આપણે આપણી રીતે કેટલું જીવતા હોઈએ છીએ? કોઈની ઇચ્છા, કોઈના ગમા, કોઈના અણગમા, કોઈની માન્યતા, કોઈની વાત અને કોઈનું વર્તન આપણाााા પર કેટલું હાવી રહે છે? દરેક માણસે એ વિચારવું જોઈએ કે હું કેટલો કે કેટલી 'ઓરિજિનલ' છું! આપણે કેટલા 'ઓર્ગેનિક' છીએ? ક્યારેક આપણાથી કંઈક એવું વર્તન થઈ જાય છે જ્યારે આપણને એમ થાય છે કે આવું મારાથી કેમ થયું? હું આવો નથી કે પછી હું આવી નથી. આપણા પર સતત કોઈનો પ્રભાવ રહેતો હોય છે. આજુબાજુનું વાતાવરણ આપણને અસર કરે છે, આપણી નજીકના લોકોનું વર્તન આપણા વિચારોને દોરે છે. જો ધ્યાન ન રાખીએ તો એ આપણી અંદર ઘૂસી જાય છે. આવું થાય તો આપણે જેવા હોઈએ એવા નથી રહેતા, પણ જે હાવી થઈ જાય એના જેવા થઈ જઈએ છીએ. કોઈની વાત સાંભળવી એ એક વાત છે અને કોઈની વાત સાંભળી એનું આંધળું અનુકરણ કરવું એ તદ્દન જુદી વાત છે.
આપણી આસપાસ સતત કંઈક ને કંઈક ચાલતું રહે છે. બધું ખરાબ, અયોગ્ય કે ગેરવાજબી હોય એવું જરૂરી નથી. બનવા જોગ છે કે એ સારું, વાજબી અને ઉમદા પણ હોય. આપણે એટલો ખયાલ રાખવાનો હોય છે કે એ વાતને બરાબર માપીએ, તોળીએ અને સમજીએ. આપણી પ્રકૃતિ અને આપણી જિંદગીને એ માફક આવે છે? આપણું દિલ એ વાતને માનવા તૈયાર છે? જો જવાબ હા હોય તો જ એને આપણી અંદર આવવા દેવું જોઈએ. જો બહારથી જુદા જુદા કલર ઢોળાતા જ રહે તો આપણે આપણો મૂળ રંગ ખોઈ બેસીએ છીએ. છેલ્લે એ રંગ એવો કાળો થઈ જાય છે કે એના પછી આપણો ઓરિજિનલ કલર ક્યારેય ચડતો જ નથી. કોઈને પ્રેમ કરવામાં, કોઈને નફરત કરવામાં, કોઈ સાથે સારા સંબંધો રાખવામાં અને જિંદગી જીવવામાં પણ જો કેરફુલ ન રહીએ તો આપણી ઓરિજિનાલિટી ગુમાવવાનો ખતરો રહે છે. એક છોકરી હતી. તેની સાથે ભણતો છોકરો તેને પ્રેમ કરતો હતો. એ છોકરો તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. રોજ મેસેજ કરે. નિયમિત રીતે ફ્લાવર્સ, ચોકલેટ્સ અને ગિફ્ટ આપે. છોકરી એની દરકાર ન કરે. છોકરીની એક ફ્રેન્ડે એક દિવસ તેને કહ્યું કે એ તને કેટલો પ્રેમ કરે છે અને તું છે કે એને કોઈ ભાવ જ નથી આપતી. ફ્રેન્ડની વાત સાંભળીને છોકરીએ કહ્યું, હા હું એને ભાવ નથી આપતી, કારણ કે મને એની પ્રેમ કરવાની રીત પસંદ નથી. મને નથી ગમતું કે તે આટલું બધું કરે. પ્રેમ માટે આટલા બધા પ્રયાસો કરે. એ એના પ્રેમમાં કેમ નેચરલ નથી? પ્રેમ આંખથી થવો જોઈએ, ફુલ કે ગિફ્ટથી નહીં. પ્રેમની મારી વ્યાખ્યા, મારી સમજ અને મારી માન્યતા જુદી છે. પ્રેમ મારામાં ઊગવો જોઈએ, પ્રેમ મારામાં ખીલવો જોઈએ, એને જોઈને એકાદ ધબકારો વધવો જોઈએ અને છેલ્લે એ મને મારી વ્યક્તિ લાગવો જોઈએ. મને એવું નથી થતું. બહુ આર્ટિફિશિયલ લાગે છે મને એ બધું. એનું બોલબોલ મને નથી ગમતું, મારો પ્રેમ મૌન છે. મને શાંતિમાં મધુર કલરવ સંભળાય છે. એ પ્રયત્નો કરે એટલે મારે પ્રેમ કરવા મંડવાનો? ના, એ વાજબી નથી. એ તો મારો જ મારી જાતને અન્યાય છે. કૃત્રિમતા મને પસંદ નથી. એ સારો હશે, પણ હું નથી ઇચ્છતી કે હું એના જેવી થઈ જાઉં, મને મારા જેવી રહેવું છે. આપણે ઘણી વખત કોઈનું વર્તન જોઈને એના જેવા થઈ જઈએ છીએ. એ જે કંઈ કરે છે એ વિશે મને એટલી ખબર છે કે એ કાયમ નથી રહેવાનું, જે કાયમ ન રહે એ મને મંજૂર નથી, મને તો પરમેનન્ટ જોઈએ, એક સરખું અને જેવું હોય એવું, તદ્દન ઓરિજિનલ, એકદમ ઓર્ગેનિંગ. ચાંદી ઉપર સોનાના ઢોળ ચડાવેલા દાગીના કરતાં ઓરિજિનલ ચાંદીનાં ઘરેણાંને હું પસંદ કરું છું. લોખંડ ઉપર લાકડાનું કવર ચડાવી દેવાથી લોખંડ લાકડું થઈ જતું નથી.
એક છોકરા-છોકરીની વાત છે. છોકરો એકદમ અલ્લડ, બિન્ધાસ્ત, એની રીતે જીવવાવાળો. વાળ પણ ઓળાવવાનું મન થાય તો જ ઓળાવે, વાત પણ મજા આવે તો જ કરે. એક છોકરી એના પ્રેમમાં પડી. બંને વચ્ચે સારું બનવા લાગ્યું. એક દિવસ છોકરાએ પૂછ્યું, તને મારામાં શું ગમ્યું? હું તો સાવ બેફિકરો છું. મને તો હતું કે મારી રીતભાત અને હાલહવાલ જોઈને કોઈ છોકરી મને પ્રેમ જ ન કરે. એવું પણ વિચારતો કે કોઈ પ્રેમ ન કરે તો કંઈ નહીં, બંદા જેવા છે એવા જ રહેવાના. મને નાટક ન ગમે. હું કોઈને એટ્રેક કરવા ટેટુ ન ત્રોફાવી શકું, કોઈનું ધ્યાન જાય એટલા માટે હું હેર સ્ટાઇલ ન બદલું. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે તું મને એટલે જ ગમે છે, કારણ કે તું ઓરિજિનલ છે, જેવો છે એવો જ છે, કોઈ પ્રયાસો કરતો નથી. મને આવો માણસ જ ગમે. મને ખબર છે કે ભવિષ્યમાં સાથે રહીશું તો પણ તું અમુક રીતે જ જીવવાનો, મને મંજૂર છે. બધું સ્વીકાર્ય એટલે છે કે તું મને પ્રેમ પણ ઓરિજિનલ અને રિયલ જ કરવાનો. પ્રેમ કરવાની રીતમાં પણ ક્યારેક આપણે બીજા લોકો કે પ્રેમ વિશેના બીજાના ખયાલોને આંધળી રીતે અનુસરતા રહીએ છીએ. કોઈ સેલિબ્રિટીએ કંઈક કર્યું તો આપણે પણ એવું કરવા મંડી પડીએ છીએ. આપણાં કપડાં પણ કયો ટ્રેન્ડ ચાલે છે તેના પરથી નક્કી કરીએ છીએ. કેટલા લોકો એવું વિચારે છે કે મને ગમે છે, મને ફાવે છે કે પછી મને સારું લાગે છે. ઘણા તો વળી એવું પણ વિચારે છે કે જમાના મુજબ રહેવું પડે, નહીંતર બધા આપણને આઉટડેટેડ માનવા લાગે. ફોન તો અમુક જ વાપરવાનો. આપણા સ્ટેટસ મુજબનું હોવું જોઈએ બધું. ઘણી વખત બીજા સ્ટેટસ મેઇન્ટેઇન કરવામાં આપણે આપણું રિયલ સ્ટેટસ ગુમાવી દેતા હોઈએ છીએ. ફાવતું ન હોય એને પણ ફવડાવીએ છીએ. દેખાડો કરીએ ત્યારે આપણે આપણા જેવા પણ નથી દેખાતા હોતા. સિરિયલોમાં પહેરે એવાં કપડાં જ હવે લગ્નમાં પહેરાવા લાગ્યાં છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પણ કોઈના આધારે દોરવાતી થઈ ગઈ છે. નવું છે એટલે કરવું પડે બધું! તમને ગમતું હોય તો કરો, પણ કરવું પડે એટલે કંઈ ન કરો. માત્ર પ્રેમમાં જ નહીં, નફરત કરવાની વાતમાં પણ બીજા કોઈ હાવી ન થઈ જાય એની કાળજી રાખવી પડતી હોય છે. એક કપલની આ વાત છે. બંનેના અરેન્જ મેરેજ હતા. પત્નીને પતિના ઓરિજિનલ સ્વભાવની ખબર ન હતી. ધીમે ધીમે એનું પોત પ્રકાશવા લાગ્યું. એ પહેલાં ગાળો આપતો, પછી મારવા પણ લાગ્યો. છોકરીથી આ વાત સહન ન થઈ. તેણે પોતાનાં માતા-પિતાને વાત કરી. પિતા તો આ વાતથી ધૂંધવાઈ ગયા. હવે જોજે એની હાલત, એને ખબર પાડી દેવી છે. મિત્રો અને સ્વજનોએ પણ એવું જ કહ્યું કે એને બરાબર પાઠ ભણાવજે, એણે તારી જિંદગી બગાડી છે, આવા લોકોને તો એના કર્યાની સજા મળવી જ જોઈએ. એક દિવસ છોકરીએ ઘરના લોકોને ભેગા કરીને કહ્યું કે, મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે બધા લડી લેવાનું અને બતાવી દેવાનું કહો છો, પણ મારે એવું કંઈ નથી કરવું. મ્યુચ્યુઅલી ડિવોર્સ અપાવી દો. મારે એ વાત ઉપર પૂર્ણવિરામ મૂકવું છે. મારે નફરતમાં પણ એને યાદ નથી રાખવો. મને મારે જે કરવું છે એ કરવા દો. પ્લીસ, મને કોઈ સલાહ ન આપો. આપણે લોકો ઘણી વખત 'સોશિયલ પ્રેશર'ને પણ ચલાવી લેતા હોઈએ છીએ. મા-બાપ, વડીલ, સ્વજન કે મિત્રો કહે એ માની લઈએ છીએ. બીજા સામે બોલી શકતા નથી. બધા કહે એટલે કરવું તો પડે ને? આવું કરીને પણ આપણે જેવા હોઈએ એવા રહેતા નથી. કંઈ પણ થાય ત્યારે એ વિચારવું જોઈએ કે મને આ ગમે છે? મારે નિર્ણય કરવાનો હોય તો હું આવો નિર્ણય કરું? જો દિલ જરાયે ના પાડે તો એ ન કરવું. સુખી થવાનો એક રસ્તો એ છે કે આપણે આપણા જેવું રહીએ. આપણે દોરવાતા રહીએ છીએ. વરસાદ આવે છે, વરસાદમાં નહાવાનુું ગમે. જોકે, બનવાજોગ છે કે તમને ન પણ ગમે. બધા કરે છે એટલે કરવું પણ વાજબી નથી. લોંગ ડ્રાઇવ તમને વાહિયાત અને પેટ્રોલનો ધુમાડો લાગતો હોય તો ન જવું. તમને ચાલવું ગમે છે તો ચાલો, જે ગમે એ કરો, ન ગમે એ ન કરો. દુનિયાની બેસ્ટ કોફી પણ આપણને કડવી લાગે એવું બને. આપણે બધી વાતોમાં બહુ સલાહો અને ઓપિનિયન માગવા લાગીએ છીએ. અમુક લોકો તો એ હદ સુધી જાય છે કે કોઈક કહે એમ જ કરતા હોય છે. એની પોતાની કોઈ પસંદગી જ નથી રહેતી. તમે કોઈના માટે જીવો છો કે પોતાના માટે? કોઈને ગમે એટલે કંઈ પહેરો છો કે તમને મજા આવે એટલા માટે? હા, પોતાની વ્યક્તિને ગમે એવું કરો એનો વાંધો ન હોય, પણ એ સ્વૈચ્છિક અને ગમતીલું હોવું જોઈએ. કોઈ એકાદ વાતમાં માનો તો પણ વાંધો નથી, બધી જ વાતમાં માનવું એ થોડુંક વિચિત્ર બની જાય છે. એક છોકરો એક ટીશર્ટ લાવ્યો. ટીશર્ટ પહેરીને તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો. ગર્લફ્રેન્ડે કહ્યું કે, યાર સાવ ભંગાર લાગે છે તને. જરાયે નથી શોભતું. એ પછી એણે ક્યારેય એ ટીશર્ટ ન પહેર્યું. એક દિવસ તેની ગર્લફ્રેન્ડે પૂછ્યું, તેં કેમ પેલું ટીશર્ટ પછી પહેર્યું જ નહીં? છોકરાએ કહ્યું, તને નહોતું ગમ્યું એટલે. પછી તેણે એક સાચી વાત કરી. તેણે કહ્યું કે મારા જેટલા ફ્રેન્ડ્સ છે એ બધાએ મને એવું કહ્યું હતું કે યાર તને મસ્ત લાગે છે. સાવ સાચું કહું તો મને પણ ગમતું હતું, પણ તને ન ગમતું હોય તો નથી પહેરવું એ મારે! તારા માટે તો તૈયાર થાઉં છું. તને ન ગમે એવું કંઈ કરવું નથી. પોતાની વ્યક્તિ માટે કંઈ કરવું એ જુદી વાત છે, કારણ કે બાકી બધાથી આપણને આપણી વ્યક્તિ વધુ ગમતી હોય છે. બસ, કંઈ જબરજસ્તી, કંઈ પ્રેશર કે મનમાં ભાર લાગે એવું ન હોવું જોઈએ.
આપણને ચારે તરફથી સુવાક્યો, મોટિવેશન અને સલાહો મળતી રહે છે. આમ કરવું જોઈએ અથવા તો આમ ન કરવું જોઈએ, આ વાજબી છે અને આ ગેરવાજબી છે. ઘણું બધું આપણે વાંચતા પણ હોઈએ છીએ. બધી જ વાત માની લેવાની કંઈ જરૂર નથી. દરેક માણસે પોતાના નિયમો પોતે જ બનાવવા જોઈએ. પોતાની ધારણા પોતે જ બાંધવી જોઈએ. તમારા આદર્શો, સિદ્ધાંતો અને તમારી સંવેદનાઓ તમે જ નક્કી કરો. બધું જુઓ, સાંભળો, વાંચો અને વિચારો પણ ખરા, છેલ્લે તમારી જાતને એવો સવાલ પૂછો કે આ મને ફાવે એમ છે? હું એને અનુસરી શકું એમ છું? મને આ શોભે છે? મારે આ કરવું જોઈએ? સંવેદનાઓ પણ ઉછીની ન લો. જિંદગી તમારી છે, તમારે તમારી રીતે એને જીવવાની છે, કોઈની રીતે નહીં. કોઈની રીતે જીવવા જશો તો તમે તમારી રીતે ક્યારેય નહીં જીવો. બધા કહેતા હશે એમ કરતા રહેશો તો તમારું દિલ શું કહે છે એ સંભળાશે જ નહીં. તમારું દિલ, તમારી જાત કહે એમ કરો તો જ જિંદગી જીવવાની મજા આવશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou_Du4zqs1zzei_piNv91vJmAoCn6HGM669onEUU6gtbg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment