Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચશ્માંની બેવફાઇ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચશ્માંની બેવફાઇ!
વાહ જનાબ!-મયૂર ચૌહાણ

આંખ, લોચન, નયન, ચક્ષુ આટઆટલા ગુજરાતી પર્યાયો આંખને આપેલા છે, પણ એ બધાનું શું કામ જો ચશ્માં ન હોય! હાસ્યલેખક કિશોર વ્યાસે પુસ્તક દે દામોદર દાળમાં ચશ્માં વિશેનો સુંદર લેખ ચશ્માં વિનાનો એક દિવસ લખ્યો છે. જેનાથી અભિભૂત થયા વિના ન રહી શકીએ. આ સિવાય તો મને માત્ર એટલો જ ખ્યાલ છે કે ચશ્માંની ઉત્પતિ માટે કાન જવાબદાર છે. જો કાન જ નહોત તો પછી ચશ્માં ક્યાં લટકાવત? એ તો પાછળથી કોન્ટેક લેન્સ આવ્યા, બાકી કાન વિના ચશ્માં શું કામના?

મોટાભાગે ચશ્માં પહેરવાની સમસ્યા પર હું એક જ વસ્તુ કહી શકું. આંખમાં પહેરવા માટે ચશ્માં આપ્યા, પણ તેમાં વાઇપર ન આપ્યા. વાઇપર હોત તો કેટલું સારું હોત. વરસાદમાં પણ આંખે ચશ્માં પહેરી શકાત. આંખમાં પડતા પાણીના બિંદુઓને તે છાલક મારી દૂર કરતા હોત. આ લખતી વખતે મને કેટલી ખુશી થાય છે.

ભારે વરસાદ હોવા છતાં ઓફિસે જવું મારા માટે ફરજિયાતીયું કામ રહ્યું. ભલે મુર્ખાઇ રહી આમ છતાં ચોમાસામાં મેં ચશ્માં પહેર્યા હતા. જેના કારણે આસપાસના બે લોકોએ મારા નંબરના ચશ્માં જોઇ બે-એકવાર હાથ પણ ઝાલ્યો. મેં પૂછ્યું ત્યારે ખબર પડી કે, તેઓ મને અંધ સમજતા હતા અને રસ્તો ટપાડવાની કોશિશ કરતા હતા. બે લોકોએ તો અડધે રસ્તે પહોંચાડી પણ દીધો હતો.

મેં કારણ પૂછ્યું,ત્યારે જાણવા મળ્યું કે,ચોમાસામાં પહેરેલા ચશ્માં પર પડેલા પાણીના ટીંપાના કારણે આ સમસ્યાનું સર્જન થયું છે. પછી ચશ્માં લઇ ખિસ્સામાં મૂકવાનું નક્કી કર્યું, પણ તે હિતાવહ ન લાગ્યું. હિતાવહ એટલા માટે નહીં કે, તો પછી સામેની કોઇ વસ્તુ મને દેખાઇ નહોતી રહી. મારે બસ પકડવાની હતી. ઉતાવળ તો મારે જન્મ સાથે જ રહી છે. નવ મહિના પહેલા આઠમા મહિને જ આપણે આ ધરતી પર અવતરી ચૂકેલા હતા.

જો બસના નંબર ન વંચાય તો પછી નંબર ફેરબદલીના કારણે બીજી બસ પકડાઇ જાય. બસ આવી અને હું ચડી ગયો. જ્યારે ચશ્માં ઉતાર્યા અને ક્ધડક્ટર સાથે વર્તાલાપ કરી મોહમયી ઇસ્કોનની બે મૂલ્યપત્રિકા માગી ત્યારે ખબર પડી કે આ બસ તો શ્યામલથી જ વળાંક વળી જવાની છે.

હવે ક્ધડક્ટર સાથે વાર્તાલાપ કરવાનો કોઇ અર્થ નહોતો. મારી આંખના ચશ્માંના કારણે મારા માટે ભૂલનું સર્જન થયું હતું. એના કરતા તો ચશ્માં ન પહેર્યા હોત તો સારું હોત. એ પછી ચશ્માંના નંબર હટાવવા માટે શિયાળામાં ભરપૂર ગાજર ખાધાં. જેથી આંખના નંબર તો ન નીકળ્યા પણ ચહેરો ગાજર જેવો અવશ્ય થઇ ગયો. બીજો સૌથી મોટો ફાયદો એ થયો કે, જાડા થવાના કારણે કબજિયાતમાંથી છુટકારો મળી ગયો.

આપણા દેવતાઓને આંખના નંબર નહોતા આવ્યા. ખાસ તો દેવતાઓની ચિંતા કરવાની રહેતી નથી. કારણ કે તે દેવતાઓ છે, પણ ચિંતા કરવાની રહે છે દાનવોની. દાનવોમાં શ્રેષ્ઠ એવા રાવણના જો સાતમા માથાને આંખના નંબર આવે તો ચશ્માંનો ડાંડલો કેટલો મોટો કરવો પડે. આ વિચારથી જ ઘણા લોકો વિચારવાનું છોડી દેશે. અને નવલકથા લખનારાઓને લખલખુ પસાર થઇ જશે.

કદાચ એવું પણ હોઇ શકે કે રાવણે સીતાનું અપહરણ એટલા માટે કર્યું કે શૂપર્ણખાને આગલા દિવસે જ વૈદ્ય કહીને ગયો હતો, 'તમારે આંખના ચશ્માં પહેરવા પડશે.'

અને બીજા દિવસે તો લક્ષ્મણે કાન કાપી નાખ્યા. હવે ડાંડલા ક્યાં ફિટ કરવા? આ પછી શૂપર્ણખાનું શું થયું, તેના વિશે કોઇ ચર્ચા નથી થઇ. ઘણા તો કહી રહ્યા છે કે શૂપર્ણાખાબેને જ બાદમાં કોન્ટેકલેન્સની શોધ કરી હોવી જોઇએ. જોકે આ વિશે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે.

મને ખ્યાલ છે જ્યારે ખેમડુ આંખના નંબર કઢાવવા માટે ગયેલો ત્યારે ડોક્ટરે તેને કહેલું, 'હું તમારી આંખમાં આ ચશ્માં પહેરાવીશ તમે સામે લખેલા અક્ષર વાંચજો. જ્યારે એ અક્ષર યોગ્ય વંચાયેલા દેખાઇ ત્યારે મને કહેજો.'

ખેમડુએ હોકારો ભણ્યો... ડોક્ટર સાહેબે અડધો નંબર નાખ્યો અને ખેમડુએ ના કહી, પછી એક નંબર નાખ્યો, ખેમડુએ ના કહી એટલે ડોક્ટરે ત્રણ નંબરનો કાચ નાખ્યો. આમ કરતા પાંચમા નંબરે પહોંચતા ડોક્ટર સાહેબનો મગજ કાબૂ બહાર ગયો, 'તમને જોઇને બિલકુલ નથી લાગતું કે, તમને આટલા બધા નંબર હોય, હજુ તમને સામેનું નથી દેખાતું.'

'પણ સાહેબ મને વાંચતા જ નથી આવડતું.' ખેમડુની આ વાત સાંભળી ડોક્ટર સાહેબનો પીત્તો ગયો. ખેમડુની આંખ પર લાગેલા ચશ્માં આરામથી હટાવી ઊંધા હાથની મારી. કારણ કે ખેમડુને કારણે આંખવખરીને નુકસાન ન પહોંચવું જોઇએ.

જોકે ખેમડુ તો મોજથી ચશ્માં કઢાવવા માટે ગયેલો. તેનું એવું માનવું હતું કે, ચશ્માં પહેરવાથી હોશિયાર થવાય. પરીક્ષામાં પહેલો નંબર આવે અને ઘરે બાપુજી ખીજાય નહીં.

અમારા મિત્ર ભોગાયતા ભાઇ ન્યૂઝ ચેનલમાં નવા સવા એન્કર તરીકે લાગેલા હતા. તેમનું સમાચાર વાંચવાનું જનૂન એવું હતું કે એકવાર વાંચતા વાંચતા ઉત્તેજનામાં આવી અંડર-19 વર્લ્ડકપની જગ્યાએ અંડરવર્લ્ડકપ વંચાઇ ગયેલું. આ વિશે તેમણે તંત્રીને જઇ કહ્યું, 'સાહેબ આપણે કેટલાક લખવાવાળા નવા લેવાના અથવા તો અત્યારે જે લોકો લખે છે તેને બદલવાની જરૂર છે.' બીજા દિવસે સાહેબ તેમને ખાસ આઇ સ્પેશિયાલિસ્ટ પાસે લઇ ગયેલા. તે પણ પોતાના ખર્ચે. ખરેખર આંખની બબાલથી તો કોઇ નથી બચી શક્યું.

અમારા ગામમાં પીએસઆઇ જાડેજા સાહેબને રિમાન્ડ લેવાનો અનેરો શોખ હતો. ગમે તેવા રીઢા ગુનેગારને તેઓ રિમાન્ડરૂમમાં લેવાની તૈયારીમાં રહેતા હતા. એક દિવસ અમારા પ્રિય પીએસઆઈ સાહેબના આંખના ચશ્માં તૂટી ગયા.

આમ તો ખૂબ ઓછા પોલીસ ઓફિસરોને ચશ્માં હોય અને જાડેજા સાહેબે તો ઘણા ગુનેગારોના પગમાં જોરથી લાકડી મારી તેમના આંખના નંબર ઉતારી દીધા હતા. ત્યારથી અમારા ગામમાં કહેવાતું હતું કે, 'આંખનો રસ્તો પગ તરફથી થઇને જાય છે.'

સાહેબ કંઇક કામ કરતા હતા અને ચશ્માં પડ્યા તે તૂટી ગયા. પોલીસ ઓફિસર આવી એક ચોરને સાહેબ પાસે મૂકી ગયો અને બોલતો ગયો કે આમના રિમાન્ડ મંજૂર થયા છે. જાડેજા સાહેબ ખુશ થઇ ગયા. તેમણે પેલા ચોરને રિમાન્ડ રૂમમાં લઇ જવા માટે કાઠલો પકડ્યો. અંદર જઇ જેવી રીતે જીવરામ ભટ્ટને મિથ્યાભિમાન નાટકમાં પોલીસ અમલદાર મારે છે તેમ હાડકાં ખોખરાં કરી નાખ્યાં.

કોન્સ્ટેબલ પાછો આવ્યો ત્યારે પરસેવે રેબઝેબ થઇ જાડેજા સાહેબ રિમાન્ડ રૂમની બહાર આંખો લૂછતા આવતા હતા. કોન્સ્ટેબલે પૂછ્યું, 'સાહેબ આ ચોરની રિમાન્ડ ન લીધી?'

'અંદર ટાંટિયા મોકરા કરી નાખ્યા એટલો માર્યો અને તું કહે છે રિમાન્ડ ન લીધી.' જાડેજા સાહેબ તાડૂક્યા.

'પણ સાહેબ ચોર તો હજુ અહીં હાથકડી બાંધેલો પડ્યો છે.'

'આ મારા ચશ્માં તૂટી ગયા એમાં થયું હશે... અરે, તો મેં રિમાન્ડ કોની લઇ નાખી?' જાડેજા સાહેબ કોન્સ્ટેબલનો ખભ્ભો પકડી રિમાન્ડ રૂમમાં ગયા. સાહેબને તો એટલું દેખાતું નહોતું એટલે તેમણે કોન્સ્ટેબલને પૂછ્યું, 'કોણ છે જેને મારા હાથે માર ખાવાનો પાવન અવસર સાપડ્યો?'

'સાહેબ આ તો હેડ કોન્સ્ટેબલ જીવણરામ છે, બિચારો આવતીકાલે નિવૃત્ત થવાનો છે એટલે પેંડા દેવા આવ્યો હતો.' રડતા રડતા જમાદારે કહ્યું.

'ત્યારે કહું એ શું કામ કહેતો હતો મેં ચોરી નથી કરી, હવે બોલ ભાઇ મારે આ ઘટનાનું પ્રાયશ્ર્ચિત કરવા શું કરવું જોઇએ?'

'નંબરના ચશ્માં બનાવો પહેલા.' કોન્સ્ટેબલે કહ્યું અને ત્યાંથી જીવણરામ માટે એમ્બ્યુલન્સ બોલાવી.

મને તો બાળપણથી ચશ્માં પહેરી હોશિયાર દેખાવાનો શોખ છે. એટલે મારા શોખની પૂર્તિ કરવા માટે હું ચશ્માં પહેરું. મારા પિતાશ્રી ચશ્માં પહેરવાના વિરોધી. જોકે બાદમાં તેમને બે નંબરના ચશ્માં આવ્યા. મારા માતા તો ચશ્માં પહેરવાના મારા પિતા કરતા પણ વિરોધી એટલે તેમને ત્રણ નંબરના ચશ્માં આવ્યા. અને હાલ હું દોઢ નંબરના ચશ્માં સાથે પરિવારમાં મધ્યસ્થાને બિરાજી રહ્યો છું.

એકવાર મને આવી જ રીતે ચશ્માં પહેરવાનું ઘેલું ચઢ્યું. હોશિયાર દેખાઇ શકીએ આ માટે મેં પિતાજીના ચશ્માં પહેર્યા. વચ્ચે માતૃશ્રીએ કામ સોંપી દીધું કે દુકાનેથી અડદની દાળ જોઇને લેતો આવજે. તેમના બોલવાના શબ્દો કે જોઇને લેતો આવજે તેના પર વધારે ભાર મૂક્યો હતો.

દિનેશભાઇની દુકાને જઇ મેં અડદના ભરેલા કોથળા પર હાથ મુક્યો અને કહ્યું,સરસ છે એક કિલો આપી દો.'

ઘરે પાછો આવ્યો ત્યારે તે અડદ નહીં મગ નીકળ્યા એટલે ફરી પાછું જવાનું થયું. આ વખતે ત્યાં જઇ તપાસ્યું અને કહ્યું, 'હવે અડદની આપો આ તો આ મગની છે.'

દિનેશભાઇ કંઇ બોલી નહોતા રહ્યા. તેમણે જોખી અને આપી દીધી. ઘરે જતા ફરી દિનેશભાઇની દુકાને ધક્કો ખાવાનો વારો આવ્યો, કારણ કે આ વખતે ચણાની દાળ હતી. દિનેશભાઇ આ વખતે મારા કોપનો ભોગ બનવાના હતા.

'આ હું દરેક વખતે અડદની દાળ માગું અને બીજી લઇ જાઉં છું તો તમે કંઇ બોલતા કેમ નથી?' તેમણે પહેલા મારા ચશ્માં ઉતાર્યા અને જોરથી મારા કાન નીચે થપ્પડ મારી કહ્યું, 'તેં તો મારા વર્ષો જૂના મૌનવ્રતનો સિલસિલો તોડી નાખ્યો.'

ગાલ પર પડેલી થપ્પડને હું ચશ્માં સાથે લઇ પાછો ફર્યો. વિચારતો હતો સારું થયું. ચશ્માં સાથે થપ્પડ ન મારી. બાકી નંબરના ચશ્માં જો તૂટ્યા હોત, તો પિતાશ્રી ઘરે વધારે જ તોડી નાખેત.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os-6w0NnqX9gdkuuFj65QAxyq5XmZEB2BH4VaJ1-A51Og%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment