Sunday 30 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અતિ-ઉત્સાહી મા-બાપ માટે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અતિ-ઉત્સાહી મા-બાપ માટે!
કેલિડોસ્કોપ: મોહમ્મદ માંકડ

 

રાજપથ કલબમાં બે કિશોરીઓને એમના સ્વીમિંગ કોચે ફટકારી હોવાના સમાચાર બહુ વિગતે છપાયાં હતા. એ અંગેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. ટી.વી. ઉપર પણ વારંવાર એ સમાચાર દેખાડાયા હતા.

'રાજપથ કલબ' સમૃદ્ધ લોકોની અને શિક્ષિત ગણાતા સમાજના ઉચ્ચ વર્ગની કલબ ગણાય છે. રાજપથ કલબની જે ઘટના બની છે એ ઘટનામાં કિશોરીઓના માતા-પિતાને કોઈ વાંધો નથી અને કોચ પોતાની જાતને નિર્દોષ હોવાનું કહી રહ્યા છે, એમણે બાળકોને તાલીમ આપી નેશનલકક્ષા સુધી પહોંચાડયા છે એવો એમનો દાવો છે. કલબ મેનેજમેન્ટના ઓફિસ બેરરના બાળકોને તેઓ ટ્રેનિંગ આપી રહ્યા છે. એમના વિરુદ્ધ કોઈ મા-બાપને ફરિયાદ નથી. લગભગ બધા જ મા-બાપ ઈચ્છે છે કે તેમના સંતાનો નેશનલ લેવલે 'નંબર' લાવે.

હવે આમાં બાળ અધિકાર પંચ, પોલીસ, વાલીઓ વગેરે ઉતરી પડશે અને છતાં ફરી ફરીને આવું થતું રહેશે.

દસ-બાર વર્ષ પહેલાં ભુવનેશ્વરમાં રહેતા દોડવીર બુધિયાની ઘટના પણ રાજપથ કલબની ઘટના જેવી જ કંઈક અંશે હતી. બુધિયાની ઉંમર એ વખતે સાતેક વર્ષની હતી અને એનું નામ 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં નોંધાયું હતું. બુધિયાએ પુરીથી ભુવનેશ્વરનું ૬૫ કિ.મી.નું અંતર માત્ર ૭ કલાક અને ૨ મિનિટમાં પૂરું કરી વધુ એક રેકોર્ડ સ્થાપ્યો હતો.

બુધિયો તદ્દન ગરીબ ઝૂંપડપટ્ટીમાંથી આવ્યો હતો. અને સાવ નાનો હતો ત્યારથી જ એને દોડવાની તાલીમ અપાઈ હતી.
દોડવાનો એનો રેકોર્ડ અદ્દભુત હતો, પરંતુ એ નાનકડા છોકરાએ પણ એના કોચ વિરુદ્ધ ફરિયાદ કરેલી કે 'કોચ એને માર મારે છે અને એક વખતે પંખા ઉપર એને ઊંધો પણ લટકાવેલો. ખવડાવ્યા પિવડાવ્યા વિના બે દિવસ સુધી એક રૂમમાં એને પૂરી પણ રખાયેલો.
કોચ બિરંચીદાસની ધરપકડ પણ થઈ હતી, પરંતુ એ પછી એના કે બુધિયાના કોઈ સમાચાર જાણવા મળ્યા નથી.

બાળ અધિકાર અંગેના કાયદા હોવા છતાં, જેમાં સખત ટ્રેનિંગની જરૂર હોય એવા ક્ષેત્રમાં જ નહીં, શાળામાં અભ્યાસ કરતાં અનેક બાળકો પણ કોઈ ને કોઈ જુલમનો ભોગ બની રહ્યાં છે. સારી અને પ્રતિષ્ઠિત ગણાતી શાળાઓમાં પણ બાળકોને અવારનવાર માર મારતા હોય એવા શિક્ષકો હોય જ છે. વિદ્યાર્થીઓ આવી ફરિયાદ કરતાં પણ ડરતાં હોય છે.

આવી ઘટનાઓનો અભ્યાસ કરીએ એટલે ભોગ બનેલા બાળકોનાં વાલીઓ આપણને દોષિત લાગે. આવી ઘટનાઓ એટલા માટે બને છે કે વાલીઓ બાળકોને પહેલો નંબર લાવવાની હરીફાઈમાં જોતરી દે છે.

એવું લાગે છે કે માણસમાં બહુ પ્રાચીન સમયથી હરીફાઈનું તત્ત્વ પડેલું છે જે અનેક સ્વરૂપે વ્યક્ત થતું આવ્યું છે. અગાઉના વખતમાં પશુ-પક્ષીઓનો આમાં ઘણો ઉપયોગ થયો છે. આજે પણ દુનિયાના દેશોમાં ઘોડાની રેસ યોજાય છે. કૂતરાંઓની દોડ યોજાય છે. કૂતરાદોડની હરીફાઈમાં દોડાવવા માટે ગ્રેહાઉન્ડ જેવાં કૂતરાંઓને તાલીમ આપી દોડાવાય છે. દક્ષિણના રાજ્યોમાં બળદ અને બળદગાડાંઓની હરીફાઈ યોજાય છે. આવી એક હરીફાઈ ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકેલો, પરંતુ છેવટે એમાંય કશું પરિણામદાયી બનેલું નહીં. દુનિયાના દેશોમાં આજે પણ 'બુલફાઈટ'ના શો થાય છે. પહેલાં આપણે ત્યાં કૂકડાઓની લડાઈના તમાશાઓ ગોઠવાતા. આજે પણ કદાચ ક્યાંક આવું ચાલતું હશે.

જેમ જેમ માણસ સંસ્કૃત થતો ગયો. તેમ આવી હરીફાઈઓ અને ખેલ ઓછાં થતાં ગયાં. માનવ સમાજનો એક મોટો પ્રભાવશાળી વર્ગ માનવા લાગ્યો કે આવી હરીફાઈઓ અને ખેલ એ પ્રાણીઓ ઉપરની ક્રૂરતા છે. અબોલ પ્રાણીઓને બંદીવાન બનાવીને માણસે એનો પાશવી લાભ ન લેવો જોઈએ. એનું અધમ શોષણ ન કરવું જોઈએ. પ્રાણીઓનો આવો ઉપયોગ કરવામાં માણસની કોઈ બહાદુરી કે સાહસિકતા નથી. માનવ સ્વભાવની ક્રૂરતાના એમાં દર્શન થાય છે. પ્રાણીઓની તો એમાં અસહાયતા અને લાચારી જ હોય છે.

અર્થશાસ્ત્રમાં બજાર અંગેના અભ્યાસ માટે 'તંદુરસ્ત હરીફાઈ' જેવા શબ્દોનો અવારનવાર ઉપયોગ થાય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે હરીફાઈ માત્ર હરીફાઈ જ હોઈ શકે છે એમાં તંદુરસ્તીનું તત્ત્વ એક ભ્રમણા જ બની રહે છે. હરીફાઈમાં માણસ બધા પ્રકારનાં સારા-નરસા દાવ-પેચ લડાવે છે.

એક નવલકથા 'અશ્વદોડ'ની શરૂઆતના પાનાં ઉપર ઘોડાની રેસની એક નાનકડી વાત લખી છે.
એ કથા આ પ્રમાણે છે.
ઘોડાઓને દોડતા જોઈને એક નાનકડા છોકરાએ તેના પિતાને પૂછયું, "આટલા બધા ઘોડા શા માટે દોડે છે?"
પિતાએ કહ્યું, "આ ઘોડાની રેસ છે. જે ઘોડો પહેલો આવશે તેને ઈનામ મળશે."
છોકરાને ગૂંચવણ થઈ. "જો એક જ ઘોડાને ઈનામ મળવાનું હોય તો બાકીના બધા શા માટે દોડે છે?"
પિતાએ એનો ઉત્તર ન આપ્યો. પણ બીજી જ ક્ષણે પિતાને પોતાને પણ પ્રશ્ન થયો કે, પહેલા ઘોડાને શું મળશે?
રેસના ઘોડાઓ ઉપર લાખો-કરોડો રૂપિયાની હાર-જીત, સટ્ટો થતો હોય છે. પરંતુ હરીફાઈમાં દોડનાર ઘોડાને શું મળે છે? કોઈક ઘોડાનો પગ ભાંગે છે. ઘોડાઓની છાતીનાં પાટિયાં બેસી જાય છે. નસકોરાં ફાટી જાય છે એમાંથી લોહી નીકળે છે. પગે લોહીલુહાણ થઈ જાય છે. અને એક સમય એવો આવે છે કે જ્યારે એ હરીફાઈને લાયક રહેતો નથી અને રિબાઈ રિબાઈને મરવાનું જ એના નસીબમાં બાકી રહે છે.

અગાઉ માણસ પ્રાણીઓ પાસેથી જે પ્રકારનું કામ કરાવતો હતો, સ્પર્ધા કરાવતો હતો એવું જ કામ આજે એ પોતાના બાળકો પાસે કરાવી રહ્યો છે. હરીફાઈમાં પૈસાનું અને અહમ્નું તત્ત્વ બહુ મોટો ભાગ ભજવે છે. ગરીબ માણસ માટે પૈસા, કીર્તિ, પ્રસિદ્ધિ એ બહુ મોટી વાત છે, પરંતુ સમૃદ્ધ વર્ગ જ્યારે પોતાનાં બાળકોને હરીફાઈનાં મેદાનમાં ધકેલે છે ત્યારે એમાં પોતાનો અહમ્ સંતોષવાની વાત મુખ્ય હોય છે. એમનાં સપનાં સાકાર કરવાની જવાબદારીઓ બાળકો ઉપર ઠોકી બેસાડવાની આ રીત દુર્ભાગ્યપૂર્ણ છે.

વસ્ત્રોની હરીફાઈ, શરીર સૌંદર્યની હરીફાઈ, શરીર સૌષ્ઠવની હરીફાઈ, અભ્યાસમાં નંબર લાવવાની હરીફાઈ, સ્કેટિંગની હરીફાઈ, સંગીતની હરીફાઈ. સંગીત તો એક કલા છે એની મધુરતા માણવાની હોય, પણ એમાંયે હરીફાઈ!

બાળક એને ગમતા વિષયનો અભ્યાસ કરે, જ્ઞાન મેળવે, સ્વતંત્ર રીતે સાચી દિશામાં વિચારતાં શીખે, નિષ્ફળતાઓને પચાવતાં શીખે એ જ એને જીવનમાં ઉપયોગી થાય છે.

બાળકને બચપણથી જ હરીફાઈ કરવાની ટેવ પડવાથી એ જે ક્ષેત્રમાં જાય છે. તેમાં હંમેશાં દુઃખી થઈને રહે છે. કોઈ બાળક કાયમ પહેલા નંબરે રહી શક્તું નથી અને જ્યારે એ સ્થાન એ ગુમાવે છે ત્યારે એ દુઃખી થાય છે.

સ્કૂલમાં કાયમ પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થિની બોર્ડ કે કોલેજમાં પહેલાં વીસ કે પચ્ચીસમાં પણ નંબર લાવી ન શકે ત્યારે નિરાશ થઈ જાય છે. ક્યારેક તો છેક આપઘાત સુધી આ વાત પહોંચી જાય છે.

વધારે પડતા ઉત્સાહી મા-બાપ માટે અહીં કેટલીક વાત કરી છે એના ઉપર ગંભીરતાથી એમણે વિચાર કરવો જોઈએ.

એમનો આત્મા આવતીકાલના દેહમાં વસવાનો છે. જેની મુલાકાત આજના મા-બાપ લઈ શકવાના નથી. એમને એમની રીતે વિકસવા દો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtLNrcHZr6%3D03b3bqDzXcAs8a%2B%2BCY-bpsb24to5rR6G8A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment