હાય રામ... લિફ્ટ તો બંધ છે... આપણે ૧૫-માં માળે જવાનું છે... હાય હાય... હવે શું કરીશું ?'' ''રીક્ષા કરી લઈએ...'' હૉરર ફિલ્મમાં કોઈ કૉમેડી સીન જોયો હોય, એવી ગભરાયેલી વાઈફે મને પૂછ્યું, એનો મેં જવાબ આપ્યો. ''શું તમારી કૉલમો જેવી ફાલતુ પીસીઓ મારો છો ! ૧૫-મા માળે રીક્ષા જતી હશે ?'' ''હું રીક્ષા કરીને આપણા ઘરે પાછા જવાની વાત કરતો'તો...!'' પણ એ એક સજેશન હતું, સોલ્યૂશન નહિ. લિફ્ટ બંધ હોય તો દાદર, ને નહિ તો પાઈપ પકડીને ૧૫-મા માળે પહોંચવું તો પડે જ એમ હતું. છેલ્લા બે હજાર વર્ષોથી અમારા દવે-ખાનદાનની ટેકનિકલ મુશ્કેલી એ રહી છે, કે પાઈપ પકડીને ૧૫-મા માળે ચઢવાનું, તો બહુ દૂરની વાત છે, અમે લોકો તો ઘેર કોઈ આવ્યું હોય તો એમની સાથે નાની નાની વાતો ઉપરે ય ચઢી જતા નથી. અમારે ૧૫-મા માળે જવાનું હતું. એ લોકો ફોન ઉપાડતા નહોતા. ગ્રાઉન્ડ ફલૉર પર અમારા જેવા બે-ત્રણ કપલ્સ ઊભા હતા. આવા ક્યાંય પણ બનાવો બને, ત્યારે વિધાઉટ ફૅઈલ લોકો એકબીજાને સિલી સવાલો પૂછતા રહે છે : ''લિફ્ટ બંધ છે...?'' સાલા, ચાલુ હોત તો તું અહીં નીચે ઊભો હોત ? તત્તણ હજારનું આપણે શર્ટ પહેર્યું હોય છતાં કેમ જાણે આપણે લિફ્ટ રીપૅર કરવા આવ્યા હોઈએ એમ પૂછે, ''...પણ બંધ થઈ કેવી રીતે ?''મેં કીધું, ''લિફ્ટનું કોલેસ્ટરોલ વધી ગયેલું, એમાં બંધ પડી ગઈ...!'' શરીરની પાછળ ૨૬-૨૬ કીલોનો એક ઢગરો ઉપાડીને ચાલતી એક મહિલાએ આવતાવ્હેંત પૂછ્યું, ''ઓ મ્મી ગૉઑ...ડ...! ક્યારથી બંધ છે ?'' મેં કહ્યું, ''હું તો અહીં લિફ્ટ પાસે ગયા મંગળવારનો જ ઊભો છું... એ પહેલાની બંધ પડી હોય તો ખબર નથી !'' એ કહેવાની જરૂર પડે એમ નથી કે, લિફ્ટ ગ્રાઉન્ડ ફલૉર પર ઊભી હોવા છતાં જે આવતું જાય એ લિફ્ટનું બટન દબાવે જ...! વળી, લિફ્ટનું બટન છતમાં ચોંટી ગયું હશે, એમ લેવા-દેવા વિનાના લોકો દર બબ્બે મિનીટે ઊંચે જોયે રાખે છે. પત્ની જરા હિંમતબાજ ખરી. મને કહે, ''આપણે રિસ્ક લઈ જ લઈએ. નીચે ઊભા રહીને શું કરીશું ? ચાલો. દાદરો ચઢવા માંડીએ !'' હિંમતબાજની સાથે થોડી ગણત્રીબાજે ય ખરી કે, મૅરેજ પહેલા મુહબ્બતોના તાનમાં હું એને બે હાથોમાં ઉપાડીને શહેરના ગાર્ડનોમાં ઝાડની ગોળગોળ ફરતો... આટલી મજૂરી કરવા કરતા રીક્ષા કરી લેતો તો હું પછી થયો. અહીં એણે ધારી લીધું હતું કે, બીજા ત્રીજા માળે પહોંચ્યા પછી જો એ થાકી જશે, તો હું એને ઉપાડી લઈશ. એ નાદાનને ખબર ન હોય કે, માણસથી ઉપડી ઉપડીને કાચનો ગ્લાસ ઉપડે... પાણીની આખી ટાંકી ન ઉપડે...! વળી, આ પ્રોજૅક્ટ એવો છે કે, વચમાં આપણે થાકી જઈએ તો બીજાને ન કહેવાય કે, ''હવે તમે આને ઉપાડી લો... હું એકલો તે કાંઈ મરૂં...?'' ઈશ્વરમાં ગમે તેટલી શ્રધ્ધા હોય, છતાં આવા સમયે, ''હે દીનાનાથ... હવે નથી સહન થતું... તું આને ઉપાડી લે, પ્રભો !'' એવી પ્રાર્થના ન કરાય. ભલે બા ના ખીજાય ! હા. આપણે તો બીજા કોઈને આપણી વાઈફો ઉપાડવા ના આલીએ, પણ આપણા જેવો કોઈ બીજો એનું પોટલું આપણને ઉચકવા આપે તો હજી સાઈઝ-બાઈઝ, આકાર-બાકાર, વજન-બજન અને કુદરતની કરામતો જોયા પછી વિચારે ય કરીએ... સુઉં કિયો છો ? ભ'ઈ, માનવી માનવીના કામમાં નહિ આવે તો બીજું કોણ આવશે ? આ તો એક વાત થાય છે ! હું અડધો દાદરો ચઢી ગયો ત્યાં સુધી વાઈફે સ્ટાર્ટ લીધો નહતો. છેલ્લી ઘડીએ કોઈ ચમત્કાર થાય, એ આશાએ બાજુમાં ઊભેલી એવી જ કોઈ દુઃખીયારીને પૂછ્યું, ''બેન... ૧૫-મો માળ બહુ દૂર છે અહીંથી...?'' જવાબમાં પેલીએ અફસોસ સાથે જણાવ્યું, ''મને બહુ ખબર નથી, બેન... હું તો ૧૪-મા માળે રહું છું !'' ત્રીજા માળ સુધી તો અમે બન્ને હાંફતા હાંફતા ય ચઢી ગયા. કોરિડોર ખાલીખમ્મ હતો. દરેક ફ્લોર પર ચાર ફલૅટ હતા પણ દરેકના દરવાજા બંધ. ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં શરીરથી ખૂબ થાકેલી અને ભાંગી પડેલી નરસીગનો ખેતરમાં હળ સાથે વીંટળાયેલો ફોટો બધાને યાદ છે. પત્ની એવી જ દુઃખિયારી અબળા થઈને કોક ફલૅટના દરવાજે વળગીને ઊભી રહી ગઈ, એમાં કૉલબૅલ વાગી ગયો. વાઈફ બેસી પડી. હું ય થાકીને જમીન પર બેસી ગયો હતો. એક મહિલાએ અડધો દરવાજો ખોલ્યો. કરૂણ ચહેરાવાળી મારી થાકેલી પત્નીને જોઇને એ બેન પણ દુખી થઇ ગયા, છતાં નમ્રતાથી બોલ્યા, ''બેન, હવે તો કાંઈ પડયું નથી... હમણાં જ બધું કાઢી નાંખ્યું... થોડા દાળ-ભાત પડયા છે... આપું ?'' સાંભળીને પત્નીમાં અચાનક ચેતના આવી ગઈ. સળગતી બીડી ઉપર બેસી ગઈ હોય એવી સ્પીડથી ઊભી થઈ ગઈ. ''ચલો અસોક, આંઈ રોકાવાય એવું નથ્થી... બેન કાંઈ જુદૂં હઈમજ્યા છે...!'' મને ય ખ્યાલ તો આવી ગયો કે, અમારે બન્નેએ અમારા બહારના દેખાવમાં સુધારા કરવાની બહુ જરૂર છે. નીચેથી નીકળે તો અમને વીસેક મિનીટ થઈ ગઈ હતી ને હજી ચોથો માળ જ આવ્યો હતો. કોરિડોરમાં જમીન પર અમારા જેવું બીજું એક કપલ બેઠું હતું. અમારી જેમ કાઠીયાવાડનું હતું. અમારામાં આગતા-સ્વાગતા બઉ. થાકેલા તો ઈ લોકો ય હતા, છતાં ય માણસુંના જનમજાત સંસ્કારૂં કાંય જાંઈ છે ? એમણે અમને મીઠડાં આવકારૂં દીધ્ધાં. ''કિયાથી આવવું...?'' અમારા સૌરાષ્ટ્રમાં આવું બઉ. જી મલે ઈ પહેલો સવાલ તો આ જ પૂછે, ''કિયે ગામ રે'વું ? કોના ઘરે જાવું ? ગામમાં બધા ઘરના ઘર કે ભાડાંના ? ઘરમાં વઉવારું કેટલી ? કિયાંથી આવવું ?'' ''અમે નીચેથી આઈવા... તમે ?'' મેં હામું પૂયછું. ''અરે ભાઆ'ય... હું તમારા ગામનું પૂછું છું... ગ્રાઉન્ડ-ફ્લૉરનું નંઈ...!'' મારા કાઠીયાવાડમાં કોક હામું મળે, પછી એ આપણા વખાણ કરે છે કે વખોડે છે, એની ખબર નો પડે. આપણા ખભે ધબ્બો મારીને કહેશે, ''જુઓ ભાઆ'ય... ગામમાં તમારા માટે જી કાંઈ વાતું થાતી હોય, બાકી આપણને તમારા માટે માન છે, હોં...!'' પછી તો એકબીજાના સુખદુઃખની ઘણી વાતું થઈ. ''કોક 'દિ ગોઈંડલ બાજુ નીકરો, તો ઘરે જરૂર પધારજો'', એની સામે અમે ય વળતો વિવેક કઈરો કે, ''કોક 'દિ ૧૫-મા માળે પહોંચો તો ફલૅટ નં. ૧૫૦૪-માં જરૂર આવજો... અમારા દૂરના સગાનો જ ફલૅટ છે...!'' જેની ભીંતે ટેકા દઈને અમે બેઠા'તા, ઈ ભાઆ'ય પણ કહેવા આઈવા કે, ''જરા ધીરેથી વાતું કરો... માઇલી કોર અમે ડિશ્ટર્બ થાંઇ છીં...!'' આ મારા કાઠિયાવાડ અને ગુજરાત વચ્ચે તફાવત. બહાર ઇ લોકો બેઠા હોત ને માઈલી કોર અમે હોત તો, અમે થાળીયું પિરસીને એમના હાટું જમવાનું મોકલીએ. ચા-પાણીના ભાવું પૂછીએ. પણ હવે કિયાં મો'ર જેવા માણસું થાઈ છે...?'' રામરામ કરીને આંખમાં કરૂણાના ભાવ સાથે અમે વિદાય લીધી, ઉપરના માળે જવા માટે. અમે કાઠીયાવાડીઓ છુટા પડતી વખતે ઢીલા બઉ થઈ જાંઈ... એમની પાંહે આપણું કાંય રઈ ગયું તો નંઈ હોય ને, ઈ ચિંતામાં ? શરીરમાં જોમ અને મનમાં સાહસની ભાવનાને સહારે-સહારે બીજા બે માળો અમે આસાનીથી ચઢી ગયા. આપણે અંબાજીનો ગબ્બર ચઢતા હોઈએ, ત્યારે માર્ગમાં આવતા-જતા અન્ય યાત્રાળુઓ એકબીજાને પૂછતા રહે કે, ''હવે કેટલું છે ?'' એમ મેં કૅલ્ક્યુલૅટરમાં ગણીને જાણી લીધું કે, સાતમાં માળે પહોંચ્યા છીએ. પંદરમાંથી સાત બાદ કરીએ તો આઠ રહે, એટલે એક મુસાફરની પૂછપરછના જવાબમાં મેં આઠ બાકી રહ્યા, એવું કીધું. મારી ચોકસાઈથી એ પ્રભાવિત થયો. પણ આઠમાં માળે ભારે કૌતુક થયું. હાઈ-વે પર અકસ્માત થયો હોય ને ઘાયલો આમથી તેમ પડયા હોય, એમ એક આખા ફૅમિલીના માણસો કોરિડોરમાં વેરવિખેર સૂતેલા પડયા હતા. કોઈના બોલવાના હોશ નહોતા. અમે હેબતાઈ ગયા. આપણને મૅડિકલનો શોખ, એટલે જમીન દોસ્ત થયેલા એક વડિલના હાથની નાડી તપાસી જોઈ. મને ફિલ્મોમાં પેલું બહુ ગમે. ઢળી પડેલી કોઈ વ્યક્તિની નાડી તપાસીને, ડૉક્ટર કટાણું મોંઢું કરીને, ફક્ત ઈશારાથી મોંઢું મચકોડે, એટલે આપણે સમજી જવાનું કે, પાર્ટી ઉકલી ગઈ છે. એટલે જ મને નાડીઓ તપાસવાની સૉલ્લિડ હૉબી. નસીબ સારૂં હોય તો આપણને ય મોંઢું મચકોડવાના ચાન્સ મળે. પણ માણસ ધારે કે કંઈક, પણ ઈશ્વર કરે એમ જ થાય છે. આજે પણ મારૂં નસીબ નહોતું. મારો હાથ અડતાની સાથે જ વડીલમાં જાગૃતિ આવી. મને કહે, ''મને કાંઈ નથી થયું... ત્યાં જરા તમારી બાનો હાથ જોઈ જુઓ.'' ''મારી બા...?'' ક્ષણભર માટે આઘાત લાગી ગયો કે, ''ફાધર... યૂ ટુ...????'' બ્રૅકિંગ-ન્યૂસ પ્રમાણે તો નાડી પત્નીની પણ તપાસી જોવી પડે એમ હતી, પણ મને તો પછી આળસ ચઢી ગઈ ! બે-ત્રણ કલાકનો ત્યાં જ વિરામ કર્યા પછી અમે ઉપરના માળે પ્રયાણ કર્યું. ત્યાં કંઈક નવું જોયું. એક ફૅમિલી પત્તા લઈને તીનપત્તી રમવા બેસી ગયું હતું. મને કહે, ''અમે તો ગઈ કાલે બપોરના નીકળ્યા છીએ... હજી ત્રણ માળ ઉપર જવાનું છે. રસ્તામાં ગરમ ગોટાં કે ચા-પાણી તો મળે નહિ, એટલે ટાઈમપાસ માટે તીનપત્તી રમીએ છીએ. અમારી આગળની બૅચ તમને ઉપરના માળે મળશે... એ લોકોએ 'ગન્ગનમ ડાન્સ'નો પ્રોગ્રામ રાખ્યો છે...!'' એ તો પછી ખબર પડી કે, આ ફ્લૅટમાં લિફ્ટ બંધ થવાનું તો કાયમનું છે, એટલે ફલૅટના ઍસોસિએશન તરફથી દરેક ફલોરે-ફલોરે ફાયરબ્રિગેડના કબાટમાં આ લોકોએ પત્તાની કૅટો કૉઈન્સ સાથે રાખી મૂકી છે. પૈસા પોતાના કાઢવાના ! મને બરોબર યાદ છે, અમે ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૩ની બપોરે ૩.૪૫ વાગે ૧૫-મા માળે પહોંચ્યા હતા. ગ્રાઉન્ડ ફલૉર પરથી નીકળ્યા ત્યારે મારી ક્લીન-શૅવ હતી. અત્યારે દાઢીવાળો બાવો બારણે આવ્યો હોય, એવો લાગતો હતો. વાઈફે પણ સફળતાપૂર્વક પ્રવાસ પૂરો કર્યો, એમાં આઘાત કરતા આનંદ વધુ હતો કે, હું એની કોઈ મદદ વગર ઉપર સુધી આવી ગયો. નહિ તો રસ્તામાં એવા ય મકામ આવ્યા હતા કે, લાલચ થઈ જાય કે પત્ની બે-ત્રણ માળ સુધી મને ઉચકી લે તો એનું જરા સારૂં દેખાય ને આપણને બે ઘડી આરામ મળે ! ફલૅટ નં. ૧૫૦૪-નો કૉલબૅલ દબાવ્યો. એક અજાણી સ્ત્રીએ ગુજરાતીમાં દરવાજો ખોલવા છતાં મને ઈંગ્લિશમાં પૂછ્યું, ''યેસ...???'' મેં ઓળખી નહિ, એટલે પૂછ્યું, ''કેમ, આ મસ્તુભ'ઈનું મકાન નહિ ? મસ્તુભ'ઈ મેહતા...??'' ''ઓહ...હાઉ સિલી ઑફ યૂ...! મસ્તુભ'ઈ સી-બ્લૉકમાં રહે છે... સી-બ્લૉકનો ૧૫૦૪ નંબર... આ તો એ-બ્લૉક છે... ત્યાંની લિફ્ટ તો ચાલુ છે...!'' એમ કરીને દરવાજો બંધ કરી દીધો. તારી ભલી થાય, ચમની...! ભલે તું અમારી મંઝિલ નહોતી, પણ અમને અંદર બોલાવ્યા હોત તો તારૂં કેવું સારૂં લાગત ? ને એવું હોત તો વાઈફને બહાર ઊભી રાખત...! ૧૫-માળના બિલ્ડીંગમાં લિફ્ટ બંધ પડે ત્યારે આખું બિલ્ડીંગ જમીનમાં ૧૫-માળ સુધી સરકાવી શકાય એવી શોધ ભવિષ્યમાં થાય ત્યારે મને યાદ કરજો. જગતભરમાં આ વિચાર પહેલા મને આવ્યો છે, જે સમાજને વાપરવા દેવા માટે હું કોઈ ચાર્જ લેવાનો નથી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsCNJFheA4CX-OZDdnzyGjQ%3Di9j-bvwMKKE4YW%3DABgVWw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment