Saturday, 27 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોણ અને શું થકવી નાખે છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોણ અને શું થકવી નાખે છે?  નવો જમાનો કે જૂનું મગજ?
સાયન્સ મોનિટર :- વિનોદ પંડયા

 

 

ભૂતકાળમાં પણ લોકો આળસ, થાક, અકારણ, અશક્તિ, અવસાદ (ડિપ્રેશન) અને વૈરાગ્ય અનુભવતા હતા. ભારતીય અને ગ્રીક ગ્રંથોમાં તેનાં ઉલ્લેખો મળે છે. આ પ્રકારના લોકોને અર્થસભર કામ કરવાને બદલે ટોળટપ્પાં અને ગપ્પાં મારવામાં સમય પસાર કરવાનું વધુ પસંદ પડે છે. ભારતમાં તો સાધુબાવા થઈ જવાની પણ છૂટ હતી અને છે. પશ્ચિમના કામઢા ગોરાઓમાં એવી કોઈ સમાજપ્રણાલી નહીં હતી તો છેક સિત્તેરના દાયકામાં તેઓ ભારતીય બાવાઓમાંથી પ્રેરણા લઈને હિપ્પી થયા હતા. સમાજ સામે તેઓની ફરિયાદો અને બળવો એ જ હતા કે જીવવા માટે આટલું બધું સહન કરવાની જરૂર નથી.

 

હિપ્પી (બાવા) જીવનમાં પણ ઘણું સહન કરવું પડે છે. પશ્ચિમના ગોરાઓ તો સુખમાં જન્મ્યા હોય એટલે હવે મહિને મળતું સરકારી પેન્શન લઈને પોતપોતાનાં ઘરમાં ઠરીઠામ થઈ ગયા છે. પ્રાચીન સમયમાં હાડમારીઓ અનેક હતી, જેમાંની ઘણી આજે નથી. એ વખતે પણ ટેન્શનના દિવસો આવતા. દુકાળ, બહારવટિયા, પ્લેગ, ટીબી, શીતળા, ટાઈફોઈડ, તીડ, કરજ, સ્થળાંતર વગેરે પરીક્ષાઓ સતત આવતી. હવે સુવિધાઓ વધી છે તો તેનાં નવાં ટેન્શનો આપ્યાં છે. સ્પર્ધામાં ટકી રહેવાનું છે. જેથી એની નવા જમાનાની સુવિધાઓ વધે અને વધે નહીં તો બરકરાર રહે.

 

અગાઉ સુથારનો દીકરો સુથાર તરીકે, દરજીનો દીકરો દરજી તરીકે જન્મીને મૃત્યુ પામતા હતા. આજે નોકરી ધંધા અને કામકાજોમાં ખૂબ વિવિધતા આવી છે. કુશળતા અને જ્ઞાન ખૂબ ઊંચે ગયાં છે. તેમાં પ્રવેશવા, ટકી રહેવા અને સર થવા મગજને સતત ચાબુક મારી મારીને દોડાવતા રહેવું પડે છે. પરિણામ શું? પરિણામ એ આવ્યું છે કે આજના માનવીઓ અગાઉના લોકો કરતા પ્રમાણમાં ખૂબ થાકી ગયા છે.

 

ચોથી સદીના ખ્રિસ્તી સાહિત્યમાં આળસને બપોરના રાક્ષસ તરીકે ઓળખવામાં આવી હતી. આળસ એટલે ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ અને આત્મબળની ઊણપ ગણાતી હતી. કહે છે કે એ દિવસોમાં ખ્રિસ્તી સાધુઓ બપોરથી સાંજ સુધી નવરા રહેતા. બીજા નાગરિકો સાથે મળીને બિનજરૂરી વાતોમાં સમય પસાર કરતાં અને એ બીમારી આજે પણ છે. લોકો ફેસબુક અને વોટસએપ પર ગોઠવાઈ જાય છે. વિજ્ઞાનીઓ કહે છે સોશિયલ મીડિયાનું વધુ પડતું વળગણ દર્શાવે છે કે લોકો ખૂબ થાકી ગયા છે. એમને કામ કરવાનું પસંદ પડતું નથી.

 

પ્રાચીનકાળમાં આળસ લાગુ પડી હોય તે માટે જ્યોતિષ વિદ્યામાંનાં નક્ષત્રીય કારણો જવાબદાર માનવામાં આવતાં. આજના તબીબી વિજ્ઞાને તે માટે 'ન્યુરોસ્થેનિયા' નામક બીમારીને જવાબદાર ગણી છે. તબીબોમાં હવે તે પ્રતિપાદિત થઈ ચૂક્યું છે કે મગજની અંદરની નસો (નર્વ્સ) ઈલેક્ટ્રિક સિગ્નલો છોડે છે અને તેઓ માને છે કે મગજની નબળી નસોમાંથી સિગ્નલો જ્યાં પહોંચવા જોઈએ ત્યાં બરાબર પહોંચવાને બદલે લીક થઈને વિખેરાઈ જાય છે. તે માટે ખરાબ રીતે ઈન્સ્યુલેટ કરેલા વાયરનું ઉદાહરણ આપી શકાય. મગજના સિગ્નલો બરાબર ગતિ નહીં કરતા હોવાથી માનવી થાક અનુભવે છે. આવી રીતે લાગતા થાક માટે કોઈ શારીરિક લક્ષણ પણ પેદા ન થાય. અગાઉ તેનું નિદાન શક્ય ન હતું. પરંતુ હવે વિજ્ઞાનીઓએ શોધી કાઢયું છે કે ચાર્લ્સ ર્ડાિવનથી માંડીને પ્રસિદ્ધ લેખકો ઓસ્કર વાઈલ્ડ, ર્વિર્જિનયા વૂલ્ફ, થોમસ માન અને હમણાં હમણાં અમેરિકાની જગમશહૂર સિંગર મારિયા કેરી પણ ન્યુરોસ્થેનિયાથી પીડાતા હતા અથવા છે. આ બીમારી બૌદ્ધિક કામ કરતા લોકોને લાગુ પડતી હોવાથી તેનાથી પીડાતા લોકો તેનાથી ગર્વ અનુભવે છે. મગજની નાજુક નસોને ઉત્તમ બુદ્ધિ સંપદા, કુશાગ્રતા અને શ્રેષ્ઠતાના પ્રમાણ તરીકે ગણવામાં આવે છે. વિજ્ઞાનીઓ, તબીબો, વકીલો, પ્રોફેસરો વગેરે જલદીથી થાકી જાય અને નસો ખેંચાય ત્યારે જલદીથી ગુસ્સે થાય છે તે માટે મગજની નબળી નસો કારણરૂપ હોઈ શકે.

 

મારિયા કેરીને 'ન્યુરોસ્થેનિયા' લાગુ પડયો ત્યારથી તેનું વધુ નિદાન થવા માંડયું. દુનિયાના અમુક દેશોના તબીબો જ ન્યુરોસ્થેનિયા નામથી નિદાન કરે છે. પરંતુ જાપાન, ચીનના તબીબો કહે છે કે ન્યુરોસ્થેનિયા તે ડિપ્રેશનનું બીજું હળવું નામ છે. ડિપ્રેશન થોડું લાંછન લગાવતું નામ છે. ડિપ્રેશનને લાંછન-રહિત દર્શાવવા માટે ન્યુરોસ્થેનિયા નામક રૂપાળું નામ આપવામાં આવ્યું છે.

 

ન્યુરોસ્થેનિયાની વિગતે વાત કરીએ તો એના કેથેરિના શાફતર નામની મહિલા થોડા વરસ અગાઉ. થાક અને નિરસતાની બીમારીઓ ભોગ બની હતી. એનાં મગજ અને શરીર કશું કામ કરવા માગતાં ન હતાં. તન અને મનમાં આળસ ભરાઈ ગઈ. જે કંઈ કામ કરે ત્યારે મગજ ભારે ભારે લાગે. સાવ સહેલું કામ થોડીવાર કરે તો પણ શરીરની શક્તિ ખલાસ થઈ જાય. કામમાં ચિત્ત પરોવવાનું મુશ્કેલ બની ગયું. પણ જ્યારે તે આરામ કરે ત્યારે વારંવાર ઈ-મેલ ચેક કરવાનું એને વળગણ થઈ પડયું હતું. કંટાળો અને વિરક્તિની સ્થિતિમાંથી મુક્તિ મેળવવા એ સતત પોતાનું ઈનબોક્સ ચેક કરતી રહેતી હતી. વિરક્ત અને મોહભંગ બની હતી છતાં આ વળગણ લાગુ પડયું હતું. ટીવી ચાલુ કરતી ત્યારે ડિબેટોમાં જે ફાલતું દલીલો થતી અને લોકો એકમેકને નીચે પાડવા માટે રાડારાડી કરે તેનાથી પોતાની ઊર્જા ક્ષીણ થઈ જતી એવું એન્નાને પ્રતિત થવા માંડયું. એને વિચાર આવ્યો કે આળસ અને વિરક્તની બીમારી માટે હાલનો સમાજ અને સમય જવાબદાર છે કે પછી શરદી અને સળેખમની માફક અનિવાર્યપણે દરેકે તેનો સામનો કરવો પડે છે? એન્ના શાફનર સાહિત્ય વિવેચના ઉપરાંત કેન્ટ યુનિવર્સિટીમાં તબીબી ઈતિહાસકારનું પણ કામ કરે છે. તેણે આ વિષયમાં ઊંડે જવાનું નક્કી કર્યું અને તેના પરિપાક રૂપે એણે 'એક્ઝોશનઃ અ હિસ્ટરી' નામથી અદ્ભુત અભ્યાસનું એક પુસ્તક લખ્યું છે, જેમાં તબીબો, વિજ્ઞાનીઓથી માંડીને ફિલસૂફોએ માનવ શરીર, મન અને શારીરિક ઊર્જા વિશે ચિંતન, મનન અને સંશોધનો કર્યા તેની સુંદર વિગતો આપવામાં આવી છે.

 

થાક, આળસ અને હતાશા પ્રાચીન બીમારી છે કે નવા યુગનો અભિશાપ છે તેની ચર્ચા બાજુએ રાખીએ તો પણ અશક્તિ અથવા ચેતના કે ઊર્જાનો અભાવ તે આજે ચિંતાકારક બીમારી બની છે. ખાસ કરીને બૌદ્ધિક કામ કરતા લોકોમાં તે વધુ જોવા મળે છે. જર્મનીના તબીબો પર થયેલા એક અભ્યાસ મુજબ લગભગ ૫૦ ટકા તબીબો 'બર્નઆઉટ'ની સ્થિતિ શિકાર બનેલા છે. કામમાં રસ ન પડે અને કંટાળો આવે તેને 'બર્નઆઉટ'ની સ્થિતિ કહે છે. સમજી લો કે મગજનો ફ્યુઝ બર્નઆઉટ થઈ ગયો, દાજીને ઊડી ગયો. એ તબીબોને દિવસના દરેક કામના કલાકોમાં થકાવટનો અનુભવ થાય છે. અને સવારના પહોરમાં કામે ચડવાના વિચારમાત્રથી તેઓ થાક અનુભવતા હતા. નવાઈની વાત એ જોવા મળે છે કે આ બર્નઆઉટનો સામનો સ્ત્રીઓ અને પુરુષો અલગ- અલગ રીતે કરે છે. જેમ કે બર્નઆઉટનો ભોગ બનેલા પુરુષ કર્મચારીઓ બર્નઆઉટ બનેલી સ્ત્રી કર્મચારીઓની સરખામણી માંદગીની રજા વધુ દિવસો માટે લેતા જોવા મળ્યા છે. જો કે બર્નઆઉટની સ્થિતિને પણ ઘણાં તબીબી વિજ્ઞાનીઓ ડિપ્રેશન જ ગણાવે છે. તેઓ કહે છે કે બર્નઆઉટ તે શ્રીમંત હાઈ-ફલાઈંગ પ્રોફેશનલો માટેનું નવું 'લકઝરી વર્ઝન' છે.

 

વકીલો, વિજ્ઞાનીઓ, તબીબો, એન્જિનિયરો નવા જમાનાની ગતિ સાથે હાથ મિલાવી શક્તા નથી. તેઓને ડિપ્રેશન વળગે છે તેના માટે બર્નઆઉટ લેબલ મારવામાં આવ્યું છે. જેથી સન્માનનીય રીતે કહેવામાં આવે છે કે અતિશય કામનો માર સહન ન કરી શક્યા તેથી મિસ્ટર એક્સ બર્નઆઉટ થઈ ગયા. હકીકતમાં તે ડિપ્રેશન છે. હમણાં જ, સીએનએન પર દુનિયામાં ટ્રાવેલ્સ અને વાનગીના કાર્યક્રમ 'પાર્ટસ અનનોન' દ્વારા અમેરિકામાં અને દુનિયામાં ખૂબ જાણીતું નામ બની ગયેલા એન્થની બોરડેઈને પેરિસની હોટેલમાં આપઘાત કર્યો. બોરડેઈનનું નામ એટલું લોકપ્રિય હતું કે તે વિયેતનામના હેનોઈમાં હતા અને રસ્તા પરથી ત્યારના પ્રમુખ બરાક ઓબામાનો કાફલો પસાર થવાનો હતો. તેઓ વિયેતનામની મુલાકાતે ગયા હતા. ઓબામાએ દૂર રસ્તાને કાંઠે ઊભેલા બોરડેઈનને જોયા તો વાહન અટકાવીને વરસતા વરસાદમાં એકલા ચાલીને બોરડેઈન પાસે પહોંચી ગયા.

 

બોરડેઈનની આત્મહત્યાએ તબીબો અને ફિલસૂફોને વિચારતા કરી મૂક્યા છે. એવું કોઈ કારણ હતું જ નહીં. તબીબો માને છે કે બોરડેઈન બર્નઆઉટનો શિકાર બન્યા હતા. પૂર્વ વિશ્વના તબીબો માને છે કે બર્નઆઉટ એ ડિપ્રેશન જ છે. ડિપ્રેશનથી આળસ, વિરક્તિ અને મોહભંગ જન્મે છે. એક જર્મન અખબારે કટાક્ષમાં લખ્યું છે કે જે લોકો જીવનમાં કશુંક ગુમાવે તેઓ ડિપ્રેસિવ બને છે અને સફળતા બાદ કંટાળો મેળવે તે બર્નઆઉટ થાય છે. ખાસ કરીને જૂના વિજેતાઓ બર્નઆઉટનો વધુ ભોગ બને છે. પણ બંને વાત સરખી જ છે.

 

જો કે પાડનારા નિષ્ણાતો બંને વચ્ચે ભેદ પાડે જ છે. ડિપ્રેશનમાં માણસ આત્મવિશ્વાસ ગુમાવે છે, પોતાની જાતને નફરત કરવા માંડે છે. બર્નઆઉટમાં તેવું બનતું નથી. તેમાં માણસને પોતાની ઈમેજ અકબંધ લાગે છે. જાત પ્રત્યે ઘૃણા થતી નથી. બર્નઆઉટ થયેલા કર્મચારી કે પ્રોફેશનલને પોતાની જાત તરફ નહીં, પણ જે સંસ્થા કે વ્યવસ્થામાં એ કામ કરતો હોય તેના તરફ ખૂબ ગુસ્સો આવે છે. દરદીઓ, કલાયન્ટો, બૃહદ આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થા તરફ એનો ગુસ્સો તકાયેલો રહે છે.

 

એક થાક કે કંટાળો ક્રોનિક ફટિંગ સિન્ડ્રોમ (સીએફએસ)ને કારણે પણ હોય છે. સીએફએસની બર્નઆઉટ સાથે સેળભેળ કરવા જેવી નથી. આ એક અલગ સ્થિતિ છે, જેમાં કમ સે કમ છ મહિનાથી માંડીને લાંબા સમય સુધી દરદીને વધુ પડતા માનસિક અને શારીરિક થાકનો અનુભવ થાય છે, નાનકડી પ્રવૃત્તિમાં દરદી શારીરિક પીડા પણ અનુભવે છે. તે માટેનું એક કારણ એ આપવામાં આવે છે કે આધુનિક સમયના કામકાજના પ્રકારો અને પરિવેશ સાથે પનારો પાડવા માટે આપણું મગજ ઘડાયેલું નથી અને તે માટે જેટલું વિકસિત થવું જોઈએ એટલું થયું નથી આજકાલ ઉત્પાદકતા વધારવા પર મોટો ભાર મૂકાય છે.

 

દરેક કામમાં પોતાનું મૂલ્ય, પોતાની ઉપયોગિતા જરૂરી છે તે પુરવાર કરવાની દરેકના મગજને એક ખનક, એક ઈચ્છા હોય છે. આથી કામ કરનારો પછી તે કામદાર હોય કે પ્રોફેશનલ હોય. હંમેશાં પડકાર સામે લડી લો અથવા રવાના પકડો, ફાઈટ ઓર ફ્લાઈટની વૃત્તિથી પીડાતો હોય છે. આજકાલ પડકારો સામે લડવાનો મહિમા ખૂબ વધ્યો છે. સોશિયલ મીડિયામાં નિવૃત્ત લોકો પોઝિટિવ એટિટયુડનો જ મસાલો ખાંડતા હોય છે. પણ કામદારો, કારકૂનો કે કળાકારોને મન અને તન સાથ આપતા નથી. બર્નઆઉટ કે ડિપ્રેશનનો શિકાર ના બને તો સીએફએસનો શિકાર બને. રોજના માનસિક તણાવથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય છે. શરીર તેની સામે સતત લડતું રહે. તેનાથી ડાયાબિટીસ અને રક્તચાપની બીમારી પણ લાગુ પડે તે અલગ. હાલના ૨૪ બાય સાતના જગતમાં આરામ પણ ઠીક મળતો નથી.

 

એન્ના લખે છે કે હજી તબીબી વિજ્ઞાન બરાબર જાણતું નથી કે આપણામાં શક્તિ કે ઊર્જાનો સંચાર કેવી રીતે થાય છે? આપણે અચાનક કેમ થાકવા માંડીએ છીએ. તે માટેનું કારણ મન છે કે શરીર તે પણ બરાબર જાણતા નથી. આપણી સમાજ વ્યવસ્થા થકવી નાખે છે કે કેમ તે પણ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. એન્નાના મતે દરેક પરિબળો ભેગાં મળીને આપણને થકવી નાખે છે. માનસ અને મગજ વિશેની વધી રહેલી સમજણ એ બતાવે છે કે આપણી લાગણીઓ અને આપણી માન્યતાઓની આપણા શરીર પર ખૂબ મોટી અસર પડે છે અને પીડા જાગે છે. ઘણી વખત વાઈ ફેફરૂ અને અંધાપો આવે છે. એ કહેવું મુશ્કેલ છે કે કઈ બીમારી નિર્ભેળપણે શારીરિક અને કઈ પ્યોર માનસિક છે? ઘણી વખત તે માટે બંને કારણો જવાબદાર હોય છે. આ કારણથી જ બર્નઆઉટથી પીડાતા લોકોને કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી વડે સારવાર આપવામાં આવે છે.

 

ટૂંકમાં બીજાને રવાડે ના ચડો. તમારા મન અને મગજને આનંદ, સ્ફૂર્તિ આપે એટલી હદે કામ કરો. જ્યારે કામ બોજો બની જાય ત્યારે એને છોડવું જ બહેતર.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot0q3JxA8t%2B5t8v97cW%2BEaQB%2Bm_wevrOTQL_xZYyNhmkA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment