા બાદ તમે કહેશો કે કેટલું બોર છે આ બધું. પણ એ જ પત્ની પોતાની બહેનપણીઓ સાથે ખિલખિલાટ હસતી હશે અને મજા કરી શકતી હશે. બોર પત્ની નથી હોતી, પણ પુરુષ હોય છે, કારણ કે મોટાભાગના પુરુષો એકાંગી કામ કરતાં હોય તેમની પાસે વાત કરવા માટે વિષયો નથી હોતા.

પણ તો તમે કહેશો કે કેટલાય સારા એકટર, રાઈટર, ડાયરેકટર, શેફ, મ્યુઝિશયન પુરુષો હોય છે. સફળ પણ પુરુષો જ હોય છે. વાત સાચી છે. રચનાત્મક કાર્યમાં જોડાયેલ પુરુષો સિવાય બાકીનાની પાસે સ્ત્રીઓ સાથે વાત કરવાના કોઇ વિષયો નથી હોતા. તેમનું વિશ્ર્વ સિમીત દાયરામાં હોવાને કારણેય તેઓ સ્ત્રીઓ સાથે વાતચીત એટલે કે સંવાદ સાધી શકતા નથી. તેમને લાગે છે કે સ્ત્રીઓના વિષયો કંટાળાજનક હોય છે, હકીકતે તેઓ સ્ત્રીના વિશ્ર્વ સાથે તાદાત્મ્યતા સાધી શકતા નથી. સ્ત્રીઓને હસાવી શકતો, સતત ફ્લેટર કરી શકતો અને તેને સ્ત્રીત્વ અનુભવાવી શકે તેવા પુરુષ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. સ્ત્રી પોતાની હોય કે પારકી તમે કંટાળાજનક વાતો કરશો તો સ્ત્રીને ક્યારેય તમારામાં રસ નહીં રહે. અનુપ જલોટા કલાકાર છે, નિક પણ રચનાત્મક અભિગમ ધરાવે છે. કલાકાર છે. એટલે શક્ય છે કે તેઓ કોઈપણ ઉંમરની સ્ત્રી સાથે સંવાદ સાધી શકતા હશે. ઈન્ટરેસ્ટિંગ વાતોથી સ્ત્રીને બહેલાવી શકતા હશે.

કેમ્બ્રિઝ યુનિવર્સિટીના સાયકોપેથોલોજીના પ્રોફેસર સિમોન બેરોન કોહેને કરેલા સંશોધન પ્રમાણે સ્ત્રીનું મગજ સહાનુભૂતિ અને તાદાત્મ્યતાની અનુભૂતિઓ માટે તૈયાર હોય છે. જ્યારે પુરુષનું મગજ સમજ અને વ્યવસ્થાનું માળખું બનાવવા માટે ઘડાયું હોય છે. વળી તે કહે છે કે ઓટિઝમ ધરાવનાર વ્યક્તિમાં પણ પુરુષોના મગજ જેવી રચના હોય છે. સિસ્ટમ વધુ અને તાદાત્મ્યતા ઓછી. જો કે આ તારણ તેમણે ઓટિસ્ટિક બાળકોના સામાજિક વર્તનનો અભ્યાસ કર્યા બાદ તારવ્યું છે.

જ્યોર્જ ટાઉન યુનિર્વસિટીના લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટના ડેબરા ટેનને એક પુસ્તક લખ્યું છે. યુ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મેન એન્ડ વિમેન ઇન ક્ધવર્સેશન. તેમાં એણે સ્ત્રી અને પુરુષના વાતચીતના ઉદાહરણો આપીને સ્ત્રી પુરુષની વિચારવાની શૈલી વિશે સમજાવે છે. ધારો કે સ્ત્રી પુરુષ કારમાં જઈ રહ્યા છે. સ્ત્રી પુરુષને કહે કે આપણે કોફી માટે ક્યાંક રોકાઈશું ? પુરુષ ના કહે છે. સ્ત્રી-પુરુષ સાથે વાતચીત કરવા માટે કોફી પીવાનો પ્રસ્તાવ મૂકે છે તો પુરુષને લાગે છે કે હા કે ના કહેવા માટેનો આ પ્રશ્ર્ન છે. તેઓ આગળ પુસ્તકમાં કહે છે કે પુરુષ માટે વાતચીત એ ટોળાંમાં કરવાની બાબત છે. એનાથી તમારી આસપાસ લોકો વીંટળાયેલા રહે. જ્યારે સ્ત્રી માટે વાતચીત એ સામી વ્યક્તિની નજીક જવા માટે કે ઇન્ટમસી કેળવવા માટે હોય છે.

અમેરિકન ન્યુરોસાયકિઆટ્રીસ્ટ લૌન બ્રિઝેન્ડને કનેક્ટિંગ થ્રુ ટોકિંગ પુસ્તકમાં ખૂબ ડિટેઇલમાં લખ્યું છે. તેમણે લખ્યું છે કે સ્ત્રી જ્યારે વાતચીત કરતી હોય છે ત્યારે તેના મગજમાં આનંદના પોઇન્ટસ સક્રિય થાય છે. ડોપામાઈન અને ઓક્સિટોસીન નામના કેમિકલ એટલી બધી માત્રામાં સક્રિય થાય છે કે તેને આનંદના ફુવારા કહી શકાય. ઓર્ગેઝમના આનંદ બાદ આનો નંબર બીજો આવે. અને એટલે જ સ્ત્રીઓને વાત કરવામાંથીય આનંદ મળી રહેતો હોય છે. જ્યારે બાયોલોજીકલી પુરુષો વાતચીત કરવા માટે વાયર્ડ નથી હોતા. તે છતાં એ કેળવી શકાય છે. તેઓ પ્રયત્ન કરે છે પણ તે મોટેભાગે ઉપર છલ્લો જ હોય છે તો તે બાબત સ્ત્રીના ચકોર નિરિક્ષણ શક્તિથી છુપું નથી રહેતું. એટલે જો તમને એવું લાગતું હોય કે અનુપ જલોટા ખાટી ગયા છે તો ચોક્કસ જ તમને વાતચીત કરતા નથી આવડતી. આ કહીને તમારું અપમાન નથી કરતી પણ જો તમે ઈચ્છો છો કે સ્ત્રીઓને તમારામાં રસ પડે તો વાતચીતની કળા શીખો. સ્ત્રીઓને કંટાળો આવે એવી વાત ન કરો. સ્ત્રીને એના વખાણ સાંભળવા ગમે છે પણ એટલા બધા પણ નહીં કે તમે એ સિવાય કોઈ બીજી વાત જ ન કરી શકો. બુદ્ધિશાળી સ્ત્રીઓ જાણતી હોય છે કે તેઓ સ્ત્રી તરીકે આકર્ષક છે. અને સામા પુરુષને તેનામાં રસ પડે છે, પણ વાતચીત મિત્રતા સુધી પણ તો જ આગળ વધે છે જો એ પુરુષ રસપૂર્વક વાત કરી શકે. સ્ત્રીને કંટાળો આવતો હશે તો એ પુરુષની સાથે વાત કરવાનું ટાળશે. હા દરેક વ્યક્તિને બીજી વ્યક્તિમાં રસ પડે તેવું નથી હોતું એ વાત પણ ખરી જ.

પુરુષો શરૂઆતમાં બોર નથી હોતા પણ સમય જતાં તેઓ બોર થઈ જતા હોય છે તેવુંય તારણ લૌને કાઢ્યું છે. આધુનિક દુનિયાનું જીવન બધે જ એકસરખું છે. એટલે તેમાં બોરડમ અને ચિંતાનું પ્રમાણ વધ્યું છે. તેની અસર પણ પુરુષ પર પડે છે. તેમાંય બે જાતના બોરડમ હોઇ શકે જે અહંમપ્રેરિત હોય છે. એક નકામા થઈ ગયાની લાગણી થવી. જે મિડલાઈફ ક્રાઇસીસ તરીકે જોવાય છે. બીજું મને કોઇની જરૂર નથી. આવી લાગણી પુરુષોને જ થતી હોય છે. પુરુષ એકસ્ટ્રિમ પર જીવનારો વ્યક્તિ છે એટલે તે યા તો એકદમ ઇન્ટરેસ્ટિંગ હોય છે અથવા એકદમ બોરિંગ હોય છે. જ્યારે સ્ત્રીઓ એવરેજ બોરિંગ હોઇ શકે. પુરુષો જ્યારે બોરિંગ નથી હોતા ત્યારે તેમની સાથે ખડખડાટ હસી શકાય છે. એ તો કબૂલવું જ રહ્યું કે તેઓ સ્ત્રીઓ કરતાં વધુ સારી રીતે સ્ટોરી કે જોક કહી શકે છે. સ્ત્રીઓનાં મનની વાત પણ પુરુષો ઘણી સારી રીતે કવિતા કે વાર્તામાં માંડી શકે છે. હિન્દી ફિલ્મનાં મોટાભાગનાં ગીતો પુરુષોએ જ લખ્યાં છે.

જીવનમાંથી બોરડમ દૂર કરવા માટે તમને ગમતી તમને જેમાં રસ હોય તે કલા વિકસાવો. વાંચો ને વિચારો. તમારું આગવું વ્યક્તિત્વ વિકસાવો. બસ તમારી આસપાસ આવતી દરેક સ્ત્રીને તમારી સાથે વાત કરવામાં રસ પડશે. તમને તમારામાં રસ હોય તો દરેક ઉંમરે સતત નવું શીખવાનો આગ્રહ રાખો. કુંઠિતતા કોઈને ગમતી નથી. તમને પણ નહીં.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsfmzGti9V49Ra9uaqzGwLoURpULU%3DvWc4qrt0ckMTXag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment