Tuesday 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમારે ત્યાં અમારે શું પહેરીને આવવાનું છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમારે ત્યાં અમારે શું પહેરીને આવવાનું છે?
વર્ષા પાઠક

 


 
અમદાવાદમાં રહેતી અને ઉંમરનાં પચાસ વર્ષ વટાવી ગયેલી અપર મિડલક્લાસ ગુજરાતી ગૃહિણી મૂંઝવણમાં હતી. મુંબઈમાં રહેતા સગાને ઘેર લગ્ન હતાં. ધાર્યા પ્રમાણે લગ્ન નિમિત્તે ચાર-પાંચ ફંક્શન્સ હતાં અને નિમંત્રણ આપનારે દરેક પ્રસંગ માટે ડ્રેસકોડ પણ આપી દીધેલો. એમાંથી એક સાંજે શેમ્પેઇન કલરની સાડી કે ગાઉન પહેરવાનું લેખિત સૂચન હતું. આન્ટીજી મૂંઝાઈ ગયાં. તેમણે મુંબઈમાં રહેતી એક મિત્રને ફોન કરીને પૂછી લીધું કે શેમ્પેઇન કલર એટલે વળી કેવો કલર? મિત્રે બનતી સમજણ તો આપી, પણ સાથેસાથે ખાસ્સી ચિડાઈ પણ ખરી કે, આ વળી કેવા ધતિંગ. એના મોઢેથી આ વાત સાંભળીને મને પણ ખાસ્સી રમૂજ થઈ. મેં એને પૂછ્યું કે, 'તને આવી કોઈ કંકોતરી મળે તો તું શું કરે?' સહેજ પણ ખચકાયા વિના એણે જવાબ આપ્યો- ઇન્વિટેશન આપનારને પૂછી લઉં કે ડ્રેસકોડ પાળવાનું ફરજિયાત છે? સામેથી હા આવે તો હું સમૂળગું જવાનું જ માંડી વાળું અને 'તારી મરજી' જેવો પ્રતિભાવ આવે તો હું લેખિત ડ્રેસકોડથી સાવ જુદાં કપડાં પહેરીને જાઉં.'

 

કોલેજમાં ડ્રેસકોડનો સખત વિરોધ કરનારા લોકો એમના લગ્નની કંકોતરીમાં મહેમાનો માટે ડ્રેસકોડ લખે, ત્યારે શું કહેવું, શું કરવું?

 

આવો અેટિટ્યૂડ ધરાવતી આ મિત્ર કપડાં અને જ્વેલરીની ભારે શોખીન છે. કદાચ શેમ્પેઇન કલરનો કોઈ ડ્રેસ કે સાડી પણ એના કબાટમાંથી નીકળી આવે, પણ એને વાંધો છે આ નોનસેન્સિકલ ટ્રેન્ડ સામે, જ્યાં લગ્ન જેવા પ્રસંગે પણ મહેમાને શું પહેરવું એ યજમાન નક્કી કરે. કયા પ્રસંગે કયા પ્રકારનાં કપડાં શોભે, એ આપણે સહુ જાણીએ છીએ. લગ્નપ્રસંગે કોઈ શોર્ટ્સ પહેરીને નથી જતું, પણ પછી ઇન્ડિયન પહેરવું કે વેસ્ટર્ન, લાલ પહેરવું કે લીલું, એ નક્કી કરવાનો અધિકાર મને હોવો જોઈએ. નિમંત્રણ આપનારે શેમ્પેઇન, સૂપ, સરકો જે કલર પહેરવો હોય એ પહેરે, પણ મને નહીં કહેવાનું. મારી પાસે આવાં કલરનાં કપડાં ન હોય તો શું ખરીદવા કે માગવા જાઉં? (અમદાવાદી આન્ટી એ ખરીદવા ગયાં.) અફકોર્સ, બધાં લોકો આવા અતરંગી કલરનો આગ્રહ રાખવાની હદે નથી જતા, પણ મેંદી વખતે 'એથનિક', સંગીત સંધ્યામાં 'સ્માર્ટ કેઝ્યુઅલ્સ' જેવાં સૂચન આપે છે.

 

હા, ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે ઘણીવાર પરિવારની મહિલાઓ મળીને નક્કી કરતી હોય છે કે, ફલાણા દિવસે આપણે બધાં બાંધણી પહેરશું કે ગ્રીન કલરની સાડી કે ચણિયાચોળી. આમ ખાસ વાંધાજનક નથી, કારણ કે એ ઘર-પરિવાર પૂરતું સીમિત હોય છે. વળી, એવાં કપડાં બધાં પાસે હોય. ન હોય તોયે આસાનીથી અંગતજન પાસેથી મળી જાય, પણ કંકોતરીમાં જ ફતવો બહાર પડે કે સંગીતસંધ્યા વખતે બધાએ શેમ્પેઇન કલર પહેરવાનો છે, તો? કમનસીબે આ ટ્રેન્ડ વધી રહ્યાે છે.હજી આગળ જઈએ. ટ્રેજેડી કહેવી કે કૉમેડી, એ જ ન સમજાય એવો માહોલ ત્યારે સર્જાય છે જ્યારે મહેમાનોને સાડી કે બીજા કોઈ ઇન્ડિયન ડ્રેસને બદલે ગાઉન પહેરવાનું કહેવાય. ઘરની બધી સિનિયર સિટીઝન્સને આવા વેશ કાઢવાનું કહો તો કદાચ દેકારો થઈ જાય, પણ મિત્રોને કે પછી પોતાનું 'સર્કલ' કહેવાય એમને આવો મેસેજ આપનારી ફિફટી પ્લસ એજની ગુજરાતી ગૃહિણીઓ મેં જોઈ છે અને એ સૂચનનું પાલન કરીને ગાઉન ખરીદવા, સીવડાવવા દોડતી આન્ટીજીઓને પણ હું ઓળખું છું. ઘાટઘૂટ વિનાના શરીર પર શોભે કે ન શોભે, પણ ફ્રેન્ડે કહ્યું એટલે પહેરવું પડે. ગાઉન પહેરવાના સૂચન વિશે બબડાટ કરી રહેલી એક ગુજરાતણને મેં સહજભાવે કહ્યું કે ન ગમે એ નહીં પહેરવાનું. તો એણે પ્રતિભાવ આપ્યો કે અમારા સર્કલમાં તો આવું બધું કરવું પડે. મેં મૌન સાધ્યું પણ મારી પેલી માથાભેર મિત્ર આ સાંભળીને બોલી, 'કેમ ભૈ, ગાઉન નહીં પહેરે તો લોકો તને સર્કલમાંથી બહાર કાઢી નાખશે?'

 

કદાચ જેનામાં આત્મવિશ્વાસની કમી હોય એ લોકો આવી દેખાદેખી કે દબાણને વશ થતા હશે. હાય હાય, હું ડ્રેસકોડમાં કહ્યું છે એવો વાયોલેટ કલરનું ગાઉન પહેરીને, મેચિંગ પર્સ લઈને નહીં જાઉં તો ગરીબ અને જુનવાણીમાં ખપી જઈશ.

 

ક્યારેક આમાં આન્ટીજીનાં સંતાનો, ભાણેજ-ભત્રીજાઓ પણ ભાગ ભજવે છે. પોતાના લગ્નમાં બધા મહેમાનો બ્યૂટીફુલ, સોફિસ્ટિકેટેડ, મોડર્ન લાગવા જોઈએ એવું માનીને આ લોકો, ખાસ કરીને છોકરીઓ ડ્રેસકોડનો આગ્રહ રાખે છે અને બીજાઓ એના તુક્કાને મને કમને વશ થાય છે. આશ્ચર્ય અહીં એ વાતનું છે કે કોલેજમાં ડ્રેસકોડનો સખત વિરોધ કરનારી બિન્ધાસ્ત બેબ, પોતાના લગ્નની કંકોતરીમાં ડ્રેસકોડ લખાવવાનો આગ્રહ રાખે છે. એ પણ સામેવાળા મૂંઝાઈ જાય એવો કલર. એકસરખા રંગ કે સ્ટાઇલનાં કપડાં પહેરીને નીકળીએ ત્યારે બેન્ડવાજાંવાળા લાગીએ એવી હળવી મજાક થાય છે, પણ લગ્નમાં એકસરખાં કપડાં પહેરીને આવેલાં મહેમાનોને જોઈને ત્યાં હાજર બેન્ડવાજાંવાળા શું વિચારતા હશે?

 

આ સાંભળ્યું ત્યારથી વિચાર આવે છે કે શેમ્પેઇન કલરની સાડી પહેરેલી મમ્મી સાથે શેમ્પેઇન કલરનું ડિઝાઇનર ગાઉન પહેરીને ગયેલી અમદાવાદી બાળાએ પોતાના લગ્ન માટે લોકોને વધુ મૂંઝવી નાખે એવો ડ્રેસકોડ નક્કી કરી નાખ્યો હશે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OswLhyHmDysaqv7tD6%2BPrSSetXNVVh4MmUCpBnLuk1beA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment