Tuesday, 30 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રાજારામ જાટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજારામ જાટ!
પ્રફુલ શાહ

 

 

મોગલોની કદમબોશી કરતા ઇતિહાસકારોના વર્ણનમાં સાચા હિન્દુસ્તાની વીરલાની બાદબાકી થઇ ગઇ કે ખોટા-ભૂંડા ચિતરાયા. આવા સાવ હાંસિયામાં ધકેલી દેવાયેલા બહાદુરોમાં એક નામ એટલે રાજારામ જાટ.

રાજારામ જાટની વીરતા અને મોગલોનો કરેલો મુકાબલો એટલો અપ્રતિમ હતો કે કેટલાક ઇતિહાસકાર તેમની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી ચુક્યા છે.

શિવાજીની જેમ જ ગેરિલા યુદ્ધથી શત્રુને હંફાવતા હતા. એ સમયે એ વિસ્તારમાં ગેરિલા યુદ્ધ માટે 'ધાર' શબ્દ વપરાતો હતો. જો કે રાજારામ જાટના શૌર્ય અને પ્રદાનનું યોગ્ય અને પર્યાપ્ત મૂલ્યાંકન થયું નથી એ નક્કી.

હરિયાણા મેવાત પ્રાંતના જાટ વ્યવસાયે ખેડૂત પણ જન્મજાત વીર, યોદ્ધા અને લડાકુ. સામે ગમે તેવો તીસમારખાં, બાહુબલી અને શક્તિશાળી હોય પણ આ જાટ પ્રજા કોઇના અત્યાચાર કે અન્યાય સહન ન કરી લે. માત્ર પોતાના પર આવેલા કે પગ નીચે રેલો આવે ત્યારે જ નહીં પણ એકંદરે અન્યાયનો ઉગ્ર વિરોધ કરનારા.

લગભગ દેશ આખામાં અત્યાચારી મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ વર્તાતી હતી અને ભલભલા ચમરબંધ જાત અને જાન બચાવવા નતમસ્તક થઇ જતા, ત્યારે જાટ લોહી ઉકળ્યા વગર રહેતું નહીં. ઔરંગઝેબનો હિન્દુ ધર્મનો વિરોધ જાણીતો હતો. હિન્દુ પ્રજાની આસ્થાના મહત્ત્વના સ્થાનક સમા વૃંદાવન અને મથુરાનાં મંદિરોને મોગલ સેનાએ ધ્વસ્ત કરી નાખતા જાટ પ્રજા તમતમી ગઇ હતી. આ લોકોએ ગોકુલા સિંહની આગેવાનીમાં એક થઇને મોગલ સૈનિકોનો જોરદાર સામનો કર્યો હતો. ગોકુલા સિંહના નેતૃત્વમાં કેટલાય મોગલ સેનાપતિ-સૈનિકો માર્યા ગયા. ઘણાં ગામોએ મોગલોને લગાન ચુકવવાનું બંધ કરી દીધું. મોગલ સેના સામે લડતા-લડતા ગોકુલા સિંહ ખપી ગયા અને એમની ઉગ્રતાને બ્રેક લાગી ગઇ, પરંતુ મોગલો અને ઔરંગઝેબ સામેનો ગુસ્સો અને અંદરનો જુસ્સો ટકી રહ્યો, ઘણાં લાંબા સમય સુધી.

ગોકુલા સિંહના બલિદાનના લગભગ દોઢેક દાયકા બાદ જાટ પ્રજાને ફરી મળ્યા એક નેતા. રાજારામ જાટ. આ રાજારામ એટલે સિનસિની ગામના ચૌધરી ભજ્જારામના પુત્ર. આપણા 'તટસ્થ ઇતિહાસકાર' ભલે મોઢામાં મગ ભરીને બેસી ગયા પણ પરદેશીઓને કોની-શેની છોછ? ફ્રેન્ચ ઇતિહાસકાર નિકોલો-માનુચ્ચીએ ઇ.સ.1688માં જાટ પ્રજાએ કરેલા પરાક્રમની નોંધ પોતાના પુસ્તકમાં લીધી છે. બ્રિટિશ ઇતિહાસકાર વિન્સેંટ સ્મિથે 'અકબર-ધ-ગ્રેટ મોગલ' માં આ ઘટનાની પુષ્ઠિ કરી છે. એવું તે શું કર્યું હતું રાજારામ જાટે કે દેશી પગારદાર ઇતિહાસકારોએ એકદમ ભૂલાવી દીધા અને ફ્રેન્ચ-બ્રિટિશરોએ નોંધ લીધી?

રાજારામ જાટ એટલે અત્યંત શક્તિશાળી, પાશવી અને ધર્મ-ઝનૂની ઔરંગઝેબ સામે ક્રાંતિનો બુંગિયો ફૂંકનારા નેતા.

હિન્દુસ્તાનના ભરતપુર નામના રજવાડાના ફૌજદાર. રાજારામના જન્મનું વર્ષ ચોક્કસપણે ઉપલબ્ધ નથી, પણ ક્યાંક ઇ.સ.1670 નોંધાયેલું જોવા મળે છે.

ધર્મની રક્ષા કાજે હળ છોડીને શસ્ત્ર ઉપાડનારી જાટ કોમના આ વીરને હરિયાણાના રાજકારણીઓ કે આગેવાનોય સંભારતા નથી. રાજારામે ખેડૂતોને એક કર્યા, તેમને શસ્ત્ર ચલાવવાની તાલીમ આપી, હથિયારો પૂરાં પાડ્યાં અને ખાસ તો લશ્કરની શિસ્તનો અમલ કરાવ્યો. આ બધુ કરવુ, ખુલ્લેઆમ અને એ પણ મોટા સમૂહને સાથે રાખીને. એ પણ મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે એ ખાવના નહીં ખાંડાના ખેલ છે.

ફૌજદાર રાજારામ જાટે વિવિધ જાટ જૂથને એક કર્યા, ધર્મની રક્ષા કાજે. શિસ્તબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ જવાનોને એકત્ર કર્યા. તેમને આધુનિક શસ્ત્રોથી પરિચિત કરાવ્યા અને યુદ્ધ-પદ્ધતિ સમજાવી-શીખવાડી. સિનસિનીના જંગલમાં જ તેમણે એક કાચો કિલ્લો બાંધ્યો.

આ બધુ તો થઇ ગયું પણ હવે કરવાનું શું? નાના-નજીવાને નિશાન બનાવવાને બદલે આ રાજારામ સેનાએ સીધેસીધા શાહી ખજાના પર જ દરોડા પાડવાનું શરૂ કર્યું. આની સાથોસાથ શાહી કાફલા કે રસાલા પસાર થાય એને લૂંટી લેવાનું શરૂ કરી દીધું.

આટલું જ નહીં, પોતાના સાથીઓ સાથે મળીને રાજારામે ચોમેર ચોકીઓનું માળખું એવી રીતે રચ્યું કે કોઇ શાહી કાફલો એમની નજર ચુકવીને પસાર જ ન થઇ શકે.

મોગલોના શાહી કાફલા અને ખજાનાને લૂંટવા એટલે સીધેસીધો ઔરંગઝેબને પડકાર. અને રાજારામને તો આ જ કરવું હતું.

શાહી ખજાના અને છાવણીઓ બાદ મોગલોના મુખ્ય મથકને નિશાન બનાવવાનું શરૂ કરાયું. ઢોલપુર નજીક ખાન બહાદુરની છાવણી પર હુમલો કરીને રાજારામના બહાદુરોએ 80 સૈનિકો ઉપરાંત ખાનના જમાઇનું ઢીમ ઢાળી દીધું. સાથોસાથ મોટા પ્રમાણમાં

અશ્ર્વો, બળદ ગાડા અને મોગલ મહિલાઓને પણ સાથે લઇ ગયા.

ઔરંગઝેબ માટે આ નાક વાઢી નાખવા સમાન હતું પણ ત્યારે એ દખ્ખણમાં મરાઠા સાથે બરાબરનો ભેરવાયેલો હતો. છતાં એમ ગમ ખાઇને બેસી રહે તો બાદશાહ શાનો! તેણે 1686માં જાફરજંગ કોકલતશને મોટી ફોજ આપીને જાટ લોકોને કચડી નાખવાનો આદેશ કર્યો, પરંતુ જાફરજંગ કંઇ ન ઉકાળી શક્યા. ફરી ફજેતો થયો, જાનહાનિ ને માનહાનિ છોગામાં.

હાર્યા પણ વાર્યા ન ગયેલા ઔરંગઝેબે 1687માં પોતાના સૌથી મોટા રાજકુમાર બદરબખ્તની આગેવાનીમાં વધુ મોટી કુમક રવાના કરી. પરિણામ એનું એ જ,

પરંતુ રાજારામ હાથ પર હાથ બાંધીને બેસી ન રહ્યા તેમણે ઔરંગઝેબના ઓર એક સેનાપતિ મહોબત ખાન ઉર્ફે મીર ઇબ્રાહિમની છાવણી પર હલ્લાબોલ કરી દીધું. અહીં 200ની આસપાસ મોગલ સૈનિકોનો સોથ વાળી નાખ્યો

કેટલાંક મરાયા, ને કેટલાંક ઘવાયા. ત્યાંથી કૂચ કરી પંજાબ તરફ.

આ વખતે કોઇ મોગલ કે ઔરંગઝેબેય કલ્પના ન કરી હોય એવા સ્થળ પર ત્રાટકવાની યોજના ઘડી કાઢી હતી. જમુના નદીના કિનારે ડેરાતંબુ બાંધીને પડાવ નાખ્યા બાદ અચાનક આગ્રાના સિકંદરા સ્થિત અકબરના મકબરા પર હુમલો કર્યો. ત્યાં લૂંટફાટ ચલાવી. એટલું જ નહીં, જાટ સૈનિકોએ અકબરના અસ્થી બહાર કાઢીને અગ્નિને અર્પણ કરી દીધા હતા. ક્યાંક ઉલ્લેખ મળે છે કે અકબર સાથે જહાંગીરના અસ્થિ પણ ખોદી કઢાયા હતા. આવા સમયે આગ્રાના સુબા સઇસ્ત ખાન પરાજિત થયા હતા.

આ સમયે જાટ સૈનિકોએ આસપાસનાં ગામો પણ લૂંટ્યા હતાં. આ તકનો લાભ લઇને ઘણાં મોગલ સૈનિકો પણ લૂંટમાં જોડાઇ ગયા હતા. કેટલાંક લૂંટમાં જોડાયા, તો તેમણે લડવાનો ઇનકાર કરી દીધો.

રાજારામ જાટની વધતી હિમંત ઔરંગઝેબ માટે શીરદર્દ બની રહી હતી. પણ બાદશાહના કોઇ પ્રયાસ સફળ થતાં નહોતા. આમાં ચૌહાણ અને શેખાવત રાજપૂત અલવર નજીકની જમીનના વિવાદમાં એકદમ સામસામા આવી ગયા. ચૌહાણોએ રાજારામનો સાથ માગ્યો, તો શેખાવતોએ મેવાતના મોગલ ફૌજદાર મુર્તઝા ખાન નો.

એકદમ જીવસટોસટના યુદ્ધમાં ચૌહાણોનો હાથ ઉપર હતો. રાજારામ એકદમ જોશપૂર્વક લડી રહ્યા હતા. તેઓ મોગલ સેનાની વચ્ચોવચ ધસી ગયા. એ સમયે ઝાડ પર સંતાઇને બેઠેલા એક મોગલે રાજારામની છાતી પર ગોળી છોડી. આ વીર યોદ્ધો અશ્ર્વ પરથી પડી ગયો.

એ દિવસ હતો 1688ની ચોથી જુલાઇ અને બુધવાર. રાજારામના પડવા સાથે ચૌહાણોએ જાણે હાર સ્વીકારી લીધી. રાજારામનું માથું કાપીને છેક ઔરંગઝેબ પાસે લઇ જવાયું. એ દિવસ હતો 1688ની પાંચમી સપ્ટેમ્બરનો.

હિન્દુ ધર્મ વિરોધી શાહી અત્યાચાર સામે નમવાને બદલે માથું કપાવી નાખનારા જાટ વીરનું વર્ણન ઇતિહાસકાર કેસરીસિંહ સમર દ્વારા આ શબ્દોમાં કરાયું છે

ઢાહીં મસતી બસતી કરી,

ખોદ કબર કરી ખડ્ડ

અકબર અઉર જહાંગીર કે,

ગાડે કઢિ હડ્ડ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oty2p_U-H1uhhJS37vFwogvYr7dnbXGczSG23zHTEUiNQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment