વિખ્યાત નાટ્યકાર લુઈજી પિરેન્ડેલોની નોંધપોથીમાં એક આવું વિધાન છે, 'કોઈક બીજું મારું જીવન જીવી રહ્યું છે અને હું તો એને ઓળખતો પણ નથી.' દરેક માણસને પોતાની જિંદગી પોતાની જાતે જ અને પોતાની રીતે જ જીવવી છે, પણ આ રીતે જીવવામાં તો ઘણીબધી મુસીબતો ઊભી થવાનો ડર રહે છે. પોતાની જાતને સચ્ચાઈપૂર્વક જેવી હોય તેવી પ્રગટ કરવામાં રહેલાં જોખમો જાણી ભોગવી લીધાં પછી માણસને થાય છે કે અસલ જાતને પ્રગટ કરવામાં મજા જ નથી. આપણે ભલેને જેવા હોઈએ તેવા, દુનિયાને આપણે આપણી જગ્યાએ બીજી જ વ્યક્તિ બનાવવામાં સલામતી છે! દરેક માણસ પાસે પોતાનો એક નાનકડો અરીસો છે. તેમાં તે પોતાનો ચહેરો જુએ છે. દરેકનો પોતાનો ચહેરો તો રૃપાળો જ લાગે, પણ દુનિયાના માણસો પાસે 'પોતાની આંખ' જેવી પ્રેમાળ આંખ થોડી હોય છે? ખરેખર રૃપાળા ચહેરામાં પણ બીજા માણસો તો ખોડખાંપણ કાઢવાના જ! માણસ પોતે તો પોતાના અરીસામાં પોતાનું રૃપ પણ જુએ છે – રૃપ ન હોય તો પણ તેને તો પોતાના ચહેરામાં 'રૃપ' દેખાવાનું, પણ સાથે-સાથે તે પોતાનું અરૃપ પણ થોડુંઘણું તો જોઈ જ શકે છે. તેને લાગે છે કે દુનિયાની સમક્ષ આપણો અસલ ચહેરો અને અસલ જાત જાહેર કરવાં જેવાં જ નથી. પોતાના ઉપયોગ પૂરતો અરીસો સારો છે, પણ દુનિયાને આપણા પોતાના જ અરીસાનું સાચું પ્રતિબિંબ બતાવવું જ નહીં – દુનિયાની સામે તો ચહેરા પર એક મહોરું ચઢાવીને જ હાજર થવામાં સલામતી છે. એટલે લોકો અરીસો પણ રાખે છે અને મહોરું પણ રાખે છે. અરીસાની આગળ અને મહોરાની પાછળ રહીરહીને માણસ પછી પોતાની જાત વિશે પારાવાર ગૂંચવાડામાં પડી જાય છે. પછી તેને ખુદને પોતાની જાત અજાણી લાગવા માંડે છે. સમર્થ નાટ્યકાર પિરેન્ડેલોની જેમ એ કોઈ નોંધપોથી તો રાખતો નથી, પણ પિરેન્ડેલો જેવા જ ઉદ્ગારો તેની પોતાની અંદર આલેખાઈ ગયા હોય છે અને કોઈ કોઈ વાર તો એ શબ્દો અનાયાસે પણ વાંચ્યા વગર રહેતો નથી. માણસને માણસોનો – દુનિયાનો બહુ જ ડર લાગે છે. તે એટલે ખાસ ખેવના રાખે છે કે રખે પોતે બીજા માણસોની નજરમાં ઊતરી જાય – હલકો પડી જાય. અનેક માણસો પોતાના વિશેની બીજાઓની ધારણાનો વિચાર કરી કરીને દુઃખી થાય છે. બીજાના મતની કદર કરવી તે સારી વાત છે, પણ આપણી પોતાની જાત વિશેનાં તેમનાં બધાં જ અનુમાનો કે અભિપ્રાયો માથે ચઢાવવાની જરૃર જ ન હોય. જો માણસ આ રીતે દરેક બીજા માણસના ત્રાજવામાં કોઈ કારણ વિના પગ મૂકે અને તોળાવા તૈયાર થઈ જાય તો તેને માટે આવું વલણ તદ્દન અજાણપણે જ પોતાની જાતની હરાજી કરવા જેવું થઈ જાય. એક પિતાએ હમણાં નિખાલસપણે કહ્યુંઃ 'મારા દીકરાને મારે બીજી શાળામાં દાખલ કર્યા વિના છૂટકો નથી. અત્યારે જે શાળામાં તે છે તે શાળામાં આમ બીજો તો કોઈ પ્રશ્ન નથી, પણ એની શાળામાં કેટલાક શ્રીમંત માણસોના છોકરા ભણે છે. એ લોકો રોજ નવાં-નવાં ટુ વ્હીલર લઈ આવે છે. રોજ નવાં નવાં હોર્ન નખાવે છે. તેમનું બે પૈડાંનું વાહન રોજ સજાવી-શણગારીને શાળાએ લઈ આવે છે. 'મારો દીકરો રોજ માગણી કરે છે કે પપ્પા, મારે એવું જ વાહન – એવાં જ વાહનો એકથી વધુ જોઈએ છે, તમે અપાવો ને! લોકો તો કહે છે કે તારા પપ્પા પૈસાવાળા છે, તો શું વાંધો છે. મારે શ્રીમંત નબીરાઓને બતાવી આપવું છે કે હું કંઈ કમ નથી. 'મારા દીકરાને હું કઈ રીતે સમજાવું કે આ બધું ખોટું છે. મેં તેને સમજાવવા ખૂબ કોશિશ કરી કે તું શાળાએ ભણવા જાય છે. તારે બરાબર ભણવું જોઈએ. શાળા એ કંઈ સારા મોંઘા પોશાક અને નિતનવા વાહનની હરીફાઈનું સ્થળ નથી. આપણે એટલા શ્રીમંત નથી જ, પણ હોઈએ કદાચ તો પણ આપણે આવી દેખાદેખીમાં પડવું જ શા માટે? તું બરાબર ભણીને એ લોકો કરતાં ચઢિયાતો સાબિત થવાની કોશિશ શું કામ કરતો નથી? તું શા માટે આટલી નાની ઉંમરે તારા પિતાના પૈસા પર મુસ્તાક બને છે? તારી શાળા એ તારી બુદ્ધિ, તારી વિદ્યા, તારો ઉદ્યમ બતાવવાનું સ્થળ છે. બાપના પૈસાનું પ્રદર્શન કરવાની એ જગ્યા નથી. 'પણ કોણ સાંભળે! દીકરો કહે છે કે એ શ્રીમંતોના છોકરાની સાથે સ્પર્ધામાં મને તમે ઉતારી શકો તેમ ન હો તો મારે હવે એ શાળામાં જવું જ નથી. મને કોઈ બીજી શાળામાં દાખલ કરાવી દો. બોલો, આમ વાત છે.' |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osafh8BYiPzO4Aj%2BpRcZKsm8FDgrT5vzTMX7OjhEXaD4w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment