Monday 29 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્વાઇન ફ્લુ જ્યારે મૃત્યુનું કારણ બને ત્યારે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વાઇન ફ્લુ જ્યારે મૃત્યુનું કારણ બને ત્યારે!
જિગીષા જૈન

 

 

મહારાષ્ટ્રમાં ફક્ત આ જ મહિનામાં સ્વાઇન ફ્લુએ ૭૫ લોકોનો જીવ લીધો. આ વર્ષ હજી પૂરું પણ નથી થયું અને આ મહિના સુધીમાં ૨૪૪ લોકો સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ રોગ ઘણા સમયથી ફેલાયેલો છે અને એની અસર ઘણી ઘાતકી પણ દેખાઈ રહી છે ત્યારે આ બાબતે ડરીએ નહીં, પરંતુ સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે


ફક્ત ઑક્ટોબર મહિનામાં ૭૫ લોકો મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ પામ્યા છે. જો આ વર્ષનો આંકડો તપાસીએ તો ઑક્ટોબર-૨૦૧૮ સુધીમાં ૨૪૪ લોકો મહારાષ્ટ્રમાં ફક્ત સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે કુલ ૨૦,૧૨૭ લોકોને સ્વાઇન ફ્લુ થયો છે જેમાંથી ૩૮ લોકો હજી વેન્ટિલેટર પર છે જેમની પરિસ્થિતિ એકદમ નાજુક કહી શકાય. નાશિકમાં સૌથી વધુ ૭૬ જેટલાં મૃત્યુ નોંધાયાં હતાં જ્યારે પુણેમાં ૬૪ જેટલાં મૃત્યુ નોંધાયાં હતાં. પિંપરી-ચિંચવડમાં ૩૩ અને સાતારામાં ૨૮ મૃત્યુ નોંધાયાં હતાં. મુંબઈમાં જોકે કોઈ મૃત્યુ હજી સુધી નોંધાયું નથી એનો હાશકારો લઈ શકાય, પરંતુ સ્વાઇન ફ્લુ જેવો ચેપી રોગ પૂરા મહારાષ્ટ્રમાં અને નજીકના રાજ્ય ગુજરાતમાં કેર મચાવી રહ્યો છે ત્યારે મુંબઈવાસીઓ નિશ્ચિત તો ન જ બની શકે. ગયા વર્ષે એટલે કે ૨૦૧૭માં મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુને કારણે ૭૭૭ મૃત્યુ નોંધાયાં હતાં. આંકડાઓ મુજબ ૨૦૦૯ અને ૨૦૧૫ બન્ને ખૂબ ખરાબ વર્ષો રહ્યાં હતાં. ૨૦૧૫માં ૯૨૫ લોકો રાજ્યમાં સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્ય સરકાર પોતાની રીતે આ બાબતે કાર્યરત છે, પરંતુ તેમણે મેળવેલા આંકડાઓ મુજબ છેલ્લા બે મહિનામાં સ્વાઇન ફ્લુના કેસોમાં ઘણો વધારો નોંધાયો છે. એની પાછળ ન આવતો વરસાદ, દિવસ અને રાતના તાપમાનમાં મોટો ફરક જવાબદાર છે.


લક્ષણો
એ હકીકત છે કે સ્વાઇન ફ્લુનાં લક્ષણો એ સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ હોય છે જેને ફ્લુ પણ કહી શકાય છે. સ્વાઇન ફ્લુનું ઇન્ફેક્શન કેટલું પ્રબળ છે એ મુજબ પણ લક્ષણો દેખાઈ શકે છે. એ વિશે વાત કરતાં એસ. એલ. રાહેજા ર્ફોટિસ હૉસ્પિટલ, માહિમના પલ્મનૉલૉજિસ્ટ ડૉ. પ્રેયસ વૈદ્ય કહે છે, 'સ્વાઇન ફ્લુમાં ગળામાં ખરાશ આવી જાય છે, નાક વહેતું હોય છે, શરદી અને ઉધરસ પણ હોય શકે છે, તાવ આવતો હોય છે, પણ ખૂબ વધારે નહીં. આ પ્રકારનાં લક્ષણો સાવ સામાન્ય છે. બાકી માથાનો દુખાવો થઈ શકે છે, ક્યારેક ઠંડી લાગે, કોઈ કેસમાં ઊલટી, ચક્કર, ડાયેરિયા પણ થઈ શકે છે અને એક મુખ્ય લક્ષણ છે જે સ્વાઇન ફ્લુને બીજા ફ્લુથી અલગ તારવે છે એ છે સાંધાનો દુખાવો. જોકે સ્વાઇન ફ્લુના દરેક કેસમાં એ જોવા મળે એવું પણ નથી હોતું. આજકાલ જે જોવા મળે છે એ કેસોમાં સાંધાનો દુખાવો ભાગ્યે જ જોવા મળે છે.'


અમુક લોકોએ ખાસ ધ્યાન રાખવું
સ્વાઇન ફ્લુ જેવો રોગ એક સામાન્ય રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તકલીફદાયક નથી સાબિત થતો. બીજા વાઇરલ ઇન્ફેક્શનની જેમ જ તેમનું શરીર આ રોગ સામે લડી લેતું હોય છે, પરંતુ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમનામાં આ રિસ્ક ઘણું વધારે છે. તેમણે જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ વાત સમજાવતાં સાંતાક્રુઝ અને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, 'ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સ્વાઇન ફ્લુ નડી શકે છે. આ સિવાય પ્રેગ્નન્ટ સ્ત્રીઓ, પહેલેથી જ રોગ ધરાવતી વ્યક્તિઓ જેમ કે ણ્ત્સ્ના દરદીઓ, વ્ગ્ના દરદીઓ વગેરે, ડાયાબિટીઝ કે કુપોષણ જેવી તકલીફો ધરાવતી વ્યક્તિઓ જેને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે એવા લોકોને સ્વાઇન ફ્લુ જેવો રોગ હેરાન કરી શકે છે. આ રોગ આ પ્રકારના દરદીઓનાં ફેફસાં પર અસર કરે છે અને એને કારણે તેમને જીવ પણ ગુમાવવો પડે એમ પણ બની શકે. માટે મહત્વનું એ છે કે આ લોકોને વાઇરલ પણ થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું, ગફલતમાં ન રહેવું. જોકે તમે હાઈ રિસ્ક દરદી છો એનો અર્થ એવો પણ નથી કે તમને થયેલો સ્વાઇન ફ્લુ ગંભીર રૂપ ધારણ કરશે જ, પરંતુ એનો અર્થ એ ચોક્કસ છે કે તમે ડૉક્ટરને મળો જ, ગફલતમાં ન રહો. વાઇરલ પણ હોય તોય તમારે ડૉક્ટર પાસે પહેલે દિવસે જ જવું.'


ઇલાજ
સ્વાઇન ફ્લુનો ઇલાજ જો લક્ષણો દેખાવાની ૪૮ કલાકની અંદર જ શરૂ થઈ જાય તો એ વધુ અસરકારક સાબિત થાય છે, પરંતુ મોટા ભાગે એવું બનતું નથી કે ૪૮ કલાકની અંદર ઇલાજ શરૂ થઈ જાય, કારણ કે શરૂઆતી લક્ષણોમાં નિદાન કરવું કે આ સામાન્ય ફ્લુ નહીં, પરંતુ સ્વાઇન ફ્લુ છે એ ખૂબ અઘરું છે. એ વિશે વાત કરતાં સૈફી હૉસ્પિટલના ફિઝિશ્યન ડૉ. સ્નેહલ સંઘવી કહે છે, 'મોટા ભાગે ણ્૧ફ્૧ વાઇરસના હુમલા છતાં પ્રબળ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા ૯૦ ટકા લોકોને આ રોગ થતો જ નથી, જેને થાય તેમના માટે પણ ઇલાજ જો સમયસર શરૂ થઈ જાય તો પ્રૉબ્લેમ નથી થતો. વળી આ રોગની રસી પણ આવે છે, પરંતુ એ મોટા ભાગે જે લોકો ભૂંડને પાળતા હોય તેને જ આપવામાં આવે છે, બાકી યાદ રાખવા જેવી બાબત એ છે કે જો તમારા ઘરમાં કે આપ્ïતજનને સ્વાઇન ફ્લુ થયો હોય તો ચેપી રોગ હોવાને કારણે તમને પણ થઈ શકે છે તો એ ન થાય એ માટે ડૉક્ટરને પૂછીને દવા લઈ લેવી જેનાથી તમને ચેપ ન લાગે.'


ચેપ લાગતાં અટકાવો
જે વ્યક્તિને સ્વાઇન ફ્લુ થયો છે એ વ્યક્તિએ હંમેશાં બીજા લોકોથી દૂર રહેવું જરૂરી છે, કારણ કે એ વ્યક્તિની આસપાસ રહેતી કોઈ પણ વ્યક્તિને આ રોગ થઈ શકે છે. દરદીની છીંક, થૂંક વડે આ રોગ ફેલાઈ શકે છે. આ ઉપરાંત દરદીએ વાપરેલી વસ્તુઓ, તેની આસપાસની ચીજોમાં પણ આ વાઇરસ લાગી ગયા હોય અને એ કોઈ પણ રીતે બીજી વ્યક્તિના શ્વાસ કે મોઢામાં જાય તો ચેપ લાગી શકે છે. જ્યારે સ્વાઇન ફ્લુના વાયરા હોય અને તમને સામાન્ય ફ્લુનાં લક્ષણો હોય ત્યારે પણ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું. બને ત્યાં સુધી આરામ કરવો.


બચવા માટે શું કરવું?
આ ચેપથી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને જેમની તબિયત ખરાબ રહે છે એ લોકોને બચાવવા જરૂરી છે. જો તમને લાગતું હોય કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તો આ ચેપથી બચવાની કોશિશ કરવી એ અત્યંત જરૂરી છે


કોઈ પણ ચેપી રોગથી બચવા જ્યારે ટ્રેનમાં કે બસમાં કે ભીડભાડવાળી જગ્યા પર જાઓ ત્યારે માસ્ક પહેરી શકો છો, જેને લીધે હવામાં આ વાઇરસ હોય તો શ્વાસમાં જતાં અટકી શકે છે


જો તમારા ઘરમાં કોઈને આ રોગ હોય તો તમને થવાની પૂરી શક્યતા છે માટે ડૉક્ટર સાથે વાત કરીને રોગને રોકવા માટેની દવાઓ લઈ લેવી


જેમને પણ આ રોગ છે તે બીજાને ઇન્ફેક્શન ન લાગે એ માટેની નૈતિક જવાબદારી નિભાવે એ જરૂરી છે. આવા લોકો બહાર ન જાય, ઘરમાં જ રહે અને ઠીક થાય પછી જ બહાર નીકળે એ જરૂરી છે


જો તમને સામાન્ય વાઇરલ તાવ આવ્યો હોય એમ લાગે તો પણ સાવધાન રહો. શ્વાસ સંબંધિત કોઈ પણ પ્રકારનાં ચિહ્નો જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ અને નિદાન કરાવી લો. મોડો શરૂ થયેલો ઇલાજ ઘાતક નીવડી શકે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot0KgrOGfs9TJ0eS1yGxKp%3D_ShP8Zqrzako5PjUR1SE-g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment