Wednesday, 31 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એકવીસમી સદીમાં આધ્યાત્મિકતા શા માટે જરૂરિયાત બની જવાની? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એકવીસમી સદીમાં આધ્યાત્મિકતા શા માટે જરૂરિયાત બની જવાની?
શિશિર રામાવત


 

ઇઝરાયલના યુવલ હરારીની ગણના આજની તારીખે દુનિયાના સૌથી સ્માર્ટ, સૌથી અરિજિનલ અને સૌથી મહત્ત્વના ચિંતકો-લેખકોમાં થાય છે, કારણ કે...

યુઅલ નોઆહ હરારી એક એવા લેખક છે કે આજે એનું પુસ્તક બહાર પડે છે ને ચાર જ દિવસમાં બિલ ગેટ્સ 'ધ ન્યુ યોર્ક ટાઇમ્સ'માં એનો મસ્તમજાનો રિવ્યુ લખી નાખે છે. વર્ષો સુધી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ હોવાનું માન ખાટી ગયેલા બિલ ગેટ્સ ઉપરાંત ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા અને ફેસબુક લોન્ચ કરીને દુનિયાભરમાં સોશિયલ હુલ્લડ પેદા કરનારા માર્ક ઝકરબર્ગ જેવા મહાનુભાવોથી માંડીને સત્તર-અઢાર વર્ષના કોલેજિયનો સુધીના સૌ કોઈ યુવલ હરારીના ફેન છે. આ બેતાલીસ વર્ષીય હિસ્ટોરીઅનની ગણના આજની તારીખે દુનિયાના સૌથી સ્માર્ટ, સૌથી અરિજિનલ અને સૌથી મહત્ત્વના ચિંતકો-લેખકોમાં થાય છે. એમણે પોતાનાં 'સેપિઅન્સ' નામના પુસ્તકમાં માનવજાતના લાખો વર્ષોમાં ફેલાયેલા અતીતનું સિંહાવલોકન કર્યું છે, તો 'હોમો ડુસ' (એટલે કે સુપર હ્યુમન, મહામાનવ)માં માણસજાતના આવનારા ભવિષ્ય વિશે અભ્યાસપૂર્ણ વાતો કરી છે. આ વિષયો ભારેખમ છે, પણ યુવલની લખવાની શૈલી એવી રસાળ છે કે વાચકને એવું જ લાગે કે જાણે એ ટ્વિસ્ટ-ટર્ન્સથી ભરપૂર કોઈ દિલધડક જાસૂસી નવલકથા વાંચી રહ્યો છે. આજકાલ તેઓ પોતાના લેટેસ્ટ અંગ્રેજી પુસ્તક 'ટ્વેન્ટી-વન લેસન્સ ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી'ને કારણે ન્યુઝમાં છે.

એકવીસમી સદીમાં શીખવા જેવા એકવીસ પદાર્થપાઠ. આ પુસ્તકમાં યુવલ હરારીએ ભૂતકાળ કે ભવિષ્યકાળની નહીં પણ વર્તમાનકાળની વાત કરી છે. એકવીસમી સદીમાં કેવાં કેવાં પરિવર્તનો આવશે માણસજાત સામે ક્યા અતિ ગંભીર પડકારો ઊભા થશે? તેનો સામનો કરવા માટે આપણે શી તૈયારી કરવી જોઈએ? હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમમાં લેકચરર તરીકે કામ કરતા યુવલ હરારી કહે છે કે એક સમયે જેમની પાસે સૌથી વધારે જમીન હોય તે માણસ સૌથી પાવરફુલ ગણાતો. ઓગણીસમી-વીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને જેની પાસે સૌથી વધારે ઉદ્યોગો હોય એવા માણસો કે દેશો પાવરફુલ ગણાયા. એકવીસમી સદીમાં જેની પાસે સૌથી વધારે ડેટા હશે એ મોસ્ટ પાવરફુલ ગણાશે! ડેટા એટલે માહિતી, ઇન્ફર્મેશન, વિગતો. માણસોનો વ્યક્તિગત ડેટા, સમુદાયો વિશેનો ડેટા, આર્થિક-વહીવટી-આરોગ્યને લગતો ડેટા. આજે આપણે ડિજિટલ યુગમાં પ્રવેશી ચુક્યા છીએ. ઇન્ટરનેટ જાણે ઓક્સિજન હોય એટલી હદે અગત્યનું બની રહ્યું છે. ડેટાની રમઝટ ઇન્ટરનેટના આધારે તો થાય છે. ગૂગલ, ફેસબુક, એમેઝોન અને બીજી કેટલીક કંપનીઓ ડેટા એકત્રિત કરવા હોડ લગાવી છે.

યુવલ હરારીએ અગાઉ લખ્યું હતું કે આવતી કાલ આલ્ગોરિધમ્સની છે. આલ્ગોરિધમ એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો, કમ્પ્યૂટર સમજી શકે એવી ફોર્મ્યુલા કે સમીકરણો. એક્વીસમી સદીનું વિજ્ઞાન કહે છે કે માણસમાત્રનાં વિચારો, વૃત્તિઓ, વર્તન અને વ્યવહાર બીજું કશું નહીં, પણ આલ્ગોરિધમ છે. ચોકકસ પ્રકારની આંતરિક ફોર્મ્યુલા કે સમીકરણોનાં કોમ્બિનેશનના આધારે આ બધું નક્કી થાય છે. આજે વિજ્ઞાન એટલું વિકસી ચુક્યું છે કે માણસનું મગજ કઈ રીતે કામ કરે છે, આપણા શરીરમાં કેવા કેવા કેમિકલ લોચા થાય છે અને આ લોચાઓનો શો ઇલાજ છે એની આપણને ઠીક ઠીક ખબર પડવા લાગી છે. ઘણું બધું ઉકેલવાનું હજુ બાકી છે છતાંય બોડી અને બ્રેઇનની આંતરિક રચના હવે પહેલાં જેટલી રહસ્યમય રહી નથી. ઝપાટાભેર વિકસી રહેલા બોયોટેકનોલોજી અને કમ્પ્યુટર સાયન્સ (એમાંય ખાસ કરીને મશીન લર્નિંગ) જેવા વિષયોના ખતરનાક કોમ્બિનેશનને પ્રતાપે અલ્ટિમેટ ઓથોરિટી ક્રમશઃ કમ્પ્યૂટરાઇઝ્ડ આલ્ગોરિધમના હાથમાં આવી જવાની. ડેટા જેટલો વધારે, આલ્ગોરિધમ એટલું મજબૂત અને એક્યુરેટ. ત્રીસેક વર્ષમાં સંભવતઃ એવો સમય આવશે કે આપણે ખુદને જાણીએ છીએ એના કરતાં મશીનો આપણને વધારે સારી રીતે જાણવા લાગશે. આપણે પોતાની જાત કરતાં મશીનો પર વધારે વિશ્વાસ મૂકતા થઈ જઈશું! પર્યાવરણમાં આવી રહેલાં પરિવર્તનો અને આતંકવાદ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જો એ નિરંકુશ બની જશે તો, એકવીસમી સદીમાં સૌથી વિરાટ પ્રશ્નો ખડા કરશે.

અત્યારે ડ્રાઇવર વગર ચાલતી કમ્પ્યુટરાઇઝ્ડ કારના અખતરા પૂરજોશમાં ચાલી રહ્યા છે. કલ્પના કરો કે તમે આવી કારમાં કશેક જઈ રહ્યા છો. અચાનક કારની સામે બે નાનાં બાળકો કૂદી પડે છે. જો જીવતોજાગતો માણસ ડ્રાઇવિંગ કરતો હોય તો એ જોરદાર બ્રેક મારીને એક્સિડન્ટ થતો અટકાવવાનો પ્રયત્ન કરશે, પણ કમ્પ્યુટરાઇઝ્ડ કારનું આલ્ગોરિધમ જોશે કે જો હું અચાનક બ્રેક મારીશ તો કાર ઉથલી પડશે ને મારા માલિકને સખત ઇજા પહોંચશે. જો એમ નહીં થાય તો પાછળથી પૂરપાટ આવી રહેલો ટ્રક તો કારને જોરદાર ટક્કર મારી જ દેશે. માનો કે કારનું પ્રોગ્રામિંગ એવી રીતે થયું છે કોઈ પણ સંજોગોમાં માલિકની સેફ્ટી સૌથી પહેલી જોવાની. આથી કાર શું કરશે? એ ઓચિંતી બ્રેક નહીં મારે. ભલે પેલાં નાનાં માસૂમ બાળકો મરી જાય પણ મારો માલિક સલામત રહેવો જોઈએ!

આ એક સાદું ઉદાહરણ થયું. યુદ્ધના માહોલમાં કે રોગચાળાની સ્થિતિમાં કમ્પ્યુટર આલ્ગોરિધમ એવા નિર્ણયો લઈ શકે છે અત્યંત વિનાશક પૂરવાર થાય. આથી જ યુવલ હરારી કહે છે કે ખૂબ બધો પાવર અમુક સેંકડો-હજારો કમ્પ્યુટર એન્જિનીયરો અને મુઠ્ઠીભર કંપનીઓના હાથમાં આવી જાય એ ચિંતાજનક સ્થિતિ છે. ટેકનોલોજીનાં ક્ષેત્રમાં એથિક્સ (નીતિમત્તા) અને મોરલ વેલ્યુઝ (નૈતિક મૂલ્યો)ની આજે જેટલી જરૂર છે એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી.       

યુવલ હરારી ભવિષ્ય ભાખે છે કે ભવિષ્યમાં મશીનો એટલાં કાબેલ અને સક્ષમ બની જવાનાં છે કે માણસોનો એક મોટો વર્ગ નવરોધૂપ થઈ જવાનો. નકામા અને ઇરરિલેવન્ટ માણસોના વિરાટ સમુદાયો અસ્તિત્ત્વમાં આવશે જેના પરિણામે એક અલગ પ્રકારનો વર્ગવાદ પેદા થશે. શક્ય છે કે એક સત્તાશાળી અને અતિ ભદ્ર વર્ગ એવો હોય જે જિનેટિક્સના સ્તરે મેનિપ્યુલેશન કરીને વધારે સુંદર, તેજસ્વી અને પ્રતિભાશાળી સંતાનો પેદા કરતો જાય! આ બાજુ, ગરીબ લોકોની નવી પેઢીઓ મામૂલી રહી જાય. ધારો કે સરકારો નકામા બની ગયેલા લોકોના ભરણપોષણની જવાબદારી લઈ લે તો પણ શું? કામધંધા વગરના માણસે આખો દિવસ કરવાનું શું? આથી જ યુવલ હરારી કહે છે કે માણસે પોતાની ભીતર સ્થિર થતાં શીખવું પડશે, ધ્યાન અને મેડિટેશન કરતાં શીખવું પડશે, સમતા કેળવવી પડશે, આધ્યાત્મિક બનવું પડશે. એકવીસમી સદીમાં સ્પિરિચ્યુઆલિટી એ ફેશન કે બુઢા લોકોની પ્રવૃત્તિ નહીં, પણ એક જરૂરિયાત બની જશે! યુવલ હરારી સ્વયં અઢારેક વર્ષથી વિપશ્યનાના અઠંગ સાધક છે અને આસિસ્ટન્ટ ટીચર તરીકે સેંકડો લોકોને આ વિદ્યા શીખવામાં મદદ કરી ચુક્યા છે.  

આવનારા સમયમાં જોબ માર્કેટ એટલી ત્વરાથી બદલાશે કે તમે આજે જે ભણી રહ્યા છો તે ભવિષ્યમાં સહેજ પણ કામમાં ન આવે એવું બને. યુવલ હરારી કહે છે કે વિદ્યાર્થી અવસ્થાને જિંદગીના શરૂઆતના પંદર-વીસ વર્ષ પૂરતી સીમિત કરી નાખવાથી હવે નહીં ચાલે. સમયની સાથે ચાલવા માટે, કમાવા માટે, રિલેવન્ટ રહેવા માટે આપણે હવે આજીવન શીખતાં રહેવું પડશે, ભણતાં  રહેવું પડશે. આથી આજના વાલીઓએ પુસ્તકીયા જ્ઞાનને વધારે પડતું મહત્ત્વ આપવાને બદલે પોતાનાં સંતાનનાં મૂળભૂત કૌશલ્યો મજબૂત થાય, એ જીવન અને પ્રકૃતિ વિશે વધુ ને વધુ શીખતો જાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ.

ખરેખર વિચારતા કરી મૂકે એવી છે યુવલ હરારીની વાતો. યુટ્યુબ પર એમનાં અફલાતૂન અંગ્રેજી પ્રવચનો અને વાર્તાલાપોના કેટલાય વિડીયો અવેલેબલ છે. ખાસ જોજો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsjZbhMwKoaiY1DD4JUj7KNh9e3ivoPiy%3D%2BdvGetwVzRw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment