Sunday, 28 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કુછ તો લોગ કહેંગે.... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુછ તો લોગ કહેંગે... એમ? તો નક્કી કરો કે કોના માટે જીવો છો!
રામ મોરી

 

 

-  તને કાંઈ ભાન પડે છે? એની અને આપણી જ્ઞાતિ જુદી છે અને તોય ત્યારે ત્યાં પરણવું છે? લોકો શું કહેશે?
-   હવે ચૂપચાપ ઘરે બેસી રહો. બહાર જવાની કાંઈ જરૂર નથી. નાપાસ થઈને આવ્યા છો અને બહાર ટહેલશો તો લોકો કેવી વાતો કરશે?
-  એક મિનિટ, હજું તો તમારા ઘરે મૃત્યુ થયું એને બે મહિના માંડ થયા અને તમે ઘરમાં મીઠાઈ બનાવો છો? લોકો શું કહેશે એનો વિચાર કર્યો છે?
-  બેટા, આપણા ખાનદાનમાં આજ સુધી કોઈએ ડિવોર્સ નથી લીધા...હવે ખબર નહીં લોકો કેવી કેવી વાતો કરશે ને વાતનું વતેસર....
- જો દીકરી, ગમ્મે એવું હોય તો પણ એ તારું સાસરીયું છે. નીભાવી લે નહીંતર લોકો બોલવામાં કશું બાકી નહીં રાખે કે બીજીવાર લગ્ન કર્યા એમાં પણ પ્રોબ્લેમ દેખાય છે...ગામના મોઢે ગવણું ન બંધાય.
- લગ્ન નથી કરવા એટલે શું? તારીખ, હૉલ, મીઠાઈ બધું નક્કી થઈ ગયું છે. લોકો શું કહેશે?

કેટલા કોમન છે આ બધા ડાયલોગ્સ! એમ છતાં આ વાંચનારા હજારો, લાખો લોકોની જીંદગીમાં સતત ગળામાં ફસાયેલા હાડકા જેવી સ્થિતિ લાવે છે આ 'લોકો શું કહેશે?' વાળા ડાયલોગ્સ.  બસ આજ સુધી ખબર નથી પડી કે આ 'લોકો' તમારી જીંદગીની બીજી બધી બાબતો કરતાં આટલા મહત્વના કઈ રીતે હોઈ શકે? ઓકે, હવે એવી દલીલ હશે તમારી પાસે કે ભઈ, આપણે તો સમાજની વચ્ચે રહીને જીવવાનું છે,સગાસંબંધી ને પડોશીઓને સતત જવાબ આપતા રહેવાનું છે. કશુંક ઉપર નીચે થાય તો લોકો તો લાગ જોઈને જ બેઠા હોય છે કે તક મળે અને માછલા ધોઈએ. એમ? તો પછી એનો અર્થ એ થાય કે તમે તમારા માટે અને તમારા લોકો માટે નહીં પણ એ બધા 'લોકો' માટે જીવો છો જેનું મહત્વ તમારી ઈચ્છાઓ, તમારા સપના અને તમારા મન કરતાંય વધારે અગત્યનું છે. રીયલી?

      તમે તો આજે છો અને કાલે નથી. અને આ 'લોકો' તો એની પહેલાં પણ બોલતા જ હતા અને એ પછી પણ બોલશે. ઘટનાઓના દાણા આ 'લોકો'નો ઘંટલામાં તો આવ્યા જ કરશે અને વાતોને તો આ 'લોકો' દળ્યા જ કરશે.  તમારી કોઈ એક ચટપટી ઘટના એ 'લોકો'ને હાથ લાગી એટલે હાયહાય...અરરરરર...બહું ખરાબ....બહુ ખોટું કહેવાય.....વગેરે વગેરે ફુંફાડા ચારે બાજુથી શરું થઈ જશે અને પછી એ 'લોકો'ને તમારો મુદ્દો ભૂલાય એ પહેલાં બીજા કોઈની નવી ચટપટી વાત મળશે. નવી ઘટના...ઓહ તો તો તમારાવાળી પેલી શરમજનક વાત કરતાં વધારે સ્ટ્રોંગ ને વધારે મસાલેદાર છે? તો પછી તમે ને તમારી વાત સાઈડમાં ધકેલાઈ જશે..અને એ 'લોકો'ને ફરી હાયહાય ને અરરરરર કરવાનો નવો બકરો મળી જશે.  આમાં આપણને વિચારતા કરી મુકે એવો મુદ્દો એ છે કે  આ ' લોકો શું કહેશે'વાળા લોકો નથી તમારા ઘરનું ભાડું ભરતા, નથી તમારું ઈએમઆઈ પે કરતા, નથી તમારા દવાખાના કે દુવામાં ભાગ લેતા, નથી તમારી પડખે ઉભા રહેતા...અરે, ક્યારેક તો દૂર દૂર સુધી નાહવા નીચોવવાનો પણ સંબંધ નથી...એલા ભાઈ, તો પણ તમને એ લોકોની વાતથી ફેર પડે છે? તો તો મૂર્ખતાનું આનાથી મોટું પ્રમાણપત્ર બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી. આવા 'લોકો'થી અને એમની વાતોથી તમને ફેર પડતો હોય ને તમે ડરતા હો તો પછી તમારે અરીસા સામે ઉભું રહેવું જોઈએ કેમકે તમને જગતના સૌથી વધુ દયનીય, નબળા અને નમાલા માણસના દર્શન થશે.

     કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના.....આ સમજતા ખરેખર બહુ વાર લાગે છે. ઉંમરના એક પડાવ પછી આ સત્ય સમજાય છે પણ સાલું ત્યાં સુધીમાં બીત ગઈ યે રૈના જેવો સીન આવીને ઉભો રહે છે. જ્યારે સમજાય છે ત્યારે બહુ મોડું થઈ જાય છે. બધી બાબતો ઠોકર વાગે પછી જ સમજાય પણ એવી ઠોકરની રાહ કેમ જોવી છે?  ક્યાંક એવું ન થાય કે જ્યારે એ સત્ય સમજાય કે લોકોની મને પડી નથી, હું મારા મનનું સાંભળીશ અને એમ જ કરીશ તો આ સમજાય ત્યાં સુધીમાં એ વ્યક્તિ, એ ઘટના અને એ તક તમારા હાથમાંથી ક્યાંય દૂર જતી રહી હોય. મન મારીને બહુ લાંબો સમય નથી જીવી શકાતું. કોઈપણ બાબતનો જ્યારે પરાણે સ્વીકાર કરવામાં આવે પછી એ પરાણેપણાનો એટલો થાક લાગે કે જીંદગી આખી કેઓસ થઈ જાય, ક્યાંય કશું ગમે નહીં ને સરવાળે તમે  જ તમારા અળખામણા થઈ જાઓ છો.
 
            કોઈ એક વ્યક્તિ તમને ગમે છે અને તમે એની સાથે જીવવા માંગો છો પણ લોકો શું કહેશે એ ફેક્ટરથી તમે સાથે જીવતા નથી. કોઈ એક ક્ષેત્રમાં તમને ફાવતું નથી અને તમારે તમારા ગમતા ક્ષેત્રમાં જવું છે પણ લોકો શું કહેશે એ ડરથી તમે ગમતું કામ કરતા નથી. કોઈ એક બાબતે તમે નિષ્ફળ ગયા છો પણ સતત તમે તમારી નિષ્ફળતા ઢાંકતા ફરો છો કેમકે તમને ડર છે કે લોકો શું કહેશે.
 
       લોકોને દેખાડવા તમારે સતત અમુક તમુક પ્રકારે જીવવાનું છે કેમકે એ લોકોએ નક્કી કરેલી માપપટ્ટીમાં બંધબેસતું નહીં હોય તો મુદ્દો આવીને ઉભો રહેશે કે લોકો શું કહેશે. એટલે સરવાળે લોકોની સામે આદર્શ અને ઓલરાઈટ રહેવા માટે તમે ખાવું પીવું, સૂવું ઉઠવું,  પહેરવું ઓઢવું, વર્તવું, બોલવું ચાલવું ને શ્વાસ લેવું બધું એક ચોક્કસ માળખામાં ડિઝાઈન કરીને જીવશો? જો જવાબ હા હોય સવાલ પોતાના મનને પૂછો કે તો શું કામ જીવો છો? લોકોને ખુશ રાખવા કે ખુદને રાજી રાખવા. મન જેવું કશું તમારી અંદર છે કે નહીં? ઈચ્છાઓના નામનો કોઈ સળવળાટ તમને અનુભવાય છે કે  નહીં? સપનાના નામે શું સંઘરી રાખ્યું છે તમે? સન્નાટો!  ના, દેખાડો માત્ર નર્યો દેખાડો. જાતને છેતરવાની રમત. આંખ બંધ કરી દેવાથી ચારેબાજુ અંધારું નથી થઈ જતું. તમે બધાને ઉલ્લુ બનાવી શકો પણ તમારી અંદર રહેલા સ્વને ખબર હોય છે કે તમે તમારી સાથે કેટલો મોટો અન્યાય કરી રહ્યા છો.

     જીંદગીમાં આવનારી દરેક ક્ષણો સરપ્રાઈઝ છે. કશું શાશ્વત નથી. દરેક સંબંધો, દરેક પરિસ્થિતિ, સફળતા, નિષ્ફળતા, એકલતા અને સથવારો પડખા બદલતા રહે છે ત્યારે તમારી પડખે સતત ઉભું રહે છે તમારું મન. પણ જો તમે તમારા મનને સતત સાંભળ્યું હોય, એની ઈચ્છાઓને પંપાળી હોય તો તમારું મન મક્કમ રહીને સથવારો આપશે નહીંતર મનથી મરેલા લોકો જીંદગી જીવતા નથી, દિવસો ઢસડે છે.

   લોકોને અને લોકોની વાતને એકવાર તડકે મુકીને એક વાર પોતાના માટે જીવી બતાવો. લોકો પાગલ કહેશે, મૂર્ખ કહેશે...જેટલા વિશેષણો આવડતા હોય એટલા આપશે પણ તમારા પર નિર્ભર છે કે તમારે કેટલું રાખવું છે. જીભ એ લોકોની હોય તો કાન તમારા જ છે ને? બંધ કરી દો. પોતે નક્કી કરેલા નિર્ણયો કદાચ તકલીફ આપે પણ લાંબા ગાળે તમને સમજાશે કે તમને મજા આવી રહી છે. તમે દરેક ક્ષણને જીવી રહ્યા છો, માણી રહ્યા છો. તમે સતત તમારા પ્રેમમાં પડતા રહેશો. મોટી મોટી મુશ્કેલીઓ તમને એટલી મોટી નહીં લાગે જેટલી તમને ઢીંકણા ફલાણા લોકોની વાત જેટલી મોટી દેખાતી હતી.

      જીંદગીમાં અમુક મોમેન્ટ પાછી નથી આવતી. પોતાને શું જોઈએ છે અને શું કરવું છે એ સમજ બહુ બધા લોકોને બહુ જલદી સમજાઈ નથી જતી. ઉભા થાઓ. મનને સાંભળો. ઉંડા શ્વાસ લો અને જાત માટે જીવવાનું શરું કરો. એ દરેક નિર્ણય લો જે તમે લોકોની વાતોના ડરથી લીધા નહોતા. બીલીવ મી, રીઝલ્ટ કંઈ પણ આવે તમે એ આખી પ્રોસેસની મજા લેતા થઈ જશો. લોકોની વાતોની અસર થવાની તમારા પર બંધ થશે પછી તમને સમજાશે કે લો બોલો, હવે તો લોકોએ તમારા વિશે ગોસીપ કરવાનું જ બંધ કરી દીધું છે. લોકોની જીંદગી પર સતત નજર રાખીને સતત ટીકી ટીપ્પણીઓ કરનારા એ ભૂલી જાય છે કે વરસાદ તો બધાના ઘર પર પડતો રહે છે. સમય બધાનો વારો કાઢે છે. આજે જે ઘટના પર તમે હાયકારા બોલાવી રહ્યા છો એ બની શકે એ ઘટના કાલ તમારા ઘરે પણ આવીને ઉભી રહે. સૃષ્ટિનું આ ચક્ર અવિરત છે કે તમે પ્રકૃતિને જે આપશો પ્રકૃતિ એ તમને પાછું આપશે. સમય દરિયા જેવો છે. તમે એમાં જે નાખશો એ બધું એ લઈ લેશે પણ એ સંઘરશે તો એટલું જ જે એને માફક આવશે બાકીનું એ ઘટનાઓના મોજાથી તમારી જીંદગીને પાછું આપશે. પોતાની મરજીથી જીવો અને આસપાસના જગતને એની મરજીથી જીવવા દો...આજના સમયનો આ સૌથી મોટો ધર્મ હોવો જોઈએ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtOCt3-d7LMkrePFjajsnoJFAskrP%3D-LzD88Yq9eMkvkA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment