Wednesday, 31 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવાનોમાં ઍસિડિટીનું પ્રમાણ વધી રહ્યું છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવાનોમાં ઍસિડિટીનું પ્રમાણ વધી રહ્યું છે!
જિગીષા જૈન

 

આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ યુવાન વ્યક્તિ કહેતી કે તેને ઍસિડિટી થઈ છે. પરંતુ આજની તારીખે ઘણી નાની વયથી આ તકલીફ શરૂ થઈ જાય છે. એનાં કારણો મોટા ભાગે લાઇફ-સ્ટાઇલ સંબંધિત જ છે. આજે એ કારણો વિશે સમજીએ અને યુવાન વયમાં ઍસિડિટીની તકલીફની ગંભીરતા પણ સમજીએ.


ઍસિડિટીની તકલીફ ઘણા લોકોને સાવ સામાન્ય લાગે છે. એક સમય હતો જ્યારે દરરોજ થતી પેટની કે છાતીની બળતરા કે ઘચરકા કે ખાટા ઓડકાર કે માથાનો દુખાવો વગેરેની તકલીફ ફક્ત પચાસ વર્ષથી ઉપરના લોકોને જ થતી હતી. યુવાન વયમાં કોઈ કહે કે મારે આટલું તીખું નથી ખાવું કે માફક નહીં આવે તો લોકો તેના પર હસતા. એ જનરેશન એવું માનતી કે યુવાનીમાં તો પાણા પણ પચી જાય. ઊલટું ઘણાં ઘરોમાં તો બાળકો યુવાન હોય તો તેને ખાસ તીખું અને મસાલેદાર બનાવી દેવાની પરંપરાઓ હતી, પરંતુ આજકાલ સમય બદલાયો છે. યુવાનો ખીચડી પર આવી ગયા છે, કારણ કે યુવાનોમાં ઍસિડિટી અને ગૅસની તકલીફ જોવા મળે છે. ફક્ત જોવા મળે છે એવું નહીં, પરંતુ તેમનામાં એવી ઍસિડિટી જોવા મળે છે કે જેને કારણે તેમના રોજિંદા કામકાજ પર પણ અસર પડતી દેખાય છે. ઍસિડિટીની તકલીફ વિશે જાણીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે શરીરમાં એસીડ ક્યાં બને છે અને શું કામ કરે છે. ઍસિડ હોજરીમાં બનતું ઘટક છે. એનું મુખ્ય કામ બહારથી જે ખોરાક શરીરમાં પ્રવેશે છે એ ખોરાકમાં રહેલા નુકસાનકારક બૅક્ટેરિયા અને વાઇરસનો નાશ કરવાનું છે, જેને લીધે શરીર ઇન્ફેક્શનથી બચી શકે. હવે આ ઍસિડની એક નિã ત જરૂરી માત્રા હોય છે. એનાથી વધુ બને તો છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, ઊલટી જેવાં ચિહ્નો જોવા મળે છે. આ ચિહ્નોનું કારણ એ છે કે શરીર ઍસિડની આ વધારાની માત્રાને શરીરમાંથી બહાર ફેંકવાની કોશિશ કરતું હોય છે, જેને લીધે આ લક્ષણો દેખાય છે. ૧૮-૪૦ વર્ષના લોકોમાં ઍસિડિટીનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. તેમની આ પરિસ્થિતિ પાછળ અમુક ખાસ કારણો જવાબદાર છે, જે વિશે આજે જાણીએ ઝેન હૉસ્પિટલના ડિરેક્ટર અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર પાસેથી.


અપૂરતી ઊંઘ
આપણું શરીર એક એવું મશીન છે જેને પૂરતો આરામ ન મળે તો એમાં ખરાબી ચાલુ થઈ જાય છે. જે લોકો રાતની ગાઢ કહી શકાય એવી ૮ કલાકની ઊંઘ કરતા નથી તેમને ઍસિડિટીની તકલીફ થાય જ છે. આજના યુવાનો માટે રાત્રિ જાગરણ ફૅશન બની ગયું છે. મુંબઈ જેવા શહેરમાં તો રાત્રે ૧૨ પહેલાં કોઈ સૂઈ જાય તો લોકો નવાઈ પામે છે. આ રાત્રિ ઉજાગરાઓ શરીરમાં બિનજરૂરી વધુપડતા ઍસિડનું નર્મિાણ કરે છે. એટલે જરૂરી છે કે આ આદતોને બદલવી. રાત્રે દસથી સવારે છની ઊંઘ બેસ્ટ ગણાય છે. બાળક, યુવાન કે વડીલ કોઈ પણ ઉંમરે રાતની ગાઢ ઊંઘ અનિવાર્ય જ છે.


આલ્કોહૉલ અને સ્મોકિંગ
યુવાનોમાં આ બન્ને કુટેવ ઘણી વધારે માત્રામાં જોવા મળે છે. ઘણા લોકો એવા પણ છે જે માને છે કે યુવાન વયે આ આદતો નુકસાન કરતી નથી. હકીકત એ છે કે આ કુટેવો કોઈ પણ ઉંમરે નુકસાન કરે જ છે. સ્મોકિંગને કારણે લાળગ્રંથિઓ પર અસર પડે છે અને એને કારણે પાચન પર અસર પડે છે, જેને લીધે ઍસિડ વધુ બને છે. અને આલ્કોહૉલની અસર લિવર પર થાય છે, જેને કારણે શરીરમાં વધુ ઍસિડ બને છે. આલ્કોહૉલ તો પોતે જ એટલો ઍસિડિક હોય છે કે શરીરમાં એ આ પ્રકારની ઊથલપાથલ પહેલાં મચાવે છે.


બહારનો ખોરાક
મુંબઈની જ વાત કરીએ તો અહીં ઍવરેજ વ્યક્તિ દિવસમાં એક ટંક તો બહારનું ખાય જ છે. ઘરે બનાવવાનો કે ઘરે બનાવેલું ખાવાનો સમય અહીં લોકો પાસે નથી. ગમે તે કરે તોય છેલ્લે સવારનો નાસ્તો કે સાંજના સ્નૅક ટાઇમમાં તો બધા બહારનું જ ખાય છે. આ સિવાય યુવાન લોકો તો બહારનું ખાવાના વધુ શોખીન હોય છે. શનિ-રવિવારે પાર્ટીઝ કરવાની શોખીન જનતા ઍસિડિટીનો ભોગ બનવાની જ છે. તીખું-તળેલું ખાવાનો શોખ ઘણો હોય છે. આ સિવાય યુવાનો ખાય ત્યારે ખાય, બાકી લાંબો સમય કામના કારણે ખૂબ ભૂખ્યા રહે છે. એને લીધે પણ ઍસિડિટીની તકલીફ વધે છે.


બેઠાડુ જીવન
જે પાણા પચાવવાની આદત છે એ ત્યારે ડેવલપ થાય છે જ્યારે શરીર એકદમ મજબૂત હોય. આજકાલ યુવાનો કામ ઘણું કરે છે. ૨૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરે છે, પરંતુ આ કામ બેઠાડુ છે. આ બેઠાડુ જીવન તેમના શરીરને વધુ ને વધુ નબળું બનાવી રહ્યું છે. જ્યારે વ્યક્તિ બેઠાડુ જીવન જીવે છે ત્યારે પણ તેના શરીરમાં ઍસિડિટી વધુ બને છે, કારણ કે બેઠાડુ જીવન પાચનતંત્ર પર ઘણી અસર કરે છે.


સ્ટ્રેસ
આજના યુવાનોના જીવનની સૌથી મોટી તકલીફ છે સ્ટ્રેસ. ઍવરેજ દરેક યુવાન આજેતએ સહન કરી શકે એના કરતાં ઘણા વધુ સ્ટ્રેસને સહન કરતો હોય છે. કૉર્પોરેટ કલ્ચર, ગળાકાપ હરીફાઈ, ઝડપથી આગળ વધવાની હોડ, સારું પફોર્ર્મ કરવાનું પ્રેશર અને કરીઅરની ડિમાન્ડ આ બધા વચ્ચે આજનો યુવાન ઘણો પિસાય છે. મુંબઈ જેવા શહેરમાં ટેન્શન અને સ્ટ્રેસની કોઈ કમી નથી. જ્યાં સવારે ઘરેથી નીકળ્યા ત્યાં રાત્રે ઘરે પહોંચશે કે નહીં એટલી ઇન્સિક્યૉરિટી હોય તો સ્ટ્રેસનું લેવલ તો વિચારવું જ રહ્યું. આ સ્ટ્રેસ શરીરમાં ઍસિડિટીની માત્રાને ખૂબ વધારી દે છે.


ઇન્ફેક્શન
એચ. પાઇલોરી નામના બૅક્ટેરિયા છે જે માણસના શરીરમાં પ્રવેશે છે. જો ઇમ્યુનિટી સારી હોય તો આ બૅક્ટેરિયા કંઈ કરતા નથી, પરંતુ થોડીક પણ નબળી ઇમ્યુનિટી હોય તો ચોક્કસ ઇન્ફેક્શન થાય છે અને આ બૅક્ટેરિયા શરીરમાં વધુપડતા ઍસિડ માટે જવાબદાર બને છે એટલું જ નહીં, એનાથી અલ્સર થઈ શકે. કૅન્સરના કારક પણ આ બૅક્ટેરિયા છે.


ઍસિડની માત્રા વધી જાય ત્યારે
દુનિયાભરનાં અસંખ્ય રિસર્ચ આ બાબત પર આજે કામ કરી રહ્યાં છે કે શરીરમાં જ્યારે ઍસિડની માત્રા વધી જાય છે ત્યારે શું-શું થતું હોય છે.


જુદાં-જુદાં રિસર્ચે જુદી-જુદી બાબતો સાબિત કરી છે. હકીકત એ છે કે શરીરમાં જ્યારે ઍસિડની માત્રા વધે છે ત્યારે શરીર રોગોનું ઘર બને છે.


સાયન્સ કહે છે કે જે શરીર આલ્કલાઇન છે એ નીરોગી શરીર છે, જ્યારે જેના શરીરમાં ઍસિડ વધુ માત્રામાં બનતો હોય તેની રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે અને તેને કોઈ પણ ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધી જાય છે.


બીજું એ કે ઍસિડની માત્રા વધે ત્યારે શરીરમાં ઇન્ફ્લમેશન ખૂબ વધી જાય છે. શરીરના કયા ભાગમાં કયા પ્રકારનું ઇન્ફ્લમેશન આવે એ મુજબ નક્કી થાય છે કે વ્યક્તિને કયો રોગ થયો. આમ જોઈએ તો કૅન્સરથી લઈને આર્થરાઈટિસ કે પછી કોઈ પણ ઑટોઇમ્યુન ડિસઑર્ડર આ પ્રકારના ઇન્ફ્લમેશનને કારણે થાય છે.


આ સિવાય ઍસિડિટીને કારણે અલ્સર થતું હોય છે. લાંબા ગાળાથી ઍસિડિટી હોય, પરંતુ મટતી જ ન હોય ત્યારે એ શરીરના કોષો પર અસર કરે છે અને અલ્સરની કારક બને છે. ઘણી વખત એ અલ્સર કૅન્સરમાં પણ પરિણમતું હોય છે. મુદ્દો એ છે કે ઍસિડિટીને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ન કરવી. વળી ઍસિડિટી જો લાઇફ-સ્ટાઇલ કારણોને લીધે જ હોય તો તાત્કાલિક એમાં સુધાર લાવવો. યુવાન વયના આ પ્રૉબ્લેમ આગળ જતાં મોટો રોગોને આમંત્રી શકે છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsC8D2oFLeiViOhYjvzKxyGjsfGqzp8zsi_eFUL3HDS4w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment