Monday, 29 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભાઈબંધી આજેય અકબંધ છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભાઈબંધી આજેય અકબંધ છે!
વાર્તાકાર: મુકેશ સોજીત્રા
 

 


બધા એને જય અને વીરુ કહેતા હતા!! નાનપણથી જય અને વીરુ કહેતા હતા!! બંને વચ્ચે ગજબનો નાતો હતો . ગજબનો એટલે તમે વાત જ જવા દ્યો!! બેય એકજ ગામડામાં જન્મેલા.. એક જ શેરીમાં અને સામે સામે ડેલા હતા..!! બેય ના પાપા પણ ભાઈ બંધ!! જય અને વીરુ ની જમીન પણ પાસે પાસે એટલે શેઢા પાડોશી પણ ખરા પણ એના કરતા બંને મન પાડોશી હતા. એકબીજાના મનને પારખી જનારા સાચા મિત્રો હતા.. જય એટલે જયેશ ભોળાભાઈ પટેલ અને વીરુ એટલે વિરેશ નાનજીભાઈ પટેલ!!
 


જય અને વીરુને સાથેજ ભણવા બેસાડેલા સામે સામે ડેલા એટલે સાથે રમેલા પણ ખરા. નિશાળનો પહેલો દિવસ!! બે ય એકબીજાને બથ ભરીને રોવે!! હિબકેને હિબકે રોવે!!બધા જ શિક્ષકો આવી ગયા જોઈ ગયા છાના રાખી ગયા!! માંડ માંડ શાંત થયા!! આમેય પેહેલા ધોરણમાં બાળક શાળામાં દાખલ થાય અને નિશાળના વાતાવરણમાં શરૂઆતમાં રોવે ને ત્યારે એ જોવાનો પણ એક લ્હાવો હોય છે. અને પછી એ બાળકને ચોકલેટ આપીને વ્હાલથી હસતું કરવાનો પણ એક ઓર જ લ્હાવો હોય છે. બધાજ સરકારી કર્મચારીને આવો લ્હાવો નથી મળતો બસ આને કારણે જ હું શિક્ષક ને ભાગ્યશાળી અને પુણ્યશાળી ગણું છું. જેમ કહેવાય છે કે ૮૪ લાખ યોનીમાં ફરીને એક જ વાર મનુષ્યનો અવતાર મળે છે એમ જગતના બધા વ્યવસાય કર્યા પછી પુણ્યશાળી આત્માને જ વારંવાર વિનતી કરવાથી શિક્ષક તરીકેનું સદભાગ્ય સાંપડતું હોય છે , પણ કાશ આ વાત બહુ ઓછા શિક્ષકો જાણતા હોય છે. આવા જ એક કેશુભાઈ શિક્ષકની પાસે જય અને વીરુ પહેલા ધોરણથી ભણ્યા. બંને બેસવાનું પણ પાસે પાસે જ!! નાનપણથી જ મિત્રતાના પાયા પાકા થઇ ગયેલા.
 


સમય વીતતો ચાલ્યો. જય અને વીરુ સાત ધોરણ સુધી ગામમાં સાથે જ ભણ્યા!! પણ એક નવાઈની વાત એ હતી કે બને સાથે જ નિશાળે આવે. ગેરહાજર હોય તો બને સાથે ગેરહાજર રહે. સાહેબ એક ને ખીજાય તો બેય રોવે!! જય અને વીરુ પાંચમાં ધોરણમાં હતા ને ત્યારે જય ને માથામાં ગુમડા થયેલા. ગામડામાં માથે ગુમડા થાય એટલે તજા ગરમીના ગુમડા  થાય એમ કહેવાય!! એટલે માથામાં ટકો કરાવીને એક બાજુના ગામમાં આર એમ પી ડોકટર નો હાથનો બનાવેલ  ગુલાબી મલમ ચોપડી દે એટલે પંદર દિવસમાં એ ગુમડા મટી જાય એવી માન્યતા. હવે અત્યારે આવું થાય એટલે કોઈ ટકો નથી કરાવતા પણ ટકો ડોકટર કરી નાંખે દર્દીનો એ વળી જુદી વાત છે. જય ને ટકો કરાવીને મલમ ચોપડીને નિશાળે મોકલ્યો અને મોટા ધોરણ ના છોકરાઓ એ જય ને જોઈ ને દાંત કાઢે અને ઠેકડી ઉડાડે અને આથી જય રોવા જેવો થઇ ગયો અને રોયો પણ ખરો!! સાથોસાથ વીરુ પણ રોયો!! કલાકમાં જ નિશાળમાં દફતર મુકીને જય અને વીરુ ઘરે આવી ગયા!!
 


પણ બીજે દિવસે વિચિત્ર ઘટના બની. બીજે દિવસે વીરુએ પણ માથે ટકો કરાવી નાંખ્યો. વીરૂના બાપાએ વીરુને ખુબ સમજાવ્યો કે બેટા માથામાં ગુમડા થયા હોય તો ટકો કરાવાય અથવા ઘરમાં કોઈ મરણ થયું હોય ને પાણી ઢોળ હોય ત્યારે ટકો કરાવવાનો હોય પણ જય ને એકલો બધા શું કામ ખીજવે?? મારે પણ ટકો કરવો છે એટલે ભલે મનેય ખીજવે!! અને બીજા દિવસે બેય ટકા વાળા ભાઈબંધ એકબીજા ના હાથ પકડીને હસતા હસતા નિશાળમાં આવ્યા ને બધાના ટકા માપી લીધા!! ગામ આખું નવાઈ પામી ગયું કે આ મિત્રતા તો કૃષ્ણ અને સુદામા કરતા વિશેષ છે. અત્યારે ભાઈબંધીમાં એક ભાઈ બંધ બીજા ભાઈ બંધનો ગમે ત્યારે ટકો કરી નાંખે એ નક્કી નહિ પણ પોતાના ભાઈ બંધ ખાતર પોતાનો જાતે ટકો કરાવી નાંખવો એ તો અદ્ભુત ગણાય!!
 


પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કરીને બેય હાઈસ્કુલમાં પણ સાથે જ ભણતાં. ગામમાં તો હાઈ સ્કુલ હતી નહિ . બાજુના એક ગામમાં ગંગાદેરી પાસે હાઈ સ્કુલ હતી ત્યાં બને ભાઈ બંધ સાથે ભણવા જતા.એક જ સાયકલ પર બેસીને ભણવા જાય અને એક જ ટીફીનમાં ખાય!! એક દિવસ ટીફીન વીરુની મમ્મી બનાવી દે તો એક દિવસ ટીફીન જયની  મમ્મી બનાવી દે!! આમને આમ જય અને વીરુ મોટા થયા. બાર ધોરણ સુધી સાથે ભણ્યા. ખેતર અને વાડીમાં સાથે ખેતી કરી. તહેવારો અને વહેવારો સાથે માણ્યા. અને છેલ્લે સાથે સુરત ગયા!! જેમ હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે માણસ જીંદગીમાં એક વખત ગંગાજી માં સ્નાન ના કરે તો એનો મોક્ષ થતો નથી એમ કાઠીયાવાડનો પટેલનો દીકરો જ્યાં સુધી જીવનમાં એક વખત સુરત જઈને કમાવાનું ના શરુ કરે અને સુરતી ખમણ ના ખાય  ત્યાં સુધી એનો પણ મોક્ષ થતો નથી એવી માન્યતા પ્રબળ બનતી જાય છે.!! ઘનશ્યામ નગરની એક અંધારી ઓરડીમાં સાથે રહીને જય વીરુએ સુરતમાં સ્થાન જમાવવાની કોશિશ કરી. એક અઠવાડિયા સુધી તો સુરતના ખમણ અને સબરસની કઢી ભાતનો આસ્વાદ માણ્યો.  બને કામની તલાશમાં એક કારખાને થી બીજા કારખાને પગના તળિયા ઘસતા રહ્યા. બને ની કેટલીક શરતો હતી એ જોઇને કામ શોધવાનું થોડું મુશ્કેલી ભર્યું હતું. શરત એક જ હતી કે બને એ કારખાનામાં એક હીરા ઘસવાની ઘંટીએ બેસશે. બને કારખાનું છોડશે ત્યારે સાથે જ છોડશે!! એક શેઠિયાના કારખાને જગ્યા મળી ગઈ. બે વરસ પછી બનેની નજર હીરા પારખવામાં મળી ગઈ. અને બને એજ કારખાનામાં મેનેજર થઇ ગયા. જેમ ઘણા શિક્ષકો નોકરી મળે ત્યારે એનું લક્ષ્ય આચાર્ય બનવાનું હોય છે એમ હીરાઘસુ જયારે પેલીવાર હીરાનું અંગુર પકડે ત્યારે એનું પેલું લક્ષ્ય એજ કારખાનામાં મેનેજર બનવાનું હોય છે!! મેનેજર તરીકે સારી નામના મેળવ્યા પછી જય અને વીરુ એ બરોડા પ્રિસ્ટેજની બાજુમાં એક ત્રીજા માળે વીસ ઘંટીની જગ્યા જોઈ લીધી બને એ નક્કી કર્યું કે હવે હીરા બહુ ઘસ્યા!! હીરા બહુ તપાસ્યા. હવે તો કારીગરો પાસેથી હીરા ઘસાવામાં મજા આવશે એટલે ઘરનું ફેકટરૂ શરુ કરવું પડશે! આ ફેકટરૂ શબ્દ ફક્ત સુરતમાં જ વપરાય છે!! દસ વીસ ઘંટી હોય અને ચાલીશ જેટલા કારીગરો કામ કરતા હોય એને ફેકટરૂ કહેવાય ફેકટરૂ!!
 


જય અને વીરુએ દેશમાંથી આતા પાસેથી લાખ લાખ મંગાવી લીધા અને શરુ થયું ફેકટરૂ!! સુરતમાં માણસો મોટા મોટા કારખાના ધરાવે છે પણ જયા સુધી ગામડાના દેશના પૈસા એ કારખાનામાં ન લાગે ત્યાં સુધી કારખાનું એ કારખાનું નથી બનતું!! જય મીની બજારમાં જઈને કાચી રફ લઇ આવે અને વીરુએ હીરાનું ફેકટરૂ સંભાળ્યું. પોતેજ શેઠ અને પોતેજ મેનેજર!! તૈયાર થયેલો પાકો માલ જય મીની બજારમાં જઈને વેચી આવે!! સુરતમાં આ મીની બજાર એ સુરતનું આર્થિક કેપિટલ ગણાય!! નામ જ ખાલી મીની!! બાકી વહીવટ બહુ મોટા મોટા થાય!! વીસ વીસ વરહના છોકરાના ખિસ્સામાં લાખો રૂપિયાના હીરાના પડીકા હોય છે!! એક જગ્યાએથી હીરા લઈને એજ મીની બજારમાં બીજી જગ્યાએ વેચી નાંખે!! આમનેઆમ એ હીરાના પડીકા મીની બજારમાં એકબીજા પાસે ફરતા રહે અને વળી બધાય પોતાની કમાણી પણ કાઢી લે!! ચાર જ વરસમાં જય અને વીરુની મહેનતથી વીસ ઘંટી ના ફેકટરા માંથી સો ઘંટીનું કારખાનું બની ગયું!! કારખાના ઉપર ચાંદીના ચમકતા અક્ષરે લખેલું હતું!! જે.વી ડાયમંડ!!
 


જે વી ડાયમંડ એટલે જય એન્ડ વીરુ ડાયમંડ!! આખા સુરતમાં આ બને ભાઈબંધો હવે જેવીના નામથી ઓળખાતા હતા. કોઈને ત્યાં લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય ત્યારે લોકો કહેતા આ જેવી આવ્યા!! બને સાથે જ લગ્ન પ્રસંગોમાં જતા!! જેવી ડાયમંડ સફળતાના શિખરે પહોંચી ગયું. બેય ની ઉમર ચોવીસ વરસની થઈ એટલે દેશમાંથી આતાનો ફોન આવ્યો!! બેય આતાનો!! ભોળા આતા અને નાનજી આતા એ કીધું કે હવે તમે બેય પરણી જાવ!! ક્યા સુધી બીજાના ચુલા કાળા કરશો હવે ઘરના મકાનનું રસોડું કાળું કરો!! ચીકુવાડીમાં એક બંગલો લીધો સહિયારો અને જય અને વીરુ પરણી ગયા. જય આંબા આતાની સોનલ ને પરણ્યો અને વીરુ દયાળ ભાભાની ગૌરીને!! ધામધૂમથી બેયના લગ્ન ગામડે લેવાયા!! ગામમાં પેલી વાર સુરતની રાંધવા વાળી ગેંગ આવી હતી અને પેલી વાર બુફે ગામમાં દાખલ થયું!! ત્રણ દિવસના ધામધૂમપૂર્વક લગ્ન ગોઠવાયા હતા.
 


લગ્ન પછી ચારેય  ચીકુવાડીના સહિયારા બંગલે રહેવા લાગ્યા હતા.!! લગ્ન શુક્રવારે ચારેય સાથે ફરવા જાય!! ઘણી વાર ઉભરાટ હોય ત ઘણી વાર મોરા ટેકરા હજીરા ના એક બાપુના આશ્રમમાં ચણાનું શાક અને પૂરીનો પ્રસાદ ખાતા હોય છે!!
 


વીરુની પત્ની ગૌરીનો સ્વભાવ એકદમ બટાટા જેવો એ બધા સાથે મિક્સ થઇ જાય. સ્વભાવ એકદમ સરળ જ્યારે સોનલ ઉંચાઈ માં થોડીક બાંઠકી એમ સ્વભાવ અને બુદ્ધિમાં પણ બાંઠકી!! પણ તોય બેયની મિત્રતામાં વાંધો ના આવ્યો!! વરસ દિવસ પછી સોનલે જય ને કીધું!!
 


"હું તમને શું કવ કે મારા ભાઈ નીલેશ ને હવે સુરત બોલાવી લઈએ તો કેમ રહે??? એ ગામડામાં હીરા ઘસે છે તે મારી બા કેતાતા કે સોનલી તું જયકુમારને વાત કરી જોને તમારે તો ઘણા કારખાના હાલે છે તે મારા ભાઈને મેનેજરમાં ગોઠવી દ્યો તો તમને શું વાંધો છે"
 


" આ બાબતમાં મારે વીરુને પૂછવું પડે!! બધા જ કારખાના વીરુ સંભાળે છે. મારે તો કાચો માલ લઇ આવવાનો અને તૈયાર માલ વેચી નાંખવાનો બીજી મને કોઈ ખબર નથી કે કારખાના માં કોણ કારીગર છે અને કેટલા કારીગર છે!!" જય બોલ્યો.
 


"એ તમેય તો શેઠ જ છોને એમાં વિરુભાઈ ને શું પૂછવાનું હોય!! એને ખાલી કહેવાનું હોય કે મારા સાળાને મેનેજર બનાવી દો!! તમે તો સાવ ભોળા જ રહ્યા સાવ ભોળા અને આમેય તમે તો ભોળા ભાઈના દીકરાને એટલે એમાં શું કેવાનું હોય??"
 


"એ તારે છે ને સોનલી ધંધામાં બહુ ડહાપણ નહિ કરવાનું અને અમારા બેયની વચ્ચે વચ્ચે નહિ આવવાનું સમજી" જયે ઠેકીને કહી દીધું.
 


અઠવાડિયા પછી વળી સોનલે એજ મુદ્દો ઉઠાવ્યો કે મારા બાપા કહેતા હતા કે તે જમાઈને વાત કરી કે નહિ જલદી જલદી વાત કરી લે એટલે આપણો નીલ્યો ડાળે વળગી જાય અને મેનેજર હોયને એટલે સંબંધ પણ થઇ જાય અને લગ્ન પણ એટલે જમાઈને કેજે કે ધરમ ના કામમાં ઢીલ ના કરે..!!
             
જયે વીરુને વાત કરી. વીરુએ કહ્યું.

 


"આમાં મને થોડું પૂછવાનું હોય ભલા ભાઈબંધ તારો સાળો હોય એટલે કોઈ તકલીફ નથી. બાકી આપણે મેનેજર સારો અને નજરનો ચોખ્ખો જ ગોતવાનો હોય. કારણકે આપણા કારખાનામાં લોકો એમની દીકરીઓને પણ કામે મોકલે છે . સુરતમાં આપણું એક પ્રકારનું નામ છે. માણસો પોતાની દીકરીઓને બીજે ક્યાય કામે નથી મોકલતા જો આપણા કારખાનામાં કામ મળતું હોય તો વાંધો નહિ. આપણે આવતા મહિનામાં યોગીચોકમાં એક નવું જ હીરાનું કારખાનું શરુ કરીએ છીએ ત્યાં તારા સાળાને મેનેજરમાં લઇ લઈશું. સોનલ પણ રાજી થશે.
 


જયે ઘરે આવીને વાત કરી.અને સોનલમાં સ્નેહની સરવાણી ફૂટી અને જયને સરવાણીમાં નવરાવી નાંખ્યો. સોનલ હવે ખુશ હતી.અને હોય જ ને પોતાનો મોઢે ચડાવેલ ભાઈ નીલેશ હવે હીરાના નવા કારખાનામાં મેનેજર બનવાનો હતો. નિલેશનું તો ગોઠવાઈ ગયું પણ સાથોસાથ એના દાદાનો દીકરો કેતન નું પણ ગોઠવી દીધું!! એક સાથે એક ફ્રી ની જેમ જ એક સાથે બે મેનેજર બનવાના હતા.
 


સોનલનો ભાઈ નીલેશ અને દાદાનો દીકરો ગામમાં જ હીરા ઘસતા હતા. એનો દાદાનો દીકરો ગામ આખામાં દાદો થઈને ફૂલફટાક બની ને ફરતો હતો. ગામમાં બને ની એક ટકો પણ આબરૂ નહોતી. ગામ આખામાં આ બેયની જોડી ચંગુ અને મંગુની જોડી ઓળખાતી હતી. સારું એવું ઘર અને ભગવાને ધોળા વાન આપેલો એટલે રાજા થઈને રખડતા. જે હીરાની ઘંટીએ બેસતા ત્યાં બે ત્રણ છોકરીઓ જોડે સબંધ થઇ ગયેલા એટલે જે પૈસો  આવે એ બધું એ છછુંદરો વાહે બગાડે!! રજામાં ફિલ્મ જોવા જાય!! બગસરાના સેટ લઇ દયેને નિત નવા ફેશનેબલ ડ્રેસ લઇ દે.. બસ ફૂલ ફટાયા થઈને ભવાયા જેવી જિંદગી આ ચંગુ અને મંગુ વિતાવતા!!
 


નવા કારખાનાનું ઉદ્ઘાટન થયું અને મેનેજર તરીકે આ નીલેશ અને કેતને ચાર્જ સંભાળ્યો. ગામ હોય ત્યાં ઉકરડો હોય એમ આ નવા લેડીઝ કારખાનામાં બે છોકરીઓને આ ચંગુ અને મંગુએ જાળમાં નાંખી અને લીલાઓ શરુ થઇ. બે સિવાય પણ બીજી બે ત્રણ છોકરીઓને પણ દાણા નાંખવાનું શરુ થયું. બે મહિનામાં તો આખું કારખાનું લગભગ ત્રાસી ગયું. સારી અને ઈજ્જતદાર છોકરીઓ તો કારખાનું છાંડી ગઈ. અમુક બિચારી તોય કામ પર રહી અને ત્રાસ સહન કરતી ગઈ.
 


એક શુક્રવાર સાંજે ફોન આવ્યો વીરુ પર!! ડુમસના પી આઈ નો ફોન હતો. પી આઈ એ વીરુને ડુમસ બોલાવ્યો. વીરુને એ સારી રીતે ઓળખતો હતો અને આમ એનો ભાઈ બંધ હતો. વીરુ ડુમસ ગયો તો પીધેલી હાલતમાં નીલેશ કેતન અને કારખાનાની ત્રણ બીજી છોકરીઓ હતી. બધાને લોક અપમા રાખ્યા હતા .હજુ એફ આઈ આર થઇ નહોતી.
 


"આ પાંચેય  જણા દારુ પીધેલી હાલતમાં ડુમસના દરિયા કિનારે બાવળીયાની ઝાડીમાં ના કરવાનું કરતા હતા. પેલા તો અમે માર્યા . આ છોકરીઓને પણ સરખાઇની મારી છે અમારા લેડી પીએસઆઈ એ આ બેય બબુચકને તો એટલો ચડી ગયો છે કે બોલવાના પણ વેંત નહોતો .અત્યારે માંડ માંડ બોલી શકે છે અને આ રૂપ સુંદરીઓએ પણ બીયર પીધો છે. અમને જાણવા મળ્યું કે આ તમારા ભાઈ બંધ અને ભાગીદાર જયના સાળા છે એટલે બોલાવ્યા છે .હજુ એફ આઈ આર ફાડી નથી તમે કહો તેમ કરીએ!!"
 


વીરુએ બધું સંભાળી લીધું . પોલીસનો આભાર માન્યો અને મામલો ત્યાને ત્યાં રફે દફે થઇ ગયો. પણ પછી વીરુએ પેલી છોકરીઓના માં બાપને બોલાવી ને એને સોંપી દીધી. એમાય એક છોકરીનો બાપ કહે મારી દીકરીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ કર્યું છે મારે તો ફરિયાદ જ કરવી છે. જય ને બોલાવ્યો આખો મામલો એ સમજી ગયો અને પેલી છોકરીના બાપને ચાર લાખ આપીને ભીનું સંકેલ્યું. નીલેશ અને કેતનને જય ઘરે લાવ્યો. સોનલને બધી વાત કરી.
 


"આ તારા સગલા ભાઈઓ એ તો આબરુની દઈ દીધી છે. પટેલ ના પેટનો ના હોય આ સાલો" જય ધુવા ફૂવા થઇ ગયો!! વીરુએ એને સમજાવ્યો. બે દિવસ નીલેશ અને કેતનને ઘરમાં જ રાખ્યા. ત્રીજે દિવસે સોનલે ધડાકો કર્યો.
 


" આ બધા વિરીયાના જ કામા છે.મારો ભાઈ એને આંખના કણાની માફક ખૂંચતો હતો. પેલી નવરીની ત્રણેય ને પૈસા આપીને મારા બેય ભાઈને ફસાવ્યા છે. એ પોલીસવાળા પણ આમાં સામેલ હતા. મારા ભાઈને આહીથી કાઢવાનો આ પ્લાન છે એ જીવી લ્યો તમે બધા!! એ નથી રહેવું મારે આહી!! હું રહીશ તો મારા ભાઈ પણ રહેશે જ!! તમને ભાઈબંધ વ્હાલો છે કે બાયડી વહાલી છે!! આમને આમ એ વિરીયો તમને ઠોલી નાંખશે અને બાપનો તંબુરો પણ નહિ વધે!!" સોનલ પોતાના નાલાયક ભાઈનું ઉપરાણું લેતી હતી. જીંદગીમાં પહેલી જ વાર જયે સોનલ પર હાથ ઉપાડ્યો અને ઘર છોડીને ચાલી નીકળ્યો. એ અને વીરુ આખી રાત તાપીના પુલ પર બેસી રહ્યા!! બેઠા બેઠા રડતા હતા!! ધોરણ પેલામાં જયારે નિશાળે દાખલ થયાને ત્યારે સાથે રડ્યા હતા તે છેક આજે એ બને જય અને વીરુ સાથે રડ્યા હતા. સવારે ઘરેથી સમાચાર આવ્યા કે સોનલ કેરોસીન છાંટીને મરવાની હતી પણ આડોશ પાડોશ વાળાએ એને બચાવી લીધી.
 


ખરેખર તો એ નાટક જ કરતી હતી .કેરોસીન છાંટીને શેરીમાં જઈને કહ્યું કે કોઈ દીવાસળી આપો મારે મરવું છે. !! કોણ દીવાસળી આપે. બધાએ એને સમજાવી માથે પાણી નાંખ્યું. વીરુ અને જય ભાંગી પડ્યા .ગૌરીએ પણ સોનલ ને સમજાવી જોઈ .પણ ગૌરીને સોનલે બધાની હાજરીમાં તમાચો માર્યો. દેશમાં થી વડીલો આવ્યા. અઠવાડિયે મામલો થાળે પડ્યો. વીરુએ કહ્યું.
 


"જય હવે આપણે વહેંચી લઈએ.. મને કોઈ જ તકલીફ નથી. મને તારા પર ભરોસો છે પણ ગૌરીનો શું વાંક!! એણે સોનલ નો તમાચો ખાધો!! તું ગામ આખાને પૂછીને જાણી લે કે તારા સાળાના ધંધા કેવા હતા??. ગૌરીને એણે તમાચો માર્યો અને હવે આ લાંબુ ભેગું નહિ હાલે"
 


"તું કહે એમ વીરુ પણ આપણી  ભાઈબંધી તો રહેશે જ એ ક્યારેય નહિ તૂટે" કહીને જય વીરુને ભેટી પડ્યો. બંગલો હતો એ જય ને આપી દીધો . બે કારખાના જય ના ભાગમાં આવ્યા અને બે કારખાના વીરૂના ભાગમાં. વીરુએ વેસુ બાજુ બંગલો લઇ લીધો. બને એ પોતાની રીતે હીરાનો કારોબાર આગળ સંભાળ્યો. આઠ માસ  પછી જયને ત્યાં પુત્રનો જન્મ થયો. વીરુ એમને અભિનદન આપવા ગયો. જય એ વખતે મુંબઈમાં એક કામ સબબ ગયો હતો. જયના સાળાએ વીરુને ધક્કા મારીને બહાર કાઢ્યો. ના કહેવાના શબ્દો કીધાં. જય મુંબઈથી આવ્યો. વીરુને મળ્યો માફી માંગી. પણ વીરુએ કહ્યું મને કોઈ જ અફસોસ નથી ભાઈ બંધ પણ તું વારંવાર મુંબઈ શા માટે જાય છે એ તો કહે બસ અમસ્તા જ મુંબઈમાં હીરાનું કારખાનું કરવાનો વિચાર છે એમ જયે કીધું.
 


સોનલે એના ભાઈઓ પાસે માફી મંગાવી અને જયને મનાવી લીધો હતો. બેય સાળા ઓ એક એક કારખાનું સંભાળી લીધું હતું. જય હીરા લાવી આપે અને વેચી આપે . બે ત્રણ દિવસે બને મિત્રો મળે અને વાતો કરે.. એક દિવસ જયને વીરુએ કીધું.
 


"શું વાત છે હમણા તું મૂડમાં નથી .કોઈ તકલીફ હોય તો કહી દે પણ તારો ચહેરો સાવ ઉતરી ગયો છે..!! નક્કી તું ટેન્શનમાં છો અઠવાડિયે અઠવાડિયે તું મુંબઈ જઈ આવ્ય છો આ વખતે મારે પણ સાથે આવવું છે.

 

"એવું કશું જ નથી યાર !! બસ આ તો ખાલી અમસ્તો જ ચહેરો એમ છે" જયે કહ્યું અને બેય ભાઈ બંધ એક બીજાને ભેટીને જુદા પડ્યા!! જીંદગીમાં તેઓ છેલ્લી વાર ભેટી રહ્યા હતા એ વીરુને ખબર નહોતી.
 

 

એક શનિવારે સાંજે ફોન આવ્યો વીરુ પર કે"

"કાલે રવિવારે  મુંબઈ જવું છે અને તારે આવવાનું છે તને એક જવાબદારી સોંપવાની છે. તું સવારમાં સાત વાગ્યામાં રેલવે સ્ટેશન પર આવી જજે."!!

 


વીરુ રેલવે સ્ટેશન પર પહોંચ્યો .સાતના આઠ વાગ્યા પણ જય ના આવ્યો.આઠ વાગ્યે ગૌરીનો ફોન આવ્યો વીરુ પર.

"ક્યાં છો તમે?? તમે કાઈ સાંભળ્યું??? જય ભાઈ રાતના ચાર  વાગ્યે અવસાન પામ્યા છે. સોનલે તો મને ફોન નથી કર્યો પણ ભોળા ભાઈનો ફોન હતો. અને કેતા તા કે જયને લોહીનું કેન્સર હતું. કોઈને એણે વાત નહોતી કરી .મુંબઈ દર મહીને લોહી બદલાવવા જય ભાઈ જતા હતા. કેન્સર વધી ગયું હતું ,અઠવાડિયે અઠવાડિયે લોહી બદલવાનું હતું. જય ભાઈને રાતે લોહીની ઉલટી થઇ અને ડોકટર આવ્યા ને એણે બધું કીધું ડોકટરને ખબર હતી પણ જય ભાઈએ કોઈને નહિ કહેવાના સોગંધ આપ્યા હતા. ભોળા બાપા અને આપણા બાપુજી દેશમાંથી નીકળી ગયા છે તમે ઘરે આવો સાંજે પાંચ વાગ્યે એમની અંતિમયાત્રા નીકળશે!!"

 "હું આવું છું" વીરુ એટલું જ બોલી શક્યો અને રેલવે સ્ટેશન પર ધબ દઈને પડ્યો. આજુ બાજુ ઉભેલા પેસેન્જરો દોડી આવ્યા.અને બાજુની હોસ્પિટલ લઇ ગયા ,પોલીસ આવી .પોલીસ વીરુ ને ઓળખી ગઈ . વીરૂના મોબાઈલથી ઘરે ફોન કર્યો ગૌરી હાંફળી થતી થતી આવી. વીરુને હાર્ટ એટેકનો પહેલો હુમલો આવ્યો હતો. બે કલાક પછી વીરુએ આંખો ખોલી અને રડી પડ્યો. ડોકટરે ગૌરીને કીધું.

 


"બહેન એને રડવા દેજો!! એનું દુઃખ એ રડી કાઢે એમાં જ એનું હિત છે. હું વીરુ શેઠ અને જય શેઠની ભાઈ બાંધીને ઓળખું છું . એ દુખી હતા અને દુખ જયારે મનમાં ને મનમાં ભરાઈ રહે ને ત્યારે હાર્ટ એટેક આવી જાય છે, બાકી એના શરીરમાં કોઈ જ તકલીફ નથી આ આઘાત નો એટેક છે. કલાક રોયા પછી વીરુ અને ગૌરી જય ને ઘરે આવી ગયા હતા. નનામીમાં જય ને જોઈ ને વીરુ ખુબ જ રોયો!! આજ એ એકલો રોઈ રહ્યો હતો.સ્મશાન યાત્રા નીકળી!! અશ્વિનીકુમાર નું સ્મશાન આમ તો મોટું પણ આજ માણસોની એટલી ભીડ હતી કે સ્મશાન સાંકડું પડ્યું. જયના ત્રણ મહિનાના છોકરા આકાશને   તેડીને વીરુએ આકાશના હાથે  જયને  અગ્નિદાહ આપ્યો..!! ચિતાની જ્વાળા એ જોઈ રહ્યો હતો. જય ના છેલ્લા શબ્દો અથડાતા હતા એના કાનમાં ઘણની જેમ!

"કાલે રવિવારે  મુંબઈ જવું છે અને તારે આવવાનું છે તને એક જવાબદારી સોંપવાની છે. તું સવારમાં સાત વાગ્યામાં રેલવે સ્ટેશન પર આવી જજે."!!

 


બસ સતત અને સતત તેના છેલ્લા શબ્દો પડઘાતા રહ્યા મગજ પર હથોડીની જેમ ટીપાંતા રહ્યા!!   
 


એક મહિના સુધી વીરુ અપ સેટ રહ્યો .ગૌરી એને કશું જ નહોતી કેતી. વીરુની ગેરહાજરીમાં પણ તેમનું કારખાનું સારી રીતે ચાલી રહ્યું હતું. ગૌરી બધો હિસાબ સમજી લેતી. સમય વીતતો ચાલ્યો . વરસ દિવસ પછી ગૌરીને ત્યાં પુત્રનો જન્મ થયો. સોનલ ને ફોન કરીને કીધું પણ એ હરખ કરવા પણ ના આવી.
 


આમને આમ બીજા પાંચ વરસ વીતી ગયા!!! જય નો છોકરો આકાશ ઈંગ્લીશ મીડીયમની સ્કુલમાં ભણવા બેસી ગયો હતો. આકાશના મામા ના હાથમાં બધો જ કારોબાર આવી ગયો હતો.
 

હવે જય નો બધો કારોબાર અને પૈસા ચંગુ અને મંગુ ના હાથમાં એટલે કે નીલેશ અને કેતનના હાથમાં આવી ગયા હતા. જોકે હીરામાં તેજી હતી એટલે શરૂઆતના ત્રણ વરસોમાં એ સારું કમાયા પણ ખરા પૈસાને કારણે બેય પરણી પણ ગયા પણ  પૈસો એટલો વધી ગયો કે એક ફિલ્મી એક્ટ્રેસના ચક્કરમાં બેય ચંગુ અને મંગુ આવી ગયા. ફિલ્મ બનાવવામાં એણે પોતાની બહેન સોનલને સમજાવીને બધી જ પ્રોપર્ટી ગીરવે મુકીને એક મોટી રકમ બેંકમાં વ્યાજે લીધી. પેલી હિરોઈન પણ મુંબઈમાં આ ચંગુ અને મંગુ સાથે ઐયાશી કરતી. અને બીજી જુનિયર એક્ટ્રેસને બોલાવી બોલાવીને આ બને ને મુંબઈ જ રાખી લીધા. બધી જ સંપતી આ ચંગુ અને મંગુ એ એને અર્પણ કરી દીધી . એક મહિના પછી પેલી હિરોઈન અને પ્રોડ્યુસર પૈસા લઈને દુબઈ ભાગી ગયા. નીલેશે અને કેતને ફરિયાદ કરી તો દુબઈ થી ગેંગસ્ટર ના ફોન આવ્યા. અધૂરામાં પૂરું મુંબઈ પોલીસે બને ને પકડીને લોકઅપમા નાંખી દીધા ત્રણ જુનિયર હિરોઈને ફરિયાદ કરી કે અમને ફિલ્મમાં કામ કરવાની શરતે અમારું શારીરિક શોષણ થયું છે. શારીરિક શોષણ સીસીટીવી ના ફૂટેજમાંપણ આવી ગયું હતું એટલે હવે એનો છુટકારો તો થાય એમ હતો નહિ. મીડિયામાં મુદ્દો ચગી ગયો હતો!! સોનલ હવે ઘરની બહાર નીકળતી નહોતી.
 


કારીગરો પગાર માંગવા ઘરે આવતા હતા. બેન્કવાળા એ લોન આપી હતી એના બદલામાં બંગલો અને બાકીની સંપતિ જપ્ત થઇ ચુકી હતી. હીરાના શેઠિયા ભેગા થઈને જે હતું એમાંથી લેણદારોને ચૂકવ્યા. બાકીના હાથ અદ્ધર કરી દીધા હતા. સોનલ ના સસરા ભોળા ભાઈ આવ્યા હતા. સોનલ હવે એના દીકરા સાથે દેશમાં રહેવાની હતી!! ભૂંડા ભાઈઓ એ બહેનને ભૂખ ભેગી કરી નાંખી હતી. એક સમયમાં સુરતમાં જાહોજલાલી ધરાવતી સોનલ પાસે રહેવા માટે નાનકડો ઓટલો પણ નહોતો. એ પોતાની એક દૂરની બહેનના ઘરે રહેતી હતી. અને આજે સાંજે પોતાના સસરા સાથે પિયર જવાની હતી.
 

બપોરના બાર વાગ્યા અને માતૃશક્તિના એક ગાળા પાસે એક ઈનોવા કાર આવીને ઉભી રહી. કારમાંથી વીરુ અને ગૌરી ઉતર્યા. સોનલ જેના મકાનમાં રહેતી હતી ત્યાં ગયા. ગૌરીને અને વીરુને જોઇને સોનલની આંખ ભરાઈ આવી. ભોળા આતાને વીરુ પગે લાગ્યો. અને પછી વીરુ બોલ્યો.
 


"કાલે રવિવારે  મુંબઈ જવું છે અને તારે આવવાનું છે તને એક જવાબદારી સોંપવાની છે. તું સવારમાં સાત વાગ્યામાં રેલવે સ્ટેશન પર આવી જજે. આ જયના છેલ્લા શબ્દો હતા. કઈ જવાબદારી હતી એ વગર કીધે હું સમજી ગયો હતો. કારખાના ના  ભાગલા પડ્યા હતા. બંગલા ના  ભાગ પડ્યા. પૈસાના ભાગલા પડ્યા!!! પણ જે વી ડાયમંડ ના ભાગ નથી પડ્યા!! આજે મારા બેય કારખાના જેવી ડાયમંડ ના નામથી ઓળખાય છે!! મારે જય પહેલા આવે. જયના અવસાન પામ્યા પછી હું જે કઈ કમાયા એમાં જય નો હિસ્સો અમે સાવ અલગ જ રાખ્યો છે.. સોનલ ભાભી તમારે દેશમાં જવાનું કોઈ કારણ નથી. મનમાં આવે તો મારા બંગલામાં રહો . અથવા તમે કહો એ જગ્યાએ હું  બંગલો લઇ દઉં!! પણ જે વી ડાયમન્ડ ભાગીદારી ક્યારેય નહિ તૂટે!! મારી પાસે જે છે એ અડધું તમારું છે!! મારો પુત્ર સાગર અને આપનો પુત્ર આકાશ હવે એક જ નિશાળમાં સાથે ભણવા જશે!! બાપાએ નિભાવેલી મિત્રતા હવે આપના બનેના દીકરા નિભાવશે આ તો મને સમાચાર મળ્યા કે આપ હવે દેશમાં જઈ રહ્યા છો એટલે રોકવા આવ્યો છું.મારા એક ના એક દીકરાના સોગંદ છે તમને કે રોકાઈ જાવ"
 


ગૌરી એ સોનલને બાથમાં લીધી. સોનલ ખુબ રોઈ.  ગૌરીના  બંગલામાં જ સોનલ માટે અલગ રૂમ કાઢી આપ્યો. ફરીથી  તમામ ના જીવનમાં ખુશી આવી. રોજ સવારે જયનો પુત્ર અને વીરુનો પુત્ર હાથમાં હાથ   ઝાલીને શાળાએ સાથે જતા હોય છે.. વીરુ ગેલેરીમાંથી આ દ્રશ્ય જોઈ રહે છે!! વરસોથી ચાલી આવતી ભાઈ બંધી હજુ અકબંધ હતી. લોહી ના સબંધો તો મજબુત હોય છે પણ ક્યારેક વગર લોહીના સબંધો સાત  જન્મોજન્મ સુધી ટકતા હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuRWi7AxaaB%3DL%2BSPPbMuhHqG1pnM5MfUpA20H98SLpEjQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment